નાટૂ નાટૂ ઑસ્કર 2023 : RRRમાં રામચરણ અને એનટીઆર જુનિયરે જેમની ભૂમિકા ભજવી એ કોમરામ ભીમ અને અલ્લુરી સીતારામ રાજુ કોણ હતા?

ઇમેજ સ્રોત, RRR
- લેેખક, બાલા સતીશ, શુભમ પ્રવીણકુમાર, અને શંકર વાદિસેટ્ટી
- પદ, બીબીસી તેલુગુ
ઑસ્કર 2023થી ભારતને જે આશા હતી તે પૂર્ણ થઈ છે. ફિલ્મ 'આરઆરઆર'ના ગીત 'નાટુ-નાટુ'ને 'બેસ્ટ ઓરિજિનલ સૉન્ગ' કૅટેગરીમાં ઍવોર્ડ મળ્યો છે.
'નાટુ-નાટુ' ભારતીય પ્રોડક્શનમાં બનેલું પ્રથમ ગીત છે જેને ઑસ્કર ઍવૉર્ડ મળ્યો હોય.
'RRR'નું ઑસ્કર ઍવૉર્ડ મેળવનાર ગીત 'નાચો-નાચો' કેવી રીતે તૈયાર થયું હતું? વાંચી શકો છો અહીં
આ પહેલાં ભારતની 'ધ ઍલિફન્ટ વિસ્પરર્સ'ને બેસ્ટ ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મનો ઍવૉર્ડ મળ્યો.
રાજામૌલીની ફિલ્મ RRR દેશભરમાં રજૂ થઈ છે તે સાથે જ કોમરામ ભીમ અને અલ્લુરી સીતારામ રાજુનાં નામ પણ સૌના હોઠે ચડવાં લાગ્યાં છે.
આંધ્ર પ્રદેશના મન્યમના નાયક તરીકે જાણીતા અલ્લુરી સીતારામ રાજુ અને તેલંગણાના આદિવાસીઓમાં દેવ તરીકે પૂજાતા કોમરામ ભીમ કોણ હતા તે જાણવા સૌ ઉત્સુક થયા છે.

ઇમેજ સ્રોત, PEN STUDIO
અલ્લુરીએ મન્યમના આદિવાસીઓને એકઠા કરીને બ્રિટિશરોની કમર તોડી નાખી હતી, જ્યારે કોમરામ ભીમ ગોંડ આદિવાસીઓના હકો માટે નિઝામની સામે લડ્યા હતા.
રાજામૌલીએ પોતાની ફિલ્મ RRRમાં આ બંનેને પાકા ભાઈબંધ દેખાડ્યા છે અને બે ઐતિહાસિક પાત્રોને પોતાની ફિલ્મમાં મુખ્ય પાત્રો બનાવ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બંને વીર કોણ હતા? તેમનો ઇતિહાસ શું છે? ઇતિહાસમાં અમર થઈ ગયેલા આ બંને વિશે ચાલો જાણીએ.

કોમરામ ભીમ

કોમરામ ભીમનો જન્મ 22 ઑક્ટોબર, 1902માં સંકેપલ્લી ગામના ગોંડ આદિવાસી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કોમરામ ચિમના હતું.
હૈદરાબાદમાં નિઝામનું શાસન હતું, પણ અસલી સત્તા બ્રિટિશરોના હાથમાં હતી અને બંનેના હાથે આદિવાસીઓનું શોષણ થતું હતું. 18મી અને 19મી સદીમાં આદિવાસીઓ સામે એક નવી મુસીબત આવી.
જંગલ સુરક્ષાનો કાયદો આવ્યો, પણ આ કાયદાના નામે હકીકતમાં આદિવાસીઓની જમીન છિનવી લેવાનું શરૂ થયું હતું.
આ રીતે જમીન ગુમાવવાનો વારો આવ્યો તેમાં કોમરામ ભીમનો પરિવાર પણ હતો. ભીમ 15 વર્ષના હતા ત્યારે તેમના વન અધિકારીઓ અને સંકેલલ્લી ગામના વેપારીઓ બંને તરફથી તેમના પરિવારને શોષવાનું આવ્યું હતું.
ભીમના પિતાનું મૃત્યુ થયું તે પછી પરિવાર ગામ છોડીને સુરદપુર જતો રહ્યો અને ત્યાં ખેતી શરૂ કરી. પરંતુ પાક તૈયાર થયો ત્યારે જ એક મુસ્લિમે આવીને દાવો કર્યો કે આ જમીન તેની માલિકીની છે.
આ મામલે ઝઘડો થયો એટલે સાદિક નામના આ માણસના માથા પર વાર કર્યો. હવે તેમના માટે ગામમાં રહી શકાય તેમ નહોતું એટલે તેઓ આસામ જતા રહ્યા અને ત્યાંના ચાના બગીચામાં મજૂરીકામ શરૂ કર્યું હતું.
આસામમાં ચાના બગીચામાં કામ કરવાની સાથે ભીમે અભ્યાસ પણ કર્યો અને લખવા વાંચવાનું શીખ્યા એટલે સાથેસાથે દેશના રાજકારણને પણ સમજવાનું શરૂ થયું.
ભીમ વિશે અલ્લમ રાજૈયા અને સાહુએ એક પુસ્તક લખ્યું છે, જેમાં જણાવ્યા અનુસાર રાજકીય પ્રવાહોને સમજી શકનારા ભીમે આખરે સત્તાધીશો સામે બળવો પોકાર્યો હતો.
આસામમાં વિદ્રોહની પ્રવૃત્તિઓમાં ભીમે ભાગ લેવાનું શરૂ કર્યું અને તેના કારણે આસામ પોલીસે તેમની ધરપકડ કરી હતી. જોકે પોલીસની કેદમાંથી કોઈક રીતે ભીમ છટકી ગયા અને આસિફાબાદની નજીકના કાકનઘાટ પહોંચ્યા. ત્યાંના લચ્છુ પટેલ સાથે તેમણે કામ કરવાનું શરૂ કર્યું. આગળ જતા તેમણે સોમબાઈ સાથે લગ્ન કર્યાં.

જંગલ પર અધિકારો માટે સંઘર્ષ

ઇમેજ સ્રોત, TWITTER/SSRAJAMOULI
આ બાજુ ભીમના કાકાઓ તથા બીજા આદિવાસીઓએ બાબેજહારીની નજીક આવેલા જંગલમાં જમીન સમથળ કરીને ત્યાં ખેતરો તૈયાર કર્યાં. જોકે અહીં પણ ત્રાસ અટક્યો નહીં અને થોડા સમયમાં પોલીસે આવીને આ લોકોએ વસાવેલા ગામનો નાશ કરી દીધો.
હવે ભીમે આ 12 ગામના લોકો વતી સરકાર સાથે વાટાઘાટ કરીને તેમને ન્યાય અપાવવા માટે લડત શરૂ કરી.
સરકારી અધિકારીઓ સાથે માથાફોડી ચાલતી રહી, પણ પોતાની મહેનતથી તૈયાર કરેલો પાક લણી શકે તેવી સ્થિતિમાં આદિવાસીઓ હતા નહીં. આદિવાસીઓને તેમની જ જમીન પર અધિકારો નથી મળતા તે જોઈને ભીમે આંદોલન ઉપાડવાનું નક્કી કર્યું અને 12 ગામના આદિવાસીઓને સંગઠિત કર્યા.
ભીમે દાવો કર્યો હતો કે જંગલની જમીન પર, વન્યસંપત્તિ પર અને જળસંપત્તિ પર આદિવાસીઓનો જ પ્રથમ અધિકાર છે.

આ માટે ભીમે જળ-જંગલ-જમીન એવું સૂત્ર આપ્યું હતું. આ ત્રણેય પર અધિકારો માટેનું આંદોલન ઉપાડવામાં આવ્યું. ભીમે એક બીજું સૂત્ર પણ આપ્યું હતું 'માવા નાતે માવા રાજ' એટલે કે 'અમારી ભૂમિમાં અમારું રાજ'.
અલ્લમ રાજૈયા કહે છે, "આંદોલનને કારણે સ્થિતિ હાથમાંથી સરકી રહી છે એવું લાગ્યું ત્યારે નિઝામ દરબારમાંથી સબ કલેક્ટરને જોદનઘાટ વાટાઘાટ કરવા માટે મોકલવામાં આવ્યા. આ 12 ગામમાં આદિવાસીઓને જમીનના પટ્ટાનો હક આપવામાં આવશે, જૂનું દેવું માફ કરવામાં આવશે તેવો વાયદો કરવામાં આવ્યો. જોકે ભીમનો આગ્રહ હતો કે આ 12 ગામોમાં સ્વાયત્ત રીતે શાસન ચાલશે, પણ આ માગણી માટે સબ-કલેક્ટર તૈયાર નહોતા."
આ રીતે વાટાઘાટ અટકી પડી એટલે નિઝામે સ્પેશિયલ પોલીસ ફોર્સને જંગલમાં મોકલી જેથી આ આંદોલનને દબાવી દેવામાં આવે.
જોકે ભીમની આગેવાની નીચે આદિવાસીઓ પણ હવે લડવા માટે તૈયાર હતા અને તેના કારણે સાત મહિના સુધી નિઝામની પોલીસ અને આદિવાસીઓ વચ્ચે લડાઈ ચાલતી રહી. આખરે 1 સપ્ટેમ્બર, 1940ના રોજ ભીમને ઠાર કરવામાં આવ્યા.
તે દિવસ અષાઢ મહિનાની પૂનમ હતી. જોદનઘાટ ગામ હાલમાં કુમરામ ભીમ આસિફાબાદ જિલ્લામાં આવેલું છે. પૂનમના દિવસે નિઝામના 300 પોલીસે અચાનક ગામ પર હુમલો કર્યો હતો અને ભારે ગોળીબાર કર્યો હતો.
કુર્દુ પટેલે બાતમી આપી હતી તેના આધારે પોલીસે નજીકમાં આવેલી ટેકરીને ઘેરી લીધી, જેના પર ભીમ અને તેના સાથીઓ આશરો લઈને પડ્યા હતા. ટેકરી પર પાછળની બાજુથી પોલીસ ઉપર ગઈ અને ત્યાં ભીમ તથા અન્ય 15ને ઠાર કર્યા અને બાકીનાને પકડી લીધા. આ રીતે ભીમના આંદોલનને દાબી દેવાયું.
ભીમ સાથે દગાખોરી કરનારા કુર્દુ પટેલને 1946માં તેલંગણા ખેડૂત સશસ્ત્ર સંગ્રામ ચાલ્યો તે વખતે ઠાર કરવામાં આવ્યા હતા.

માત્ર વીર નાયક નહીં, પણ દેવ સ્વરૂપ

બહારની દુનિયા ભીમને એક ક્રાંતિકારી વીર નાયક તરીકે જોશે, પરંતુ ગોંડના આદિવાસીઓ માટે તેઓ દેવતા સમાન છે. આસિફાબાદ જિલ્લાના ગોંડ લોકો આજેય તેમની યાદમાં લોકગીતો ગાય છે.
દર અષાઢ પૂનમે ભીમને યાદ કરીને તેમની પૂજા થાય છે. "કોમરામમાં જાદુઈ શક્તિ હતી. તેને કોઈ પથ્થર કે બૂલેટ કશું કરી શકતી નહોતી" એવી માન્યતા છે. આના પરથી જ ખ્યાલ આવે છે કે ગોંડમાં કેવી રીતે ભીમની પૂજા થાય છે.
સિદમ અર્જુએ બીબીસીને જણાવ્યું કે, "ભીમને સીધી બૂલેટ વાગી શકે નહીં, તેને ડૂબાડી શકાય નહીં, પથ્થર તેને વાગે નહીં. આવી માન્યતા હતી એટલે ભીમને મારવા માટે માસિક ધર્મમાં હોય તે સ્ત્રીનું કપડું બંદૂક પર લગાવવું પડે અને તો જ તેને મારી શકાય. આવી બંદૂકમાંથી છૂટેલી ગોળી જ ભીમને વીંધી શકે". આવી માન્યતાને કારણે ભીમને ગોંડ દૈવીશક્તિ ધરાવનાર વીર ગણતા રહ્યા છે.

અલ્લુરી સીતારામ રાજુ

અલ્લુરી સીતારામ રાજુ તેલુગુ ભૂમિને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે સ્વાતંત્ર્ય સંગ્રામ લડ્યા હતા. તેમણે મન્યમ વિસ્તારના આદિવાસીઓને સંગઠિત કરીને બ્રિટિશરો સામે લડત આપી હતી.
થોડાં વર્ષો સુધી તેમણે બ્રિટિશરોને હંફાવ્યા, પણ આખરે બ્રિટિશરોએ તેમને ઠાર કર્યા. મહાત્મા ગાંધીએ યંગ ઇન્ડિયા અખબારમાં તેમને શ્રદ્ધાંજલિ આપીને યાદ કર્યા હતા.
અલ્લુરીનો જન્મ 4 જુલાઈ, 1897માં વિશાખાપટ્ટનમના પંદ્રગ્નિ ગામમાં થયો હતો. તેમનું મૂળ વતન પશ્ચિમ ગોદાવરી જિલ્લાનું મોગાલ્લુ ગામ હતું.
ફોટોગ્રાફર તરીકે કામ કરતા તેમના પિતાનું નામ વેનાકારામ રાજુ હતું, જ્યારે માતાનું નામ હતું સૂર્યનારાયણમ્મા. મધ્યમવર્ગીય પરિવારના અલ્લુરીએ ગોદાવરી જિલ્લાનાં જુદાં જુદાં ગામોમાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું.
અલ્લુરી છઠ્ઠા ધોરણમાં ભણતા હતા ત્યારે ગામમાં કૉલેરા ફાટી નીકળ્યો હતો. 1908ના એ રોગચાળામાં તેમના પિતાનું મૃત્યુ થયું અને તેના કારણે ભણતર અટકી પડ્યું. 1916માં અલ્લુરી ગામ છોડીને ઉત્તર ભારત જવા નીકળી પડ્યા, જેથી ધ્યાન શીખી શકાય.
બે વર્ષ સુધી અધ્યાત્મની યાત્રા કર્યા પછી 1918માં તેઓ ગામે પાછા ફર્યા. 1919થી તેમણે આદિવાસીઓને થતા અન્યાય સામે લડત આપવાનું શરૂ કર્યું.
આદિવાસીઓ જંગલની પેદાશો એકત્ર કરે, પણ તેને પૂરતું વળતર મળતું નહોતું તેનો મુદ્દો ઉઠાવીને આદિવાસીઓને એકત્રિત કરીને આંદોલન છેડ્યું હતું.

એજન્સી સામે ત્રણ વર્ષ સશસ્ત્ર સંગ્રામ

માત્ર 20 વર્ષની ઉંમરે અલ્લુરીએ બ્રિટિશરોના શોષણ સામે લડત જગાવી. ખાસ કરીને મન્યમ વિસ્તારમાં મુતાધાર તરીકે ઓળખાતા સ્થાનિક જમીનદારોને આગળ કરીને એજન્સી શોષણ કરતી હતી તેની સામે અવાજ ઉઠાવ્યો.
સ્થાનિક ધીરધાર કરનારા અને કૉન્ટ્રેક્ટરો પણ આદિવાસીઓ પર અત્યાચાર કરતા હતા તેની સામે અલ્લુરીએ આદિવાસીઓને બળવો કરવા જગાડ્યા.
અલ્લુરીની આગેવાની હેઠળ આદિવાસી ટુકડીઓ હવે મન્યમ વિસ્તારનાં પોલીસ સ્ટેશનો પર હુમલો કરીને ત્યાંથી શસ્ત્રો ઉઠાવી લાવતી હતી.
રાજવોમાંગી, અદાતીગાલા, દેવીપટનમ, ચિંતાપલ્લી વગેરે પોલીસ સ્ટેશનોને લૂંટી લેવાયાં. એક જ દિવસમાં સેંકડો કિલોમીટર દૂર રહેલાં પોલીસ સ્ટેશનોને લૂંટી લેવાયાં તેના કારણે સનસનાટી મચી ગઈ હતી. આના કારણે અલ્લુરી માટે લોકોમાં માન વધી ગયું અને લોકો માનવા લાગ્યા કે તેમનામાં જાદુઈ શક્તિઓ છે.

સ્થાનિક સત્તાધીશોએ આને મન્યમ પિથૂરી એટલે સશસ્ત્ર બળવો ગણીને તેની સામે કાર્યવાહી શરૂ કરી. આ રીતે ત્રણ વર્ષ સુધી લડાઈ ચાલતી રહી.
સરકારે અલ્લુરીના બળવાને દબાવી દેવા માટે મલાબાર સ્પેશ્યિલ પોલીસ દળને મોકલ્યું હતું. તેનાથી બળવો કાબૂમાં ના આવ્યો તે પછી આસામ રાઇફલ્સની ટુકડીઓને મોકલવામાં આવી.
આસાફ રાઇફલ્સે અલ્લુરીને પકડી પાડ્યા. એવું કહેવાય છે કે લડાઈમાં ઘાયલ થયેલા અલ્લુરી કોયુરુ પાસે મંપામાં પોતાના ઘાને સાફ કરી રહ્યા હતા ત્યારે તેમને પકડી લેવાયા હતા.
જોકે કેટલાક ઇતિહાસકારો કહે છે કે અલ્લુરીને એક ઝાડ સાથે બાંધીને ઠાર કરી દેવાયા હતા.

મેજર ગુડાલ નામના અધિકારીએ આપેલા અહેવાલ અનુસાર, 7 મે, 1924ના રોજ અલ્લુરીએ ભાગવાની કોશિશ કરી ત્યારે તેમને ગોળી મારી દેવામાં આવી હતી. તેમના મૃતદેહને કૃષ્ણદેવી પેટા લઈ જવાયો હતો અને ત્યાં અંતિમક્રિયા કરવામાં આવી હતી.
આજે અહીં અલ્લુરી મેમોરિયલ પાર્ક બનેલો છે. અલ્લુરીએ બ્રિટિશરો સામે બહાદુરીથી લડત આપીને 27 વર્ષે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
તેમને આજેય મન્યમ ક્રાંતિકારી તરીકે યાદ કરવામાં આવે છે. તેમના સ્મારકે હજારો લોકો આવે છે અને તેમની બહાદુરીને બિરદાવે છે.
અલ્લુરીના આંદોલન સાથે જોડાયેલા 17 જેટલા સાથીઓને પણ પોલીસે પકડી લીધા હતા. તેમાંથી ઘણાને આંદામાન સહિતની જેલમાં મોકલી દેવાયા હતા.
કેટલાકનું આંદોલન દરમિયાન જ મોત થયું હતું. તે સાથે જ અલ્લુરીનું આંદોલન વિખેરાઈ ગયું, પણ આજેય તેમની વીરતાને યાદ કરાય છે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













