નાટૂ નાટૂ : 'RRR'નું ઑસ્કર ઍવૉર્ડ મેળવનાર ગીત 'નાચો-નાચો' કેવી રીતે તૈયાર થયું હતું?

ઇમેજ સ્રોત, RRR / Facebook
- લેેખક, સાહિતિ
- પદ, બીબીસી માટે

- એસએસ રાજામૌલીની ફિલ્મ 'આરઆરઆર'ના 'નાટૂ-નાટૂ' (નાચો-નાચો) ગીતને ઓરિજિનલ સૉંગ કૅટેગરીમાં ઑસ્કર ઍવૉર્ડ મળ્યો છે.
- એસએસ રાજામૌલીની ફિલ્મ 'આરઆરઆર'ના 'નાટૂ-નાટૂ' (નાચો-નાચો) ગીતને ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડમાં પણ બેસ્ટ ઓરિજિનલ સૉંગ મોશન પિક્ચરનો ખિતાબ અપાયો હતો
- આ કૅટેગરીમાં 81 ગીતને ઍન્ટ્રી મળી હતી. 15 એડવાન્સ કૅટેગરીમાં છે, તેમાં 'નાટૂ-નાટૂ' પણ સામેલ હતું
- રાજામૌલી, કિરવાણી અને ચંદ્રબોઝે આ ગીત પર 17 જાન્યુઆરી, 2020થી કામ શરૂ કર્યું હતું
- ગીત યુક્રેનના રાષ્ટ્રપતિ ભવનના બૅકગ્રાઉન્ડમાં ફિલ્માવાયું હતું
- આ ગીતને ઑસ્કર ઍવૉર્ડ માટે પણ નામાંકિત કરવામાં આવ્યું છે


ઇમેજ સ્રોત, PEN STUDIO
એસએસ રાજામૌલીની ફિલ્મ 'આરઆરઆર'ના 'નાટૂ-નાટૂ' (નાચો-નાચો) ગીતને ઓરિજિનલ સૉંગ કૅટેગરીમાં ઑસ્કર ઍવૉર્ડ મળ્યો છે.
આ ગીતે પશ્ચિમના દેશોના ફિલ્મ રસિકોને ઘેલું લગાડ્યું છે.
આ અગાઉ આ ગીતને ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડમાં બેસ્ટ ઓરિજિનલ સૉંગ મોશન પિક્ચરનો પુરસ્કાર મળી ચૂક્યો છે.
ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામચરણે મુખ્ય ભૂમિકા નિભાવી છે. આ ગીત પણ એ બંને પર ફિલ્માવાયું છે.
આ તેલુગુ ગીતને એમએમ કિરવાણીએ કમ્પોઝ કર્યું છે અને ચંદ્રબોઝે લખ્યું છે. રાહુલ સિપલીગુંજ અને કાલભૈરવે ગીતને અવાજ આપ્યો છે.
આ એ ગીત છે, જેના પર બાળકો અને મોટેરા પણ એકસાથે ઝૂમી રહ્યા છે. આ ગીત સિનેમાપ્રેમીઓના દિલોદિમાગ પર છવાયેલું છે.
આ ગીત કેવી રીતે તૈયાર થયું. ગીતને પડદે ઉતારતા પહેલાં ફિલ્મના ડાયરેક્ટર એસએસ રાજામૌલી, મ્યુઝિક ડાયરેક્ટર કિરવાણી અને ગીતકાર ચંદ્રબોઝના દિમાગમાં શું ચાલતું હતું. જાણો આખી કહાણી.

ઑરિજિનલ સૉંગ કૅટેગરીનો મતલબ શો?

ઇમેજ સ્રોત, FACEBOOK/RRR
'નાટૂ-નાટૂ' ગીત અંગે જાણતાં પહેલાં જાણી લઈએ કે આ 'ઑરિજિનલ સૉંગ' કૅટેગરી એટલે શું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોઈ ફિલ્મ માટે દુનિયાની કોઈ પણ ભાષામાં ઉપયોગ લેવાયેલું ગીત જો પહેલાંના કોઈ ગીતની નકલ ન હોય તો એ 'ઑરિજિનલ' છે.
ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડમાં બેસ્ટ ઓરિજિનલ ગીતની કૅટેગરીમાં 81 ગીતને ઍન્ટ્રી મળી હતી. ત્યારબાદ 'નાટૂ-નાટૂ' ગીતે આ પુરસ્કાર જીતી લીધો હતો.
અહીં તેનો મુકાબલો 'અવતાર: ધ વે ઑફ વૉટર' ફિલ્મના ગીત 'નથિંગ ઇઝ લૉસ્ટ' (યૂ ગીવ મી સ્ટ્રેન્થ) સાથે થયો હતો.

ક્યાંથી આવ્યું આ ગીત?

ઇમેજ સ્રોત, FACEBOOK/RRR
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'નાટૂ-નાટૂ' જેવા શબ્દોથી પ્રતીત થાય કે આ એક 'લોકગીત' છે.
એસએસ રાજામૌલીના દિમાગમાં એ ચાલતું હતું કે 'એનટીઆર જુનિયર અને રામચરણ બંને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઉત્તમ ડાન્સર છે. પોતપોતાની રીતે બંને ઘણી વાર પોતાની કાબેલિયત સાબિત કરી ચૂક્યા છે. જો બંનેને એકસાથે ડાન્સ કરતા દેખાડાય તો કદાચ સારું રહેશે. તેમને સાથસાથ પર્ફૉર્મ કરતા દર્શાવવાથી દર્શકોના આનંદ અને અહેસાસને એક નવા લેવલ પર લઈ જઈ શકાય છે.'
રાજામૌલીએ પોતાનો આ વિચાર સંગીતકાર કિરવાણીને જણાવ્યો.
કિરવાણીએ આ અંગે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "રાજામૌલીએ મને કહ્યું, મોટા ભાઈ, હું એક એવું ગીત ઇચ્છું છે જેમાં બંને ડાન્સર એકબીજા સાથે હરીફાઈ કરતા ડાન્સ કરે."
પછી ગીત લખવા માટે કિરવાણીએ વર્તમાન સમયના તેલુગુ ફિલ્મગીતકારોમાંથી પોતાને ગમતા ગીતકાર ચંદ્રબોઝની પસંદગી કરી.
કિરવાણીએ બોઝને કહ્યું, "ગીત એવું જોઈએ જેમાં બંને લીડ ઍૅક્ટર ગીતમાં ડાન્સથી એક જોશ અને ઉત્સાહ પેદા કરે. તમે ઇચ્છો તેવું લખી શકો છો, પરંતુ માત્ર એ ધ્યાનમાં રાખવાનું છે કે ફિલ્મ 1920ના થનારી ઘટનાઓની આસપાસ ઘૂમતી જોવા મળે. આથી એ જોઈ લેજો કે શબ્દ એ જમાનાના હોય."

તત્કાલીન સમયનો શબ્દપ્રયોગ

ઇમેજ સ્રોત, FACEBOOK/RRR
રાજામૌલી, કિરવાણી અને ચંદ્રબોઝે આ ગીત પર 17 જાન્યુઆરી, 2020થી કામ શરૂ કર્યું હતું. આ કામ હૈદરાબાદમાં એલ્યુમિનિયમ ફેક્ટરીમાં 'આરઆરઆર'ની ઑફિસમાં શરૂ થયું હતું.
ચંદ્રબોઝ જેવા પોતાની કારમાં બેઠા કે તેમના દિમાગમાં રાજામૌલી અને કિરવાણીના નિર્દેશ ઘૂમવા લાગ્યા. કાર એલ્યુમિનિયમ ફેક્ટરીથી જ્યુબિલી હિલ્સ તરફ જતી હતી. તેમના હાથ સ્ટીયરિંગ પર હતા, પણ દિમાગ ગીત પર લાગેલું હતું. ત્યારે જ તેમના દિમાગમાં ગીતની હૂકલાઇન 'નાટુ-નાટૂ' સૂઝી.
આ રીતની કોઈ ધૂન હજુ સુધી બની નહોતી. તેમણે એક નવી રીતે ગીતને ગતિશીલતા આપી. આખરે આ ગતિનો અર્થ શો હતો?
ચંદ્રબોઝ બીબીસીને કહે છે, "મને કિરવાણીને કયા તાલ ગમે છે એની ખબર હતી એટલે મેં તેનો સહારો લેવાનું યોગ્ય માન્યું."
25 વર્ષ પહેલાં કિરવાણીએ ચંદ્રબોઝને સલાહ આપી હતી. "કોઈ પણ ગીતથી લોકોમાં જોશ ભરવો હોય તો તેને ગતિમાં ઢાળો."
નાટૂ-નાટૂ એવું ગીત છે, જેમાં મુખ્ય અભિનેતા પોતાના નૃત્યકૌશલનું પ્રદર્શન કરે છે. આથી ચંદ્રબોઝે તેને લય-ગતિમાં ઢાળ્યું. બે દિવસમાં તેમણે ગીતનાં ત્રણ મુખડાં રચ્યાં અને પછી કિરવાણીને મળ્યા.
તેમણે પોતાનો પસંદગીનો છંદ છેલ્લે સંભળાવ્યો. તેની પહેલાં બે અન્ય છંદ સંભળાવ્યા.
ચંદ્રબોઝનાં પસંદીદાં મુખડાં કિરવાણીને પણ પસંદ આવ્યાં અને એ રીતે ગીત નક્કી થયું.
પોલમગટ્ટુ ધુમ્મુલોના પોટલાગિટ્ટા ધુકિનટ્ટુ
પોલેરમ્મા જાતારાલો પોથારાજુ ઓગિનટ્ટુ
કિરુસેપ્પલુ એસિકોની કારાસામુ સેસિનટ્ટુ
મારિસેટ્ટુ નિદાલોના કુરાગુમ્પુ કોડિનટ્ટુ
એ રીતે 90 ટકા ગીત બે દિવસમાં પૂરું થઈ ગયું.
જોકે અન્ય ફેરફાર અને ઍડિટિંગમાં ગીતને ફાઇનલમાં કરવામાં 19 મહિના લાગી ગયા.
ચંદ્રબોઝ અને કિરવાણી આ દરમિયાન આખા ગીતને લઈને વિચાર-વિમર્શ કરતા રહ્યા.
ફિલ્મમાં ભીમ (જુનિયર એનટીઆર)નું ચરિત્ર તેલંગણાનું છે, તો રામ (રામચરણ)નું ચરિત્ર આંધ્રપ્રદેશનું છે. આથી ગીતમાં બંને વિસ્તારની (1920ના દશક) ભાષાના શબ્દોનો સહારો લેવાયો છે.
'મિરાપા ટોક્કુ' (વાટેલું લાલ મરચું), 'દુમુકુલ્લદતમ' (ઉપર-નીચે કૂદવું) આ શબ્દ તેલંગણામાં બોલચાલના શબ્દો છે.
એ સમયે તેલંગણામાં મુખ્ય ભોજન જુવાર હતું. તેને વાટેલા લાલ મરચા સાથે ખવાતું.
ચંદ્રબોઝની નજરમાં ગીત એ છે જ્યાં શબ્દ વિલીન થઈ જાય અને પછી તેના પર વિઝ્યુલનો કબજો થઈ જાય. આ ગીત એ રીતે એકદમ ફિટ બેસે છે.
તેલુગુમાં અનેક લોકકથા છે. તેનાં ચરિત્રોનાં નામનો પણ ગીતમાં સહારો લેવાયો છે. આ ગીત કાલભૈરવ અને રાહુલ સિપલીગુંજે ગાયું છે.

યુક્રેનમાં ફિલ્માંકન

ઇમેજ સ્રોત, RRR MOVIE/FACEBOOK
'નાટૂ-નાટૂ' ગીતે એનટીઆર અને રામચરણ બંનેની નૃત્યક્ષમતાની પરીક્ષા લીધી. કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિતે આ ગીત માટે લગભગ 95 સ્ટેપ કમ્પોઝ કર્યાં.
સિગ્નેચર સ્ટેપ માટે તેમણે તેનાં 30 વર્ઝન તૈયાર કર્યાં. ખાસ કરીએ એ દૃશ્યમાં, જેમાં એનટીઆર અને રામચરણ હાથ પકડીને ડાન્સ કરી રહ્યા છે.
આ ફિલ્મના યુનિટે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ ખાસ સ્ટેપ માટે 18 ટેક લેવા પડ્યા હતા. જોકે યુનિટનું કહેવું છે કે એડિટિંગ દરમિયાન બીજા ટેકને ફાઇનલ કરાયો હતો.
ગીત યુક્રેનના રાષ્ટ્રપતિ ભવનના બૅકગ્રાઉન્ડમાં ફિલ્માવાયું હતું.
અહીં ફિલ્મના શૂટિંગ દરમિયાન રાજામૌલી અને કિરવાણીએ ગીતના અંતિમ છંદમાં બદલાવનો નિર્ણય લીધો.
ચંદ્રબોઝ એ સમયે ફિલ્મ 'પુષ્પા'ના સેટ પર વ્યસ્ત હતા.
આથી તેમની સાથે કૉન્ફરન્સમાં વાત થઈ. રાજામૌલી અને કિરવાણીએ તેમને અંતિમ છંદમાં બદલાવ કરવાનું હતું.
એ રીતે ગીતને પૂરું થવામાં 19 મહિના લાગી ગયા. અંતિમ છંદ 15 મિનિટમાં બદલી નાખવામાં આવ્યો. પછી બદલેલું ગીત રેકર્ડ થયું અને શૂટ થયું.
'નાટૂ-નાટૂ' ગીત ન માત્ર એનટીઆર અને રામચરણની નૃત્યુપ્રતિભાને દર્શાવે છે, પણ તે ભીમ અને રામની દોસ્તીનાં અનેક પાસાંને સામે લાવે છે.
એ ભીમ માટે રામના બલિદાનની કહાણી કહે છે. એ દર્શાવે છે કે કેવી રીતે તેલુગુ લોકોએ અંગ્રેજોનો આદેશ માનવાથી ઇનકાર કરી દીધો. કેવી રીતે ભીમે એ મહિલાનું દિલ જીતી લીધું, જેને તેઓ પ્રેમ કરતા હતા.

















