કાનજીભાઈ રાઠોડ : ભારતીય ફિલ્મઉદ્યોગના પહેલા પ્રોફેશનલ ડાયરેક્ટરની કહાણી

- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.

ફિલ્મઉદ્યોગમાં ગુજરાતીઓના પ્રદાનની વાત નીકળે ત્યારે મોટે ભાગે ગણ્યાંગાંઠ્યાં પચીસ-પચાસ નામોમાં તે પૂરી થઈ જાય છે. થોડા વધુ અભ્યાસી હોય તે 1930-1940 સુધી પહોંચે. પણ 1913થી શરૂ થયેલા મૂંગી ફિલ્મોના દોરમાં માતબર પ્રદાન કરનાર કાનજીભાઈ રાઠોડનું નામ તેમાં ક્યાંય સાંભળવા ન મળે. વીરચંદ ધરમશી જેવા ખંતીલા સંશોધકે કાનજીભાઈના પ્રદાનને ઉજાગર ન કર્યું હોત, તો તેમનું નામ હજુ કદાચ અજાણ્યું રહ્યું હોત.
વીરચંદ ધરમશીએ શોધી કાઢ્યું કે 1921થી 1924 સુધીનાં ફક્ત ત્રણ વર્ષમાં 'કોહિનૂર ફિલ્મ કંપની' માટે કાનજીભાઈએ 31 મૂંગી ફિલ્મો ડાયરેક્ટ કરી હતી. ત્યાર પછી 'શ્રીકૃષ્ણ ફિલ્મ કંપની'માં બીજી 21 ફિલ્મો તેમના ડાયરેક્શનમાં બની. ફિલ્મી કારકિર્દીની શરૂઆતમાં કાનજીભાઈ 'ઓરિએન્ટલ ફિલ્મ કંપની'માં સ્ટીલ ફોટોગ્રાફર હતા અને મૂંગી ફિલ્મ 'નરસિંહ મહેતા'માં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
જન્મે દલિત એવા કાનજીભાઈ રાઠોડ, ગાંધી-આંબેડકરપ્રેરિત અસ્પૃશ્યતાનિવારણ ઝુંબેશોથી પહેલાં, નરસિંહ મહેતાની ભૂમિકા ભજવે, એ ઘટના રોમાંચ જગાડે એવી છે. અલબત્ત, તેના વિશે વધુ કશી માહિતી ઉપલબ્ધ નથી.

ભારતીય ફિલ્મઉદ્યોગના પહેલા પ્રોફેશનલ ડાયરેક્ટરઃ કાનજીભાઈ રાઠોડ

- 1913થી શરૂ થયેલા મૂંગી ફિલ્મોના દોરમાં માતબર પ્રદાન કરનાર કાનજીભાઈ રાઠોડનો ભાગ્યે જ ઉલ્લેખ સંભળાયો છે
- વીરચંદ ધરમશી જેવા ખંતીલા સંશોધકે કાનજીભાઈના પ્રદાનને ઉજાગર ન કર્યું હોત, તો તેમનું નામ હજુ કદાચ અજાણ્યું રહ્યું હોત
- જન્મે દલિત કાનજીભાઈ રાઠોડ ગાંધી-આંબેડકરપ્રેરિત અસ્પૃશ્યતાનિવારણ ઝુંબેશોથી પહેલાં નરસિંહ મહેતાની ભૂમિકા ભજવતા હતા
- વ્યાવસાયિક કારકિર્દીમાં કાનજીભાઈએ 'કોહિનૂર' ઉપરાંત 'શ્રી કૃષ્ણ ફિલ્મ કંપની'માં અને 'સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની'માં પણ ડાયરેક્ટર તરીકે કામ કર્યું
- ભારતમાં પહેલી બોલતી ફીચર ફિલ્મ 'આલમઆરા' 1931માં બની એ વર્ષે સેન્સર થયેલી કુલ 23 બોલતી ફિલ્મોમાંથી પાંચ ફિલ્મોના ડાયરેક્ટર હતા કાનજીભાઈ રાઠોડ
- મૂંગી ફિલ્મોના ઇતિહાસમાં જેનો ઉલ્લેખ અચૂકપણે આવે, એવી વિવાદાસ્પદ ફિલ્મ 'ભક્ત વિદુર' કાનજીભાઈ રાઠોડના ડાયરેક્શનમાં બની હતી
- દ્વારકાદાસ સંપટની 'કોહિનૂર' ફિલ્મ કંપનીમાંથી અલગ થઈને માણેકલાલ પટેલે 'શ્રી કૃષ્ણ ફિલ્મ કંપની' સ્થાપી હતી
- કાનજીભાઈનો 'કૃષ્ણ ફિલ્મ કંપની'માં દબદબો હતો. તે દલિત હોવા છતાં તેમની સાથેના વ્યવહારમાં કશું જુદાપણું રાખવામાં આવતું ન હતું


પહેલા 'પ્રોફેશનલ ડાયરેક્ટર'

મૂંગી ફિલ્મોની શરૂઆતના અરસામાં કોઈ ઉત્સાહી-કસબી જણ હોય તે કૅમેરા ચલાવવાનું શીખે, કૅમેરા ખરીદવા જેટલા અને ફિલ્મ ઉતારવા જેટલા પૈસા ભેગા કરે, એકાદ પૌરાણિક કથા પકડે અને તેની પરથી ફિલ્મ બનાવે. પોતે જ કંપનીનો માલિક, પોતે જ ડાયરેક્ટર અને પોતે જ કૅમેરામૅન. આ પરંપરામાં અપવાદ બન્યા કાનજીભાઈ રાઠોડ.
ફિલ્મોમાં ડાયરેક્ટર અલગ હોવો જોઈએ, એવો વિચાર પહેલી વાર, સંભવતઃ 'કોહિનૂર ફિલ્મ કંપની'ના ગુજરાતી માલિક દ્વારકાદાસ સંપટને આવ્યો. તે કામ માટે તેમણે સ્ટીલ ફોટોગ્રાફીનો અને મૂંગી ફિલ્મોમાં ઍક્ટિંગનો થોડોઘણો અનુભવ ધરાવતા કાનજીભાઈ રાઠોડને પસંદ કર્યા. તે અર્થમાં કાનજીભાઈ રાઠોડ ભારતીય ફિલ્મઉદ્યોગના પહેલા 'પ્રોફેશનલ ડાયરેક્ટર' બન્યા, જેમનું કામ ફક્ત ફિલ્મ ડાયરેક્ટ કરવાનું હતું.
વ્યાવસાયિક કારકિર્દીમાં કાનજીભાઈએ 'કોહિનૂર' ઉપરાંત 'શ્રી કૃષ્ણ ફિલ્મ કંપની'માં અને 'સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની'માં પણ ડાયરેક્ટર તરીકે કામ કર્યું. ભારતમાં પહેલી બોલતી ફીચર ફિલ્મ 'આલમઆરા' 1931માં બની. એ વર્ષે સેન્સર થયેલી કુલ 23 બોલતી ફિલ્મોમાંથી પાંચ ફિલ્મોના ડાયરેક્ટર હતા કાનજીભાઈ રાઠોડ. હરમંદિરસિંઘ 'હમરાઝ' દ્વારા સંપાદિત હિંદી ફિલ્મ ગીતકોશ (ભાગ-1)માંથી મળતી માહિતી પ્રમાણે, તેમાંની ચાર ફિલ્મો કૃષ્ણા સિનેટોનની અને એક ફિલ્મ ભારત મુવિટોનની હતી.

'ભક્ત વિદુર' : દેશપ્રેમનું પ્રતિબંધિત મહાભારત

મૂંગી ફિલ્મોના ઇતિહાસમાં જેનો ઉલ્લેખ અચૂકપણે આવે, એવી વિવાદાસ્પદ ફિલ્મ 'ભક્ત વિદુર' કાનજીભાઈ રાઠોડના ડાયરેક્શનમાં બની હતી. વર્ષ 1921માં રજૂ થયેલી તે ફિલ્મમાં 'કોહિનૂર ફિલ્મ કંપની'ના માલિક દ્વારકાદાસ સંપટ પોતે વિદુર બન્યા હતા. તે સમયગાળો અસહકાર-ખિલાફત ચળવળોની ભરતીનો હતો. ગાંધીજીએ એક વર્ષમાં સ્વરાજની વાત કરી હતી. દેશ આખો આંદોલિત થઈ ઊઠ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે સમયે, ઑગસ્ટ 13, 1921ના રોજ રજૂ થયેલી 'ભક્ત વિદુર'ની જાહેરાતમાં દ્વારકાદાસ સંપટનો ફોટો ખાસ ધ્યાન ખેંચે એવો હતો. કેમ કે, તે મહાભારતકાળની નહીં, પણ ગાંધીયુગની વેશભૂષામાં સજ્જ હતાઃ માથે ખાદી ટોપી અને શરીર પર ખાદીનું અંગરખું. ગાંધીજી મહાભારતયુગના વિદુર હતા કે વિદુર મહાભારત યુગના ગાંધી, એવી કોઈ સીધી ચર્ચા ફિલ્મમાં ભલે ન હોય, પણ પહેરવેશનો સંદેશો પ્રેક્ષકોથી છાનો ન રહ્યો. આટલું ઓછું હોય તેમ, ફિલ્મને ધ્યાનાકર્ષક રીતે, એક સ્વદેશી ફિલ્મ તરીકે ઓળખાવવામાં આવી હતી.
મુંબઈમાં ફિલ્મ એટલી લોકપ્રિય બની કે ગિરગામ પર આવેલા મેજેસ્ટિક સિનેમામાં તે ચાર અઠવાડિયાં ચાલી. મૂંગી ફિલ્મોના માપદંડથી તે મોટો સમયગાળો કહેવાય. મુંબઈમાં ફિલ્મને કશો વાંધો ન આવ્યો. પણ ત્યાર પછી મદ્રાસ પ્રાંતમાં અને પછી કરાચીમાં સ્થાનિક સરકારોને ફિલ્મ સામે વાંધો પડ્યો. ગાંધી ટોપી સામે ઘણે ઠેકાણે કડકાઈ દાખવવામાં આવતી હતી અને તે પહેરનાર કર્મચારીઓને છૂટા કરવાની હદે વાત પહોંચતી હતી. એવા માહોલમાં પહેલાં મદ્રાસ-કરાચીમાં અને પછી દેશભરમાં ફિલ્મ પર સરકારી પ્રતિબંધ લાગી ગયો.

'કાનજીકાકા' અને 'શ્રી કૃષ્ણ ફિલ્મ કંપની'

દ્વારકાદાસ સંપટની 'કોહિનૂર' ફિલ્મ કંપનીમાંથી અલગ થઈને માણેકલાલ પટેલે 'શ્રી કૃષ્ણ ફિલ્મ કંપની' સ્થાપી હતી. કાનજીભાઈ પણ આગળ જતાં માણેકલાલ સાથે જોડાયા અને ડાયરેક્ટર તરીકેનો તેમનો દબદબો ચાલુ રહ્યો. છતાં, તેમનો એક ફોટો સુધ્ધાં જોવા મળતો ન હતો. એકાદ દાયકા પહેલાં ફિલ્મ સંશોધક હરીશ રઘુવંશીના ચીંધ્યા, 'શ્રી કૃષ્ણ ફિલ્મ કંપની'ના માલિક માણેકલાલ પટેલનાં વૃદ્ધ દીકરીને અમદાવાદમાં મળવાનું થયું. તેમની પાસેના એક કેટેલોગમાં કાનજીભાઈનો ફોટો પહેલી વાર જોવા મળ્યો (જે આ લેખમાં મૂક્યો છે).
અસ્પષ્ટ એવા એ ફોટો પરથી ચશ્માધારી અને જાડી મૂછોવાળા કાનજીભાઈના ચહેરાનો થોડોઘણો અંદાજ મળી શકે છે. કેટેલોગમાં તે સમયની શૈલી પ્રમાણે તેમનું નામ Kanjibhoy લખેલું હતું. સાથે તેમના પરિચયમાં લખાયું હતું: Our most able director. અમારા સૌથી કાબેલ ડાયરેક્ટર.
માણેકલાલ પટેલનાં દીકરી વાતચીતમાં કાનજીભાઈનો ઉલ્લેખ 'કાનજીકાકા' તરીકે કરતાં હતાં. તેમની પાસેથી જાણવા મળ્યું કે કાનજીભાઈનો 'કૃષ્ણ ફિલ્મ કંપની'માં દબદબો હતો. તે દલિત હોવા છતાં તેમની સાથેના વ્યવહારમાં કશું જુદાપણું રાખવામાં આવતું ન હતું. પુત્રનાં લગ્નની જાનમાં માણેકલાલ પટેલ કાનજીભાઈને લઈ ગયા હતા અને કન્યાપક્ષ તરફથી જાનમાં આવેલાં વડીલોની સાથે 'કાનજીકાકા'ને પણ ચાંલ્લો કરવામાં આવ્યો હતો, એવું માણેકલાલ પટેલનાં દીકરીએ મારી સાથેની વાતચીતમાં યાદ કર્યું હતું.
અલબત્ત, વીસમી સદીના આરંભના દાયકાઓમાં ફિલ્મ ઉદ્યોગમાં સ્થાન જમાવતાં પહેલાં કાનજીભાઈને એક દલિત તરીકે કેવો સંઘર્ષ કરવો પડ્યો હશે, તે વિશે જાણવા મળતું નથી.

'લાઇટ, કૅમરા, ઍક્શન'નો 'ધ ઍન્ડ'

બોલતી ફિલ્મોના યુગમાં કાનજીભાઈએ 16 હિંદી ફિલ્મોનું ડાયરેક્શન કર્યું, પણ અગાઉના જેવી સફળતા મેળવી શક્યા નહીં. હરીશ રઘુવંશી દ્વારા સંપાદિત ગુજરાતી ગીતકોશમાં નોંધાયું છે તેમ, 1949માં તેમણે 'શેઠનો સાળો' નામે ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટ કરી. તે કદાચ ડાયરેક્ટર તરીકે તેમની છેલ્લી ફિલ્મ હશે.
ડાયરેક્ટર તરીકેની કારકિર્દી પૂરી થયા પછી તે ધીરુભાઈ દેસાઈના 'ચંદ્રકલા પિક્ચર્સ'માં પ્રોડક્શન મૅનેજર તરીકે જોડાયા. મુકેશના પ્રખ્યાત ગીત 'સારંગા તેરી યાદ મેં'થી ઓળખાતી ધીરુભાઈ દેસાઈની ફિલ્મ 'સારંગા' (1961)માં કાનજીભાઈ રાઠોડનું નામ પ્રોડક્શન મૅનેજર તરીકે વાંચવા મળે છે.
આમ, લગભગ ચારેક દાયકા સુધી એક યા બીજી રીતે ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય રહ્યા પછી, આખરે કાનજીભાઈ નવસારી પાસે આવેલા તેમના વતન પોંસરા ગામે આવી ગયા. ત્યાં સુધીમાં મૂંગી ફિલ્મોના જાણીતા ડાયરેક્ટર તરીકેની તેમની ઓળખ સાવ ભૂંસાઈ ચૂકી હતી. ફિલ્મઉદ્યોગનાં પચીસ વર્ષ કે પચાસ વર્ષની ઉજવણીઓમાં કાનજીભાઈ રાઠોડની હાજરી તો ઠીક, તેમનો નામોલ્લેખ પણ મળતો નથી.

પોંસરા, નવસારીમાં અંતિમ વર્ષો
વર્ષ 2012માં પોંસરા ગામના નવનીતભાઈ પટેલે આપેલી માહિતીના આધારે, કાનજીભાઈના સગડ શોધવા હું પોંસરા પહોંચ્યો. ગામના દલિત મહોલ્લામાં એક પુલ અને તેના સામે છેડે, બીજાં ઘરથી અલાયદું એક ઘર હતું. નવનીતભાઈએ તે ચીંધીને કહ્યું, 'આ કાનજીકાકાનું ઘર.'
ગામમાં કાનજીભાઈના દૂરના સગા ગોપાળભાઈ માસ્તર સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે કાનજીભાઈએ બે લગ્ન કર્યાં હતાં. બીજાં પત્ની ગંગાબહેન સાથેના લગ્નજીવનમાં તેમને એક પુત્ર થયો. તેનું નામ સુરેશ. તે 16 વર્ષનો હતો ત્યારે શીતળામાં મૃત્યુ પામ્યો. ગોપાળભાઈએ કહ્યું હતું કે કાનજીભાઈ 'ફોરવર્ડ' હતા. બાધા-આખડીમાં માનતા ન હતા. તેમણે સુરેશને હૉસ્પિટલમાં દાખલ કર્યો, પણ તે બચ્યો નહીં. તેના મૃત્યુ પછી કાનજીભાઈ મુંબઈ છોડીને પોંસરા આવી ગયા.
એક સમય હતો જ્યારે ખાદીની ધોતી-કફની, ચશ્માં અને ગોળ ખાખી હેટમાં સજ્જ કાનજીભાઈ મુંબઈથી ટ્રેનમાં મરોલી અને મરોલીથી ઘોડાગાડી કરીને પોંસરા આવતા હતા (જે ત્યારે વૈભવની નિશાની ગણાતી હતી). જાહોજલાલી આથમી ગયા પછી પોંસરા આવી ગયેલા કાનજીભાઈ પાસે આવકનું કશું સાધન ન હતું. ગોપાળભાઈના જણાવ્યા પ્રમાણે, તેમણે ચાર-પાંચ મરઘી પાળી હતી અને તેનાં ઈંડાં વેચીને ગુજરાન ચલાવતા હતા. એક વાર કાનજીભાઈએ નવસારીમાં ગીતાજ્ઞાનયજ્ઞના કાર્યક્રમ માટે હૉલ માગ્યો ત્યારે તેમને (દલિત હોવાને કારણે) હૉલ મળ્યો ન હતો, એવું પણ ગોપાળભાઈએ યાદ કર્યું.

દલિત ઓળખનાં બંધન અને મુક્તિદાતા મુંબઈ

ઇમેજ સ્રોત, URVISH KOTHARI
પોંસરા-નવસારી અને તેની આસપાસના વિસ્તારોમાંથી ઘણા દલિતો મુંબઈ પહોંચતા હતા. ત્યાં અંગ્રેજો અને પારસીસો જ્ઞાતિપ્રથાની સાંકળથી મુક્ત હોવાને કારણે, દલિતોને આગળ વધવાની તક મળતી હતી. પોંસરાની મુલાકાતમાંથી જાણવા મળ્યું કે અંગ્રેજો અને પારસીઓ દલિતોને ઘરકામ માટે રાખતા હતા. એવા દલિતોનાં સંતાનો વેકેશનમાં મુંબઈ જાય ત્યારે ત્યાં કંઈક કામધંધો શોધી કાઢે.
ફિલ્મ કે સંબંધિત ક્ષેત્રોમાં કાનજીભાઈ ઉપરાંત બીજા પણ કેટલાક દલિતો સંકળાયા. તેમાંથી નવસારીના રમેશભાઈ પટેલનું ઉદાહરણ વિશેષ ઉલ્લેખનીય છે. તેમણે મારી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વિઠ્ઠલભાઈ ઝવેરીએ બનાવેલી ગાંધીજી વિશેની દસ્તાવેજી ફિલ્મ 'મહાત્મા-લાઇફ ઓફ ગાંધી'માં તેમણે એડિટર તરીકે કામ કર્યું હતું. તેમણે મીરાબહેન વિશે દસ્તાવેજી ફિલ્મ 'વેસ્ટર્ન ડીસીપલ ઑફ એન ઇસ્ટર્ન સેઇન્ટ' બનાવી હતી (જે યૂટ્યૂબ પર ઉપલબ્ધ છે)

માગું એક ચિનગારી

ઇમેજ સ્રોત, URVISH KOTHARI
પોંસરામાં જૂન, 2012માં મને જોવા મળેલું કાનજીભાઈનું ઘર કાચું-લીંપણવાળું હતું. આજુબાજુ થોડી જગ્યા હતી. ઘરમાં કાનજીભાઈનાં ભત્રીજાવહુ ગંગાબહેન અને તેમનો પુત્ર દિનેશ રહેતાં હતાં. ગંગાબહેન પરણીને આવ્યાં ત્યારે કાનજીભાઈ હયાત હતા, પણ એ કાનજીભાઈને 'મિ. કાનજીભાઈ રાઠોડ' સાથે જાણે કશો સંબંધ ન હતો. ઘરમાં પણ ફિલ્મી કારકિર્દીને લગતી કોઈ સ્મૃતિ ન હતી.

ઇમેજ સ્રોત, URVISH KOTHARI
છેલ્લાં વર્ષોમાં વૃદ્ધ કાનજીકાકા ધ્રૂજતા અવાજે 'ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ખરચી જિંદગી સારી... (એક જ દે ચિનગારી)' ગાતા હતા, તે ગામમાં થોડા લોકોને યાદ હતું. કાનજીભાઈનાં ભત્રીજાવહુ ગંગાબહેન પાસેથી કાનજીભાઈની મૃત્યુતારીખ જાણવા મળીઃ 31 ડિસેમ્બર, 1970. પોંસરાથી થોડે દૂર આવેલા વાડા ગામના સ્મશાને, મિંઢોળા નદીના કિનારે કાનજીભાઈ જગાભાઈ રાઠોડની અંતિમવિધિ થઈ. મૂંગી ફિલ્મોમાં રસ-રોમાંચના રંગ પૂરનાર એક કસબી બે લીટીની નોંધ સુધ્ધાં પામ્યા વિના આથમી ગયો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













