ઝવેરભાઈ પટેલ : જેમણે લોક-1 ઘઉંની જાત વિકસાવવા જિંદગીનાં 30-30 વર્ષ ખર્ચી નાખ્યાં
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
કાઠિયાવાડની કાળાંતરે વર્ષોથી વરસાદની ખેંચ અને સિંચાઈની સમસ્યા ધરાવતી ધરતી. એ ધરતીમાં વીઘે સો મણ ઘઉં કેવી રીતે પાકે એવી ધૂન એક માણસ પર સવાર થઈ. દિવસરાત, ટાઢતાપ, મરણપ્રસંગ આ બધું જોયા વગર તેમણે ધૂણી ધખાવી. આના માટે ત્રીસ ત્રીસ વર્ષો સુધી ધૂણી ધખાવી.
ઘઉંની જાત મેળવવા તેઓ એટલા ઓતપ્રોત હતા કે તેઓ રાત્રે સૂતા હશે તો સપનાંય ઘઉં અને સંશોધનનાં જ આવતાં હશે એવું માની શકાય. એના નિષ્કર્ષ રૂપે ઘઉંની જે જાત સામે આવી તે લોક - 1 ઘઉં. એના સંશોધક એટલે ઝવેરભાઈ પટેલ.

ઇમેજ સ્રોત, Zaverbhai ni sanshodhan gatha book
ઘઉં સંશોધન ક્ષેત્રે તેઓ રાષ્ટ્રીય સ્વીકૃતિ પામ્યા હતા. લોક -1 ઘઉંનું ઉત્પાદન પછી મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશના લોકો પણ લેતા થયા. આજે લોક -1 એ ઘઉંની એક પ્રચલિત જાત છે.
એ વખતે લોક-1 વીઘે 50 મણ ઊપજ આપતા હતા. પરંતુ એ સિદ્ધિ પણ નોંધપાત્ર હતી. એ પછી લોક - 1માંથી 2-3-4-5-6-7-8-9 જેવી જાતો આવી.
મજાની વાત એ છે કે કૃષિવૈજ્ઞાનિક ઝવેરભાઈએ લોક-1 ઘઉંનું સંશોધન કોઈ વિશેષજ્ઞો સાથે નહીં પણ વિદ્યાર્થીઓ સાથે મળીને કર્યું હતું.
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરામાં આવેલી શિક્ષણસંસ્થા લોકભારતી સંસ્થામાં તેમણે લોક-1 ઘઉંની જાત વિકસાવી હતી. ઝવેરભાઈ પટેલનું સંશોધન નિરંતર ચાલુ જ રહ્યું, તેમના છેલ્લા શ્વાસ સુધી.

'ખાવાનું ભૂલી જાય, સૂવાનું ભૂલી જાય, ઘઉં જ તેમની ગંધર્વસૃષ્ટિ!'

ઇમેજ સ્રોત, Zaverbhai ni sanshodhan gatha book
ઝવેરભાઈ માટે ઘઉં એ એવા મોતી હતા જેમાં તેમણે આંખ નહીં જિંદગી આખી પરોવી હતી. લોકભારતીના શિક્ષણવિદ્ મનસુખભાઈ સલ્લા તેમના પુસ્તક 'જીવતર નામે અજવાળું'માં ઝવેરદાસ પટેલ વિશે લખે છે કે, "નિવૃત્તિ પછીનાં ત્રીસ વર્ષોમાં તેમણે અર્જુનની જેમ એક જ વસ્તુ ઉપર આંખ માંડી હતી. તેમના પુરુષાર્થ આડે કશું આવી શકતું નથી. જાણે ઉંમર અને સંકલ્પ વચ્ચે હરીફાઈ ચાલે છે."
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ શિક્ષણ સંસ્થામાં ઘઉં સંશોધનના કામમાં તેમને જાણીતા કેળવણીકાર અને લેખક મનુભાઈ પંચોળી લઈ આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મનુભાઈ જે લોકભારતી સાથે સંકળાયેલા હતા તે સંસ્થાના મૂળ સ્થાપક નાનાભાઈ ભટ્ટ પ્રત્યે તેમને પૂજ્ય ભાવ હતો. લોકભારતી સંસ્થામાં તેમણે વિદ્યાર્થીઓ સાથે સંશોધનનું કાર્ય આદર્યું હતું.
મનુભાઈ પંચોળી 'દર્શક' પુસ્તક સદભી સંગમાં લખે છે, "ઝવેરદાદા જેવા બધે ઘઉં જ જુએ. ધોમ તાપમાં આરામ લેવાલાયક વૃદ્ધ ઉંમરે તેઓ ઘઉંની ડૂંડીઓ મસળતા હોય, દાણા જાણે પૂજાદ્રવ્ય હોય તેવી સાવચેતીથી જોતાં - તોળતાં કે ગણતાં હોય. આ ધુનમાં ખાવાનું ભૂલી જાય, સૂવાનું ભૂલી જાય, ઘઉં જ તેમની ગંધર્વસૃષ્ટિ! આવાના સહવાસમાં વિદ્યાર્થીઓ આવે. વિવિધ માર્ગે થનગનતા જુવાનોને આવા અધ્યાપકો, ગૃહપતિઓ જ પ્રેરણા આપી શકે."
એક શિક્ષણસંસ્થામાં સંશોધન કરવા માટે મનુભાઈ ઝવેરભાઈને એટલા માટે લાવ્યા હતા કે તેમના જેવા ધૂની માણસ પાસેથી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ મળે.

ઇમેજ સ્રોત, Getty Images
"લોકભારતીએ બીજું કાંઈ ન કર્યું હોત અને ફક્ત ઘઉં સંશોધનનું કામ જ કર્યું હોત તોપણ ગુજરાત પર તેણે ભારે ઉપકાર કર્યો કહેવાત." એવું મનુભાઈનું નિવેદન છે.
આગળ તેઓ લખે છે, "ઝવેરદાદા વહેલા કામે ચડે, મોડા કામેથી ઊતરે. અમારી પાસે કોઈ મશીન નહોતાં, અને દાદા કે અમે ઇચ્છતા પણ ન હતા. દશ આંગળીથી જે કુશળતા પ્રાપ્ત થાય તે ખોવાની અમારી તૈયારી ન હતી. એટલે દાણા વાવવાની બધી પૂર્વતૈયારી કરવાની. હાથે પાળા બાંધવા, ક્યારીઓ કરવી, અંતર મુજબની લાઈનો દોરવી, દાણા ગણીગણીને વાવવા, આખા વાવેતરના નકશા કરવા, તેના નંબરો આપવા, ફણગાની સંખ્યા, ફૂલ આવવાની, પાકવાની બધી તારીખો ક્યારીએ ક્યારીએ જાતે જાતે જઇને નોંધવાની, પાણ પાણીની અસરો જોવાની, પાક્યા પછી દર છોડ નોખો ખેંચવાનો, હારેહારની સંખ્યા નોંધી પૂળીઓ બાંધવાની, દરેક પૂળીએ પટ્ટીઓ ચોડવાની, આ બધા છોડના દાણા હાથે ઠીંકરું લઈ, ઘસીને કાઢવાના."
"દાણાનું વજન, સંખ્યા, કોથળીઓ બધું અલગ. અને આવા છોડ કેટલા? 60થી 70 હજાર! આ બધું થયા પછી અભ્યાસ શરૂ થાય. રંગ, વજન, આકાર, સંખ્યા કેટકેટલો અભ્યાસ. રાત-દિવસ તે ચાલ્યા જ કરે. પચાસ - સાઠ વિદ્યાર્થીઓ હારબંધ બેઠા હોય. આ બધું થઈ ગયા પછી તારણો. ઘણી નિષ્ફળતા, થોડી સફળતા કે સફળતાની આશા પછી નવી પસંદગી કે બીજે વર્ષે સંકરણ કરવાની શાસ્ત્રાધારે વિચારણા."
"એક બે વર્ષ નહીં, અગિયાર વર્ષ તો રાહ જોવાની! સાત પેઢી થાય ત્યારે ગુણ, લક્ષણો સ્થિર થાય. 7 વર્ષ - 84 મહિના - 2520 દિવસ આંખે એરંડિયું આંજીને જોયા કરવાનું. સાતમે વર્ષે પસંદ કરેલી જાત, જુદાં જુદાં હવામાન, વર્ષાવાળાં રાજ્યના કેન્દ્રમાં મોકલવાની. ત્યાંના અખતરાનાં પરિણામોની ધબકતા હૈયે રાહ જોવાની. આખરે એક દહાડો ખબર આવી કે લોકભારતીની એક જાત બીજી બધી જાતો કરતાં આખા પશ્ચિમ ભારતમાં આગળ આવ્યાનું સિદ્ધ થયું છે."

લોક-1 ઘઉંનું નામ ઝવેર-1 ઘઉં રાખવાની ઝવેરભાઈએ ના કહી

ઇમેજ સ્રોત, Zaverbhai ni sanshodhan gatha book
સરકારી સર્ટિફિકેટો પર પણ પ્રધાનો પોતાના ફોટા મૂકવા માંડ્યા છે એવા છવાઈ જવાના દૌરમાં ઝવેરભાઈને ખાસ યાદ કરવા પડે.
ઘઉંની નવી જાતને તેમનું નામ આપવામાં આવે એવો આગ્રહ રાખવામાં આવ્યો ત્યારે તેમણે એ વાત જ ઉડાવી દીધી હતી. ઘઉંનું નામ લોક -૧ કેવી રીતે પડ્યું એની પાછળની વાત પણ સંવેદનભીની છે.
મનુભાઈ પંચોળીનો આગ્રહ હતો કે ઘઉંનું નામ ઝવેર -1 રાખવામાં આવે. ઝવેરદાદા એના માટે તૈયાર જ ન થયા. વચગાળાના વિકલ્પ તરીકે ઘઉંનું નામ લોકઝવેર -1 સૂચવાયું. તેના માટે પણ તેઓ તૈયાર ન થયા.
તેમણે ઠેરવ્યું કે ઘઉંનું નામ તો લોકભારતી - 1 જ રહેશે. અંતે લોક - 1 નામ નક્કી થયું. શાલ ઓઢાડી રોકડા એક હજાર રૂપિયાનો થાળ તેમને ભેટ ધરવામાં આવ્યો હતો.
મનુભાઈ લખે છે, "ઝવેરદાદાએ થાળીને હાથ લગાડી રૂપિયા પાછા આપ્યા. જેણે કાંઈ લીધું ન હતું - જાતે ઘસાયા હતા રાતદિન, ટાઢતડકો જોયાં નહોતાં તેને આ હજાર રૂપિયાનું શું મૂલ્ય? અમારા ઉત્સાહનો પાર ન હતો પણ એમને મન તો હજુ કામ બાકી જ હતું. લોક -1 વીઘે પચાસ મણ થઈ શકતા હતા. અરધી મજલ કપાઈ હતી. થોડી વધુ કપાઈ પણ છે."

વિદેશમાં ભણ્યા અને વતનમાં સંશોધન કર્યાં
ગારિયાધારમાં 9 ડિસેમ્બર 1903ના રોજ જન્મેલા ઝવેરદાસ પટેલે નાની ઉંમરે પિતા ગુમાવ્યા હતા. અભ્યાસમાં તેમની તેજસ્વિતા જોઈને પાલીતાણાના મહારાજા બહાદુરસિંહ તેમને મદદરૂપ થયા હતા.
ઝવેરભાઈએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગારિયાધાર અને પાલીતાણામાં લીધું હતું. ઉચ્ચ શિક્ષણ ભાવનગર - પુણે - બેંગ્લુરુમાં લીધું હતું.
1930માં કૅમિસ્ટ્રી વિષયમાં પ્રથમ વર્ગમાં વિશેષ યોગ્યતા સાથે ઉત્તીર્ણ થયા હતા. ઉચ્ચ અભ્યાસ માટે તેઓ જર્મની ગયા હતા.
બર્લીન યુનિવર્સિટીની ખેતીવાડી કૉલેજમાં અને સૉઈલ સાયન્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ એબરસ્વાલ્ડમાં અભ્યાસ કર્યો. ત્યાંથી પી.એચડી. (ડૉક્ટર ઑફ ફિલોસોફી)નો અભ્યાસ કરવા અમેરિકામાં યુનિવર્સિટી ઑફ ઈલિનોયમાં ગયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
1933માં ડૉક્ટરેટની ડિગ્રી મેળવી તેઓ ભારત આવ્યા હતા. તેમની નજર સામે સ્વદેશ અને ખેડૂતો હતા. પાલીતાણા રાજ્યમાં મહારાજાએ જે કામ સોંપ્યું તે હોંશભર કર્યું. ત્યાંના નજરબાગ બગીચામાં બાજરો, જુવાર, કપાસ ઘઉં વગેરે ઉપર સંશોધન કર્યું.
ત્યાંના ખેડૂતોને બાજરાની નવી જાત આપી. તેમના જુવારના નમૂના સાગડીવીડી - જૂનાગઢ ફાર્મ પર ગયા. તેમાંની એસ - 28 જાત દેશભરમાં પ્રથમ આવી હતી.
'ડૉ. ઝવેરભાઈ એચ. પટેલની સંશોધનગાથા' નામનું એક પુસ્તક લખાયું છે. જે બળવંત વી. પટેલ અને જયંતીલાલ એસ. મેવાડાએ લખ્યું છે.
જેમાં નોંધ છે કે અભ્યાસ પૂરો કરી વિદેશથી પાછા આવી બીજા રાજ્યોમાં સારી એવી મોટા પગારની નોકરી સામેથી મળતી હતી છતાં તેમણે જે રાજ્યે પોતાને ભણાવ્યો હતો તે જ રાજ્યમાં નોકરી સ્વીકારી હતી. સાથોસાથ બાજરી, જુવાર, શેરડી, ઘઉં વગેરેમાં સંશોધન કરતા હતા.

ઘરને પણ ઘઉંની પ્રયોગશાળા બનાવી દીધું હતું
ઝવેરભાઈએ પોતાના ઘરને પણ ઘઉંની પ્રયોગશાળા જ બનાવી દીધું હતું. ઘરમાં ઘઉંના દાણાની કોથળીઓ અને ડૂંડા જ જોવા મળે. કોઈ અજણ્યો માણસ ઘરે આવી ચઢે તો તેને તો ઘઉંના ગોદામમાં આવી પહોંચ્યો હોય તેવું લાગે.
તેમણે લોકભારતીમાં જે ઘઉં સંશોધન કર્યું તે દરમ્યાન કોઈની નાણાકીય મદદ ન લેવાનો તેમનો નિર્ધાર હતો. પાલીતાણાથી સણોસરા પણ તેઓ સ્ટેટ ટ્રાન્સપૉર્ટની એટલે કે એસટી બસમાં જ જતા હતા.
પાલીતાણાની આસપાસનાં ખેતરોમાંય બસથી મુસાફરી કરતા હતા. પછીથી ઍમ્બેસેડર કાર રાખતા હતા. કોઈની પાસેથી પૈસો લીધા વગર એસટી બસમાં મુસાફરી કરીને વિદ્યાર્થીઓને સંશોધનમાં સાથે રાખીને જેણે ઘઉં માટે ભેખ ધારણ કર્યો હતો એ કોઈ કૃષિઓલિયાથી કમ હતો?
લોકભારતી સંસ્થામાં પણ વિદ્યાર્થીઓના રસોડે જ જમતા હતા. મનસુખ સલ્લાના પુસ્તક 'જીવતર નામે અજવાળું'માં તેઓ લખે છે કે, "વિદ્યાર્થીઓને રસોડે જમે. જમવાનો ખર્ચ આગ્રહ કરીને જમા કરાવે. સંસ્થાના સંચાલકો ગમે તેટલો આગ્રહ કરે તો પણ તેમનો જવાબ એક જ. નો, મારે ભોજનખર્ચ આપવું જ જોઈએ. આ તો નાનાભાઈ (ભટ્ટ)નું ઋણ છે, મારાથી સંસ્થાને ઘહારો ન દેવાય."
"મારે ઊલટાનો સંસ્થાનો આભાર માનવો જોઇએ કે ઘઉંના પ્રયોગોનું કામ કરવા દે છે. આ માટે વિદ્યાર્થીઓની આવડી મોટી ફોજ આપે છે. આવા જુવાન કાર્યકરોની મદદ આપે છે ને હાચું કઉં ભાઈ, મારા જેવા આગ્રહી અને આકરા માણહને બીજી કઈ સંસ્થા નભાવે?"

ઇમેજ સ્રોત, Zaverbhai ni sanshodhan gatha book
સામાન્ય રીતે નિવૃત્તિની વય પછી વ્યક્તિ એટલી સક્રિય નથી રહેતી અથવા તો આરામનું જીવન ગાળે છે. ઝવેરભાઈના કિસ્સામાં ઊંધું થયું.
તેમનું ખરૂં હીર નિવૃત્તિ પછી ઝળક્યું હતું. પાલીતાણામાં તેમણે 1933થી 1948 સુધી ડિરૅક્ટર ઑફ એગ્રિકલ્ચર અને છેલ્લાં ત્રણ વર્ષ રેવન્યુ કમિશનરની ફરજ બજાવી હતી.
એ પછી તેઓ ગુજરાત મુંબઈ સંયુક્ત રાજ્યના ડેપ્યુટી ડિરેક્ટર ઑફ એગ્રિકલ્ચર થયા અને 1958માં નિવૃત્ત થયા હતા. નિવૃત થયા પછીનાં ત્રીસ વર્ષ તેમણે સણોસરામાં આવેલી નાનાભાઈ ભટ્ટની શિક્ષણસંસ્થા લોકભારતીમાં ઘઉં સંશોધન પાછળ ખર્ચી નાખ્યા હતા.
ઝવેરભાઈનું ઘઉં સંશોધન તો લોકભારતીમાં જોડાયા તે અગાઉ શરૂ થઈ ચૂક્યું હતું. તેમણે પાલીતાણાની હાઈસ્કૂલનાં મેદાનના એક ભાગમાં તેમજ ભીતડિયા અને શિહોર ગામના ખેતરોમા ઘઉંના પાક પર પ્રયોગ કર્યા હતા.
1966 સુધી તેમનું આ પ્રકારે સંશોધન ચાલુ હતું. એ પછી તેમને લોકભારતી ગ્રામવિદ્યાપીઠ - સણોસરામાં સંશોધનનો અવસર મળ્યો.
ક્યારેક ઘરમાં ગુણી ઘઉં જુઓ કે લોક-1ની બનેલી રોટલી જમો ત્યારે ઝવેરભાઈ પટેલને યાદ કરી લેજો. કેટલાંક હીરો ફિલ્મો કે કથામાં નથી હોતા. આપણને ખબર પણ ન પડે એ રીતે ચૂપચાપ તેઓ પોતાનું કામ કરીને જતા રહે છે. ઝવેરભાઈનું 23-03-1989ના રોજ અવસાન થયું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















