કચ્છ : એ પરિવાર જેણે જુવાન દીકરાના મોત બાદ વિધવા પુત્રવધૂને ફરી પરણાવવા દીકરો દત્તક લીધો
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
"મારી સાથે જે પણ થયું એ ન તો મારાં બાળકોનો વાંક હતો, ન તો મારા સાસરિયાઓનો. એ લોકોએ તો મને દીકરીની જેમ રાખી અને હું અને મારાં બાળકો તેમનાંથી દૂર ન થઈએ તે માટે મારાં બીજાં લગ્ન કરાવવા દીકરો દત્તક લીધો."
આ વાત કહેતાં-કહેતાં મિત્તલબહેનની આંખોમાંથી આંસુ સરી પડે છે. છેલ્લા થોડાક મહિનાઓમાં તેમના જીવનમાં એવું કંઈક ઘટ્યું કે તેમની આખી જિંદગી પલટાઈ ગઈ.

ઇમેજ સ્રોત, Prashant Gupta
મિત્તલનાં પતિ સચીનનું આકસ્મિક અવસાન થયું અને તેઓ યુવાવયે વિધવા થઈ ગયાં, પોતાનાં બે બાળકોના ભવિષ્યની ચિંતા તો હતી જ અને હવે આગળ કરવું શું? એવો પ્રશ્ન તેમને મૂંઝવતો હતો.
અહીં રિવાજ એવો છે કે પતિના અવસાન બાદ બારમા દિવસે વિધવાને પીયરમાંથી તેડી જાય છે.
મિત્તલબહેનના સાસરિયા પુત્રવધૂ અને બે પૌત્રોને ક્યાંય જવા દેવા માગતા ન હતા, તેમણે એક એવો રસ્તો શોધ્યો જે તેમના સમાજમાં પહેલાં કોઈએ અપનાવ્યો ન હતો.
સાસરિયાઓએ મિત્તલબહેનને ફરી પરણાવવા માટે એક યુવક શોધ્યો, પહેલાં પરિવારે આ યુવકને પુત્ર તરીકે દત્તક લીધો અને બાદમાં તેમનાં લગ્ન કરાવ્યાં.
હવે મિત્તલબહેન પોતાનાં બે બાળકો, નવા પતિ સાથે પોતાના જૂના સાસરે જ રહે છે અને જીવનમાં નવી શરૂઆત તરફ આગળ વધી રહ્યા છે.

'એક જ વાતનો વસવસો છે કે હું કંઈ ના કરી શકી'

ઇમેજ સ્રોત, Prashant Gupta
કચ્છમાં આવેલા વરજડી ગામમાં રહેતાં મિત્તલબહેન અને સચીન ભીમાણીનાં લગ્ન 2010માં થયાં હતાં. 13 વર્ષનાં લગ્નજીવનમાં તેમને બે પુત્રો ધ્યાન અને અંશ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘરમાં જ તબેલો ધરાવતા અને શાકભાજીનું વેચાણ કરનારા સચીનભાઈ રોજ તેમનાં પત્ની અને પિતા સાથે મળીને ગાયો દોહતા હતા.
એક દિવસ ત્રણેય લોકો સાથે મળીને ગાયો દોહી રહ્યા હતા. ત્યારે એકાએક વીજકરંટ લાગતા સચીનભાઈનું મૃત્યુ થયું હતું.
આ ઘટના વિશે મિત્તલબહેન જણાવે છે, "એ સમયે હું તેમની બાજુમાં જ હતી. તેઓ મજાકિયા સ્વભાવના હતા, એટલે મને એમ કે મજાક કરે છે, કરંટ એટલો જોરદાર હતો કે તેમને હૉસ્પિટલ લઈ જઈએ એ પહેલાં જ બધું પૂરું થઈ ગયું."
સચીને મિત્તલબહેનના હાથોમાં જ દમ તોડ્યો હતો. તેઓ કહે છે, "મને આજે પણ એ દૃશ્ય યાદ છે. હું જ્યારે પણ મારા હાથ જોઉં છું, મને એ જ યાદ આવે છે. ખાલી એક જ વાતનો વસવસો છે કે હું કંઈ ના કરી શકી."
તેઓ આગળ કહે છે,"ત્યાર સુધી જે અમારો સંસાર એકદમ સુખેથી ચાલતો હતો, અચાનક જ તે પત્તાંના મહેલની જેમ ઢળી પડ્યો. મારા મગજમાં ઘણા વિચારો હતા, હું ઘણી મુંઝાયેલી હતી અને હવે આગળ શું કરવું તેનો મને કોઈ અંદાજ પણ ન હતો."
"હું બીજાં લગ્ન કરવા તૈયાર નહોતી. મારું અને મારાં બાળકોનું હવે શું થશે? આ વિચાર મને સતત ડંખ્યા કરતો હતો."

'પુત્રના અવસાન બાદ પૌત્રો અને વહુ જવાનો ડર'

ઇમેજ સ્રોત, Prashant Gupta
સચીનભાઈનું અવસાન થયા બાદ તેમના પિતા ઇશ્વરભાઈ અને માતા માલતીબહેન પડી ભાંગ્યાં હતાં. તેઓ અવારનવાર એક જ બાબત કહી રહ્યા હતા કે અમારાથી પુત્ર વગર જીવી નહીં શકાય.
મિત્તલબહેન ખુદ પતિના અવસાનથી હતાશ હતાં અને પોતાના પુત્રો અને સાસરિયાઓને છોડીને જવા માગતાં ન હતાં.
મિત્તલબહેનના સાસરિયા ઉકેલ માટે વિચારવા લાગ્યા અને છેલ્લે નક્કી કર્યું કે "જો મિત્તલ અને પૌત્રોને પોતાની સાથે જ રાખવા હોય તો તેને પસંદ આવે તેવો પુત્ર દત્તક લઈને ફરી વખત લગ્ન કરાવવા."
આ વિચાર તો ઉમદા હતો પણ મિત્તલબહેનના પરિવારને સમજાવવાની સાથે ખુદ મિત્તલબહેનને સમજાવવાનો પડકાર સામે હતો.

અને અંતે બીજાં લગ્ન નક્કી થયાં

ઇમેજ સ્રોત, Prashant Gupta
અત્યાર સુધી એવા કેટલાક કિસ્સા સામે આવ્યા છે, જ્યારે પતિના અવસાન બાદ સાસરિયાઓએ પુત્રવધૂનું કન્યાદાન કર્યું હોય, પણ પુત્રવધૂ માટે વરરાજાને દત્તક લેવામાં આવે તેવી આ કદાચ પ્રથમ ઘટના હતી.
લોકો શું કહેશે? આ મિત્તલબહેન અને સચીનભાઈ બંનેના પરિવારો માટે સૌથી મોટો પ્રશ્ન હતો.
જોકે, સમજાવટ અને વિચારવિમર્શ બાદ મિત્તલબહેનના પરિવારજનો આ માટે તૈયાર થયા, પરંતુ મિત્તલબહેન ખુદ તૈયાર ન હતાં.
તેઓ જણાવે છે, "હું મારા પુત્રોને છોડવા તૈયાર ન હતી. મારે બીજાં લગ્ન કરવા ન હતાં. પણ પછી મને લાગ્યું કે વડીલોએ નિર્ણય લીધો હશે તો કંઈક વિચારીને જ લીધો હશે."
તેઓ આગળ કહે છે, "મને જ્યારે કહેવામાં આવ્યું કે મારાં લગ્ન કરાવવા માટે તેઓ દીકરાને દત્તક લેશે અને તે અહીં આવીને સાથે રહેશે. તો એ સાંભળીને હું ચોંકી ગઈ હતી."
"સામાન્ય રીતે લગ્ન બાદ છોકરી સાસરે જતી હોય છે પણ છોકરો સાસરે આવે એ વિચારવું પણ મારા માટે અઘરું હતું."
પાંચેક મહિનાની સમજાવટ બાદ વડીલોની વાત માનીને મિત્તલબહેન પણ બીજાં લગ્ન માટે તૈયાર થયાં અને તેમનાં સાસુ-સસરાએ તેમના માટે નવો વર શોધવાની શરૂઆત કરી.
ત્રણેક વખત છોકરા જોયા બાદ પણ સફળતા ન મળી, અંતે વડાલી તાલુકાના વતની યોગેશભાઈ સાથે વાટાઘાટ શરૂ થઈ. મિત્તલબહેન અને યોગેશભાઈની એકબીજા સાથે રૂબરૂ મુલાકાત કરાવી, તેમણે થોડાક દિવસ એકબીજા સાથે વાત કરી અને અંતે લગ્ન માટે તૈયાર થયાં.

'મારાં માતાપિતાને સંભાળવા ભાઈઓ છે, અહીં કોઈ પુત્ર નથી'

ઇમેજ સ્રોત, Prashant Gupta
આખરે 28 મે 2022ના દિવસે યોગેશભાઈને ઈશ્વરભાઈ અને માલતીબહેને દત્તક લીધા, દત્તક લેવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ 29 મેના રોજ તેમનાં લગ્ન કરાવવામાં આવ્યાં અને લગ્ન બાદ તેઓ હવે સુખી સંપન્ન લગ્નજીવન માણી રહ્યાં છે.
યોગેશભાઈએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "હું પણ શરૂઆતમાં આ લગ્ન માટે તૈયાર ન હતો. મેં વિચારવા માટે બે મહિનાનો સમય લીધો. જ્યારે હું તેમને મળવા રૂબરૂ ગયો ત્યારે મને લાગ્યું કે પરિવારને પુત્રની જરૂર છે."
તેમણે આગળ કહ્યું, " મારા પરિવારમાં અમે ત્રણ ભાઈઓ છે અને મારાં માતાપિતાની સારસંભાળ તેઓ રાખશે પણ આ પરિવારમાં એક પણ પુત્ર જ નથી. જેથી હું તેમની અને મિત્તલની સંભાળ રાખીશ."
મિત્તલબહેનનું કહેવું છે કે એ જ માહોલમાં બીજી વ્યક્તિ સાથે રહેવામાં શરૂઆતમાં તેમને થોડી તકલીફ પડી હતી, પણ હવે તેઓ ધીમેધીમે જીવનમાં આગળ વધી રહ્યાં છે.
બંનેની લોકોને અપીલ છે કે નાની ઉંમરે વિધવા થયેલી મહિલાઓને જીવનમાં એક તક મળવી જોઈએ. તેઓ વિધવા થયા એમાં તેમનો કોઈ વાંક નથી.
(આ અહેવાલ માટે કચ્છના બીબીસીના સહયોગી પ્રશાંત ગુપ્તાના ઇનપુટ્સ મળેલા છે.)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













