ઝિમ્બાબ્વે સામે ભારતની 'કરો યા મરો' જેવી સ્થિતિ, જીતવા માટે આટલા પડકારો

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે સુપર-8નો અતિ મહત્ત્વનો મુકાબલો રમાવા જઈ રહ્યો છે.
ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાનાર આ મુકાબલો ભારતને સેમિફાઇનલમાં જવાની આશા જીવંત રાખવા ફરજિયાત જીતવો પડશે. બીજી તરફ ઝિમ્બાબ્વે આ હારશે તો સેમિફાઇનલની દોડમાંથી એ પણ લગભગ બહાર થઈ જશે.
ભારતનો સુપર-8ની પહેલી મૅચમાં દક્ષિણ આફ્રિકા સામે 76 રનથી પરાજય થયો હતો. આ હારને કારણે ભારતનો રન-રેટ પણ અતિશય ખરાબ છે તેના પર બંને મૅચ સારી રીતે જીતવાનું દબાણ પણ છે.
ભારતીય બૅટ્સમૅનોનું ફૉર્મ પડકારજનક સાબિત થઈ રહ્યું છે એવામાં ઝિમ્બાબ્વે સામેની આ મૅચ પર સૌની નજર છે.
ભારતના બૅટ્સમૅનોનું ફૉર્મ ચિંતાજનક

ઇમેજ સ્રોત, Getty Images
ભારત માટે સૌથી મોટી ચિંતા એ અભિષેક શર્માનું ફૉર્મ છે. વર્લ્ડકપ પહેલાં ધુંઆધાર પ્રદર્શન કરી રહેલા અભિષેક શર્મા વર્લ્ડકપની પહેલી ત્રણ મૅચમાં શૂન્ય પર આઉટ થયા હતા અને છેલ્લી મૅચમાં માંડ 15 રન બનાવી શક્યા હતા. ત્યારબાદ તેમની સતત ટીકા થઈ રહી છે.
અભિષેક શર્માને સ્થાને સંજુ સૅમસનનું પુનરાગમન થશે કે નહીં તેના પર પણ સૌની નજર છે.
સૂર્યકુમાર યાદવે સારા રન બનાવ્યા છે પરંતુ તેમનો સ્ટ્રાઇક કેટ તેમની સરેરાશ કરતાં ઘણો ઓછો છે. તિલક વર્મા પણ તેમના સરેરાશ સ્ટાઇક રેટ કરતાં ઘણું ધીમું રમી રહ્યા છે. તેના કારણે ઈશાન કિશન પર ઝડપી બેટિંગનો ભાર આવતો હોય તેવું પ્રતીત થાય છે.
દક્ષિણ આફ્રિકા સામેની હાર પછી ટીમમાં બૅલેન્સ જાળવવા માટે શું અક્ષર પટેલને સમાવાશે કે નહીં, તેના પર પણ નજર રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિંકુસિંહ પિતાની તબિયતને કારણે ટીમ છોડીને ગયા હતા અને એ કદાચ ટીમ સાથે ફરી જોડાશે એવું કહેવાઈ રહ્યું છે.
આ વર્લ્ડકપમાં સૌથી વધુ રન કરનારા ટોચના પાંચ બૅટ્સમેનોમાં ભારતનો કોઈ બૅટ્સમૅન સામેલ નથી.
આ વર્લ્ડકપમાં શ્રેષ્ઠ બૉલિંગ ઇકૉનોમી ધરાવતા ટોચના 15 બૉલરોમાં જસપ્રિત બુમરાહ સિવાય કોઈ નથી. ભારતના બૉલરો પ્રમાણમાં ખર્ચાળ સાબિત થઈ રહ્યા છે. એવામાં બૉલરોના પ્રદર્શન પર પણ ઘણો આધાર રહેશે.
ઝિમ્બાબ્વેની ટીમ આંચકો આપવા જાણીતી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વેની ટીમ ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકા જેવી ટીમોને હરાવીને સુપર-8માં પ્રવેશી છે, એવામાં તેને ભારત હળવાશમાં લેવાની ભૂલ નહીં કરે. આ ટીમ 2024માં તો વર્લ્ડકપમાં પણ ક્વૉલિફાઈ થઈ શકી નહોતી અને આ વખતે શાનદાર પ્રદર્શન કરી રહી છે.
છ ફૂટ છ ઇંચના 29 વર્ષીય બ્લૅસિંગ મુઝરબાનીએ વર્લ્ડકપમાં તરખાટ મચાવ્યો છે અને અત્યાર સુધીમાં 11 વિકેટ ઝડપી છે. આ વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનારા બૉલરોમાં તેઓ બીજા નંબરે છે.
બ્રેડ ઇવાન્સ બૉલિંગમાં બ્લૅસિંગ મુઝરબાનીનો સાથ આપી રહ્યા છે અને તેમણે પણ ચાર મૅચમાં નવ વિકેટ ઝડપી છે.
ઝિમ્બાબ્વેના ઑપનર્સે પણ તેમને વર્લ્ડકપમાં મળેલી સફળતામાં મોટી ભૂમિકા ભજવી છે. ઑપનર્સ બ્રાયન બેનેટ અને મારુમાનીએ ટીમને ઝંઝાવાતી શરૂઆત અપાવી છે.
ઑપનિંગ જોડીએ ઑસ્ટ્રલિયા અને શ્રીલંકા સામે 60 રન કરતાં વધુની ભાગીદારી કરીને ઝંઝાવાતી શરૂઆત અપાવી હતી. બ્રાયન બેનેટે ચાર મૅચમાં 180 રન ફટકાર્યા છે.
ઝિમ્બાબ્વેના કૅપ્ટન સિકંદર રાઝાના પણ નેતૃત્વ માટે વખાણ થાય છે. તેમણે શ્રીલંકાને તેના હૉમગ્રાઉન્ડ પર હરાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેમણે 26 બૉલમાં 45 રન ફટકાર્યા હતા. તેઓ સારી ઇકૉનોમી સાથે બૉલિંગ પણ કરી રહ્યા છે.
પીચ રિપોર્ટ અને રેકૉર્ડ
ટી-20માં ભારતનો ઝિમ્બાબ્વે સામેનો રેકૉર્ડ ઘણો સારો રહ્યો છે. સામસામેના 13 મુકાબલામાં ભારતની 10 મુકાબલામાં જીત થઈ છે અને ત્રણ મુકાબલામાં હાર થઈ છે.
ચેન્નાઈની પીચ મોટા ભાગે બૅટ્સમૅનોના પક્ષમાં રહી છે અને અંદાજે 170-190 રનનો સ્કોર અપેક્ષિત છે. પરંતુ આ સ્પિન બૉલરો માટે પણ ફાયદાકારક નીવડતી રહી છે.
પૉઇન્ટ ટેબલમાં ભારતની સ્થિતિ અને સેમિફાઇનલનું ગણિત

ઇમેજ સ્રોત, Getty Images
સુપર-8ના ગ્રૂપમાં ભારત સાથે વેસ્ટ ઇન્ડીઝ, ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા છે.
વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાએ પોતાની સુપર-8ની પહેલી મૅચ જીતી લીધી છે અને ભારત અને ઝિમ્બાબ્વે પોતપોતાની પહેલી મૅચ હારી ચૂક્યા છે.
વેસ્ટ ઇન્ડીઝ +5.350ના રનરેટ અને 2 પોઇન્ટ સાથે ગ્રૂપમાં પહેલા નંબરે છે તથા દક્ષિણ આફ્રિકા +3.800ના રનરેટ સાથે ગ્રૂપમાં બીજા નંબરે છે. ભારતનો રનરેટ -3.800 છે અને ત્રીજા નંબરે છે. જ્યારે ઝિમ્બાબ્વે -5.350 રનરેટ સાથે છેલ્લા ક્રમે છે.
ભારતને સેમીફાઇનલમાં પહોંચવા માટે બંને મૅચ ફરજિયાત અને એ પણ વધુ અંતરથી જીતવી પડશે. એટલું જ નહીં, નવાં સંભવિત સમીકરણોમાં ભારતને સમિફાઇનલમાં પહોંચવા માટે બીજી ટીમો પર પણ નિર્ભર રહેવું પડી શકે છે.
ભારત બંને મૅચ જીતી જાય અને દક્ષિણ આફ્રિકા બંને મૅચ જીતી જાય તો ભારતના ચાર પૉઇન્ટ થશે અને દક્ષિણ આફ્રિકાના છ પૉઇન્ટ થશે. જોકે, એવામાં ભારત આસાનીથી ક્વૉલિફાઈ કરી લેશે. પરંતુ ભારત એક મૅચ હારી જાય તો વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ જવાનો ડર છે.
જો ભારત પોતાની બંને મૅચ જીતે અને દક્ષિણ આફ્રિકા એક મૅચ હારે તો એવી સ્થિતિમાં બંને ટીમોના 4-4 અંક થશે.
ઉપરાંત દક્ષિણ આફ્રિકા જે ટીમ સામે હારશે, ભારતની સંભાવનાઓ યથાવત્ રહે તે માટે જરૂરી છે કે તે ટીમ પોતાની આગલી મૅચ હારી જાય.
દાખલા તરીકે જો વેસ્ટ ઇન્ડિઝ દક્ષિણ આફ્રિકાને હરાવી દે, એ પરિસ્થિતિમાં ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડિઝનો મુકાબલો મહત્ત્વપૂર્ણ બની જશે.
ભારતે ત્યારે આશા રાખવી પડશે કે ઝિમ્બાબ્વે વેસ્ટ ઇન્ડિઝને હરાવી દે. એવામાં વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબવેના બે-બે અંક રહી જશે, એવી સ્થિતિમાં ભારત અને દક્ષિણ આફ્રિકા 4-4 અંક સાથે ક્વૉલિફાય કરશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












