ગાયનું હૃદય, લીવર, મધ - ગોલ સ્કોરિંગ મશીન કહેવાતા નોર્વેજીયન ખેલાડી હાલેન્ડ શું ખાય છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડોરિસ બ્રૂક
- પદ, બીબીસી ન્યૂઝ મુન્ડો
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
નૉર્વેએ છેલ્લે 1998માં ફૂટબૉલ વર્લ્ડકપમાં ભાગ લીધો ત્યારે અર્લિંગ હાલેન્ડનો જન્મ પણ થયો ન હતો.
અલબત, આજે 25 વર્ષના આ સ્ટ્રાઇકરની આગેવાની હેઠળની નૉર્વેની ટીમે પાંચ વખતની ચૅમ્પિયન બ્રાઝિલની ટીમને બે ગોલથી હરાવીને વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલ માટે ક્વૉલિફાઈ કર્યું છે.
હકીકતમાં 1.96 મીટર ઊંચા આ "ઍન્ડ્રૉઇડ" (હાલેન્ડનું હુલામણું નામ) ચૅમ્પિયનશિપના ટૉપ સ્કોરર બનવાની સ્પર્ધામાં છે. આર્જેન્ટિનાના સ્ટાર લિયોનલ મેસ્સી અને ફ્રેન્ચ સ્ટાર કિલિયન એમબાપેની માફક તેમણે પણ સાત ગોલ ફટકાર્યા છે.
થોડા દિવસ પહેલાં સેનેગલ વિરુદ્ધ બે ગોલ કર્યા પછી હાલેન્ડે હસતાં હસતાં કહ્યું હતું કે "મને ખબર નથી, પણ ગોલ ફટકારવા એ મારી ખાસિયત છે..બસ એવું જ છે."
પહેલીવાર ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચીને નૉર્વેએ ઇતિહાસ રચ્યો છે, પરંતુ શનિવારે તેઓ ઇંગ્લૅન્ડને હરાવીને સેમીફાઇનલમાં પહોંચશે તો વધુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકશે.
તેમાં પણ નૉર્વેને ફરીથી એકવાર હાલેન્ડ પાસેથી દમદાર દેખાવની અપેક્ષા હશે. અમે આપને હાલેન્ડ વિશેની એવી પાંચ વાત જણાવીએ છીએ, જે તમે કદાચ નહીં જાણતા હો.
હાલેન્ડનો જન્મ ઇંગ્લૅન્ડમાં થયો પણ તેઓ નૉર્વે માટે રમે છે

ઇમેજ સ્રોત, Getty Images
હાલેન્ડનો જન્મ વર્ષ 2000માં ઇંગ્લૅન્ડના લીડ્સ શહેરમાં થયો હતો. તેમના પિતા અલ્ફ-ઈંગે હાલેન્ડ નૅશનલ ટીમના ખેલાડી હતા અને અમેરિકામાં યોજાયેલા 1994ના વર્લ્ડકપમાં રમ્યા હતા. અલ્ફ-ઈંગે હાલેન્ડ લીડ્સ યુનાઇટેડ ક્લબ માટે રમતા હતા.
અર્લિંગ હાલેન્ડ માત્ર ચાર વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર દક્ષિણ નૉર્વેના તેમના વતન બ્રાઇન પાછો ફર્યો હતો. ત્યાં હાલેન્ડે નાની વયે ફૂટબૉલ તથા જમ્પિંગ અને સાયકલિંગ જેવી રમતો રમવાનું શરૂ કરી દીધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કોચ અલ્ફ ઈંગ્વે બર્નટસેને ગોલ નામના સામયિકને કહ્યું હતું કે, "મેં અર્લિંગને પહેલીવાર જોયો ત્યારે તે પાંચ વર્ષનો હતો અને તેનાથી એક વર્ષ મોટા બાળકોના ગ્રૂપ સાથે ઇન્ડોર ટ્રેનિંગમાં સામેલ થયો હતો."
"તેણે પહેલાં બે ટચને જ ગોલમાં પરિવર્તિત કર્યા હતા. એ અગાઉ ક્લબ માટે ક્યારેય રમ્યો ન હતો, પરંતુ પહેલેથી જ બહુ સારો ખેલાડી છે."
"અર્લિંગ તેના સાથી ખેલાડીઓથી થોડો નીચો હતો, કારણ કે તે એક વર્ષ નાનો હતો, પરંતુ પ્રતિસ્પર્ધી તેનાથી લાંબો હોય તો પણ તે ગોલ ફટકારી દેતો હતો."
"અર્લિંગ 11-12 વર્ષનો થયો ત્યારે જ અમને ખબર પડી ગઈ હતી કે તે બહુ આગળ જશે. અમને ત્યારે જાણી ગયા હતા કે તેનામાં યૂથ ઇન્ટરનૅશનલ ખેલાડી બનવાની કાબેલિયત છે."
અર્લિંગ 15 વર્ષની વયથી બ્રાઇન એફકે નામની એક નાની ક્લબ માટે રમવા લાગ્યો હતો. આ ક્લબ તેના દેશમાં બીજા અને પહેલા ડિવિઝન વચ્ચે સતત આગળ-પાછળ થતી રહી છે.
ગોલ ફટકારવાની શાનદાર કાબેલિયતને લીધે અર્લિંગે નૉર્વેની એક અન્ય ક્લબ મોલ્ડ એફકે સાથે કૉન્ટ્રૅક્ટ કર્યો હતો. આ ક્લબના મૅનેજર વિખ્યાત સ્ટ્રાઇકર ઓલે ગુનાર સોલ્સ્કજેર હતા. તેમને હાલેન્ડના માર્ગદર્શકો પૈકીના એક માનવામાં આવે છે.
ઑસ્ટ્રિયાની રેડ બુલ સાલ્ઝબર્ગ ક્લબ માટે રમતી વખતે જ અર્લિંગે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું અને પછી જર્મન ક્લબ બોરુસિયા ડોર્ટમુંડમાં આગવું સ્થાન બનાવ્યું હતું.
આજે હાલેન્ડ ઇંગ્લૅન્ડની મૅનચેસ્ટર સિટી ટીમના સ્ટાર ખેલાડી છે.
હાલેન્ડ નૅશનલ ટીમનું ગોલ-સ્કોરિંગ મશીન કેમ કહેવાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્લ્ડકપમાં હાલેન્ડ પર આખા દેશની અપેક્ષાનો જ નહીં, પરંતુ એ તમામ જૂના ખેલાડીઓની અપેક્ષાઓનો બોજ પણ છે, જેઓ વર્લ્ડકપમાં રમવાના પોતપોતાનાં સપનાં સાકાર કરી શક્યા નથી.
1994 અને 1998ની ટુર્નામેન્ટમાં સતત રમ્યા પછી નૉર્વે લાંબા સમય સુધી ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટમાંથી બહાર રહ્યું હતું. નૉર્વેએ છેલ્લે વર્ષ 2000માં યૂરો કપમાં ભાગ લીધો હતો.
પોતાની નૅશનલ ટીમ માટે રમતાં મૅનચેસ્ટર સિટીના આ સ્ટ્રાઇકરે નૉર્વે માટે પોતાની છેલ્લી 14 સત્તાવાર મૅચો પૈકીની દરેકમાં ગોલ ફટકાર્યા હતા. એ દરમિયાન તેમે કુલ 27 ગોલ કર્યા હતા.
તેણે કુલ 54 ઇન્ટરનૅશનલ મૅચોમાં 62 ગોલ ફટકાર્યા છે. એટલે કે પ્રત્યેક 71 મિનિટમાં સરેરાશ એક ગોલ.
હાલેન્ડ શું ખાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
હાલેન્ડ સોશિયલ મીડિયાનો ઉપયોગ તેના અંગત જીવન અને તેની ખાસ આહાર પદ્ધતિને દર્શાવવા માટે કરે છે.
આ યુવા સ્ટ્રાઇકર આહારમાં રોજ લગભગ 6,000 કૅલેરી લે છે. તેમના આહારમાં ગાયનું હૃદય અને લિવરથી માંડીને મધ તથા દૂધ જેવા પ્રોટીનના કેટલાક સ્રોત સામેલ હોય છે.
આ યુવા ખેલાડીએ તેમના એક વીડિયોમાં કહ્યું હતું કે "હું મારી જાતને વધુને વધુ બહેતર બનાવવા માટે શક્ય તેટલા પ્રયાસો કરતો રહું છું."
હાલેન્ડની કેટલીક આદતો બહુ આકરી છે. જેમ કે રાતે તેઓ તમામ પ્રકારની ડિવાઇસ બંધ કરી દે છે અને ઓછામાં ઓછી 10 કલાકની ઊંઘ લે છે.
જોકે, આ કોઈ નવી વાત નથી. વાસ્તવમાં ઑસ્ટ્રિયામાં રેડ બુલ સાલ્ઝબર્ગમાં હાલેન્ડ રમતા હતા ત્યારથી જ તેમના સાથી ખેલાડીઓ આટલી ઓછી વયે જાતનું ધ્યાન રાખવાના હાલેન્ડના પ્રયાસોથી આશ્ચર્યચકિત થતા હતા.
હાલેન્ડના ભૂતપૂર્વ સાથી ખેલાડી મૅક્સિમિલિયન વોબરે DAZN સામયિકને કહ્યું હતું કે "હાલેન્ડ એક ટૉપ-ક્લાસ પ્રોફેશનલ છે. પ્રવાસ દરમિયાન અમે ગંજીપત્તાથી રમતા હોઈએ છીએ ત્યારે તે પોતાની ઊંઘ કે ડાયટ બહેતર બનાવવા વિશેના વૈજ્ઞાનિક લેખો વાંચતો હોય છે."
"ખુદને બહેતર બનાવીને એક ડગલું આગળ રહી શકાય એવી તમામ નાની-નાની ચીજોની શોધમાં તે કાયમ હોય છે."
'બ્રોટ' હોવાનો ગર્વ

ઇમેજ સ્રોત, Getty Images
લીડ્સમાં જન્મ થયો હોવાને કારણે હાલેન્ડ ઇંગ્લૅન્ડની ટીમ માટે રમી શક્યા હોત અને યુરોપ તથા વૈશ્વિક ફૂટબૉલમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી શક્યા હોત, પરંતુ આ વિકલ્પ તેમના માટે ન હતો.
નૉર્વેના સ્પોર્ટ્સ જર્નલિસ્ટ ઍન્ડ્રિયાસ કોર્સુંડે બીબીસી સ્પોર્ટને કહ્યું હતું કે "વૈશ્વિક સુપરસ્ટાર હોવા છતાં હાલેન્ડ પહેલાં જેવો જ રહ્યો છે."
"એ જાણે છે કે તે ક્યાંથી આવ્યો છે. તે રોગાલૅન્ડમાંના તેના નાનકડા વતનની મુલાકાતે વારંવાર જાય છે."
"તેને તેના મૂળનો બહુ ગર્વ છે અને એ તેના દેશનું પ્રતિનિધિત્વ કરતો હોય ત્યારે નૉર્વેજિયન પ્રેસ માટે કાયમ ઉપલબ્ધ રહે છે."
હાલેન્ડને નૉર્વેના વાઇકિંગ ઇતિહાસમાંથી પ્રેરણા મળે છે અને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાનો તેને બહુ જ ગર્વ છે.
પોતાના મૂળ સાથેના આવા જોડાણને કારણે તેણે પોતાની નેશનલ ટીમની જર્સી પાછળ પોતાની આખી અટક 'બ્રૉટ હાલેન્ડ' લખાવી છે.
'બ્રૉટ' તેમનાં માતાની લગ્ન પહેલાંની સરનેમ છે અને એ અટકને પિતાની સરનેમ સાથે જોડવાની નૉર્વેની એક પરંપરા છે.
ઍન્ડ્રિયાસ કોર્સુંડે કહ્યું હતું કે, "હાલેન્ડ માટે નૉર્વે સર્વસ્વ છે. એ દુનિયાની સૌથી લોકપ્રિય રમતનો અદ્વિતીય સુપરસ્ટાર બની ગયો છે."
"55 લાખથી થોડી વધુ વસ્તી ધરાવતો દેશ વિશ્વના ઉત્તમ ફૂટબૉલર્સ પૈકીના એકને તૈયાર કરે તે ખરેખર કમાલની વાત છે."
હાલેન્ડ કેમ નૉર્વેજિયન શૈલીથી બિલકુલ અલગ પર્સનાલિટી ધરાવે છે

ઇમેજ સ્રોત, Getty Images
1.95 મીટરની જબરી ઊંચાઈ અને સોનેરી વાળવાળા હાલેન્ડ ફૂટબૉલની દુનિયાના સૌથી વધુ જાણીતા ખેલાડીઓ પૈકીના એક બની ગયા છે.
મૅનચેસ્ટર સિટીમાં વસવાટ દરમિયાન તેનો ચિત્તાકર્ષક અંદાજ લોકોને ગમવા લાગ્યો હતો અને (ક્યારેક બહુ 'અંગ્રેજી' લાગે તેવા) મજાકિયા સ્વભાવે ચાહકોનાં દિલ જીતી લીધાં હતાં.
તેમની એક યુ ટ્યૂબ ચૅનલ છે. આ ચૅનલ પર તે "અ ડે ઇન ધ લાઇફ ઑફ હાલેન્ડ" જેવા વીડિયો પોસ્ટ કરે છે.
તેમની ચૅનલના 16 લાખ સબસ્ક્રાઇબર્સ છે.
હાલેન્ડ 'ViQueens' નામની એક એનિમેટિડ ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તે વાઇકિંગ નામના પાત્રને પોતાનો અવાજ આપવાના છે. એ પાત્રનું નામ પણ હાલેન્ડ છે.
નૉર્વેના પત્રકાર લાર્સ સિવર્ટસેને કહ્યું હતું કે, "અર્લિંગ કેટલીક બાબતોમાં નૉર્વેના લોકો જેવો ન હોય એવું મને લાગે છે."
"તેને પોતાના પર ભરોસો હોય છે અને ક્યારેક મજાક-મસ્તી પણ કરી લે છે. તે પોતાના મૂલ્ય અને કાબેલિયતથી સંપૂર્ણપણે વાકેફ છે તથા તેને પોતાના પર સંપૂર્ણ ભરોસો છે."
"સ્કેન્ડેનેવિયન સંસ્કૃતિમાં વિનમ્રતા પર વધારે ભાર મૂકવામાં આવે છે અને અર્લિંગ તો બૅન્ચ પર બેસવા બાબતે પણ ફરિયાદ કરી શકે છે. તેથી મને લાગે છે કે નોર્વેના લોકો માટે તે થોડો અલગ કે 'આઉટસાઇડર' જેવો છે...આ બાબત તેને આપણા માટે દિલચસ્પ હીરો બનાવે છે."
તેની પ્રખ્યાતિની સાથે સુપરસ્ટારપદ સાથે સંકળાયેલી બાબતો પણ આવે છે. તેમાં શર્ટ્સને વેચાણ, વર્લ્ડકપમાં લોકોના વધતા રસ અને યુવાઓ માટે પ્રેરણાનો સમાવેશ થાય છે.
લાર્સ સિવર્ટસેનના કહેવા મુજબ, "હવે તેનું સ્ટારડમ, આપણે આપણા સ્પોર્ટ્સ હીરોમાં જોયું છે તેના કરતાં, બિલકુલ અલગ કૅટેગરીનું છે, પરંતુ મને લાગે છે કે સમગ્ર દેશના સંદર્ભમાં જોઈએ તો લોકોને એ વાતનો ગર્વ છે કે આ કમાલનો ખેલાડી તેમના દેશનો છે."
(પૂરક માહિતીઃ જેસ એન્ડરસન અને અદ્વૈત રાજન, બીબીસી સ્પોર્ટ)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























