દુનિયાના સૌથી મોંઘા રેસના ઘોડાને બુકાનીધારી ઉઠાવી ગયા, વણઉકેલ્યું રહસ્ય

રેસનો ઘોડો, શેરગર, આગાખાન, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Micheal Daines/Mirrorpix/Getty Images

ઇમેજ કૅપ્શન, ડર્બી વિજેતા રેસહોર્સ શેરગર સ્ટેબલ્સમાં. 6 જૂન 1981 (ફાઇલ ફોટો)
    • લેેખક, ગ્રેગ મેકકેવિટ
  • વાંચવાનો સમય: 7 મિનિટ

આ એક એવા અશ્વની વાત છે, જેની તોલે કોઈ આવી શકે તેમ નહોતું. શેરગર નામનો ઘોડો દુનિયાનો સૌથી પ્રસિદ્ધ અને મૂલ્યવાન અશ્વ હતો.

આઠમી ફેબ્રુઆરી, 1983ના રોજ જ્યારે હથિયારબંધ લોકો આયર્લૅન્ડના એક અશ્વ સંવર્ધન ફાર્મમાંથી તેને ઉઠાવી ગયા, તે સમયે બીબીસીએ આ સનસનાટી મચાવી દેનારી સાચી ઘટનાનો અહેવાલ આપ્યો હતો.

1983ની એક કડકડતી રાત્રે શેરગર નામના એક પુરસ્કાર વિજેતા અશ્વનું આયર્લૅન્ડના સ્ટડ ફાર્મમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. બીબીસીના નિકોલસ વિટચેલના જણાવ્યા પ્રમાણે, "હોર્સરેસની દુનિયામાં કેટલીક વખત ડોપિંગ કે પછી ફિક્સિંગ જેવાં કૌભાંડો થતાં હોય છે, પણ અપહરણની આ ઘટના પ્રથમ વખત બની હતી. સશસ્ત્ર ગુનેગારોની ટોળકી એક જાતવાન ઘોડાને ચોરી ગઈ, તેને પગલે વ્યાપક આક્રોશ ફેલાયો હતો."

તે સમયે, શેરગર રમતમાં શાનદાર દેખાવ કર્યા પછી પ્રજનનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. ઘોડાનો રેકૉર્ડ જેટલો ઉજ્જ્વળ હોય છે, તેની સેવાના દામ પણ એટલા જ ઊંચા મળે છે.

1981ના એપ્સમ ડર્બીમાં વિજેતા બનવા બદલ શેરગરની ભારે માગ હતી, જે આ દોડના 246 વર્ષના ઇતિહાસની સૌથી યાદગાર ક્ષણો પૈકીની એક છે. તે ઘોડો વિક્રમી 10 લેન્થની આગેવાની સાથે વિજય તરફ આગળ ધપી રહ્યો હતો, તે સમયે બીબીસીના કૉમેન્ટેટર પિટર બ્રોમલીએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું, "આમાં માત્ર એક જ ઘોડો દેખાય છે. બાકીના ઘોડા જોવા માટે દૂરબીનની જરૂર પડશે."

શેરગરના લીલા રંગના રેશમી વસ્ત્ર પર લાલ રંગના એપોલેટ્સ લાગેલાં હતાં, તે તેના માલેતુજાર માલિક અને અધ્યાત્મિક ગુરુ આગા ખાનના રેસિંગ કલર હતા.

2011માં તેમણે બીબીસીને જણાવ્યું હતું કે, શેરગરની જીતનું દૃશ્ય આજે પણ તેમના સ્મૃતિપટ પર અકબંધ છે. "બે વાત મને આશ્ચર્યજનક લાગી હતીઃ એક તો, તે ઘોડાની સહજ ગતિ અને બીજું કે, ફિનિશિંગ લાઇન પછી પણ તે આગળ વધતો જ રહ્યો, વધતો જ રહ્યો. તે ખરેખર અદભુત હતું."

મૂલ્યવાન ઘોડાનું અપહરણ

રેસનો ઘોડો, શેરગર, આગાખાન, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, શેરગર નામનો ઘોડો દુનિયાનો સૌથી પ્રસિદ્ધ અને મૂલ્યવાન અશ્વ હતો

આયરિશ ડર્બી અને કિંગ જ્યૉર્જ VI ચેઝમાં મળેલા વિજયથી શેરગરને રેસિંગના વૈશ્વિક સુપરસ્ટારનો દરજ્જો મળી ગયો. આગા ખાને તેમના આ અમૂલ્ય ઘોડાની કિંમત 10 મિલિયન પાઉન્ડ (અત્યારના 36 મિલિયન પાઉન્ડ અથવા 49 મિલિયન ડૉલર) આંકી અને 2,50,000 પાઉન્ડ પ્રતિ શૅરની કિંમત પર 34 શૅર વેચી દીધા તથા છ શૅર પોતાની પાસે રાખ્યા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બાકીના શૅર ધનાઢ્ય આંતરરાષ્ટ્રીય રોકાણકારોએ શેરગરની ભવિષ્યમાં ચૅમ્પિયન પેદા કરવાની ક્ષમતા પર દાવ લગાવતાં ખરીદ્યા. જ્વલંત વિજય બાદ, શેરગરને રિપબ્લિક ઑફ આયર્લૅન્ડમાં એક બ્રીડિંગ હોર્સ (સંવર્ધન અશ્વ) તરીકે જીવન શરૂ કરવા માટે સેવાનિવૃત્ત કરવામાં આવ્યો - ઝડપથી વૃદ્ધિ સાધી રહેલા ઊંચી ઓલાદના ઘોડાઓના સંવર્ધનના ઉદ્યોગ માટે આ એક મોટી સફળતા હતી, જેમાં વંશને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે.

વિશ્વના સૌથી મૂલ્યવાન અશ્વ તરીકે, શેરગરે 1982માં 80,000 પાઉન્ડ પ્રતિ ઘોડી (અત્યારના 2,90,000 પાઉન્ડ અથવા 3,96,000 ડૉલર)ના દરે 44 ઘોડી સાથે મેટિંગ કર્યું હતું. 1983ના પ્રારંભ સુધીમાં કાઉન્ટી કિલ્ડારેમાં આગા ખાનના બેલીમની સ્ટડ ફાર્મમાં તેની બીજી સિઝન સંપૂર્ણપણે બુક થઈ ચૂકી હતી અને તેના શૅરધારકો વધુ એક લાભદાયી વર્ષની અપેક્ષા સેવી રહ્યા હતા, પરંતુ આઠમી ફેબ્રુઆરીના રોજ હથિયારબંધ અપહરણકર્તાઓ માસ્ક પહેરીને ફાર્મમાં ઘૂસ્યા.

આટલા મૂલ્યવાન ઘોડા માટે સુરક્ષા નામમાત્ર હતી. મુખ્ય ઘોડેસવાર જેમ્સ ફિટ્ઝગેરાલ્ડના પરિવારને બંદૂકના નાળચે બંધક બનાવી દઈને ફિટ્ઝગેરાલ્ડને શેરગરને એક ટ્રેલરમાં પૂરવાનો આદેશ આપવામાં આવ્યો.

ફિટ્ઝગેરાલ્ડને એક અલગ વાનમાં બેસાડીને અમુક કલાકો સુધી ફેરવવામાં આવ્યા. તેમને આશરે 40 માઈલ દૂર છોડતાં પહેલાં અપહરણકર્તાઓએ તેમને "કિંગ નેપ્ચ્યૂન" પાસવર્ડ આપ્યો, જેનો ઉપયોગ તેઓ ખંડણીની વાતચીતમાં પોતાની અસલિયત પુરવાર કરવા માટે કરવાના હતા.

તેમણે ફિટ્ઝગેરાલ્ડને ચૂપ રહેવાની ધાક-ધમકી આપી હોવાથી તેમણે ઘણા કલાકો સુધી પોલીસને જાણ ન કરી.

તે પછી થયેલા ઊહાપોહમાં ઘણા અર્જન્ટ ફોન-કૉલ્સ કરવામાં આવ્યા. આંચકાજનક વાત એ હતી કે, પોલીસને આઠ કલાક પછી આ અપહરણની જાણ થઈ, પણ બે આયરિશ કૅબિનેટ મંત્રી સુધી આ ખબર પહોંચી ચૂક્યા હતા. ત્યાં સુધીમાં શરૂઆતના મહત્ત્વના તબક્કામાં થયેલા વિલંબને કારણે મામલાને લગતી ઘણી બધી વિગતો રફેદફે થઈ ગઈ હતી.

ચીફ સુપરિન્ટેન્ડેન્ટ જેમ્સ મર્ફી પોલીસ તપાસનો જાહેર ચહેરો બની ગયા. ચહેરા પર નિખાલસતા સાથે તે ટ્રિલ્બી ટોપી પહેરેલા ડિટેક્ટિવે એક પત્રકારપરિષદમાં કહ્યું હતું: "કડી? તે તો અમને મળી નથી."

મશીનગન લઈને ઘૂસ્યા બુકાનીધારીઓ

રેસનો ઘોડો, શેરગર, આગાખાન, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઇરિશ સ્ટડ ફાર્મ જેમાંથી આ ઘોડાને ઉઠાવી લેવામાં આવ્યો હતો

અપહરણ પાછળના સંભવિત હેતુઓને લઈને અટકળો લગાવાઈ રહી હતી. બીબીસીના રેસિંગ સંવાદદાતા જુલિયન વિલ્સને સ્પૉર્ટનાઇટના ડેસ લિનામને કહ્યું હતું, "ઘોડાનો કોઈ પણ ચોર પોતાની ઘોડી સાથે શેરગનનું મેટિંગ કરાવવા માટે તલપાપડ હશે... પણ હવે ઘોડાના વછેરાની ઓળખ અને બ્લડ ટાઇપિંગની પ્રક્રિયા એટલી કુશળ થઈ ગઈ છે કે, આયરિશ રેસિંગમાં શેરગરના કોઈ નકલી વછેરાને લાવવો મુશ્કેલ છે."

અન્ય એક મોં-માથાં વગરની થિયરી એ હતી કે, ઘોડાને આઇઆરએફ માટે હથિયારોના બદલામાં આયર્લૅન્ડથી લીબિયાના કર્નલ ગદ્દાફી પાસે લઈ જવાયો હતો. આર્થિક ભીંસમાં સપડાયેલા આયરિશ રિપબ્લિકન અર્ધલશ્કરી જૂથને મુખ્ય શંકાસ્પદ માનવામાં આવ્યું હતું, જે તેના હિંસક અભિયાન માટે ભંડોળ એકઠું કરવા ઘણા લોકોનાં અપહરણ કરી ચૂક્યું હતું.

પછીથી માલૂમ પડ્યું કે, અપહરણ પાછળનો એકમાત્ર હેતુ પૈસા મેળવવાનો હતો. શેરગરના અપહરણના 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં અપહરણકારોએ કિંગ નેપ્ચ્યૂન કોડ વાપરીને બેલીમની સ્ટડને ફોન કરીને 20 લાખ પાઉન્ડ (વર્તમાન સમયના 70 લાખ પાઉન્ડ અથવા 95 લાખ ડૉલર) ખંડણીપેટે માગ્યા.

ખંડણી ચૂકવવી કે નહીં, તેને લઈને શૅરધારકોમાં મતભેદો હતા. અમેરિકન ટ્રેનર બ્રાયન સ્વીની રકમ ચૂકવવાની તરફેણમાં હતા.

તેમણે બીબીસીને કહ્યું હતું, "કોઈ બાળકનું અપહરણ થયું હોય અને તેની માતાને પૂછવામાં આવે કે, ખંડણી આપવી જોઈએ કે નહીં, તો તે તરત જ હકારમાં જવાબ આપશે." પણ 18મી સદીના જે અંગ્રેજ ઉમરાવના નામ પરથી આ પ્રસિદ્ધ હોર્સ રેસનું નામ રાખવામાં આવ્યું હતું, તેમના વંશજ લૉર્ડ ડર્બીનું માનવું હતું કે, જો ખંડણી ચૂકવવામાં આવી, તો "આવનારાં વર્ષોમાં અન્ય ઘોડાઓના અપહરણ થવાનું પણ સંકટ તોળાશે અને તે સાંખી ન લેવાય."

ઘોડાના બદલામાં પૈસાની માગણી

રેસનો ઘોડો, શેરગર, આગાખાન, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રેસિંગના વૈશ્વિક સુપરસ્ટારનો દરજ્જો મળ્યો હતો

શેરગરનું અપહરણ થયું હતું, તે સ્થળેથી આશરે 130 માઈલ ઉત્તરે બેલફાસ્ટસ્થિત બીબીસીના ન્યૂઝરૂમમાં એક દિવસ પછી અજાણી વ્યક્તિનો ફોન આવતાં તપાસમાં નવો વળાંક આવ્યો. અજાણ્યા કોલરે કહ્યું કે, માત્ર ત્રણ અગ્રણી અંગ્રેજી હોર્સરેસિંગ પત્રકારો સાથે જ વાટાઘાટ કરવામાં આવશે.

તે પછીની સાંજ સુધીમાં તેમણે બેલફાસ્ટની યુરોપા હોટલ પહોંચવાનું હતું, જે ઉત્તર આયર્લૅન્ડમાં અશાંતિ દરમિયાન વિશ્વમાં સૌથી વધુ બૉમ્બમારાનો સામનો કરનારી હોટલ ગણાતી હતી. તે પૈકીના એક પત્રકાર આઇટીવીના રેસિંગ પ્રેઝન્ટર ડેરેક થોમ્પસન હતા, જેમણે 2013માં બીબીસીની વિટનેસ હિસ્ટ્રીને જણાવ્યું કે, તેઓ પહોંચ્યા, તે સાથે જ અપહરણકારોનો ફોન આવ્યો હતો.

તેમને બેલફાસ્ટથી આશરે 30 માઈલ દૂર ડાઉનપેટ્રિક પાસે રેસહોર્સના અશ્વોના બ્રીડર જેરેમી મેક્સવેલના અંતરિયાળ ફાર્મહાઉસમાં પહોંચવા જણાવાયું. તે તરફ જતાં, જ્યારે તેઓ ગ્રામીણ વિસ્તારમાં હતા, ત્યારે માસ્ક પહેરેલા મશીનગનધારી પાંચ શખ્સોએ તેમની કાર અટકાવી.

થોમ્પસને કહ્યું હતું કે, જ્યારે તેમણે કારની વિન્ડો નીચી કરી, તો તેમાંથી એક શખ્સે તેમને પૂછ્યું કે, શું તેઓ ડેરેક થોમ્પસન છે. "મેં તેમની સામે જોઈને કહ્યું, 'હા.' પછી તેમણે કહ્યું, 'અમે પોલીસ છીએ.' આ સાંભળી મેં જવાબ આપ્યો: 'થેન્ક ગૉડ!'"

તે પછીના આઠ કલાકમાં થોમ્પસનને 10થી 12 ફોન-કૉલ્સ આવ્યા, જે દરેકની શરૂઆત એક અલગ પાસવર્ડથી થઈ. તે સમયે પોલીસ કૉલ્સ ટ્રેસ કરવાનો પ્રયત્ન કરી રહી હતી. તે વાતચીત અપહરણકારોની પ્રારંભિક 40,000 પાઉન્ડ (આજના 1,37,000 પાઉન્ડ અથવા 1,87,000 ડૉલર)ની માગણી અને થોમ્પસન દ્વારા શેરગર જીવિત હોવાની ફોટોગ્રાફિક સાબિતી માગવાથી આગળ ન વધી. કલાકોની ચુપકીદી બાદ, બીજા દિવસે વહેલી સવારે 6.55 વાગ્યે છેલ્લો ફોન આવ્યો. કૉલ કરનારી વ્યક્તિએ કહ્યું, "ઘોડાનો અકસ્માત થયો છે, તે મરી ગયો છે." બસ, આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો.

ઘોડાના અપહરણનું રહસ્ય ક્યારેય ન ઉકેલાયું

રેસનો ઘોડો, શેરગર, આગાખાન, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Steve Powell/Allsport Getty Images

ઇમેજ કૅપ્શન, આયર્લૅન્ડના કાઉન્ટી કિલ્ડેરના ન્યૂબ્રિજ નજીક કુરાઘ રેસકોર્સ ખાતે આઇરિશ ડર્બી જીત્યા બાદ શેરગર આગા ખાન (મધ્યમાં) સાથે (1980ની તસવીર)

બીબીસીની 2018ની ડૉક્યુમેન્ટરી સર્ચિંગ ફૉર શેરગર અનુસાર, આ ફોન-કૉલ્સ બીજે ક્યાંક ચાલી રહેલી વાટાઘાટને છુપાવવા માટે ગોઠવવામાં આવેલી ચાલ હતી. અસલી અપહરકર્તાઓ હવે આગા ખાનની ઑફિસ સાથે સીધા સંપર્કમાં હતા, પણ તે વાટાઘાટમાં ખાસ કોઈ પ્રગતિ થઈ રહી નહોતી. પોલીસે ટેપ કરેલા એક કૉલમાં એક શખ્સ કહે છે, "જો આજે રાત્રે નવ વાગ્યા સુધીમાં ફોનનો જવાબ ન આવ્યો, તો ઘોડાને ભૂલી જજો - તમે ફરી તેને જોઈ નહીં શકો." અપહરણના ત્રણ દિવસ પછી ડરાવી મૂકનારો છેલ્લો સંદેશો આવ્યોઃ જો ખંડણીની માગણી પૂરી ન થઈ, તો "વાત ખતમ."

પોલીસે શેરગરની શોધ ચાલુ રાખી, ત્યારે આ તરફ પત્રકારોને જનતાની માગ સંતોષવા માટે સમગ્ર ઘટનામાં નવાં પાસાંઓની જરૂર હતી અને ચીફ સુપરિન્ટેન્ડેન્ટ મર્ફી સતત માહિતી આપી રહ્યા હતા.

તે સમયે બીબીસીના આયર્લૅન્ડ સંવાદદાતા નિકોલસ વિટચેલે 2018ની ડૉક્યુમેન્ટરીમાં કહ્યું હતું: "સુપરિન્ટેન્ડેન્ટ મર્ફી એક રસપ્રદ શખ્સ બની ગયા હતા, તેઓ રોજ સવારે તેમની ટ્રિલ્બી ટોપી પહેરીને આવતા હતા, અમને એવી કોઈ ખાસ માહિતી આપતા નહોતા, પણ તેમનો અંદાજ અત્યંત આકર્ષક અને મજેદાર હતો. કોઈ નક્કર જાણકારીના અભાવે, અમારે એ કલ્પના કરવી પડી કે, અમે આ મામલાનું કવરેજ કેવી રીતે કરીશું."

રેસનો ઘોડો, શેરગર, આગાખાન, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શેરગરની જીત વિશેની તકતીઓ

શેરગર ગુમ થયાના એક અઠવાડિયા પછી મર્ફીએ પત્રકારોને મજાકના સ્વરમાં કહ્યું કે, માત્ર ભવિષ્યવેત્તાઓ તેમની મદદ માટે આગળ આવી રહ્યા છે. "અલબત્ત, ભવિષ્યવેત્તાઓ, અંતરજ્ઞાનીઓ અને માનસિક શક્તિ ધરાવનારા લોકો - આ ત્રણ અલગ-અલગ શ્રેણીઓ છે - તેમની સંખ્યા હવે 50 સુધી પહોંચી ગઈ છે," એમ તેમણે કહ્યું હતું.

આ સંભવિત કડીને અનુસરીને વિટચેલ પશ્ચિમ તરફ કાઉન્ટી ગેલવે ગયા, જ્યાં બોબ અને એલીન આઇસને દાવો કર્યો કે, તેમને એક ખંડેર થઈ ગયેલા મઠમાં શેરગર દેખાયો હતો. આખરે જ્યારે તેઓ આઇસને જણાવેલા ગ્રામીણ વિસ્તાર ડુનરી પહોંચ્યા, ત્યારે ત્યાં તેમને એક ખંડેર થઈ ગયેલો મઠ તો મળ્યો, પણ ત્યાં "ઘોડાનું કોઈ નામોનિશાન નહોતું."

શેરગરના અપહરણનું પ્રકરણ હવે એક વણઉકલ્યા રહસ્યની શ્રેણીમાં આવી ગયું હતું, જેની ચર્ચા લૉર્ડ લુકનના ગુમ થવા, લોક નેસ મોન્સ્ટર અને "એલ્વિસ જીવે છે" જેવી અફવાઓ સાથે કરવામાં આવતી હતી. તેમાં જિજ્ઞાસાની સાથે-સાથે ડાર્ક હ્યુમરનું તત્ત્વ પણ જોડાયેલું હતું. આઇઆરએના ભૂતપૂર્વ સભ્ય અને પછીથી બાતમીદાર બનેલા સીન ઓ'કેલાગને તેમની આત્મકથામાં લખ્યું હતું કે, અપહરણકર્તાઓ શેરગરને લઈ ગયા પછી તરત જ મારી નાખ્યો હતો, કારણ કે, તેઓ તેને સંભાળી નહોતા શકતા, પરંતુ શેરગરના અપહરણ સાથે સંબંધિત કોઈ પણ અપરાધ માટે આજ સુધી કોઈ વ્યક્તિને દોષિત ઠરાવાઈ નથી. આ કેસ હજુયે વણઉકલ્યો રહ્યો છે.

અપહરણના થોડા મહિનાઓ બાદ આગા ખાને તેમના પ્રિય ઘોડા શેરગરની યાદમાં તેમની નવી સુપરયોટનું નામ શેરગર રાખ્યું હતું. ઘણાં વર્ષો પછી તેમણે કબૂલ્યું હતું કે, ડર્બી રેસમાં શેરગરની શાનદાર જીતનો વીડિયો તેમણે સેંકડો વાર જોયો હતો. તેમણે કહ્યું હતું, "આ કદી વીસરી ન શકાય, એવી સ્મૃતિ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન