ભારત અને પાકિસ્તાન બંને તરફથી લડનારા બે સગા ભાઈઓની કહાણી

ઇમેજ સ્રોત, Saman Ali Khan
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિંદી
- વાંચવાનો સમય: 9 મિનિટ
સર અબ્દુસ સમદ ખાન રામપુર રજવાડાના મુખ્ય મંત્રી હતા. તેમના સૌથી મોટા પુત્ર યુનુસ ખાન પહેલાં દહેરાદૂનની કર્નલ બ્રાઉન સ્કૂલમાં ભણ્યા, ત્યાર પછી તેઓ ઇન્ડિયન મિલિટરી ઍકેડૅમી માટે પસંદ થયા. તેમાં તેમને ગઢવાલ રાઇફલ્સમાં કમિશન કરાયા.
વર્ષ 1920માં જન્મેલા તેમના નાના પુત્ર સાહિબજાદા યાકૂબ ખાન પણ બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં સિલેક્ટ થયા, ત્યાંથી તેમને 1940માં 18મી એડવર્ડ કેવેલરીમાં કમિશન મળ્યું.
તેમણે બંનેએ બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લીધો. બંનેને ઇન્ડિયન જનરલ સર્વિસ મેડલથી સન્માનિત કરાયા હતા.
યાકૂબ બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સેના તરફથી લડવા આફ્રિકા ગયા હતા, જ્યાં ઇજિપ્ત અને લીબિયાની સરહદ નજીક તોબરુકની લડાઈ દરમિયાન ઇટાલીની સેનાએ તેમને બંધક બનાવી દીધા.
ઇટાલીમાં તેઓ પાકિસ્તાન અને ભારતના બંને ભાવિ જનરલો યાહ્યા ખાન અને પીપી કુમારમંગલમની સાથે કેદમાંથી ભાગી છૂટ્યા, પરંતુ તેમને ફરીથી પકડી લેવાયા. યાહ્યા અને કુમારમંગલમ ભાગી નીકળવામાં સફળ રહ્યા.
યુદ્ધબંદી રહેવા દરમિયાન તેઓ ઇટાલિયન અને જર્મન ભાષા શીખ્યા. બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થતા જ તેમને મુક્ત કરવામાં આવ્યા. તેમને તેમના મિત્રો 'જૅકબ' કહીને બોલાવતા હતા. આ દરમિયાન તેમના મોટા ભાઈ યુનુસ ખાન બર્મામાં તહેનાત રહ્યા.
ભારત-પાકિસ્તાનના ભાગલા

ઇમેજ સ્રોત, Saman Ali Khan
1947માં ભારતનું વિભાજન થયું ત્યારે મોટા ભાઈ સાહિબજાદા યુનુસ ખાને ભારતીય સેનામાં જ રહેવાનો નિર્ણય લીધો, જ્યારે નાના ભાઈ સાહિબજાદા યાકૂબ ખાન પાકિસ્તાન આર્મીમાં જોડાયા.
ડોમિનીક લેપિયર અને લેરી કૉલિંસ પોતાના વિખ્યાત પુસ્તક 'ફ્રીડમ ઍટ મિડનાઇટ'માં યાકૂબ ખાન પાકિસ્તાન ગયા તે ઘટનાને વર્ણવતા લખે છે, "યાકૂબ ખાને જ્યારે રાત્રીભોજન દરમિયાન પોતાના માતાને પાકિસ્તાન જવાનો નિર્ણય સંભળાવ્યો ત્યારે તેઓ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. તેઓ બહુ નારાજ પણ થયા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેમણે કહ્યું - અમે બે સદીઓથી રહેતા આવ્યા છીએ. અમારા ખાનદાનની કબરો અહીં છે. હું રાજકારણ નથી સમજતી, પરંતુ એક માતા તરીકે મારી ઇચ્છાઓ સ્વાર્થી છે. મને બીક છે કે આપણે હંમેશાં માટે અલગ થઈ રહ્યા છીએ."
પરંતુ યાકૂબ ન માન્યા. બીજા દિવસે સવારે તેમણે રામપુર છોડી દીધું.
લેપિયર અને કૉલિંસ લખે છે, "વિદાય લેતી વખતે તેમનાં માતાએ સફેદ સાડી પહેરી હતી. તે શોકનું પ્રતીક હતી. તેમણે કુરાનની આયાતો વાંચીને તેમને વિદાય આપી. 25 વર્ષથી તેમના રસોઈયા રહેલા રામલાલ અને તેમના ડ્રાઇવર કુંદનસિંહે ભીની આંખે તેમને વિદાય આપી."
"તેમણે પોતાના પરિવારને વચન આપ્યું કે પાકિસ્તાનમાં સ્થિર થયાના થોડા દિવસો પછી તેઓ પાછા આવીને બધો સામાન લઈ જશે. યાકૂબ ક્યારેય પોતાના વડવાઓના ઘરે પાછા ન આવ્યા, તેમણે ક્યારેય પોતાનાં માતાનો ચહેરો ન જોયો."
કાશ્મીર મોરચે બંને ભાઈ સામસામે

ઇમેજ સ્રોત, Vikas Publishing House
ભારત છોડ્યાના કેટલાક મહિનામાં સાહિબજાદા યાકૂબ ખાન કાશ્મીરની બરફથી ઢંકાયેલી પહાડીઓમાં પાકિસ્તાની સેનાની એક બટાલિયનનું નેતૃત્વ કરતા હતા.
લેપિયર અને કૉલિન્સ લખે છે, "પાકિસ્તાની સૈનિકોને રોકવા માટે ગઢવાલ રેજિમેન્ટની એક કંપની પ્રયાસ કરતી હતી. આ કંપનીનું નેતૃત્વ યાકૂબ ખાનની જેમ જ એક મુસ્લિમ ઑફિસર કરતા હતા."
"જુલાઈ 1947માં તેમણે પાકિસ્તાન ન જઈને ભારતીય સેનામાં જ રહેવાનો નિર્ણય લીધો હતો. તેઓ અધિકારી પણ રામપુરના રહેવાસી હતા. તેમનું નામ હતું યુનુસ ખાન. તેઓ સાહિબજાદા યાકૂબ ખાનના સગા મોટા ભાઈ હતા."
બંને ભાઈ કાશ્મીરના યુદ્ધમેદાનમાં એક બીજાની સામસામે હતા. બંને મેજરના હોદ્દા પર હતા અને બંને પોતપોતાની બટાલિયનનું નેતૃત્વ કરતા હતા.
ગોળીબાર અંગે અલગ-અલગ વાતો

ઇમેજ સ્રોત, Saman Ali Khan
પાકિસ્તાની પત્રકાર હામિદ મીર પોતાના લેખ 'ધ સ્ટોરી ઑફ ટૂ ખાન્સ'માં લખે છે, "મેજર યુનુસ ખાનની બંદૂકમાંથી નીકળેલી ગોળીએ તેમના નાના ભાઈ યાકૂબ ખાનને ઘાયલ કરી દીધા."
"યુનુસ ખાનને જ્યારે ખબર પડી કે ઘાયલ વ્યક્તિ તેમના નાના ભાઈ છે, ત્યારે તેમણે બૂમ પાડીને કહ્યું, 'દુખી ન થા 'છોટે' અમે સૈનિક છીએ અને અમે અમારી ફરજ બજાવી છે. ત્યાર પછી તે વખતે કર્નલ તરીકે કામ કરતા સેમ માણેકશાએ યુનુસ ખાનની બહાદુરીનાં વખાણ કર્યાં હતાં."
પરંતુ કર્નલ યુનુસ ખાનનાં પુત્રવધૂ સમનઅલી ખાનનું માનવું છે કે આ કહાણી સંપૂર્ણપણે સાચી નથી.
તેઓ કહે છે, "બંને ભાઈ કાશ્મીરની લડાઈમાં એકબીજાની સામે જરૂર હતા, પરંતુ યુનુસે યાકૂબ પર ગોળી ચલાવી ન હતી. મેં મારાં સાસુ અને પતિને આ વિશે પૂછ્યું હતું. તેમનું કહેવું હતું કે આવી કોઈ ઘટના બની ન હતી. મારાં સાસુને તેમણે કહ્યું કે અમને તો પાછળથી ખબર પડી કે અમે બંને ભાઈ એક મોરચા પર લડતા હતા."
યુનુસનો શુભેચ્છા સંદેશ

ઇમેજ સ્રોત, Saman ali Khan
ત્યાર પછી આગામી 12 વર્ષ સુધી બંને ભાઈઓ વચ્ચે કોઈ સંપર્ક ન રહ્યો અને બંને પોતપોતાની સેનાઓ માટે કામ કરતા રહ્યા.
વર્ષ 1960માં જ્યારે સાહિબજાદા યાકૂબ ખાને કલકત્તાની એક ભારતીય છોકરી તૂબા ખલીલી સાથે લગ્ન કર્યાં ત્યારે તેમના મોટા ભાઈ યુનુસે તેમને શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો.
યાકૂબ ખાનનાં ભાણેજ મુનીઝા શમ્સીએ પોતાના લેખ 'ઇન મેમોરિયલ સાહિબજાદા યાકૂબ ખાન માય અંકલ'માં લખે છે, "લગ્નના સમયે મામા બ્રિગેડિયર હતા. તેમનાં લગ્નમાં સામેલ થવા માટે રામપુરના નવાબ અને બેગમ ખાસ ભારતથી કરાચી આવ્યાં હતાં અને રાષ્ટ્રપતિ અયૂબ ખાને તેમને બંનેને રાજકીય મહેમાન બનાવી દીધાં હતાં. કેટલાક મહિના પછી તેઓ પાકિસ્તાની સેનાના સૌથી યુવાન મેજર જનરલ બની ગયા હતા."
વર્ષ 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે સાહિબજાદા યાકૂબ ખાન એક પાકિસ્તાની ડિવિઝનનું નેતૃત્વ કરતા હતા.
યાકૂબ સૈન્ય કાર્યવાહીની તરફેણમાં ન હતા

ઇમેજ સ્રોત, Muniza Shamsi
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 1971 સુધીમાં સાહિબજાદા યાકૂબ ખાન પાકિસ્તાની સેનામાં લેફ્ટનન્ટ જનરલ બની ચૂક્યા હતા. તેમને પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કમાન્ડર બનાવવામાં આવ્યા.
માર્ચ 1971માં તેમને શેખ મુજીબ-ઉર-રહમાનના અધ્યક્ષપદ હેઠળની અવામી લીગ સામે સૈન્ય કાર્યવાહી શરૂ કરવાનો આદેશ મળ્યો ત્યારે યાકૂબ ખાને સૈન્ય ડિક્ટેટર જનરલ યાહ્યા ખાનને સલાહ આપી કે તેઓ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર સામે બંદૂકનો ઉપયોગ ન કરે.
પાકિસ્તાનનાં જાણીતાં લેખિકા અને યાકૂબનાં ભાણેજ મુનીજા શમ્સી લખે છે, "1971માં બંને પક્ષો વચ્ચે વાતચીત નિષ્ફળ થવા લાગી ત્યારે ગવર્નર એડમિરલ અહસન અને મારા મામાએ સલાહ આપી કે આ સમસ્યાનો માત્ર રાજકીય ઉકેલ લાવી શકાય છે, પરંતુ યાહ્યા ખાન અને તેમના સલાહકારો સૈન્ય ઉકેલ લાવવા માગતા હતા."
"મામાને આગામી સંકટનો પૂરો અંદાજ હતો. તેમણે આ નિર્ણયનો હિસ્સો બનવાના બદલે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવાનું વધુ યોગ્ય માન્યું. પાંચમી માર્ચ, 1971ના રોજ તેમણે પોતાનું રાજીનામું જનરલ યાહ્યા ખાનને મોકલી દીધું. શરૂઆતમાં તેમણે યાહ્યાના ગુસ્સાનો શિકાર બનવું પડ્યું, પરંતુ પછીની ઘટનાઓએ સાબિત કર્યું કે તેઓ સાચા હતા."
ભુટ્ટોને ફાંસી ન આપવાની સલાહ

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો જાણતા હતા કે સાહિબજાદા યાકૂબ ખાનને ફ્રૅન્ચ, જર્મન, ઇટાલિયન, રશિયન, ફારસી અને અરબી સહિત 10 ભાષા આવડતી હતી.
ઢાકામાં રહીને તેમણે થોડી થોડી બાંગ્લા ભાષા પણ શીખી હતી. તેમને વર્ષ 1972માં ફ્રાન્સમાં પાકિસ્તાનના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. જનરલ ઝિયા-ઉલ-હકે 1977માં ભુટ્ટોને તખ્ત પરથી હઠાવ્યા ત્યારે યાકૂબ મૉસ્કોમાં પાકિસ્તાનના રાજદૂત હતા.
હામિદ મીર લખે છે, "સરકારનો હિસ્સો હોવા છતાં સાહિબજાદા યાકૂબ ખાને જનરલ ઝિયાને સલાહ આપી કે તેઓ ભુટ્ટોને ફાંસી પર ન ચઢાવે, પરંતુ ઝિયાએ તેમની સલાહ ન માની. તેમનો અલગ મત હોવા છતાં ઝિયાએ 1982માં યાકૂબ ખાનને પાકિસ્તાનના વિદેશમંત્રી તરીકે નિયુક્ત કર્યા."
35 વર્ષે બંને ભાઈઓની દિલ્હીમાં મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images
તે જ વર્ષે યાકૂબ ખાન વિદેશમંત્રી તરીકે નવી દિલ્હી આવ્યા હતા.
સાહિબજાદા યુનુસ ખાનનાં પુત્રવધૂ સમન ખાન યાદ કરતા કહે છે, "દિલ્હીમાં જ યાકૂક અને તેમના મોટા ભાઈ યુનુસ ખાન વચ્ચે 35 વર્ષ પછી મુલાકાત થઈ. તે સમયે હું પણ ત્યાં હાજર હતી. મારા પિતાએ તેમને બંનેને પોતાના ઘરમાં આમંત્રિત કર્યા હતા. મને એ દૃશ્ય હજુ પણ યાદ છે જ્યારે તેઓ કારમાંથી ઊતરીને અંદર આવ્યા. બંને ભાઈઓએ એકબીજાને ગળે લગાવ્યા અને બહુ રડ્યા."
તેમના કહેવા મુજબ "અબ્બાજાનીએ યાકૂબને તેમના જૂના ઉપનામ નટ્ટા કરીને બોલાવ્યા. યાકૂબ ઊંચા હતા, પરંતુ તેમના બંને ભાઈઓ તેમનાથી વધુ ઊંચા હતા. તેથી તેઓ તેમને નટ્ટા (ઠીંગણા) કહીને બોલાવતા હતા. મને બહુ નવાઈ લાગી કે બે સેનામાં કામ કરનારા લોકો જેને બહુ રફ-ટફ માનવામાં આવે છે, તેઓ આવી રીતે ખુલ્લેઆમ રડતા હતા."
"તેમની વચ્ચે જે લોહીનો સંબંધ હતો તે તે સમયે બહાર આવ્યો. તેઓ બંને બેઠા ત્યારે બંનેએ પોતાના બાળપણની વાતોને બહુ ઉત્સાહથી યાદ કરી. બંનેએ કાશ્મીરમાં થયેલી લડાઈનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો."
નિવૃત્ત થયા પછી અલીગઢમાં રહ્યા

ઇમેજ સ્રોત, Saman Ali Khan
આ દરમિયાન યુનુસ ખાન ભારતના અંતિમ ગવર્નર જનરલ સી રાજગોપાલાચારી અને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના એડીસી રહ્યા.
યુનુસ પર સંશોધન કરનાર નિહારિકાસિંહ કહે છે, "ત્યાર બાદ તેમણે જમ્મુ-કાશ્મીરમાં ગવર્નરના એડીસી તરીકે પણ કામ કર્યું. તેઓ 1962માં ભારત-ચીન યુદ્ધ સમયે કાશ્મીરમાં અને 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે બરેલીમાં તહેનાત હતા. તેઓ એક દેશભક્ત, સ્વાભિમાની અને સાદું જીવન જીવવામાં વિશ્વાસ ધરાવતા વ્યક્તિ હતા."
"તેઓ બહુ ઓછું બોલતા હતા. તેમને નેપથ્યમાં રહેવાનું પસંદ હતું. વર્ષ 1969માં તેઓ ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા. તેમના પુત્ર નદીમ ખાને મને જણાવ્યું કે ભારતીય સેનામાંથી રિટાયર થવાના બીજા દિવસે કર્નલ યુનુસ રોજની જેમ તૈયાર થઈને આર્મી યુનિફૉર્મ પહેરીને પોતાને અરીસામાં જોતા હતા. ત્યારે તેમને યાદ આવ્યું કે તેઓ સેવાનિવૃત્ત થઈ ગયા છે અને તેમની આંખોમાં આંસુ આવી ગયાં."
યુનુસ ખાનનાં પુત્રવધૂ સમનઅલી ખાન કહે છે, "મારા લગ્ન તેમના વચેટ પુત્ર સાથે થયા હતા. તેમનો ઉછેર બહુ શિસ્તબદ્ધ રીતે થયો હતો. તેમના દરેક કામનો સમય નક્કી હતો. સાંજે વૉક કરવા જતા હતા. તેમને સારાં કપડાં પહેરવાનો શોખ હતો."
તેઓ જ્યારે હિંદુસ્તાની વસ્ત્રો પહેરતા, ત્યારે તેમના કુર્તા પાયજામા અને શેરવાની બહુ સારી રીતે સિવાયેલા રહેતા હતા. તેઓ અંગ્રેજી કપડાં પહેરતા ત્યારે બિલકુલ બ્રિટિશ અંદાજમાં પહેરતા હતા. શિયાળા અને ઉનાળામાં તેમનું ભોજન પણ અલગ-અલગ પ્રકારનું રહેતું હતું."
"શિયાળામાં તેઓ ગરમ સૂપ અને ગરમ પુડિંગ લેવાનું પસંદ કરતા હતા, જ્યારે ઉનાળામાં ઠંડો સૂપ અને સલાડ ખાવાનું પસંદ કરતા હતા. સૈનિક હોવા છતાં તેઓ એકદમ ભાવુક વ્યક્તિ હતા. તેઓ એવા લોકોનું ખાસ ધ્યાન રાખતા જેમની પાસે બહુ સંસાધનો ન હોય. તેઓ ઊંચું નૈતિક ચારિત્ર્ય ધરાવતી વ્યક્તિ હતા."
સેનામાંથી રિટાયર થયા પછી યુનુસ ખાને અલીગઢમાં 'આફતાબ મંઝિલ'ને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું. તેમણે જવાહરલાલ નહેરુ મેડિકલ કૉલેજ, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં માનદ વહીવટી અધિકારી તરીકે કામ કર્યું. 30 જાન્યુઆરી 1984ના રોજ તેમનું નિધન થયું. તેમને અલીગઢમાં જ દફનાવવામાં આવ્યા.

ઇમેજ સ્રોત, Getty Images
તેમના નાના ભાઈ સાહિબજાદા યાકૂબ ખાન પાકિસ્તાની વિદેશમંત્રી તરીકે કેટલાંય વર્ષ સુધી કામ કરતા રહ્યા. યાકૂબને ઉર્દૂ શાયરી, ખાસ કરીને ગાલિબને વાંચવાનો બહુ શોખ હતો. તેઓ પેન્ટિંગનો પણ શોખ ધરાવતા હતા.
મુનીઝા શમ્સી લખે છે, "તેમનાં કપડાં બહુ સ્ટાઇલિશ રહેતાં. તેમના સૂટ અને શેરવાની પણ લંડનના વિખ્યાત સેવિલ રોમાં સીવવામાં આવતા હતા. અફઘાનિસ્તાનમાં સોવિયેત સૈનિકોનો વિરોધ કરવાની પાકિસ્તાની વિદેશનીતિમાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી."
હામિદ મીર લખે છે, "વર્ષ 1986માં જનરલ ઝિયાએ જ્યારે કારગિલ પર કબજો કરવાની પોતાની યોજના વિદેશમંત્રીને જણાવી ત્યારે તેમણે તેને સંપૂર્ણપણે નકારી કાઢી હતી, પરંતુ ઝિયાએ તેમની સલાહ માની અને તે યોજનાને પડતી મૂકી."
"કેટલાંક વર્ષો પછી બેનઝીર ભુટ્ટોએ પણ કારગિલની પહાડીઓ કબજે કરવાની પોતાના સૈન્ય કમાન્ડરોની સલાહને પોતાના મંત્રીમંડળના સહયોગીઓ સમક્ષ મૂકી હતી. આ વખતે પણ સાહિબજાદાએ તેનો વિરોધ કર્યો અને બેનઝીર ભુટ્ટોને આવું ન કરવા માટે મનાવી લીધા હતા."
"વર્ષ 1999માં ત્રીજી વખત પાકિસ્તાની સેનાએ સરકારને વિશ્વાસમાં લીધા વગર આ યોજના લાગુ કરવાની કોશિશ કરી જેના કારણે પાકિસ્તાનની ભારે ફજેતી થઈ અને તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો."
સાહિબજાદા યાકૂબ ખાનનું નિધન

ઇમેજ સ્રોત, Getty Images
સાહિબજાદા યાકૂબ ખાન સૌથી લાંબા સમય સુધી પાકિસ્તાનના વિદેશમંત્રી રહ્યા હતા. તેમણે ઝિયા-ઉલ-હક ઉપરાંત બેનઝીર ભુટ્ટો અને નવાઝ શરીફ સાથે પણ કામ કર્યું. તેમના નેતૃત્વમાં જ અફઘાનિસ્તાનમાંથી સોવિયેત સૈનિકોની વાપસીની વાત નક્કી થઈ હતી.
પોતાના અંતિમ દિવસોમાં તેઓ નવાઝ શરીફના અનૌપચારિક સલાહકાર તરીકે કામ કરતા હતા.
હામિદ મીર લખે છે, "એક વખત મેં તેમને કહ્યું કે તેમણે પોતાની આત્મકથા લખવી જોઈએ. ત્યારે તેમનો જવાબ હતો - હું મારી સિદ્ધિઓ અને દુખોનો તમાશો બનાવવા નથી માગતો. હું મારા ભાઈનો ઉલ્લેખ કર્યા વગર મારી કહાણી ન કહી શકું, જેમણે ભારતની સેવા કરી હતી. અમે એકબીજા સામે લડ્યા હતા. તેમણે પોતાનું કામ કર્યું અને મેં મારું કામ."
પોતાના મોટા ભાઈના મોતનાં લગભગ 32 વર્ષ પછી 26 જાન્યુઆરી, 2016ના રોજ નાના ભાઈએ પણ હંમેશાં માટે આંખો મીંચી લીધી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન












