મુંબઈના 'પહેલા ડૉન' કરીમલાલાની કહાણી, જેની મરજી વગર 'કોઈ ખિસ્સું પણ ન કાપી શકતું'

કરીમલાલા, મુંબઈ, અંડરવર્લ્ડ, ડૉન, ઇંદિરા ગાંધી, ડોન દાઉદ, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Roli Books

ઇમેજ કૅપ્શન, કરીમલાલા, જે મુંબઈનો 'પહેલો ડૉન' કહેવાતો હતો
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી હિન્દી
  • વાંચવાનો સમય: 9 મિનિટ

અફઘાનિસ્તાનથી 1936માં મુંબઈ પહોંચેલા કરીમની કહાણી કોઈ ફિલ્મની કહાણી કરતાં ઘણી વધુ રસપ્રદ છે. કરીમે શરૂઆતમાં મુંબઈના બંદરે કુલી તરીકે કામ શરૂ કર્યું હતું.

1940ના દાયકાનાં અંતિમ વર્ષોની વાત છે. એક દિવસ તે પોતાના અફઘાની સાથીઓ સાથે બેઠો હતો, ત્યાં મલાબારીઓના એક ગૅંગ લીડરે તેની પાસે કામ કરવાના બદલામાં પૈસા માગવાનું શરૂ કર્યું.

મુંબઈના પોલીસ કમિશનર રહી ચૂકેલા રાકેશ મારિયાએ તેમના પુસ્તક 'વ્હેન ઇટ ઑલ બિગેન'માં લખ્યું છે, "કરીમે આગળ આવીને મલાબારીને કહ્યું, 'હું મહેનત કરું છું. તું મહેનત કરે છે. આપણામાં કશો ફરક નથી. અમે પૈસા નહીં આપીએ. હવેથી વસૂલી બંધ.'"

મારિયાએ ઘટનાનું રસપ્રદ વર્ણન કર્યું છે, "માલાબારીએ કરીમ પર હુમલો કરવાનું વિચાર્યું, પરંતુ બંને વચ્ચે કોઈ મુકાબલો નહોતો. કરીમે તેને બરાબર ફટકાર્યો. ત્યાં સુધીમાં તેના બીજા પઠાણ મિત્રો પણ ત્યાં આવી ગયા. આ જોતાં જ મલાબારી કુલીઓનું જૂથ ત્યાંથી ભાગી ગયું. અહીંથી કરીમખાન પઠાણ 'કરીમલાલા' બની ગયો."

થોડાંક જ વર્ષોમાં તેણે બંદર પરથી સમાન ચોરીને બજારમાં વેચવાનું શરૂ કરી દીધું. જ્યારે તેની પાસે પૈસા આવવા લાગ્યા ત્યારે તે વ્યાજે પૈસા આપવા લાગ્યો.

'પઠાણી' ઉઘરાણીથી પઠાણગૅંગની શરૂઆત

કરીમલાલા, મુંબઈ, અંડરવર્લ્ડ, ડૉન, ઇંદિરા ગાંધી, ડોન દાઉદ, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Vintage

જુગારમાં હારતા લોકો પોતાના રોજિંદા સામાન ખરીદવા માટે કરીમ પાસેથી વ્યાજે ઉધાર લેતા હતા. કરીમે નિયમ બનાવ્યો કે દર મહિનાની 10 તારીખે તેની પાસેથી લીધેલા ઉધારનું વ્યાજ ચૂકવી દેવામાં આવે.

પરિણામ એ આવ્યું કે દર 10 તારીખે તેની તિજોરી ભરાવા લાગી. પૈસા ઉધાર આપવા સિવાય તેણે લોકોના ઝઘડાનું સમાધાન કરવાનું અને ભાડવાતો પાસેથી બળજબરી ખોલી (ઓરડી/ઘર) ખાલી કરાવવાનું કામ પણ શરૂ કરી દીધું હતું.

1950ના દાયકામાં તે દર રવિવારે પોતાના ઘરના ધાબે લોકોના ઝઘડાનું સમાધાન કરાવવા માટે દરબાર ભરવા લાગ્યો હતો. ટૂંક સમયમાં જ દક્ષિણ મુંબઈમાં દરેક ઘરમાં કરીમલાલાનું નામ ગુંજાવા લાગ્યું હતું.

શીલા રાવલે તેમના પુસ્તક 'ગૉડફાધર્સ ઑફ ક્રાઇમ'માં લખ્યું છે, "કરીમલાલા એક સારા જીવનની શોધમાં મુંબઈ આવ્યો હતો. ભણેલોગણેલો ન હોવાના કારણે શરૂઆતમાં તેણે અમીર વેપારીઓ અને કપડાના ઉદ્યોગપતિઓ માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે પૈસાની ઉઘરાણી વસૂલવા માટે તેની સેવાઓ લેવાનું શરૂ કરી દીધું હતું. અહીંથી પઠાણગૅંગની શરૂઆત થઈ હતી."

સમય અને અવસર પ્રમાણે, કરીમે ગેરકાયદે દારૂનો ધંધો, જુગાર, વેશ્યાવૃત્તિ અને નશીલી દવાઓની તસ્કરીમાં પોતાનો હાથ અજમાવવાનું શરૂ કરી દીધું હતું.

ધીમે ધીમે તે ગરીબો, બેરોજગારો અને મુસ્લિમ યુવાનોમાં ગૉડફાધર બની ગયો હતો.

કરીમના નામમાત્રથી ભાડવાત ઘર ખાલી કરી દેતા

કરીમલાલા, મુંબઈ, અંડરવર્લ્ડ, ડૉન, ઇંદિરા ગાંધી, ડોન દાઉદ, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Hachette

ધીમે ધીમે તે એટલો કુખ્યાત થતો ગયો કે તેમનું નામ લેવામાત્રથી જ ભાડવાત ઘર ખાલી કરી દેતા હતા.

એસ હુસૈન ઝૈદીએ તેમના પુસ્તક 'ડોંગરી ટુ દુબઈ, સિક્સ ડિકેડ્સ ઑફ ધ મુંબઈ માફિયા'માં લખ્યું છે, "જેવું મકાનમાલિક કહેતા કે 'હવે તો લાલાને બોલાવવા પડશે', ભાડવાત ઘર છોડી દેતા. તેણે પઠાણી સૂટ પહેરવાનું છોડીને સફેદ રંગનો સફારી સૂટ પહેરવાનું શરૂ કર્યું હતું. તે કાળા રંગનાં ચશ્માં પહેરવાનો શોખીન હતો અને ઘણી વાર તે મોઘી સિગાર અને પાઇપ પીતો જોવા મળતો હતો."

તેના પચાસમા જન્મદિવસે કોઈએ તેને એક મોઘી વૉકિંગ સ્ટિક ભેટમાં આપી હતી. તેને આ ભેટ ગમી નહોતી. તેણે કહ્યું પણ ખરું કે તે શારીરિક રીતે હજુ મજબૂત છે અને ચાલવા માટે કોઈ લાકડીની જરૂર નથી, પરંતુ જ્યારે તેના સાથીઓએ કહ્યું કે આ સ્ટિકથી તેના વ્યક્તિત્વનો પ્રભાવ વધશે, એટલે તેણે એ સ્ટિક લઈ લીધી હતી. પછી તો તે સ્ટિક કરીમલાલાનો પર્યાય બની ગઈ હતી.

ઝૈદીએ લખ્યું છે, "જો તે મસ્જિદમાં પોતાની સ્ટિક મૂકીને વઝૂ કરવા પણ ગયો હોય તો મસ્જિદ આખી ખચાખચ ભરેલી હોવા છતાં કોઈની હિંમત નહોતી થતી કે તે તેની જગ્યાએ બેસી જાય."

પઠાણોનો નેતા બન્યો કરીમલાલા

કરીમલાલા, મુંબઈ, અંડરવર્લ્ડ, ડૉન, ઇંદિરા ગાંધી, ડોન દાઉદ, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Roli Books

ધીમે ધીમે તેના સાથી તેની સ્ટિકનો બીજો ઉપયોગ પણ કરવા લાગ્યા હતા. જ્યારે કરીમલાલા પર પોલીસ અને સીઆઇડીની ભીંસ વધવા લાગી ત્યારે તેના સાથીઓએ તેને સલાહ આપી કે મકાન ખાલી કરાવવાના કામમાં તે પોતે ન જાય અને પોતાના માણસોને પણ ન મોકલે.

હુસૈન ઝૈદીએ લખ્યું છે, "આ સલાહ સાંભળીને કરીમલાલાએ કહ્યું, તો ખોલી કઈ રીતે ખાલી કરાવીશ? તેના સાથીઓએ કહ્યું, 'અમારા મગજમાં એક જોરદાર આઇડિયા છે, જેનાથી સાપ પણ નહીં મરે અને લાઠી પણ નહીં તૂટે."

"ત્યાર પછીથી જ્યારે પણ કોઈ મકાન ખાલી કરાવવાનું હોય, લાલાના લોકો તે જગ્યાએ કરીમલાલાની સ્ટિક મૂકી આવતા. ભાડવાત જેવી તે સ્ટિકને જોતા કે તરત જ ઘર ખાલી કરી દેતા. આની પહેલાં મુંબઈમાં કોઈ પણ ગૅંગસ્ટરનાં આ પ્રકારનાં પ્રભાવ અને વર્ચસ્વ નહોતાં."

મકાન કે જમીન ખાલી કરાવવાના કરીમલાલાના ઘણા બધા કિસ્સા છે, તેમાંનો એક કિસ્સો પ્રખ્યાત અભિનેત્રી હેલનનું મકાન ખાલી કરાવવાનો પણ છે.

ગફ્ફારખાનથી પ્રભાવિત

કરીમલાલા, મુંબઈ, અંડરવર્લ્ડ, ડૉન, ઇંદિરા ગાંધી, ડોન દાઉદ, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Lotus

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્ષ 1911માં અફઘાનિસ્તાનના કુનડ પ્રાંતમાં જન્મેલા અબ્દુલ કરીમખાન ઉર્ફે કરીમલાલાનું કદ લગભગ સાત ફૂટ ઊંચું હતું.

પોતાના શરૂઆતના જીવનમાં તે સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફ્ફારખાનથી ખૂબ પ્રભાવિત હતો.

23 એપ્રિલ 1930એ પેશાવરના કિસ્સાખ્વાની બજારમાં જ્યારે સરહદના ગાંધી કહેવાતા ગફ્ફારખાનના કાર્યકર્તાઓ પર ગોળી ચલાવવામાં આવી ત્યારે કરીમ ત્યાં હાજર હતો.

વર્ષ 1936માં તેણે કલકત્તાથી મુંબઈ આવવા માટે ઇમ્પિરિયલ ઇન્ડિયન મેલ ટ્રેન પકડી હતી. ભારતના ભાગલા પછી ઘણા બધા પઠાણોએ ભારતમાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો, કરીમ પણ એ લોકોમાં સામેલ હતો.

આઝાદી પછી મુંબઈ પોલીસમાં વિદેશીઓના રજિસ્ટ્રેશન અને તેમની પરમિટનું નવીનીકરણ કરવા માટે એક ઑફિસ હતી. આ ઑફિસમાં એક પઠાણ બ્રાન્ચ પણ હતી.

1950ના દાયકામાં કરીમલાલા ઘણી વાર આ બ્રાન્ચમાં જવા લાગ્યો અને પઠાણોને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવા લાગ્યો.

ટૂંક સમયમાં જ મુંબઈમાં રહેતા પઠાણો પોતાની સમસ્યાઓના નિવારણ માટે કરીમલાલાની પાસે આવવા લાગ્યા. કરીમ બેરોજગારીથી લઈને તેમની નાણાકીય બાબતો, એટલે સુધી કે તેમના પારિવારિક મામલાઓમાં પણ હસ્તક્ષેપ કરવા લાગ્યો.

કરીમલાલા અને હાજી મસ્તાનની જુગલબંધી

કરીમલાલા, મુંબઈ, અંડરવર્લ્ડ, ડૉન, ઇંદિરા ગાંધી, ડોન દાઉદ, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ખાન અબ્દુલ ગફ્ફારખાન (વચ્ચે), જેમનાથી કરીમલાલા ખૂબ પ્રભાવિત હતો

ધીમે ધીમે કરીમલાલાની ચર્ચા મુંબઈ અંડરવર્લ્ડના બીજા એક કુખ્યાત શખસ હાજી મસ્તાન સુધી પહોંચવા લાગી.

મસ્તાનને પહેલાંથી જ એક એવા વ્યક્તિની જરૂર હતી જે તેનાં અઘરાં કામો પૂરાં કરી શકે. એ 1970નો દાયકા હતો, જ્યારે તેણે કરીમલાલાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી.

હુસૈન ઝૈદીએ લખ્યું છે, "ગ્રાન્ટ રોડ મસ્જિદમાં જુમ્માની નમાજ પછી આ બંનેની મુલાકાત થઈ. ત્યાર પછી કરીમ તેને પોતાના ઘર તાહેર મંઝિલ લઈ ગયો. મસ્તાને કરીમને કહ્યું, "બૉમ્બે પૉર્ટ ટ્રસ્ટના ડૉક પર મારો ઘણો બધો સામાન ઊતરે છે. મારે તેને ઊતરાવીને ગોદામમાં મુકાવવાનો હોય છે અને પછી તેને બહાર મોકલવાનો હોય છે. હું ઇચ્છું છું કે તમારા માણસો ત્યાં સુધી તેનું રક્ષણ કરે જ્યાં સુધી સમાન બજારમાં વેચાઈ ન જાય."

કરીમલાલાએ મસ્તાનને પૂછ્યું, "શું આ આખા મામલામાં કોઈ હિંસા થવાની પણ શક્યતા છે?" મસ્તાને હસીને કહ્યું, "ખાનસાહેબ, જો તમારા લોકો આસપાસ રહેશે તો અમારી પાસે ફરકવાની કોઈની પણ હિંમત નહીં થાય."

આ રીતે મુંબઈ અંડરવર્લ્ડની એક ખૂબ મોટી ડીલને અંતિમ રૂપ આપવામાં આવ્યું. આની સાથે જ કરીમલાલાનો મુંબઈના મોટા ડૉન્સની ટોળીમાં સમાવેશ થઈ ગયો.

મુંબઈની કુખ્યાત પઠાણગૅંગનો પાયો

કરીમલાલા, મુંબઈ, અંડરવર્લ્ડ, ડૉન, ઇંદિરા ગાંધી, ડોન દાઉદ, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Lotus

ઇમેજ કૅપ્શન, કરીમલાલા (વચ્ચે) અને હાજી મસ્તાન (જમણે)

જ્યારે કરીમલાલા મુંબઈના ડૉન બનવા તરફ પગલાં ભરતો હતો, તેની ગૅંગના સાગરીતોની સંખ્યા વધતી જતી હતી.

એ ગૅંગમાં માજીદ દીવાના પણ સામેલ હતો. તેનો બીજો એક સાથી હતો નવાબખાન, જે પહેલાં ડૉક્સ પર સુરક્ષા ગાર્ડનું કામ કરતો હતો.

પછીથી કરીમે તેને ઇઝરાયલી મોહલ્લામાં દારૂના અડ્ડાની જવાબદારી આપી દીધી હતી. તેના નજીકના બીજા એક વફાદાર સાથીનું નામ હતું નાસિરખાન. તે 'સફેદ હાથી' નામે ઓળખાતો હતો, કેમ કે તેનો રંગ ગોરો હતો અને તેનું શરીર હાથી જેવું ભારે હતું.

કરીમની ગૅંગમાં હીરોલાલા, બશરીનમામા, કરમખાન અને લાલખાન પણ સામેલ હતા. આ લોકો એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર કરીમલાલા માટે પોતાનો જીવ પણ આપવા તૈયાર રહેતા હતા.

આ લોકોએ જ મળીને મુંબઈની કુખ્યાત પઠાણગૅંગનો પાયો નાખ્યો હતો. આ રીતે અફઘાનિસ્તાનના પહાડી વિસ્તાર કુનડના આ કિશોરે હજારો માઈલ દૂર મુંબઈને માત્ર પોતાનું ઘર જ ન બનાવ્યું, પરંતુ આ મહાનગરનો એક રીતે પહેલો ડૉન પણ બની ગયો હતો.

કરીમ અને ઇંદિરા ગાંધીની મુલાકાત

કરીમલાલા, મુંબઈ, અંડરવર્લ્ડ, ડૉન, ઇંદિરા ગાંધી, ડોન દાઉદ, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Lotus

ઇમેજ કૅપ્શન, કરીમલાલા (ડાબે), હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય (વચ્ચે) અને ઇંદિરા ગાંધી

કરીમલાલાના મૃત્યુનાં ઘણાં વર્ષો પછી એક તસવીર ઘણી વાઇરલ થઈ, જેમાં તેને ઇંદિરા ગાંધીની સાથે વાત કરતો બતાવવામાં આવ્યો હતો.

આ તસવીરમાં તેની સાથે પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા કલાકાર હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય પણ ઊભા હતા. ચટ્ટોપાધ્યાય સ્વાતંત્ર્ય સેનાની સરોજિની નાયડુના ભાઈ હતા.

પછીથી એક પત્રકાર બલજિત પરમારે લખ્યું હતું, "કરીમલાલાએ જ તેમને (ચટ્ટોપાધ્યાયને) જણાવ્યું હતું કે તે ક્યારેય રાષ્ટ્રપતિ ભવન ગયો નહોતો, તેથી જ્યારે વર્ષ 1973માં હરીન્દ્રનાથને પદ્મ પુરસ્કાર મળ્યો ત્યારે તેણે તેમની સાથે રાષ્ટ્રપતિ ભવન જવાની ઇચ્છા વ્યક્ત કરી. ત્યાં હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે એમ કહીને ઇંદિરા ગાંધી સાથે તેની મુલાકાત કરાવી હતી કે આ મુંબઈના પઠાણોના નેતા છે."

આ કરીમ અને ઇંદિરા ગાંધીની પહેલી અને છેલ્લી મુલાકાત હતી.

દાઉદના પિતા ઇબ્રાહીમ સાથે કરીમલાલાની દોસ્તી

કરીમલાલા, મુંબઈ, અંડરવર્લ્ડ, ડૉન, ઇંદિરા ગાંધી, ડોન દાઉદ, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Lotus

ઇમેજ કૅપ્શન, કરીમલાલા

1975થી 1977ની વચ્ચે, કટોકટી દરમિયાન જ્યારે તસ્કરીના આરોપસર હાજી મસ્તાન, યુસુફ પટેલ અને સુકુર નારાયણની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે કરીમલાલાને હાથ પણ અડાડવામાં નહોતો આવ્યો.

પરંતુ ત્યાર પછી બીજા કેટલાક કેસમાં તેની ધરપકડ જરૂર થઈ.

મુંબઈમાં ફક્ત એક પોલીસવાળા માટે કરીમલાલાને સન્માનની લાગણી હતી. તે હતા હવાલદાર ઇબ્રાહીમ કાસકર. કાસકર માફિયા ડૉન દાઉદ ઇબ્રાહીમના પિતા હતા.

તેમણે કરીમ પાસેથી ન તો ક્યારેય પૈસા માગ્યા અને ન તો તેમની જી-હજૂરી કરી. ઇબ્રાહીમે પોતાની માસિક 75 રૂપિયાની નોકરીમાં જ પોતાના પરિવારનું ભરણપોષણ કર્યું અને કરીમ પાસેથી ક્યારેય એક પૈસો પણ ન લીધો, જ્યારે કરીમલાલા મુંબઈ પોલીસમાં ઘણા બધા લોકોનાં ખિસ્સાં ભરતો હતો.

ઇબ્રાહીમ પોતાના કરતાં 10 વર્ષ નાના હોવા છતાં કરીમે તેમને હંમેશાં 'ઇબ્રાહીમભાઈ' કહીને સંબોધ્યા.

કરીમલાલા, મુંબઈ, અંડરવર્લ્ડ, ડૉન, ઇંદિરા ગાંધી, ડોન દાઉદ, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હાજી મસ્તાને બૉમ્બે પૉર્ટ ટ્રસ્ટના ડૉક પર ઊતરનાર પોતાના 'સામાન' માટે કરીમ લાલા સાથે હાથ મિલાવ્યો હતો

રાકેશ મારિયાએ લખ્યું છે, "કરીમના મનમાં ઇબ્રાહીમ માટે એટલે ઇજ્જત હતી, કેમ કે તે ભ્રષ્ટ નહોતો. જ્યારે દાઉદનો જન્મ થયો ત્યારે ઇબ્રાહીમ પાસે દાવત આપવાના પૈસા નહોતા. ત્યારે કરીમલાલાએ ઇબ્રાહીમ તરફથી છોકરો જન્મ્યાની ખુશીમાં દાવત આપી હતી. એ માટે ઇબ્રાહીમ તેને ઇનકાર નહોતો કરી શક્યો."

દાઉદના જન્મની દાવત વર્ષ 1955ના ડિસેમ્બર મહિનામાં થઈ હતી, પરંતુ 1980 સુધીમાં મુંબઈ અન્ડરવર્લ્ડમાં દાઉદ ઇબ્રાહીમનાં મૂળિયાં મજબૂત થતાં ગયાં, કરીમલાલા અને તેની વચ્ચે અંતર પણ વધતું ગયું. બંને એકબીજાના પરિવારના લોકોના દુશ્મન બની ગયા.

1980ના દાયકાનાં પહેલાં પાંચ વર્ષમાં દાઉદ અને પઠાણગૅંગની વચ્ચે હત્યાઓનો જે દોર શરૂ થયો, તેણે અટકવાનું નામ ન લીધું. દાઉદે પોતાનો ભાઈ શબ્બીર ગુમાવ્યો, તો કરીમલાલાએ પણ પોતાના ભાઈ રહીમલાલાને ગુમાવવો પડ્યો.

આ ગૅંગવૉર પછી દાઉદ ઇબ્રાહીમે મુંબઈ છોડીને દુબઈને પોતાનું રહેઠાણ બનાવી લીધું.

કરીમલાલાનો દબદબો ઝાંખો પડતો ગયો

કરીમલાલા, મુંબઈ, અંડરવર્લ્ડ, ડૉન, ઇંદિરા ગાંધી, ડોન દાઉદ, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દાઉદ ઇબ્રાહીમ, જેના જન્મ માટે કરીમલાલાએ દાવત આપી હતી

1980ના દાયકાનો મધ્ય આવતાં આવતાં કરીમલાલાની ચમક ઝાંખી પડવા લાગી. કરીમે કહેવાનું શરૂ કરી દીધું કે હવે તે રિટાયર થઈ ગયો છે. હવે તે માત્ર એક સામાજિક કાર્યકર અને મુંબઈમાં રહેતા અફઘાન લોકોનો નેતા જ રહ્યો છે.

એ વાત અલગ છે કે તેના સાગરીતો હંમેશાં દાવો કરતા રહ્યા કે કરીમલાલાની જાણકારી વગર ડોંગરીમાં એક ખિસ્સું પણ કપાતું નથી.

પઠાણગૅંગના યુવાન લોકોને હિંસા કરવા અને હિંસાનો જવાબ આપવાથી રોકવામાં નિષ્ફળ થયા પછી કરીમલાલાએ બૅકગ્રાઉન્ડમાં જતા રહેવાને વધુ યોગ્ય માન્યું. પઠાણગૅંગનું નેતૃત્વ તેના ભત્રીજા સમદખાન પાસે જતું રહ્યું.

રાકેશ મારિયાએ લખ્યું છે, "તેણે પોતાના ભૂતકાળમાંથી પોતાને જુદા કરવાના ભરપૂર પ્રયત્નો કર્યા, પરંતુ તે એક એવી સંસ્કૃતિમાંથી આવતો હતો જેમાં પોતાના વિરોધીઓને શાંતિની અપીલ કરવી તે સન્માનની વિરુદ્ધ સમજવામાં આવતું હતું."

"તેમ છતાં તેણે દાઉદ ઇબ્રાહીમ સાથે શાંતિ સ્થાપવા ખાસ રીતે સપ્ટેમ્બર 1987માં મક્કા જઈને તેની સાથે મુલાકાત કરી. કરીમે આંખમાં આંસુ સાથે દાઉદને બાથ ભરી. તેણે બંને પક્ષોને સમજાવ્યા કે હવે ખૂબ લોહી વહી ચૂક્યું છે. મને હવે શાંતિથી મરવા દો."

કરીમલાલાનું 90 વર્ષની ઉંમરે મૃત્યુ

કરીમલાલા, મુંબઈ, અંડરવર્લ્ડ, ડૉન, ઇંદિરા ગાંધી, ડોન દાઉદ, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Lotus

ઇમેજ કૅપ્શન, 18 ફેબ્રુઆરી 2002એ 90 વર્ષની ઉંમરે કરીમલાલાએ અંતિમ શ્વાસ લીધા

જેમ જેમ ઉંમર વધી, કરીમલાલાની અંગત જરૂરિયાતો ઓછી થવા લાગી. એક જમાનામાં રસ્તા પર ખાટલા પર બેસીને લોકોની લડાઈઓનું સમાધાન કરાવનાર કરીમ સાદું જીવન જીવવામાં વિશ્વાસ ધરાવતો હતો.

જેમ જેમ તે સમૃદ્ધ થતો ગયો, તેણે દેશી દારૂની જગ્યાએ મોઘી સ્કૉચ વીસ્કી પીવાનું શરૂ કરી દીધું, પરંતુ અંતિમ સમયમાં તેણે દારૂ પીવાનું પણ બંધ કરી દીધું.

કરીમ જેવા ડૉન આલીશાન ઘરોમાં રહેવા લાગ્યા હતા, પરંતુ કરીમલાલાએ અંતિમ સમય સુધી નૉવેલ્ટી સિનેમાની પાછળનું પોતાનું જૂનું ઘર છોડ્યું નહીં.

18 ફેબ્રુઆરી, 2002એ 90 વર્ષની ઉંમરે મુંબઈ અંડરવર્લ્ડના આ પહેલા ડૉને અંતિમ શ્વાસ લીધા.

કોઈ છરી, ગોળી, બદલો કે ષડ્‌યંત્રથી તેનું મૃત્યુ ન થયું. અચાનક તેની છાતીમાં દુખાવા થયો અને એ જ તેના મૃત્યુનું કારણ બન્યો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન