એક સમયે નિકટ ગણાતા દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજન વચ્ચે દુશ્મની કેમ પેદા થઈ?

ઇમેજ સ્રોત, Roli books
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી
વર્ષ 2004માં છોટા રાજન ગૅંગમાં ખાસ ગણાતા વિકી મલ્હોત્રાએ બૅંગકૉકથી ઇન્દોરના એક શરાબના વેપારીને ફોન કરીને 4 કરોડ રૂપિયાની ખંડણી માંગી.
તેમણે વેપારીને ધમકી આપી કે જો તેઓ રૂપિયા નહીં આપે તો તેમનું અપહરણ કરી લેવામાં આવશે. વેપારીએ તરત જ ઇન્દોર પોલીસને આની જાણ કરી. ઇન્દોર પોલીસે તે નંબર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાથે શૅર કર્યો, ક્રાઇમ બ્રાન્ચે તે નંબરને સર્વેલન્સ પર મૂક્યો.
2005માં વિકી જ્યારે ભારત આવ્યો ત્યારે મુંબઈ ઉતરતાની સાથે જ તેણે અજાણતામાં એ સિમનો ઉપયોગ કર્યો જે સિમથી તેણે ઇન્દોરના વેપારી પાસેથી પૈસાની માંગણી કરી હતી.
મુંબઈ પોલીસ સતર્ક થઈ ગઈ. વિકી જ્યારે આગલી ફ્લાઇટમાં દિલ્હી પહોંચ્યો, ત્યારે મુંબઈ પોલીસે તેને પકડી લીધો. તેની સામે ઇન્દોરમાં કેસ નોંધવામાં આવ્યો હોવાથી તેને પૂછપરછ માટે ઇન્દોર લાવવામાં આવ્યો.
આ તમામ વિગતો મધ્યપ્રદેશના પોલીસ મહાનિર્દેશકના પદેથી નિવૃત્ત થયેલા અધિકારી શૈલેન્દ્ર શ્રીવાસ્તવના પુસ્તક ‘શૅકલ ધ સ્ટૉર્મ’માં ખૂબ વિગતવાર નોંધવામાં આવી છે.
શાહરુખ ખાનના પાત્ર પરથી નામ રાખ્યું વિકી મલ્હોત્રા

ઇમેજ સ્રોત, Shailendra Srivastava
શૈલેન્દ્ર શ્રીવાસ્તવ જણાવે છે, “મેં વિકી સાથે કોઈ થર્ડ ડિગ્રી પદ્ધતિ નહોતી અપનાવી. મેં તેમને પૂછ્યું કે શું ખાવું છે? તેમણે કહ્યું કે તે શાકાહારી છે અને ઇડલી પસંદ છે. મેં તેમને દારૂની ઑફર પણ કરી, પરંતુ તેમણે કહ્યું કે તે દારૂ નથી પીતો. મેં પૂછ્યું કે શું તારે પરિવારને મળવું છે? તેણે જ્યારે હા પાડી ત્યારે મેં તેમનાં પત્ની અને પુત્રને ઇન્દોર બોલાવ્યા."
શૈલેન્દ્ર લખે છે, “એક દિવસ હું વિકી સાથે સોફા પર બેસીને ચા પી રહ્યો હતો, અચાનક તે ભાવુક થઈ ગયો અને મારા ખભે માથું મૂકીને રડવા લાગ્યો. ત્યાર પછી તેમણે પોતાના ગુનાઇત જીવન અને એવાં તમામ કામોની વિગતો આપવાનું શરૂ કર્યું જેમાં તે સામેલ હતો."
વિકીનું અસલી નામ વિજયકુમાર યાદવ હતું. તે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાનો રહેવાસી હતો. બાળપણમાં તેણે નાના ગુનાઓથી શરૂઆત કરી. ત્યાર પછી મુંબઈ આવી ગયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શૈલેન્દ્ર શ્રીવાસ્તવ કહે છે, "વિકીએ મને કહ્યું કે એકવાર મુંબઈમાં જ્વેલરીની દુકાનમાંથી હીરાની ચોરી કર્યા પછી તે પોતાના મિત્રો સાથે શાહરૂખ ખાનની ફિલ્મ 'બાજીગર' જોવા ગયો હતો જેમાં શાહરૂખનું નામ વિકી મલ્હોત્રા હતું."
"ત્યારબાદ તેના સાથીદારોએ તેનું નામ વિજયકુમાર યાદવથી બદલીને વિકી મલ્હોત્રા કરી નાખ્યું. અંડરવર્લ્ડમાં પ્રવેશ્યા પછી તે 'નાના' તરીકે ઓળખાતા છોટા રાજનને મળ્યો. ધીમે-ધીમે તે તેનો જમણો હાથ બની ગયો."
છોટા રાજન જ્યારે દાઉદ ગૅંગનો સભ્ય બન્યો

ઇમેજ સ્રોત, Shailendra Srivastava
છોટા રાજનનું અસલી નામ રાજેન્દ્ર નિખલજે હતું. તે ચેમ્બુરમાં ફિલ્મોની ટિકિટોની કાળાબજારી કરતો. એકવાર જ્યારે પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે લાકડી છીનવીને પોલીસવાળાને જ માર માર્યો.
વર્ષ 1980માં તે બડા રાજન ગૅંગનો સભ્ય બની ગયો. અબ્દુલ કુંજુએ જ્યારે બડા રાજનની હત્યા કરી ત્યારે રાજેન્દ્ર નિખાલજેએ જાહેરાત કરી કે આનો બદલો લેવામાં આવશે. કુંજુને મારવાના તેના તમામ પ્રારંભિક પ્રયાસો નિષ્ફળ ગયા, પરંતુ આનાથી દાઉદ ઇબ્રાહીમનું ધ્યાન તેના તરફ આકર્ષિત થયું.
એસ. હુસૈન ઝૈદી પોતાના પુસ્તક ‘ડોંગરી ટુ દુબઈ સિક્સ ડિકેડ્સ ઑફ ધ મુંબઈ માફિયા’માં લખે છે, “દાઉદ ગૅંગમાં જોડાયા બાદ તેમણે એક ક્રિકેટ મૅચ દરમિયાન કુંજુની હત્યા કરી હતી. કુંજુ એક મૅચ રમતા હતા. અચાનક તેમણે જોયું કે સફેદ પૅન્ટ અને શર્ટ પહેરેલા અજાણ્યા લોકો તેની સાથે ક્રિકેટ રમી રહ્યા હતા. તેઓ કંઈ સમજે તે પહેલાં જ તેમણે તેમના પર હુમલો કરી નાખ્યો."
દાઉદ ગૅંગના જૂના લોકોને છોટા રાજનની ઇર્ષ્યા થઈ

છોટા રાજન ધીમે-ધીમે દાઉદના આંતરિક વર્તુળમાં ઘૂસી ગયો એટલું જ નહીં, તે ગૅંગનું દિમાગ અને શક્તિ પણ બની ગયો. દાઉદ તેમના પર ઘણો વિશ્વાસ કરવા લાગ્યો.
તે વખતે ડી-કંપનીમાં લગભગ 5000 લોકો કામ કરતા હતા. રાજનના કારણે સાધુ શેટ્ટી, મોહન કોટિયાન, ગુરુ સાટમ, રોહિત વર્મા અને ભરત નેપાળી જેવા લોકો પણ તેમની સાથે જોડાયા. પરંતુ ધીરે-ધીરે દાઉદ ગૅંગના જૂના લોકોને રાજનની અદેખાઈ થવા લાગી.
હુસૈન ઝૈદી લખે છે, “શરદ શેટ્ટી, છોટા શકીલ અને સુનીલ સાવંતને છોટા રાજન જરાય પસંદ નહોતો. તેમને એક વાત ખટકતી હતી કે તેઓ રાજનની પરવાનગી વગર મુંબઈમાં ન તો કોઈ હત્યા કરી શકતો કે ન કોઈ બિઝનેસ ડીલ. એક દિવસ દારૂની પાર્ટીમાં શરદ શેટ્ટીએ દાઉદને કહ્યું કે છોટા રાજન ગમે ત્યારે બળવો કરી શકે છે. ધીમે-ધીમે દાઉદ પર તેની અસર થવા લાગી અને તેમણે છોટા રાજનને મહત્ત્વના નિર્ણયોથી દૂર રાખવાનું શરૂ કર્યું."
છોટા રાજન અને દાઉદ અલગ થયા

ઇમેજ સ્રોત, X
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1992ના મુંબઈ બૉમ્બ વિસ્ફોટોએ બંને વચ્ચેની ખાઈ વધુ પહોળી કરી દીધી હતી. મુંબઈ હુમલા અગાઉ થયેલી બેઠકોમાંથી દાઉદે છોટા રાજનને સાવ દૂર રાખ્યો હતો જ્યારે છોટા શકીલ તેમાં નિયમિત હાજરી આપતો હતો. તેનાથી છોટા રાજનને આંચકો લાગ્યો હતો.
વર્ષ 1993-94 આવ્યું ત્યાં સુધીમાં બંને વચ્ચેનું અંતર ઘણું વધી ગયું હતું. તે જ વર્ષે દાઉદે તેના નજીકના લોકોને ક્રુઝ લાઇનર પર પાર્ટી આપી હતી.
હુસૈન ઝૈદી પોતાના પુસ્તકમાં લખે છે, “પાર્ટીમાં જતા પહેલાં રાજનને એક ફોન આવ્યો જેને સાંભળીને તેનો ચહેરો ફિક્કો પડી ગયો. ફોન કરનારે જણાવ્યું કે તે પાર્ટીમાં તેને મારી નાખવાની યોજના તૈયાર થઈ ગઈ છે. તેમણે અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો અને દુબઈમાંથી બહાર નીકળવા માટે તેમની મદદ માંગી. તેના બદલામાં તેમણે દાઉદ વિશેની દરેક માહિતી આપવાની ઑફર કરી હતી."
"આખરે ભારતીય દૂતાવાસે છોટા રાજનને દુબઈમાંથી નાસી છૂટવામાં તેની મદદ કરવાનું નક્કી કર્યું. થોડા કલાકોમાં તેને જુદા નામથી કાઠમંડુ અને ત્યાંથી મલેશિયાની રાજધાની કુઆલાલંપુર મોકલવામાં આવ્યો. ત્યાર પછી છોટા રાજન પાસે માત્ર એક જ લક્ષ્ય રહી ગયું અને તે એ કે દાઉદ ઈબ્રાહીમ અને તેના બિઝનેસ સામ્રાજ્યને ખતમ કરવું.”
છોટા રાજન પર દાઉદના સાગરિતોનો હુમલો

ઇમેજ સ્રોત, Roli Books
દાઉદ ઈબ્રાહીમ દુબઈથી કરાચી આવ્યો અને છોટા રાજને બૅંગકૉકમાં રહેવાનું નક્કી કર્યું. આ દરમિયાન દાઉદ અને તેના માણસો છોટા રાજનનું રહેઠાણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
એક દિવસ છોટા શકીલના આદેશથી મુન્ના ઝીંગરા અને તેના સાથીઓએ છોટા રાજન પર તેના બૅંગકૉકસ્થિત ઍપાર્ટમેન્ટમાં હુમલો કર્યો. તેમણે પહેલાં તો છોટા રાજનના કૅરટેકર રોહિત વર્માને ગોળી મારી અને પછી તેમનાં પત્ની સંગીતા, પુત્રી અને નોકરાણીને ઇજા પહોંચાડી.
શૈલેન્દ્ર શ્રીવાસ્તવ લખે છે, “છોટા રાજન પોતાના ફ્લૅટના બેડરૂમમાં સંતાઈ ગયો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. હુમલાખોરોએ બેડરૂમના બંધ દરવાજા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. છોટા રાજન બારીમાંથી નીચે કૂદી ગયો. વિકીને આ વાતની જાણ થતાં જ તેણે પોલીસને ફોન કર્યો. પોલીસ પહોંચી ત્યારે તે ફ્લૅટની પાછળ ઝાડની ડાળી પર લટકતા જોવા મળ્યો. ત્યાંથી તેને હૉસ્પિટલે લઈ જવામાં આવ્યો, જ્યાં વિકી પડછાયાની જેમ તેમની સાથે રહ્યો."
છોટા રાજન પર હુમલો

હુસૈન ઝૈદીએ તેમના પુસ્તકમાં આ ઘટનાનું વધુ વિગતવાર વર્ણન કર્યું છે.
ઝૈદી લખે છે, “કાળા રંગનો સૂટ પહેરેલા ચાર થાઈ લોકો છોટા રાજનના ઘરના ગેટ પર પહોંચ્યા. તેઓ પોતાની સાથે બર્થડેની મોટી કેક લાવ્યા હતા. તેમણે ગાર્ડ્સને કહ્યું, 'આજે રાજનના સાથીદાર માઇકલ ડિસોઝાની દીકરીનો જન્મદિવસ છે. તેથી તેમના ભારતીય મિત્રોએ તેમને સરપ્રાઈઝ આપવા માટે આ કેક મોકલી છે. ગાર્ડ શું કરવું એ વિચારતા હતા ત્યાં તેમના હાથમાં 200 ડૉલરની નોટ પકડાવી દેવામાં આવી. ગાર્ડે ગેટ ખોલ્યો અને ચારેય લોકો તેમની કાર ઘરની અંદર લઈ ગયા."
"ગાર્ડે જેવો ગેટ બંધ કર્યો કે અચાનક ચાર ભારતીયો ત્યાં આવી પહોંચ્યા અને ગાર્ડ પર ચઢી ગયા. તેમણે ગાર્ડને બાંધી નાખ્યો. દાઉદના સાગરિતોએ છોટા રાજન અને વર્માના પહેલા માળના ફ્લૅટનો દરવાજો ખખડાવ્યો."
ઝૈદી લખે છે, “કૅરટેકર વર્મા આ લોકોને દરવાજે જોઈને દંગ રહી ગયો. તે રાજનને ચેતવણી આપે તે પહેલાં તેમને મારી નાખવામાં આવ્યો. રાજન ક્યાંય ન મળતાં તેમણે બંધ બેડરૂમના દરવાજા પર ગોળીબાર કર્યો હતો. એક ગોળી દરવાજાને વીંધીને છોટા રાજનના પેટમાં વાગી હતી. લોહીલુહાણ રાજન બારીમાંથી નીચે કૂદી પડ્યો અને ગીચ ઝાડીઓમાં છુપાઈ ગયો. આખી ઘટના માત્ર પાંચ મિનિટમાં પૂર્ણ થઈ ગઈ."
છોટા રાજન હૉસ્પિટલમાંથી ફરાર

ઇમેજ સ્રોત, x
છોટા રાજનને વિજય દમણના નકલી નામથી હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા હતો, પરંતુ તે પછી પણ અફવા ફેલાઈ કે તેમની બૅંગકૉકમાં હત્યા થઈ ગઈ છે.
થોડા જ સમયમાં જ ભારતીય એજન્સીઓને માહિતી મળી કે છોટા રાજનની બૅંગકોકમાં સારવાર ચાલી રહી છે. તેમણે રાજનના પ્રત્યાર્પણનો પ્રયાસ શરૂ કર્યો અને સીબીઆઈની એક ટીમ થાઇલૅન્ડ જવાની તૈયારી કરવા લાગી.
આ દરમિયાન વિકી મલ્હોત્રાએ છોટા રાજનને હૉસ્પિટલમાંથી બહાર કાઢવા માટે ત્યાંના સ્ટાફને વિશ્વાસમાં લેવાનું શરૂ કર્યું.
શૈલેન્દ્ર શ્રીવાસ્તવ લખે છે, “આ દરમિયાન વિકી ભારત આવ્યો અને અહીંથી છોટા રાજનનું પૂતળું બનાવી તેને એક મોટા સૂટકેસમાં બૅંગકૉક લઈ ગયો. વિકીએ મને કહ્યું કે તે બે વખત ભારત આવ્યો હતો. પહેલી વખત તેઓ રાજનના પૂતળાના ઉપરના ભાગ સાથે બૅંગકૉક ગયો અને બીજી વખત નીચેના ભાગ સાથે બૅંગકૉક પહોંચ્યો હતો. તેમણે એક મોટું દોરડું પણ ખરીદ્યું. પછી પૂતળાના બંને ભાગોને જોડ્યા અને તેને ચાદર વડે ઢાંકીને છોટા રાજનના પલંગ પર મૂકી દીધું. રાજન દોરડાની મદદથી બારીમાંથી નીચે ઉતર્યો. સીબીઆઈની ટીમે ખાલી હાથે ભારત પાછા ફરવું પડ્યું હતું."
દાઉદ પર હુમલો કરવાની યોજના

ઇમેજ સ્રોત, Getty Images
હવે છોટા રાજને પણ દાઉદ સામે બદલો લેવાની યોજના બનાવી. દાઉદની પુત્રીનું જ્યારે મૃત્યુ થયું, ત્યારે તેમની અંતિમવિધિ દરમિયાન દાઉદને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મિશન માટે વિકી નેપાળી પાસપૉર્ટ પર કાઠમંડુથી કરાચી ગયો હતો.
શૈલેન્દ્ર શ્રીવાસ્તવ લખે છે, “વિકીએ કરાચીમાં જ એક હથિયારના દાણચોર પાસેથી બે એકે-47 રાઇફલ ખરીદી હતી. તેમની યોજના એવી હતી કે દાઉદ જ્યારે પોતાની પુત્રીને દફનાવવા માટે કબ્રસ્તાનમાં આવશે, ત્યારે તેના પર હુમલો કરવામાં આવશે. પરંતુ આઈએસઆઈના જાસૂસોએ તે હથિયારના દાણચોરને પકડી પાડ્યો હતો. તેમણે કબૂલ્યું કે તેણે બે નેપાળી છોકરાઓને બે એકે-47 રાઇફલ વેચી હતી."
"પરિણામે દાઉદ સાવધાન થઈ ગયો અને કબ્રસ્તાનમાં ન ગયો. વિકી અને તેમના સાથી કબ્રસ્તાનમાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે સમગ્ર વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને દાઉદનો કોઈ પતો નથી. તેમણે પોતાની રાઇફલ ત્યાં જ ફેંકી દીધી અને કોઈક રીતે બલૂચિસ્તાન થઈને અફઘાનિસ્તાન પહોંચ્યા."
દુબઈમાં દાઉદ પર હુમલો કરવાનો વધુ એક પ્રયાસ

ઇમેજ સ્રોત, Getty Images
દાઉદને મારવાના ત્યાર પછીના પ્રયાસ અંગે શૈલેન્દ્ર શ્રીવાસ્તવ જણાવે છે, “આ વખતે વિકી અને તેમના સાથીદાર બાંગ્લાદેશી પાસપૉર્ટનો ઉપયોગ કરીને નેપાળ પહોંચ્યા. ત્યાંથી બંને કરાચી પહોંચ્યા. ત્યાં તેમણે બે એકે-47 રાઈફલ અને બે પિસ્તોલ ખરીદી. તેમણે બે એલઇડી ટીવી સેટ પણ ખરીદ્યા અને આ ટીવીની અંદર પોતાનાં હથિયારો છુપાવી દીધાં. ત્યાં વિકીએ 60 કરોડ રૂપિયાની એક બોટ ખરીદી અને દરિયાઈ માર્ગે દુબઈ જવા રવાના થયા. તેની સાથે ટીવી સેટ પણ હતો જેમાં રાઇફલ અને પિસ્તોલ રાખવામાં આવી હતી. તેમણે ઇન્ડિયા ક્લબની સામે 56 માળની ઇમારતમાં એક ફ્લૅટ ભાડે રાખ્યો હતો."
વિકી અને તેમના સાથી દાઉદની રાહ જોતા તે ફ્લૅટમાં રહેવા લાગ્યા હતા. પરંતુ દાઉદ ઘણા મહિનાઓ સુધી ઇન્ડિયા ક્લબમાં ન આવ્યો. આ દરમિયાન દુબઈ પોલીસને વિકી અને તેના પાર્ટનર પર શંકા ગઈ હતી. તેમણે ફ્લૅટમાં તપાસ કરી, પરંતુ કોઈ વાંધાજનક સામગ્રી મળી ન હતી.
શ્રીવાસ્તવ લખે છે, “ત્યાર પછી વિકીને સમજાયું કે તે દુબઈ પોલીસ અને દાઉદના રડારમાં આવી ગયો છે. એક દિવસ તેણે ટીવી સેટ્સમાંથી હથિયારો કાઢીને ઇન્ડિયા ક્લબ પર હુમલો કર્યો. ત્યાં તેમણે 19 જાન્યુઆરી, 2003ના રોજ 'ડેની' તરીકે ઓળખાતા દાઉદના સાથીદાર શરદ શેટ્ટીની હત્યા કરી નાખી."
દાઉદે કરાચીને પોતાનો અડ્ડો બનાવ્યો

ઇમેજ સ્રોત, Shailendra Srivastava
શૈલેન્દ્ર શ્રીવાસ્તવ લખે છે, “વિકીએ જણાવ્યું કે દાઉદે અત્યાર સુધીમાં ઓછામાં ઓછાં 13 નામોનો ઉપયોગ કર્યો છે. તેની પાસે પાકિસ્તાનના બે પાસપોર્ટ, યુએઈનો એક પાસપોર્ટ, યમનનો એક એમ ઘણા દેશોના પાસપોર્ટ છે. તેમના પરિવારમાં તેની પત્ની મહેજબીન શેખ, પુત્ર મોઇન નવાઝ અને બે પુત્રીઓ માહરૂખ અને મેહરીન છે."
"તેની ત્રીજી પુત્રી મારિયાનું 1998માં અવસાન થયું હતું. માહરૂખે ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર જુનૈદ સાથે લગ્ન કર્યાં છે, જ્યારે તેમના બીજી પુત્રી મેહરીન પાકિસ્તાની-અમેરિકન વ્યક્તિ અયુબ સાથે પરણી છે."
છોટા રાજન હાલમાં તિહાર જેલમાં આજીવન કેદ ભોગવે છે

ઇમેજ સ્રોત, Getty Images
ત્યાર પછી ઇન્ટરપોલે છોટા રાજન વિરુદ્ધ રેડ-કૉર્નર નોટિસ જાહેર કરી હતી. 2015માં ઇન્ડોનેશિયાની પોલીસે તેમની બાલીમાં ધરપકડ કરી. ભારતીય પોલીસ તેને પ્રત્યાર્પણથી લઈ આવી અને ત્યારથી તે તિહાર જેલમાં સજા કાપે છે.
તેના પર 70 ગુના કરવાનો આરોપ હતો અને 2018માં તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 2024માં અન્ય એક કેસમાં તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
શૈલેન્દ્ર શ્રીવાસ્તવ લખે છે, “2005માં તે દાઉદ ઇબ્રાહીમની હત્યાનો બીજો પ્રયાસ કરવા માગતો હતો, પરંતુ તે અને તેનો સહયોગી ફરીદ તનાશા દિલ્હીમાં ઝડપાઈ ગયો. ઇન્ટેલિજન્સ બ્યૂરો અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ વચ્ચેના ટર્ફ વૉરના કારણે તેની ધરપકડ થઈ હતી."
આનો ઉલ્લેખ કરતા ડીજીપીના પદેથી નિવૃત્ત થયેલાં મીરા બોરવણકરે પોતાની આત્મકથા ‘મેડમ કમિશનર’માં લખ્યું છે કે, “જ્યારે વિકીની ધરપકડ કરવામાં આવી ત્યારે ઇન્ટેલિજન્સ બ્યૂરોના ભૂતપૂર્વ વડા તેની સાથે હાજર હતા. તેમણે વિકીને છોડાવવાનો પૂરો પ્રયાસ કર્યો પણ મેં તેને છોડવાની સ્પષ્ટ ના પાડી દીધી."
શ્રીવાસ્તવ કહે છે, “વિકીની ધરપકડ કરીને દિલ્હીથી મુંબઈ લાવવામાં આવ્યો. 2010માં જ્યારે તેને જામીન પર છોડવામાં આવ્યો ત્યારે તે ભાગી ગયો. એવું કહેવાય છે કે વિકી હાલમાં દક્ષિણ આફ્રિકામાં છે અને છોટા રાજનના ધંધાને સંભાળે છે જેમાં હીરાની દાણચોરીનો પણ સમાવેશ થાય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












