દાઉદનો જમણો હાથ ગણાતા ડૉનની કહાણી, જેની મહેફિલોમાં થતા મુજરામાં પોલીસ અધિકારીઓ જતા

ઇમેજ સ્રોત, JAFAR RIZVI
- લેેખક, ઝાફર રિઝવી
- પદ, પત્રકાર, લંડન
ગોળી વાગતાં જ ગળામાંથી લોહીના ફુવારા ઊડ્યા. મોઢામાં ભરાઈ ગયેલા લોહીએ સબ-ઇન્સ્પેક્ટર ગુલામ દસ્તગીરને બીજો શ્વાસ લેવા સુધ્ધાંની તક ન આપી.
હુમલો એટલો ભયાનક હતો કે શોએબ ખાનની સુરક્ષામાં રહેલા ચાર પોલીસકર્મીઓમાંથી એક પણ જીવતા ન બચી શક્યા. હુમલા બાદ લોહીથી લથપથ ચાર લાશો પોલીસ વાનમાં પડી હતી.
તમને આ માહિતી કદાચ ભયાનક અને ડરામણી લાગી શકે છે.
પરંતુ નેવુંના દાયકાના કરાચીમાં હજારો પોલીસ અધિકારીઓ અને રાજકીય તથા ધાર્મિક સંગઠનોના લાખો કાર્યકર્તાઓની સાથોસાથ અમારા જેવા પત્રકારો માટે આ બધી સામાન્ય જેવી વાતો હતી.
રાજકીય, સાંપ્રદાયિક, અને ભાષાકીય હિંસા કે લૂંટ-ચોરી, અને મારધાડ… કયો ગુનો એવો હતો જેને આ શહેરના લોકોએ નહોતો જોયો?
ક્યારેક તો ખબરેય નહોતી પડતી કે રસ્તા પર વહેતું લોહી કોઈ નિર્દોષ રાજકીય કાર્યકર્તાનું છે કે ચરમપંથનો શિકાર બનેલા કોઈ લાચાર પોલીસ અધિકારીનું, કોઈ ટાર્ગેટ કિલરનું છે કે ‘ઍન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ’નું?
ચેતવણી : આમાંનાં કેટલાંક વિવરણ વાચકને વિચલિત કરી શકે છે
‘મુખ્તારની ચા’ અને શોએબ ખાન

ઇમેજ સ્રોત, Getty Images
તે દિવસે પણ પોલીસ વાનમાંથી નીતરતા લોહીથી ખબર નહોતી પડતી કે તે માર્યા ગયેલા પોલીસ અધિકારીઓનું છે કે ઘાયલ થઈને ભાગી જનારા શોએબ ખાનનું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
‘રાજકીય ગુના કે ગુનાખોરીયુક્ત રાજકારણ’થી ખદબદતા કરાચીની દુનિયાના અત્યંત રહસ્યમય પાત્ર શોએબ ખાનને કદાચ ખૂબ ઓછા લોકો જ ઓળખતા હશે. પરંતુ તેની પ્રોફાઇલ તો એવી હતી કે શોએબ ખાનના ધંધા પર હાથ નાખવા માટે તત્કાલીન ગવર્નરે દેશના સૈન્ય રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ સુધી જવું પડતું હતું. આઇએસઆઇ પ્રમુખને કરાચી મોકલવામાં આવ્યા હતા.
શોએબ ખાન કરાચી અન્ડરવર્લ્ડનું કોઈ સામાન્ય પાત્ર નહોતું. શહેરની પોલીસ ધોળા દહાડે શોએબ ખાન સામે હત્યા અને હત્યાના પ્રયાસ, જુગાર, સટ્ટો, અને હપતાવસૂલી જેવા કેસ દાખલ કરતી હતી અને રાતના અંધારાનાં તે જ પોલીસના મોટા અધિકારીઓ શોએબ ખાનની ‘પાર્ટી’માં સામેલ થતા હતા.
હું શોએબ ખાનની પ્રોફાઇલ પર ઘણાં વર્ષો સુધી કામ કરતો રહ્યો. મારી જાણ અનુસાર શોએબ ખાનને ચાર બહેન અને છ ભાઈ હતાં. શોએબ ખાન જે વિસ્તારમાં મોટા થયા ત્યાં ‘મુખ્તારની ચા’ ખૂબ પ્રખ્યાત હતી.
આ જ ચાની ટપરી પર વિસ્તારના એક જૂના રહેવાસી બુઝુર્ગે ઘણાં વરસો પહેલાં મને જણાવેલું કે શોએબ ખાન નાની ઉંમરે જ વિનાકારણ લોકો સાથે તકરાર કરતો હતો.
તેમણે કહ્યું, “ તેનું મગજ થોડું ગરમ હતું. અંદાજ તો એ જમાનામાં જ આવી ગયો હતો કે આ સીધુંસાદું જીવન નહીં જીવે.”

ઇમેજ સ્રોત, Getty Images
સમાચાર સંસ્થા ‘ઉર્દૂ પૉઇંટ’એ 4 ફેબ્રુઆરી 2005એ પોતાની વેબસાઇટ પર જણાવ્યું કે શોએબ ખાને શરૂઆતમાં કરાચી મધ્યના વિસ્તાર અઝીઝાબાદમાં મોટરસાઇકલ ભાડે આપવાનો ધંધો શરૂ કર્યો. વચ્ચે વચ્ચે તે વિસ્તારની પોલીસ માટે બાતમીદારનું કામ પણ કરતો હતો.
હાઈ પ્રોફાઇલ ક્રિમિનલ કેસોમાં શોએબ અને તેના જેવા ઘણા લોકોના વકીલ રહેલા કાયદાના એક જાણકારે જણાવ્યું કે શોએબનો પરિવાર રૌશનબાગ નજીક રહેતો હતો.
અહીં શોએબ ખાનના ભાઈઓની ‘એસકે વીડિયો’ નામની વીસીઆર અને વીડિયો કૅસેટ્સ ભાડે આપવાની એક દુકાન હતી.
પાકિસ્તાનની અંગ્રેજી પત્રિકા ‘ન્યૂઝલાઇન’ના સપ્ટેમ્બર 2001ના અંકમાં પત્રકાર ગુલામ હસનૈનના શોધપરક લેખ અનુસાર શોએબ જુગાર-સટ્ટાના ધંધા સાથે જોડાઈ ગયો.
“શોએબ ખાન માટે જુગાર બિલકુલ નવો નહોતો, કેમ કે, આ કામ શોએબના પિતા અખ્તરઅલી ખાન વર્ષોથી કરતા રહ્યા હતા.”
તમગા-એ-શુજાઅત (ગૅલંટ્રી અવૉર્ડ), ઘણાં રાષ્ટ્રીય અને સરકારી સન્માન પ્રાપ્ત કરનારા સિંધ પોલીસના પૂર્વ એસપી ફૈયાઝ ખાન એવા અધિકારીઓમાં સામેલ હતા જેમણે કસ્ટડી દરમિયાન શોએબ ખાનની પણ પૂછપરછ કરી હતી.
ફૈયાઝ ખાનનું કહેવું છે કે, શોએબના પિતાની ગેરહાજરીમાં ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલમાં જુગાર રમાતો જ નહોતો.
તેઓ કહે છે, “તેઓ પોલીસની મંજૂરી લઈને વર્ષો સુધી જુગારનો અડ્ડો ચલાવતા રહ્યા.”
પૂર્વ એસપી ફૈયાઝ ખાનું કહેવું છે કે 1988ની શરૂઆતનાં જ્યારે શોએબે જુગારના ધંધામાં પ્રવેશ કર્યો ત્યાં સુધીમાં શોએબ ખાન અને ખાલિદ શહંશાહની દોસ્તી ઘણી જૂની થઈ ગઈ હતી. ખાલિદ શહંશાહ પોતે પણ કરીમાબાદમાં ‘રમી ક્લબ’ની આડમાં જુગારનો અડ્ડો ચલાવી રહ્યા હતા. ખાલિદ પીપલ્સ પાર્ટી અને પાર્ટીના વિદ્યાર્થી સંગઠન પીએસએફ (પીપલ્સ સ્ટુડન્ટ્સ ફેડરેશન)ના મોટા પદાધિકારીઓ અને પાર્ટીની સશસ્ત્ર વિંગ ‘અલ-ઝુલ્ફિકાર’ના નિકટતમ રહ્યા.
ખાલિદ શહંશાહ બેનઝીર ભુટ્ટોના અંગત સુરક્ષાકર્મીઓમાં સામેલ રહ્યા અને બેનઝીરની હત્યાના સમયે પણ તેમની સાથે હતા.
પોલીસ, પોલીસ ચોકી, કચેરી, અને મુકદ્દમા—આ બધું શોએબ ખાનની જેમ ખાલિદ શહંશાહ માટે પણ રોજિંદી વાત હતી.
એક દિવસ કોઈ મુકદ્દમામાં શોએબ અને ખાલિદ શહંશાહ સદરના (પરેડી પોલીસ સ્ટેશન હેઠળના સીમા વિસ્તાર) મહમદઅલી ઝીણા રોડ વિસ્તારમાં કોઈ વકીલની ઑફિસે ગયા. ત્યાં બીજી એક વ્યક્તિ ઇકબાલ નિયાઝી સાથે ખાલિદનો ઝઘડો થઈ ગયો.
ઇકબાલ નિયાઝીએ ખાલિદ સાથે ગાળાગાળી કરી તો શોએબ ખાને અચાનક જ ઇકબાલ નિયાઝીને ગોળી મારી દીધી. ઇકબાલ નિયાઝીનું ત્યાં જ મૃત્યુ થયું. આ શોએબ ખાનના હાથે પહેલી હત્યા હતી.
તે જ જમાનામાં લિયાકતાબાદમાં પણ અંદરોઅંદરની દુશ્મનીમાં કોઈ વ્યક્તિની હત્યા થઈ. પોલીસનું માનવું હતું કે એ હત્યા પણ શોએબ ખાને કરી છે.
‘ડૉન’ બનવાની મહત્ત્વાકાંક્ષા

ઇમેજ સ્રોત, Getty Images
બીજા તપાસ અધિકારી અનુસાર, “ગુના અને હિંસાનો માર્ગ પસંદ કરનારા શોએબ ખાને પોતાનો ધંધો વધારવા માટે પોલીસના મોટા અધિકારીઓ સાથે સાથે શહેરના રાજકીય, સામાજિક, વેપારી, અને પ્રસિદ્ધ લોકો સાથે પણ સંબંધ બનાવવાનું શરૂ કર્યું. તે તેમના માટે ‘ખાસ પાર્ટી’ પણ આયોજિત કરવા લાગ્યો.”
બીબીસી ઉર્દૂના 27 જાન્યુઆરી 2005ના રિપોર્ટમાં સંવાદદાતા એઝાઝ મેહરે જણાવ્યું કે તે સમયના સિંધના મુખ્ય મંત્રી અરબાબ રહીમે દાવો કર્યો કે પોલીસ નેતૃત્વના કેટલાક મોટા અધિકારીઓના શોએબ ખાન સાથે સંબંધ હતા. પરંતુ પોલીસ અધિકારીઓ સાથે એવા સંબંધો છતાં શોએબ ખાનની વિરુદ્ધ હત્યા, હત્યાના પ્રયાસ, અને જુગાર-સટ્ટાના મુકદ્દમા નોંધાતા રહ્યા.
આવા જ કેસોમાં શોએબને ઘણી વાર જેલ અને પોલીસ કોટડીની હવા પણ ખાવી પડી. તે સમયે એક વાર જેલમાં શોએબ ખાનની મુલાકાત અસલમ નાથા સાથે થઈ.
ફૈયાઝ ખાને જણાવ્યું કે દારૂ, જુગાર, સટ્ટો, હપતા, હત્યા, લૂંટફાટ, મિલકતો પર કબજો, અને અન્ય ઘણા ગુનાઓમાં ગળાડૂબ અસલમ નાથા કરાચીમાં ‘જુગારનો બાદશાહ’ કહેવાતો હતો.
તેઓ કહે છે, “ગેરકાયદે ધંધો હોય કે તેમને સંરક્ષણ આપનારા ભ્રષ્ટ પોલીસ અધિકારી, મહોલ્લાઓના બદમાશ હોય કે ટેવના લીધે ગુના આચરનાર… કાં તો બધા અસલમ નાથાને ઓળખતા હતા, અથવા અસલમ નાથા સૌને જાણતા હતા. એટલું જ નહીં, ટીવી કલાકાર અને જાહેરાતોમાં ટીવી પર દેખાતી મૉડલ્સ અને હીરોઇન… (અસલમ) નાથાની પહોંચ બધા સુધી હતી.”
અસલમ નાથા જે ધંધામાં હતો તેમાં દોસ્તી જ નહીં, દુશ્મની પણ થાય છે. તેથી દુશ્મનો તો અસલમ નાથાના પણ હતા.
ફૈયાઝ ખાને જણાવ્યું કે એવા જ એક દુશ્મને લાગ જોઈને એક વાર જેલમાં અસલમ નાથા પર હુમલો કરી દીધો.

ઇમેજ સ્રોત, Getty Images
હવે એ માત્ર એક સંયોગ હતો કે કિસ્મત, શોએબ ખાન પણ તે સમયે ત્યાં હાજર હતો.
તેઓ કહે છે, “નાથા પર હુમલો થયો ત્યારે શોએબ ખાને નાથાને બચાવ્યો તો ખરો અને હુમલાખોર કેદીઓ સાથે ઝઘડો પણ કર્યો. તે જ સમયે નાથાની પારખી નજરોએ શોએબના ‘ટૅલેન્ટ’ને પારખી લીધું.”
ફૈયાઝનું કહેવું છે કે જેલમાંથી છૂટ્યા બાદ પણ શોએબે નાથાના દુશ્મનો સાથે ઝઘડો કર્યો. બંને વચ્ચે નિકટતા અને વિશ્વાસ એટલાં વધી ગયાં કે અસલમ નાથાએ અર્શી સિનેમા પાસે આવેલા પોતાના જુગારના અડ્ડાનો ધંધો શોએબ ખાનને સોંપી દીધો.
બીજી તરફ શોએબને ધીરે ધીરે એવો અહેસાસ થયો કે તે તો માત્ર એક પ્રતિનિધિ છે અને અસલી ‘ડૉન’ તો અસલમ નાથા છે.
ત્યાર બાદ અસલમ નાથાની જગ્યાએ પોતે ડૉન બનવાની ચાહત અને શહેરમાં પોતાનો સિક્કો ચલાવવાની ઇચ્છાને કારણે ધીરે ધીરે શોએબ અને અસલમ નાથા વચ્ચે તિરાડ પાડતી ગઈ.
સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ કે શોએબે 13 જૂન 1995એ અસલમ નાથાની હત્યા કરાવી દીધી.
બીબીસી ઉર્દૂએ 27 જાન્યુઆરી 2005ના રિપોર્ટમાં જણાવ્યું કે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે શોએબ ખાન અસલમ નાથાની હત્યામાં સામેલ હતો.
નાથાની હત્યા બાદ જુગારના ધંધાએ બીજું એક પાસું પલટ્યું. શહેરના એક પૂર્વ પોલીસ પ્રમુખે જણાવ્યું કે આ એ જમાનો હતો જ્યારે ભારતમાં જુગારીઓએ ક્રિકેટ મૅચમાં જુગારની ‘બુક’ની શરૂઆત કરાવી.
આ અધિકારી કહે છે, “તરત જ આ ‘ફૅશન’ કરાચી પણ પહોંચી ગઈ. અહીં પણ નામી અનામી જુગારી ‘બુકી’ બની ગયા એટલે કરાચી અંડરવર્લ્ડે પણ બુક દ્વારા ક્રિકેટ સાથે સંકળાયેલા જુગારને આસમાને પહોંચાડી દીધો. આ કરાચી અંડરવર્લ્ડ બિઝનેસ એમ્પાયરનું નવું વેંચર હતું.”
ફૈયાઝ ખાને જણાવ્યું કે ત્યાં સુધીમાં શોએબ કરાચીમાં જુગાર-સટ્ટાના ધંધામાં છવાઈ ચૂક્યો હતો.
તેઓ કહે છે, “ક્રિકેટ બુક્સ પર પણ તેણે જ કંટ્રોલની કોશિશ કરી અને ઘણી હદે સફળ પણ રહ્યો પરંતુ અસલમ નાથાની હત્યા બાદ શોએબ ખાનને નાથાના મિત્રોથી ખૂબ જોખમ પણ હતું.”
એમાં સૌથી મોટું નામ હતું મુનાફ પરેડી. મુનાફ સદર સ્થિત પરેડી પોલીસ લાઇનના સબ-ઇન્સ્પેક્ટર અબ્દુલ રસૂલ ખાનજાદાના ચાર પુત્રો પૈકી એક હતો.
આ ચારેય ભાઈ, એટલે કે, ખાલિદ, મુનાફ, મુરાદ, અને ઇદરીસ અંડરવર્લ્ડ અને ગૅંગવૉર જેવા વિવાદોમાં માર્યા ગયા.
આ પરિવાર પરેડી પોલીસ લાઇનમાં રહેતો હતો. આક્રમક મગજના આ ચારેય ભાઈ એટલા શક્તિશાળી હતા કે રાજકીય પાર્ટીઓ, ખાસ કરીને એમક્યૂએમ જેવા પક્ષોને પણ ગણકારતા નહોતા.
ફૈયાઝ ખાનનું કહેવું છે, “મુનાફ પરેડીની હત્યા શોએબે પોતાના એવા સાગરીતો દ્વારા કરાવી જે પોતે એમક્યૂએમની જ સશસ્ત્ર વિંગ સાથે સંબંધ ધરાવતા હતા અને લાઇસન્સ એરિયા સેક્ટર સાથે જોડાયેલા હતા.”
મેં તે અંગેની પ્રતિક્રિયા જાણવા માટે એમક્યૂએમના સેનેટર ફૈઝલ સબ્ઝવારી સાથે વાત કરી.
તેઓ કહે છે, “એ સાચું છે કે સંગઠનમાં કેટલાંક અસામાજિક તત્ત્વો જરૂર આવ્યાં હતાં, પરંતુ એમની ગેરકાયદે પ્રવૃત્તિની માહિતી મળતાં તેમને એમક્યૂએમમાંથી બહાર કરી દેવાયાં હતાં.”
“તેમના કેટલાક લોકો વિશે અમે પણ સાંભળતા હતા કે તેઓ શોએબ સાથે ભળી ગયા છે. પરંતુ શોએબ ખાનની કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિ કે તેના કોઈ પણ કામધંધા સાથે એમક્યૂએમને ક્યારેય કશી લેવાદેવા નથી રહી.”
આ બધું નજીકથી જોનારાં ઘણાં સૂત્રો અનુસાર, આ દરમિયાન શોએબ ખાન રાજકીય પક્ષોની સશસ્ત્ર વિંગ, પોલીસ અને જાસૂસી સંસ્થાઓનાં ‘જૂથો’ને મળીને જુગારના ધંધાનો ફેલાવો કરતા રહ્યા.
“રસ્તામાં જે કોઈ આવ્યા, કાં તો શોએબના પૈસા સાથે સ્પર્ધા ન કરી શક્યા, અથવા તો શોએબ ખાનની શક્તિના જોરે બધા સામનો કરીને એક પછી એક અડ્ડા ખોલતા રહ્યા.”
“પોલીસ હોય કે સરકારની બીજી સંસ્થાઓ, બધાના મોટા અધિકારી તો બસ પોતાના ભાગથી ખુશ રહેતા હતા. એટલે સુધી થતું રહ્યું કે પોતાના પોસ્ટિંગ માટે લાંચના પૈસા પણ શોએબ ખાન પાસે માગતા હતા.”
દાઉદ ઇબ્રાહિમથી પ્રભાવિત

ઇમેજ સ્રોત, Getty Images
ફૈયાઝ ખાન જણાવે છે કે શોએબને મેમણ જુગારીઓ દ્વારા ક્રિકેટ બુક્સના આંતરરાષ્ટ્રીય બાદશાહ અને મુંબઈ અંડરવર્લ્ડ કિંગ દાઉદ ઇબ્રાહિમ વિશે માહિતી મળી.
મીડિયા અનુસાર, દાઉદ ઇબ્રાહિમ 12 માર્ચ 1993એ મુંબઈ પર થયેલા 12 બૉમ્બ હુમલાના મુખ્ય આરોપી હતો. આ હુમલામાં 257 લોકો મર્યા ગયા અને 1,400 કરતાં વધારે નાગરિક ઘાયલ થયા હતા.
મેમણ શેઠોએ જે નકશો દોર્યો તેનાથી શોએબને સમજાયું કે જો કામધંધો, શક્તિ, અને પૈસા વધારવા હોય તો દાઉદ ઇબ્રાહિમ પાસે જવું પડશે, જે તે સમયે દુબઈમાં રહેતા હતા.
ધંધો વધારવાનો આ જ વિચાર 1992માં શોએબને દુબઈ લઈ ગયો. અહીં એક કૉમન મિત્ર તૌફીક મેમણે શોએબ ખાનને દાઉદ ઇબ્રાહિમ સુધી પહોંચાડી પણ દીધો.
‘ન્યૂઝલાઇન’ અનુસાર, શોએબ 1998 સુધી જુગારનો એક અડ્ડો દુબઈમાં પણ ચલાવતો રહ્યો, પરંતુ એક દિવસ આ અડ્ડા પર એક મોટી રકમ જીતનારા ઇરફાન ગોગા સાથે ઝઘડા બાદ શોએબે ગોગાની હત્યા કરી નાખી. ગોગાનો મૃતદેહ તો ક્યારેય મળી શક્યો નહીં પરંતુ તેની ગાડી દુબઈના વિમાનમથકના પાર્કિંગમાંથી મળી આવી.
પીએસએફ (પાકિસ્તાન સાયન્સ ફાઉન્ડેશન), કરાચીના 1990ના નેતૃત્વમાં સામેલ રહેલા મારા અને શોએબ ખાનના એક મિત્રએ જણાવ્યું કે ગોગાની લાશ પણ નહોતી મળી શકી. “શોએબે તેની લાશને ઍસિડથી ભરેલા ડ્રમમાં નાખી દીધી હતી.”
ગોગા દાઉદ ઇબ્રાહિમના પણ મિત્ર હતા. દાઉદ ઇબ્રાહિમની પૂછપરછમાં શોએબે જણાવ્યું કે ગોગા હકીકતમાં દાઉદ ઇબ્રાહિમ વિશે એવી વાતો કરતો હતો જે તેમનાથી સહન ન થઈ એટલે તેમણે ગોગાને મારી નાખ્યો.
ત્યાં સુધીમાં દાઉદ ઇબ્રાહિમ માટે તેમના જ સૌથી નજીકના સાથી છોટા રાજન તેમને દુશ્મન અને જોખમ બની ચૂક્યો હતો અને દાઉદને પણ શોએબ ખાન જેવા નવા વિશ્વાસુ અને ‘ટૅલેન્ટેડ’ મિત્રોની જરૂર હતી.

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે ગોગાની હત્યાનો કેસ ગંભીર બનવા લાગ્યો ત્યારે, દુબઈના અધિકારી શોએબની ધરપકડ કરે એ પહેલાં, તે ફરાર થઈને પાછા કરાચી પહોંચી ગયો.
આ તરફ ભારત સરકાર તરફથી મોસ્ટ વૉન્ટેડ દાઉદ ઇબ્રાહિમને ઇન્ટરપોલ દ્વારા દુબઈથી પકડવાની તીવ્ર બનતી કોશિશોએ દાઉદ ઇબ્રાહિમનો રસ પણ કરાચીમાં વધારી દીધો હતો. ‘ન્યૂઝલાઇન’ અનુસાર, દાઉદ ઇબ્રાહિમ પણ કરાચી આવી ગયો.
બીજી બાજુ રાજન, કથિત રીતે ભારતીય જાસૂસી સંસ્થાઓ સાથે હાથ મિલાવીને દાઉદ વિરુદ્ધ પોતાની ગૅંગ બનાવી ચૂક્યો હતો. તે બૅંગકૉકમાં પોતાના એક વિશ્વાસુ સાથી અને ટૉપ શૂટર રોહિત વર્માના ઍપાર્ટમેન્ટમાં રહેતો હતો.
દાઉદ ઇબ્રાહિમની ફરમાઇશથી શોએબ ખાને ભોલૂને કહ્યું કે છોટા રાજનને ઠેકાણે પાડી દેવો છે.
‘ન્યૂઝલાઇન’ અનુસાર, ભોલુ ‘કૉન્ટ્રૅક્ટ કિલર’ હતા. શોએબ ખાન દ્વારા સોપારી અપાતાં ભોલુએ કોશિશ તો કરી અને રાજનને શોધીને હુમલો પણ કરાવી દીધો પરંતુ રાજન બચી ગયો, જોકે, તેમના યજમાન રોહિત વર્મા માર્યો ગયો.
આ મામલામાં પહેલાં તો શોએબ ખાન અને ભોલુ, અને પછી દાઉદ ઇબ્રાહિમ અને શોએબ ખાન વચ્ચે ખૂબ કડવાશ પેઠી. શોએબે ભોલુને ‘સોપારી’ની બાકી રકમ પણ આપી નહીં.
દાઉદ ઇબ્રાહિમ સાથે મુલાકાત, તેમની રહેણીકરણી, અને રીતભાતોને નજીકથી જોયા બાદ એ શાહી જીવનની ઝાકઝમાળે શોએબ ખાનને એક નવું સપનું બતાવ્યું. હવે શોએબ પણ દાઉદ ઇબ્રાહિમ જેવા ‘ડૉન’ બનવા માગતો હતો.
‘ન્યૂઝલાઇન’ અનુસાર, કરાચી પાછા પહોંચીને શોએબે હૉકી ક્લબ ઑફ પાકિસ્તાન નજીક જુગારનો સૌથી મોટો અડ્ડો ખોલ્યો.
આશ્ચર્યજનક રીતે જુગારનો આ અડ્ડો પાકિસ્તાની સેનાની મુખ્ય કચેરી એટલે કે કોર કમાંડર, સિંધની ઑફિસની બરાબર પાછળ હૉકી ક્લબ ઑફ પાકિસ્તાનની પાસે આવેલા અખબાર ‘ઉમ્મત’ની ઑફિસવાળી ઇમારતમાં એક અલગ ભાગમાં બન્યો.
એક બિનલશ્કરી જાસૂસી સંસ્થાના અધિકારીએ જણાવ્યું કે હૉકી ક્લબમાં રમી ક્લબનું લાઇસન્સ અંગ્રેજ સરકારના જમાનામાં અપાયું હતું. “તે જ્યારે શોએબના હાથમાં આવ્યું ત્યારે કોઈ કાકા નામના વ્યક્તિના નામે લેવાઈ ચૂક્યું હતું. શોએબનું દુસ્સાહસ તો જુઓ, કે પાકિસ્તાન સેનાના નાકની નીચે, તે પણ ‘ઉમ્મત’ જેવા અખબારની ઑફિસની ઇમારતમાં જુગારખાનું ખોલ્યું, જે રમત વાત નહોતી. પરંતુ શોએબે વિચાર્યું કે કરવું છે તો બસ, કરી નાખ્યું.”
કરાચીના ઘણા મોટા પોલીસ અધિકારી મને કહી ચૂક્યા છે કે આખા શહેરને ખબર હતી કે હૉકી ક્લબમાં જુગારનો અડ્ડો છે. એ પણ ખબર હતી કે કોનો છે, પરંતુ કાયદો લાગુ કરનારી કોઈ પણ સંસ્થાએ આ અડ્ડા વિરુદ્ધ કોઈ પગલાં ન ભર્યાં.
હાજી ઇબ્રાહિમ ભોલુ ગાયબ

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ થોડાં જ વર્ષોમાં શોએબ ખાનને તેમની અંધાધૂંધ ઝડપી જિંદગીએ જ ડુબાડ્યો. એમક્યૂએમ હોય કે પીપલ્સ પાર્ટી, શહીદ ભુટ્ટો ગ્રૂપ (મુર્તઝા ભુટ્ટોનું રાજકીય જૂથ), જમાત-એ-ઇસ્લામી સહિત લગભગ બધી રાજકીય શક્તિ હોય કે પછી સેના, પોલીસ, અને સરકારની બીજી સંસ્થાઓ, શો બિઝનેસ અને ઍન્ટર્ટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના નામી લોકો હોય કે પ્રસિદ્ધ બિઝનેસમૅન… કોઈ ક્ષેત્ર એવું નહોતું જેમાં શોએબ ખાનની પહોંચ, ઓળખાણ કે સંબંધ ન હોય; પરંતુ હવે જમીન પરની દુનિયા ઝડપભેર બદલાઈ રહી હતી.
12 ઑક્ટોબર 1999એ નવાઝ શરીફની બીજી સરકાર તોડીને લશ્કરી પ્રમુખ જનરલ મુશર્રફ સત્તા પરની પકડ મજબૂત કરી ચૂક્યા હતા. તેમની સૌથી મોટી સહયોગી પાર્ટી અલ્તાફ હુસૈનની એમક્યૂએમ (મુત્તહિદા કોમી મૂવમેન્ટ) હતી.
નવાઝ શરીફના સમયમાં ‘ઑપરેશન ક્લીનઅપ’માં સામેલ રહેલા પોલીસ અધિકારી હવે પરિસ્થિતિ જોઈને એમક્યૂએમની નજીક આવી ગયા હતા. તદ્ ઉપરાંત, એમક્યૂએમના સૈન્યપાંખના અસંતુષ્ટ સભ્ય હવે શોએબ ખાનની સાથે ભળતા જતા હતા.
ચૌધરી અસલમ જેવા અધિકારી એમક્યૂએમ સરકારના પદાધિકારીને શોએબ ખાન અને તેમની સાથે ભળી ગયેલા એમક્યૂએમના સશસ્ત્ર પાંખના સભ્યોની પ્રવૃત્તિઓની માહિતી વાર્તાની જેમ આપતા રહેતા હતા. પરંતુ શોએબ ખાનની પહોંચ પોલીસ, એમક્યૂએમ, અને સરકાર સુધી સૌથી ખૂબ ઉપર હતી.
શોએબ ખાનના એક નિકટના સાથીએ ઘણાં વરસો પહેલાં જેલની એક મુલાકાત દરમિયાન મને જણાવ્યું કે શોએબ ખાન તો મિત્રોની હત્યા કરવા લાગ્યો હતો અને આ જ તેના પતનનું કારણ બન્યું.
મારી પોતાની શોધ અનુસાર પણ શોએબ ખાનના પતનની શરૂઆત ભોલુના રહસ્યમય રીતે ગુમ થવાની સાથે થઈ.
હાજી ઇબ્રાહિમ ભોલુ 1990 સુધી કરાચીમાં પીપલ્સ પાર્ટીના વિદ્યાર્થી સંગઠન ‘પીએસએફ’ના સભ્ય રહી ચૂક્યો હતો. ગુસ્સાવાળા અને આક્રમક વલણ ધરાવતા ભોલુ વિશે પાકિસ્તાની અધિકારીઓનો દાવો રહ્યો છે કે તેઓ ‘પીએસએફ’ની સશસ્ત્ર પાંખનો ભાગ હતો. તે મુર્તઝા ભુટ્ટોના સંગઠન અલ ઝુલ્ફિકાર સાથે સંકળાયેલો હતો અને પછી દક્ષિણ આફ્રિકાની ડ્રગ્સ, હૂંડી-હવાલા, સ્મગ્લિંગ, અને અન્ય ગુનાઓની સંગઠિત ગૅંગ ભોલુ ગૅંગમાં જોડાઈ ગઈ.
‘ન્યૂઝલાઇન’ અનુસાર, જ્યારે દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા પાકિસ્તાન અને ભારતીય ગુનેગારોની ગૅંગોની ગૅંગવૉરમાં ભોલુનું નામ ગુંજવા લાગ્યું ત્યારે તે દાઉદ ઇબ્રાહિમ માટે પણ કામ કરવા લાગ્યો. દાઉદ ઇબ્રાહિમ સાથે તેની મૈત્રીના કારણે જ તે દુબઈમાં શોએબ ખાનને મળ્યો હતો. કરાચીના ગુજરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆર અનુસાર, ખયાબાન ગાઝીના રહેવાસી હાજી ઇબ્રાહિમ ભોલુ તે જ વિસ્તારમાંથી ગુમ થયો.
અંગ્રેજી અખબાર ‘ડૉન’ અનુસાર 8 જાન્યુઆરી 2001એ ભોલુ શોએબ ખાનને મળવા ગયો હતો, પરંતુ રહસ્યમય રીતે ગુમ થઈ ગયો. ભોલુના રહસ્યમય રીતે લાપતા થવાનો કેસ હલ ન થયો તેથી દક્ષિણ આફ્રિકામાંની ભોલુની ગૅંગે મામલો પૂરો કરવાની કોશિશ કરી.
મારા, ભોલુ, અને શોએબના એક કૉમન મિત્ર અને એક પૂર્વ વિદ્યાર્થીનેતાએ જણાવ્યું કે અહીંના કેટલાક લોકો દાઉદ ઇબ્રાહિમ સુધી પહોંચી ગયા.

ઇમેજ સ્રોત, Getty Images
‘ન્યૂઝલાઇન’ અનુસાર શોએબ ખાન કરાચીમાં દાઉદ ઇબ્રાહિમ માટે પણ હપતાનો ધંધો કરતો રહ્યો પરંતુ ભોલુના હુમલામાં છોટા રાજન બચી જવાને કારણે શોએબ ખાન અને દાઉદ ઇબ્રાહિમના સંબંધો પહેલાં જેવા નહોતા રહ્યા.
એક પૂર્વ વિદ્યાર્થીનેતાએ જણાવ્યું, “ભોલુ લાપતા થવાથી ગુસ્સો એટલો બધો હતો કે દાઉદ ઇબ્રાહિમને પણ અંદાજ આવી ગયો હતો કે આસાનીથી આ મામલો નહીં ઉકેલાય. ત્યાં સુધીમાં, શોએબ ખાન—જે ક્યારેક દાઉદ ઇબ્રાહિમનો જમણો હાથ મનાતો હતો—બોજારૂપ બની ચૂક્યો હતો.”
બીજી તરફ, આ કેસના લીધે કરાચી પોલીસની શોએબ માટેની નારાજગી વધવી શરૂ થઈ. કરાચીમાં પોલીસ અધિકારીઓનો એક સમૂહ પણ ભોલુનો મિત્ર હતો, જેમાં ચૌધરી અસલમ વગેરે પણ સામેલ હતા. ભોલુની ગૅંગ એ પોલીસ અધિકારીઓ પર શોએબ ખાન જેવી જ મહેરબાનીઓ કરતી હતી.
ભોલુ ગુમ થયા બાદ ચૌધરી અસલમ અને રાવ અનવાર જેવા અધિકારીઓનું અનુમાન હતું કે ભોલુની હત્યા કરી દેવામાં આવી છે. આ પોલીસ અધિકારીઓને શંકા હતી કે ભોલુની હત્યામાં સોએ સો ટકા શોએબ ખાનનો હાથ હોઈ શકે છે.
બીજી તરફ, એમક્યૂએમ સાથે પણ શોએબ ખાનનો વિવાદ વધતો જતો હતો.
એક સરકારી અધિકારી અનુસાર, “શોએબ ખાન પૈસાના જોરે પોલીસ અધિકારીનું પોસ્ટિંગ અને બદલી સુધ્ધાં કરાવી શકતો હતો. તેમણે એક અધિકારીના પોસ્ટિંગ માટે સિંધના ગવર્નર ઇશરતુલ ઇબાદના એક સંબંધીને 30 લાખ રૂપિયા આપ્યા, પરંતુ બદલી ન થઈ શકી. આ મુદ્દે શોએબની વાતચીતમાં કડવાશ આવી ગઈ, જેનાથી એમક્યૂએમમાં પણ તેમના માટેની શક્યતાઓ ઘટવાનું શરૂ થઈ ગયું.”
જ્યારે આ આરોપની પુષ્ટિ કે ખંડન માટે મેં જાતે સિંધના પૂર્વ ગવર્નર અને એમક્યૂએમના નેતા ઇશરતુલ ઇબાદનો મત જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમણે મને જ સવાલ પૂછ્યો, “તો શું જે અધિકારીની બદલી માટે પૈસા અપાયા હતા તે થઈ ગઈ? ન થઈ ને… તો એ સમજવા માટે તે પૂરતું છે કે આ બધી વાર્તા છે.”
દાઉદ ઇબ્રાહિમ, એમક્યૂએમ, અને કરાચી પોલીસ – બધા નારાજ થઈ રહ્યા હતા, અને એવા સમયે પણ શોએબ મિત્રોને દુશ્મન બનાવી રહ્યો હતો.
કેન્દ્રીય પોલીસ કચેરી, કરાચીમાં 2009 સુધી ફરજ બજાવનારા એક મોટા અધિકારીએ મને જણાવ્યું કે મામલો સરદારીનો હતો, તાકાત અને પૈસાનો હતો. એક સમયે એવો આવ્યો હતો કે શોએબનું નામ હપતા સાથે પણ જોડાવા લાગ્યું.
જે ગણો તે, પણ જમીન પર બદલાતી આ પરિસ્થિતિમાં શોએબ ખાનના ખરાબ દિવસો શરૂ થયા હતા. પહેલો ખરાબ દિવસ 21 ફેબ્રુઆરી 2001 હતો.
તે દિવસે શોએબને ભોલૂ કેસમાં જામીન માટે હાજર થવા અદાલતમાં આવવાનું હતું, પરંતુ બદલાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શોએબ ખાને પોતાના માટે વધારાની સુરક્ષાની વ્યવસ્થા કરી.
‘ન્યૂઝલાઇન’, તપાસ અધિકારીઓ, અને અન્ય ઘણાં સૂત્રો અનુસાર, વધારાની આ સુરક્ષા માટે શોએબ ખાને અર્ધસૈનિક દળ ‘રેન્જર્સ’ના અધિકારીઓ પાસે મદદ માંગી. તેમને સિક્યૉરિટી આપવામાં આવી પરંતુ તેમની પહેલાં તો ત્યાં ભોલુ ગૅંગના લોકો પણ હાજર હતા જેઓ ભોલુ ગાયબ થવાના લીધે નારાજ હતા.
એ તો ખબર ન પડી કે શરૂઆત કોણે કરી, પરંતુ શોએબ ખાન જ્યારે રેન્જર્સના અધિકારીઓ અને પોતાના સશસ્ત્ર સમર્થકો સાથે અદાલત પરિસરમાં દાખલ થયો ત્યારે ભોલુના સમર્થકો અને શોએબના સાથીદારો વચ્ચે અથડામણ થઈ ગઈ.
રેન્જર્સે પણ ગોળીઓ છોડી. આ હુમલામાં શોએબ તો સલામત રહ્યો પરંતુ ગોળીઓ વાગવાના કારણે કેટલાક લોકો ઘાયલ થવાથી રેન્જર્સના અધિકારીઓએ કાર્ટ માર્શલનો સામનો કરવો પડ્યો. ત્યાર બાદ તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા.
કરાચી પોલીસના અધિકારી રાવ અનવારે પણ મારી સાથેની વાતચીતમાં રેન્જર્સના અધિકારીઓના કોર્ટ માર્શલની પુષ્ટિ કરી. ‘ન્યૂઝલાઇન’ અને બીજાં સૂત્રોએ પણ રેન્જર્સ અધિકારીઓના કોર્ટ માર્શલની પુષ્ટિ કરી.
ઇન્ટરનેટ પરથી મળેલી સામગ્રી અનુસાર એ અધિકારીઓ શોએબની એવી અંગત મહેફિલોમાં જતા હતા જેમાં મુજરા થતા રહેતા હતા. શોએબની સુરક્ષા માટે રેન્જર્સના અધિકારીઓનું અદાલત જવું, તે અધિકારીઓનો વ્યક્તિગત નિર્ણય હતો.
આ બધું થયું ત્યારે શોએબને પણ અનુભૂતિ થઈ ગઈ હતી કે બહારની દુનિયામાં ચારેબાજુ આટલા બધા વિરોધીઓ અને દુશ્મનોની હાજરી ખતરનાક સાબિત થઈ શકે છે. શોએબે જેલને સુરક્ષિત માનીને 14 જૂન 2001એ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું.
શોએબ ખાન પર બીજો હુમલો

ઇમેજ સ્રોત, Getty Images
અધિકારીઓએ શોએબ ખાનને લાંઢી જેલમાં રાખવાનો નિર્ણય કર્યો. તે વિચાર પાછળનું કારણ એ હતું કે ત્યાં શોએબ વધારે સુરક્ષિત રહેશે, પરંતુ થોડા જ મહિનામાં દુશ્મનોએ શોએબ ખાન પર બીજો હુમલો કર્યો.
મારા સંશોધન અનુસાર, 25 ઑગસ્ટ 2001એ શોએબને સિટી કોર્ટમાં હાજર કર્યા બાદ જેલમાં પાછા લઈ જવાતો હતો. વિશેષ અને અસામાન્ય વ્યવસ્થા હેઠળ ચાર સશસ્ત્ર અધિકારી, જેમાં સબ-ઇન્સ્પેક્ટર ગુલામ દસ્તગીર પણ સામેલ હતા, એ વાનના પાછળના ભાગમાં જ હતા જેમાં શોએબ ખાનને બેસાડવામાં આવ્યો હતો. વધારાની એક પોલીસ વાનમાં બીજા એક સબ-ઇન્સ્પેક્ટરના નેતૃત્વમાં આઠ પોલીસકર્મીઓને શોએબ ખાનની સુરક્ષાના બંદોબસ્તમાં મુકાયા હતા. એ વાન શોએબને જેલ લઈ જતી વાનની પાછળ પાછળ જતી હતી.
પોલીસ અધિકારી ફૈયાઝ ખાનનું કહેવું છે કે તેમની તપાસ અનુસાર, “ભોલુ ગૅંગના સરદાર મંઝર અબ્બાસે ભોલુ ગુમ થયાનો બદલો લેવા માટે હવે શોએબની હત્યા કરાવવાનું નક્કી કર્યું હતું. તે માટે લયારી ગૅંગના સરદાર રહમાન ડકૈતને બે કરોડ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી. બેમાંથી એક કરોડ ચૂકવાઈ ગયા હતા અને એક કરોડ કામ પત્યા પછી મળવાના હતા.”
કાફલો જેવો નક્કી કરેલા સ્થળે પહોંચ્યો કે તરત જ રહમાન અને તેના પાંચ અન્ય સશસ્ત્ર સાથીઓએ લાઇન બનાવીને ગોળીઓની રમઝટ બોલાવી દીધી.
હુમલામાં શોએબ ખાન અને વાનમાં સવાર ઘણા પોલીસ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા, જ્યારે શોએબ ખાનને લઈ જતી વાનમાં બેઠેલા ગુલામ દસ્તગીર સહિત ચારેય પોલીસ અધિકારીઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું.
ફૈયાઝ ખાને જણાવ્યું કે શોએબ ખાનને હુમલામાં ઘાયલ થવાનો લાભ એ થયો કે તેને મેડિકલ આધાર પર અદાલતમાંથી જામીન મળી ગયા.
ખરાબ દિવસો તો આવી ગયા હતા પરંતુ ‘ડૉન’ બની જવાના સપનાની પાછળ ભાગતા શોએબ ખાનના હાથે હત્યા અને બીજા ગુનાઓનો સિલસિલો ત્યારેય અટકી ન શક્યો.
હવે શોએબ ખાને જમીન અને મિલકતો પર કબજો જમાવવાનો સિલસિલો પણ શરૂ કર્યો. આ કબજાની શ્રુંખલામાં એક દિવસ શોએબ ખાન મુનવ્વર સુહરાવર્દી સાથે સંઘર્ષમાં ઊતર્યા.
પીપલ્સ પાર્ટીના નેતા મુનવ્વર સુહરાવર્દી પોતાની ચેરપર્સન બેનઝીર ભુટ્ટોના ખૂબ જ વિશ્વાસુ હતા અને ચીફ સિક્યૉરિટી અધિકારી પણ હતા. જ્યારે શોએબ ખાન મુનવ્વાર સુહરાવર્દી સાથે સંઘર્ષમાં ઊતર્યા ત્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું કે તેઓ પીપલ્સ પાર્ટી સાથે આટલો મોટો ઝઘડો કરી શકે છે.
શોએબ ખાનનો મુનવ્વર સુહરાવર્દી સાથેનો ઝઘડો એની જગ્યાએ હતો પરંતુ વધારે ગુસ્સો તો એ વાતે હતો કે તેઓ ભોલુના મિત્રોના સમર્થક હતા.
ફૈયાઝ ખાન અનુસાર, “શોએબ ખાને પીપલ્સ પાર્ટીના મુર્તઝા ભુટ્ટો ગ્રૂપની નજીકના અને સશસ્ત્ર પાંખ અલ ઝુલ્ફિકાર સાથે સંકળાયેલા કેટલાક સક્રિય લોકો (આશિક હુસૈન ખોસૂ અને નિયાઝ) સાથે સોદો કર્યો અને તેમને મુનવ્વર સુહરાવર્દીની હત્યા માટે તૈયાર કર્યા.”
પહેલાં શોએબે પોતાનું વચન નિભાવતાં આશિક ખોસૂ અને નિયાઝને ઉપહાર તરીકે ઇન્સ્પેક્ટર ઝીશાન કાઝમીની હત્યાની તક આપી જેથી તેઓ મીર મુર્તઝા ભુટ્ટોની હત્યા અને મુર્તઝા ભુટ્ટોની સશસ્ત્ર પાંખના સૌથી મહત્ત્વના સભ્ય અલી સુનારાની ધરપકડનો બદલો લઈ શકે.
મીર મુર્તઝા ભુટ્ટોના સમર્થક આશિક ખોસૂ અને નિયાઝ વગેરે સમજતા હતા કે આ વાતોમાં ઇન્સ્પેક્ટર ઝીશાન કાઝમી મુખ્ય ભૂમિકા ભજવતા હતા.
ઇન્સ્પેક્ટર ઝીશાન કાઝમીની હત્યા

ઇમેજ સ્રોત, ZAFAR RIZVI
જે કરાચી ઑપરેશનનું વલણ 1992માં અલ્તાફ હુસૈનની એમક્યૂએમ તરફ ઢળી ગયું હતું, તેના સૌથી ખ્યાતનામ પાત્ર ઇન્સ્પેક્ટર ઝીશાન કાઝમી હતા. જોકે, ઝીશાન કાઝમીની હત્યા માટે શંકાની સોય એમક્યૂએમની તરફ જ ચીંધાઈ પરંતુ ઘણાં વર્ષો પછી, ધરપકડ થયેલા આરોપીઓની પૂછપરછમાં રહસ્ય ખૂલ્યું હતું કે હકીકતમાં ઇન્સ્પેક્ટર ઝીશાન કાઝમીની હત્યા આશિક ખોસૂ અને નિયાઝ વગેરેએ કરી હતી.
ફૈયાઝ ખાન અનુસાર, ઇન્સ્પેક્ટર ઝીશાન કાઝમીને શોએબે ગુજરીસ્થિત ખયાબાન-એ-સહરમાં પોતાના ઘરે બોલાવ્યા અને દગાથી તેમને આશિક ખોસૂ અને નિયાઝને સોંપી દીધા.
‘ડૉન’ અખબાર અનુસાર, ઇન્સ્પેક્ટર ઝીશાન કાઝમીનો મૃતદેહ મંગળવાર, 14 ઑક્ટોબર 2003ની રાત્રિ બાદ શહેરના પૂર્વ તરફના ભાગમાં પીઈસીએચ સોસાયટીના બ્લૉક 2ના ખાલિદ બિન વલીદ રોડ પરથી મળ્યો. શોએબ ખાન તરફનું વચન પૂર્ણ કરાતાં આશિક ખોસૂ અને નિયાઝે પોતાનું વચન પણ પૂરું કર્યું અને સાથીઓ સાથે મળીને 17 જૂન 2004ના રોજ થાના જમશેદ ક્વાર્ટર્સની હદમાં શહેરની બિલકુલ વચ્ચોવચ ગુરુમંદિર પાસે ગોળીઓ મારીને મુનવ્વર સુહરાવર્દીની પણ હત્યા કરાવી દીધી.
પોલીસ અધિકારી રાવ અનવારે પણ પુષ્ટિ કરી કે મુનવ્વર સુહરાવર્દી અને ઝીશાન કાઝમી—બંનેની હત્યામાં સોએ સો ટકા શોએબ ખાનનો હાથ હતો.
ગવર્નરની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત અન શોએબ ખાનની ધરપકડ

ઇમેજ સ્રોત, JAFAR RIZVI
વિરોધીઓ એક એક કરીને શોએબ ખાન વિરુદ્ધ એકજૂથ થવા લાગ્યા અને બધા સાથે સારા સંબંધો છતાં શોએબ ખાનની વિરુદ્ધ મુકદ્દમાઓ નોંધાતા ગયા. જોકે કશી નક્કર કાર્યવાહી નહોતી થતી.
પૂર્વ ગવર્નર ઇશરતુલ ઇબાદે પણ પુષ્ટિ કરી અને કહ્યું, “જ્યારે અમે શહેરમાં જુગાર, સટ્ટા, હપતાખોરી, અને અન્ય ગુનાઓ સામે કામ કરવાની શરૂઆત કરવા માગી ત્યારે ખબર પડી કે પોલીસ શોએબ ખાનની વિરુદ્ધનો સરકારી આદેશ સાંભળી તો લે છે પણ કાર્યવાહી નથી કરતી.” પરંતુ, કહેનારાઓ કહાણીના બીજા છેડા પર પણ પ્રકાશ પાડે છે.
શોએબ ખાનની નિકટના ગણાતા એક નેતાએ જણાવ્યું કે એમક્યૂએમની સશસ્ત્ર પાંખના નારાજ કાર્યકર્તા બહાર હોય કે જેલમાં, બધા શોએબ ખાન માટે કામ કરવા લાગ્યા હતા,
મારા એક સૂત્રએ જણાવ્યું કે એક વાર શોએબ ખાને શહેર પોલીસના વડા દ્વારા ગવર્નર ઇશરતુલ ઇબાદને સંદેશ મોકલ્યો કે જો અર્શી સિનેમા, ક્લિફ્ટન, અને હૉકી ક્લબ સહિત શહેરમાંના તેમના જુગારના ચાર અડ્ડા ચાલુ રહેવા દેવામાં આવે તો તેઓ કરોડો રૂપિયા ચૂકવવા માટે પણ તૈયાર છે.
‘ઉર્દૂ પૉંઇટ’એ 4 ફેબ્રુઆરી 2005એ પોતાની વેબસાઇટ પર જણાવ્યું કે શોએબ ખાન તરફથી સમજૂતી કરવાની ઑફર પર એમક્યૂએમએ ઇનકાર કરી દીધો.
બીજી બાજુ સિંધના ગર્વનરના નેતૃત્વમાં રાજ્ય વહીવટી તંત્રએ શોએબ ખાન પર લગામ મૂકવા વિચાર્યું પરંતુ એવું થઈ ન શક્યું.
ડૉક્ટર ઇશરતુલ ઇબાદ જણાવે છે, “અમને જાણવા મળ્યું કે અમુક પોલીસ અધિકારીઓને શોએબ ખાન સાથે ખૂબ સારા સંબંધ છે. એટલા સારા કે જ્યારે મેં અને આઇજીએ એક ખૂબ જ સીનિયર અધિકારીને કાર્યવાહીનો ટાસ્ક સોંપ્યો અને તેમણે ઘણી વખત શોએબ ખાનના અડ્ડામાં ઘૂસવાની કોશિશ કરી તો તે અધિકારીએ અદાલતની અવમાનનાની કાર્યવાહીનો 14 વખત સામનો કરવો પડ્યો.”
ઇશરતુલ ઇબાદે કહ્યું કે આ બધું થયું ત્યારે “મેં ફરીથી રાષ્ટ્રપતિ જનરલ મુશર્રફ પાસે મુલાકાત માટેનો સમય માંગ્યો. મુલાકાત દરમિયાન મેં રાષ્ટ્રપતિ મુશર્રફને કહ્યું કે અમે ગુનેગાર તત્ત્વો સામે કાર્યવાહી કરવા માગીએ છીએ. જનરલ મુશર્રફે મને કહ્યું કે ચોક્કસ કરો… અડચણ શી છે? તો મેં રાષ્ટ્રપતિને જણાવ્યું કે એક મત એવો છે કે જે ગુનેગાર તત્ત્વો સામે અમે કાર્યવાહી કરવા માગીએ છીએ, તે સરકારના માનીતા છે અને સરકારની સંસ્થાઓનું તેમને પીઠબળ છે. જ્યાં સુધી આ અડચણો દૂર નહીં થાય ત્યાં સુધી પોલીસ કાર્યવાહી કરતાં ખચકાતી રહેશે.”

ઇમેજ સ્રોત, JAFAR RIZVI
ઇસ્લામાબાદમાં ફરજ બજાવતી અને રાજ્યના ઉચ્ચ હોદ્દા સુધી સંપર્ક ધરાવતી એક વ્યક્તિએ મને જણાવ્યું કે ઇશરતુલ ઇબાદની આ મુલાકાત પછી રાષ્ટ્રપતિ મુશર્રફે આઇએસઆઇના મુખ્ય જનરલ એહસાનુલ હકને કરાચી મોકલ્યા હતા.
ડૉક્ટર ઇશરતુલ ઇબાદે જણાવ્યું કે, “જનરલ મુશર્રફે તે અધિકારીને નિર્દેશ કર્યો કે તમે પોતે જાઓ અને બધી રાજ્ય મશીનરી અને સંબંધિત અધિકારીઓ અને વિભાગોને એકદમ સ્પષ્ટ રીતે જણાવો કે કોઈને પણ રાજ્ય સરકારનું સંરક્ષણ નથી. કોઈ ગુનામાં સામેલ થાય તો તેના ઉપર સંપૂર્ણ કાયદેસર કાર્યવાહી થશે.”
ઇશરતુલ ઇબાદ અનુસાર, તેઓની અને જનરલ મુશર્રફની એ મુલાકાત પછી આર્મી તરફથી સિંધ સરકારના હાથ છૂટ્ટા કરી દેવાયા.
મારાં સૂત્રો અનુસાર આઇએસઆઇના પ્રમુખ જનરલ એહસાનુલ હક દ્વારા કરાચીમાં અધિકારીઓને અપાયેલા સ્પષ્ટ નિર્દેશ પછી આખા તંત્રએ ભરપૂર કાર્યવાહી શરૂ કરી.
જો તે સમયના મીડિયાની તપાસ કરવામાં આવે તો કંઈક અજબની જ કહાણીઓ જાણવા મળે છે. શોએબ ખાનની આખી ગૅંગ અને સાથે કામ કરનારા લોકો પોલીસના નિશાન પર આવી ગયા. જેમાં એમક્યૂએમના એવા સભ્યોનો સમાવેશ પણ થતો હતો જેમના પર હત્યા, મારામારી, અને આતંકના ઘણા કેસ નોંધાયા હતા. છાસવારે પોલીસના દરોડા અને અતિશય સંદિગ્ધ કહેવાય તેવાં પોલીસ ઍન્કાઉન્ટરની શરૂઆત થઈ.
જેને શોએબ ખાનના હમદર્દ અને નજીકના મિત્રો કે શોએબ ખાનની મહેરબાનીઓથી લાભ ઉઠાવનારા અધિકારી ગણવામાં આવતા હતા એવા લશ્કરી અને પોલીસ અધિકારીઓની બદલી અને સસ્પેન્શનનો સિલસિલો પણ શરૂ થયો. એટલે સુધી કે લશ્કરના એક અતિસંવેદનશીલ ક્ષેત્રમાંથી બદલી બાદ સિંધમાં જેલના આઈજી તરીકે તહેનાત કરાયેલા એક બ્રિગેડિયર સહિત ઓછામાં ઓછા ત્રણ બ્રિગેડિયરોની બદલી કરવામાં આવી.
પરિસ્થિતિ એટલી ઝડપથી ખરાબ થઈ કે ભોલુ કેસમાં મેડિકલ આધાર પર જામીન મેળવીને જેલમાંથી બહાર આવતાંની સાથે જ શોએબ ખાને કરાચીથી નીકળીને અંડરગ્રાઉન્ડ થઈ જવાનું નક્કી કર્યું. પરંતુ આખા રાજ્યની સંસ્થાઓ તેમની શોધમાં સક્રિય રહી.
પછી શોએબ ખાનની વિરુદ્ધ પોલીસની પરંપરાગત ચાલાકીઓ પણ શરૂ થઈ ગઈ.
હજુ તો આ બધું ચાલી જ રહ્યું હતું ત્યાં 29 ડિસેમ્બર 2004એ કરાચીનું રિપોર્ટિંગ કરનારા લગભગ બધાં રાષ્ટ્રીય મીડિયા સહિત ઇન્ટરનૅશનલ મીડિયાએ એક ચોંકાવનારા સમાચાર આપ્યા. તે સમાચાર પંજાબના લાહોર શહેરમાંથી શોએબ ખાનની ધરપકડના હતા.
આ એટલા મોટા સમાચાર હતા કે તેને જણાવવા માટે સરકારે બધા મોટા અધિકારીઓની સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ યોજી. અચાનક યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં સામેલ બધા અધિકારીઓએ ગર્વથી એ જાહેરાત કરી કે શોએબ ખાનની ધરપકડ કરી નાખી છે, પરંતુ એ ન જણાવ્યું કે કઈ રીતે તેમની ધરપકડ કરવામાં આવી. પરંતુ મને આ માહિતી કરાચી પોલીસમાં આજે પણ તહેનાત મારા અત્યંત વિશ્વાસુ સૂત્રએ આપી.
સૂત્રોનું કહેવું હતું કે શોએબ ખાન અંડરગ્રાઉન્ડ તો થઈ ગયો પરંતુ તેઓના જુગારના અડ્ડા તો કોઈક ને કોઈક રીતે ચાલતા હતા. “બગડેલી પરિસ્થિતિમાં શોએબ તો પોતાનો ફોન બંધ કરી ચૂક્યો હતો પરંતુ કર્મચારીઓના ફોન ચાલુ હતા. એક દિવસ શોએબે ક્લિફ્ટનના અડ્ડાના મૅનેજર સાથે સંપર્ક કરવાની ભૂલ કરી નાખી.”
મારાં સૂત્રોએ જણાવ્યું કે શોએબ લાહોર કૅન્ટ વિસ્તારમાં એ જ સૈનિક અધિકારીના ઘરે હતો જેમની મદદથી તેઓ રેન્જર્સના અધિકારીઓને પોતાની હાજરીના દિવસે તેમને સિટી કોર્ટ લઈને ગયા હતા.
“બાતમી મળતાં જ પોલીસ અધિકારી ચૌધરી અસલમને શોએબ ખાનની ધરપકડનો આદેશ આપવામાં આવ્યો. ચૌધરી અસલમ પોતાના સૌથી વધુ વિશ્વાસુ સાથી પોલીસ અધિકારી ઇરફાન બહાદુરની સાથે લાહોર પહોંચ્યા.”
એસપી ઇરફાન બહાદુર હવે કરાચીના પૂર્વી જિલ્લાના પોલીસવડા છે અને ઘણા સમય પહેલાં મારી સાથેની વાતચીતમાં પુષ્ટિ કરી ચૂક્યા હતા કે શોએબ ખાનની ધરપકડ કરવા માટે તેઓ પણ ચૌધરી અસલમની સાથે લાહોર ગયા હતા. પરંતુ જ્યારે ઇરફાન બહાદુરે આનાથી વધારે કંઈ પણ કહેવાની ના પાડી ત્યારે લાહોરના એક ક્રાઇમ રિપોર્ટરે મને મદદ કરી.
તેમણે જણાવ્યું, “કરાચી પોલીસની ટીમ કૅન્ટ વિસ્તારમાં દાખલ નહોતી થઈ શકતી. લાહોરના પોલીસ અધિકારી બે પ્રકારની વાતો જણાવે છે. પહેલી એ કે અદાલતમાં હાજર કરાવવાની શરતે શોએબને કરાચી પોલીસ અધિકારીઓને સોંપી દેવાયો. અને, બીજી એ કે શોએબના કૅન્ટ વિસ્તારમાંથી બહાર નીકળવાની રાહ જોવાઈ અને બહાર આવતાં જ તેને પકડી લેવામાં આવ્યો.”
ધરપકડ જે રીતે થઈ હોય તે રીતે, પરંતુ શોએબ ખાન કરાચી પોલીસની કસ્ટડીમાં હતો અને હવે સમસ્યા તેમને સુરક્ષિત કરાચી પહોંચાડવાની હતી.
લાહોરના ક્રાઇમ રિપોર્ટરે જણાવ્યું કે કદાચ સિંધમાં એવો નિર્ણય થયો હતો કે શોએબને પહેલાં કરાચી પહોંચાડવામાં આવે અને પછી તેમની ધરપકડના સમાચાર જાહેર કરવામાં આવે, નહીંતર શોએબ ખાનની સાથે સાથે તેમને કસ્ટડીમાં લેનાર કરાચી પોલીસની ટીમનો જીવ પણ જોખમમાં મુકાઈ શકતો હતો.
“પરંતુ મુશ્કેલી એ હતી કે જો લાહોરથી વિમાન માર્ગે લવાયો હોત તો ટિકિટ તો શોએબ ખાનના નામથી જ બની હોત, અને સમાચાર ફેલાઈ શકતા હતા. ટ્રેન દ્વારા પણ શોએબ ખાનને કરાચી લઈ જવાનું અધિકારીઓને સુરક્ષિત નહોતું લાગતું. હવે એક જ રસ્તો બાકી રહેતો હતો, અને તે હતો રસ્તાનો માર્ગ, એટલે કે કાર દ્વારા કરાચી સુધીની સફર.”
બીજા એક સરકારી અધિકારી અનુસાર, કરાચીમાં આઇજી સિંધ કમાલ શાહ અને ગવર્નર ઇશરતુલ ઇબાદ, બંને આખી રાત જાગતા રહેતા, જેથી શોએબને કરાચી લાવવાની આ મુસાફરીની દેખરેખ જાતે રાખી શકે.
જેલમાં હાર્ટ અટૅકથી શોએબ ખાનનું મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
કરાચી પહોંચ્યા પછી શોએબ ખાનને ભારે કડક સુરક્ષા વ્યવસ્થા સાથે જેલમાં લવાયો. ત્યાં ફક્ત 28 દિવસ પછી, એટલે કે 26 અને 27 જાન્યુઆરી 2005ની વચ્ચેની રાતે જેલ અધિકારીઓએ દાવો કર્યો કે હૃદયરોગનો હુમલો થવાથી શોએબ ખાનનું મૃત્યુ થયું છે.
બીબીસી ઉર્દૂએ 27 જાન્યુઆરી 2005એ જણાવ્યું કે કરાચી જેલના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અમાનુલ્લાહ નિયાઝીનું કહેવું હતું કે શોએબ ખાન બે દિવસથી બીમાર હતો અને જેલની હૉસ્પિટલમાં દાખલ હતો. “ગુરુવાર 27 જાન્યુઆરીની સવારે ત્રણ વાગ્યે તબિયત બગડતાં તેમને જિલ્લા હૉસ્પિટલના હૃદયરોગ વિભાગમાં લઈ જઈ રહ્યો હતો ત્યારે તેણે રસ્તામાં અંતિમ શ્વાસ છોડ્યા.”
‘ડૉન’ના 28 જાન્યુઆરી 2005ના અંક મુજબ શોએબના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે શબઘરમાં રાખવામાં આવ્યો હતો. બપોરે મૃતદેહ જોવા માટે જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ હૉસ્પિટલ પહોંચ્યા પરંતુ તેમનું કહેવું હતું કે આ મામલો તેમના અધિકાર ક્ષેત્રમાં નથી આવતો.
સાંજે હૉસ્પિટલ આવનારા બીજા એક મૅજિસ્ટ્રેટે પોસ્ટમૉર્ટમ માટે તહેનાત મેડિકલ બોર્ડને કહ્યું કે તેઓ માત્ર ત્યારે જ પોસ્ટમૉર્ટમની મંજૂરી આપી શકે જ્યારે બધી કાયદાકીય જરૂરિયાતો પૂરી કરી લેવામાં આવે.
‘ડૉન’ અખબાર અનુસાર, શોએબ ખાનના ઘરના લોકો અને પરિવારે શંકા વ્યક્ત કરી કે શોએબ ખાનને ઝેર આપીને મારી નાખવામાં આવ્યો છે. તેમનું કહેવું હતું કે જો પોસ્ટમૉર્ટમ અને લૅબોરેટરીમાં ટેસ્ટ દ્વારા સ્વતંત્ર તપાસ કરવામાં આવે તો ખબર પડી જશે કે શોએબ ખાનનું મૃત્યુ સ્વાભાવિક નથી.
ખોજી પત્રકાર હોય કે પોલીસ અને લશ્કરી તથા બિનલશ્કરી જાસૂસી સંસ્થાઓના અધિકારી, નેતા હોય કે પછી વકીલ—જેની સાથે પણ વાત થઈ તેમણે 40 વર્ષના શોએબ ખાનનું હાર્ટ અટૅકથી મૃત્યુ થવાની વાતને અતિશય રહસ્યમય અને સંદિગ્ધ ગણાવી.
લગભગ બધાએ શોએબ ખાનના પરિવારના એ આરોપને દોહરાવ્યો કે જેલમાં કાવતરું કરીને મારી નખાયો.
એક સરકારી અધિકારીની વાતચીતમાં એ પણ જાણવા મળ્યું કે માત્ર શોએબ ખાન જ નહીં, બલકે કાવતરા હેઠળ એ સમયે એ જ કરાચી જેલમાં કેદ એમક્યૂએમ (હકીકી)ના નેતા આફાક અહમદને પણ મારી નાખવાના હતા.
આફાક અહમદે મને કહ્યું, “કાવતરું તો એ જ હતું.” તેમણે કહ્યું કે જ્યારે શોએબને સેલમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે ત્યાં બીજા કેદીઓ પણ હતા. લોકોએ જણાવ્યું કે શોએબ તો એકદમ સ્વસ્થ હતો.”
પરંતુ શોએબ ખાનની ‘હત્યા’ કોઈ શા માટે કરાવે?

ઇમેજ સ્રોત, Getty Images
મારા આ સવાલના જવાબમાં આફાક અહમદે કહ્યું, “એમક્યૂએમની સશસ્ત્ર પાંખના જે લોકોને પાર્ટી સાથેના મતભેદના કારણે કાઢી મૂકવામાં આવતા હતા તેમને શોએબ ખાન પોતાની સાથે સામેલ કરી લેતો હતો. આના લીધે એમક્યૂએમએ જેલ અધિકારીઓને શોએબની હત્યા કરવાની ફરમાઇશ કરી. એ વાતે જેલ અધિકારી પીર શબ્બીર અને અમાનુલ્લાહ નિયાઝી એકબીજા સાથે ઝઘડ્યા કે આ કામ અમે કરી દઈશું.”
આફાક અહમદની આ વાત માટેની પ્રતિક્રિયા જાણવા જ્યારે મેં તત્કાલીન ગૃહમંત્રી અને એમક્યૂએમ નેતા રઉફ સીદ્દીકીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું, “હું તો આજે પહેલી વાર આ મામલામાં એમક્યૂએમનું નામ સાંભળી રહ્યો છું. શોએબ ખાનના ભાઈઓ તો મને મળ્યા પણ હતા. તેઓએ તો મને એવું કશું ન કહ્યું. આફાક જે દાવો કરી રહ્યા છે કે તેઓએ પણ મરી જવાનું હતું, તો તેઓ તો જીવતા છે ને… આ બધી વાર્તાઓ છે.”
શોએબ ખાનના રહસ્યમય મૃત્યુ અંગે આફાક અહમદનું નિવેદન હતું કે તે મર્ડર હતું, જે એમક્યૂએમની ફરમાઇશ પર કરવામાં આવ્યું. આ નિવેદન બાબતે મેં પાર્ટીની પ્રતિક્રિયા જાણવા સેનેટર ફૈઝલ સબ્ઝવારી સાથે વાત કરી.
ફૈઝલ સબ્ઝવારીએ પૂછ્યું, “કોઈ અન્ડરવર્લ્ડ ડૉનના મૃત્યુથી એમક્યૂએમને શો રાજકીય લાભ થઈ શકે છે?” તેમણે કહ્યું, “હા, એ સત્ય છે કે એમક્યૂએમમાં કેટલાંક અસામાજિક તત્ત્વ હતાં જેમને અમે કાઢી મૂક્યાં હતાં અને તેઓ શોએબ ખાનની સાથે કામ કરતાં હતાં.”
“શોએબ ખાનની ધરપકડ મુકદ્દમા અંતર્ગત જ થઈ અને એ પણ બધાની જાણમાં છે કે તેમને તેમનાથી મોટા અન્ડરવર્ડ ડૉન સાથે વિવાદ હતા. હા, જેલમાં મૃત્યુની તપાસ જરૂર થવી જોઈતી હતી પરંતુ એમક્યૂએમને એની સાથે કશી લેવાદેવા નહોતી.”
સિંધના પૂર્વ ગવર્નર ઇશરતુલ ઇબાદે પણ આફાક અહમદની વાત વિશે પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું કે આ બધી કહાણીઓ છે. “જો શોએબ ખાનને મારવો જ હોત તો ધરપકડ પછી રસ્તામાં જ મારી દેવાયો હોત. મામલો આટલો પેચીદો શા માટે કરાયો કે તેમને લાહોરથી લાવે અને કરાચીની જેલમાં રાખે?”
કેટલાક કેસમાં શોએબ ખાનના વકીલ રહેલા ખ્વાજા નવીદે પણ મને જણાવ્યું કે શોએબ ખાનના મૃત્યુના આગલા દિવસે જ્યારે તેઓ કોઈ કેસ બાબતે વાત કરવા જેલ ગયા, ત્યારે તેમણે શોએબ ખાનને સહીસલામત જોયો હતો. પરંતુ બાદમાં શોએબ ખાનના પરિવારે તેમના અચાનક, રહસ્યમય, અને સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મૃત્યુ અંગે કાયદેસર કાર્યવાહી કેમ ન કરી?
આ સવાલનો જવાબ જાણવા માટે હું ખૂબ કોશિશો પછી દુબઈમાં રહેતા શોએબ ખાનના સૌથી મોટાભાઈ જાવેદઅલી ખાન સુધી પહોંચ્યો.
શોએબ ખાનના ભાઈએ એમ કહીને મારી સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો કે તેઓ અપાર દુઃખમાંથી પસાર થયા છે. તેમણે કહ્યું, “આ ઘણી તકલીફ આપનારી યાદો છે. હવે અમે 20 વર્ષ જૂનાં જખમોને તાજા કરવા નથી માગતા.”
શોએબ ખાનનો પરિવાર તો તેમના રહસ્યમય મૃત્યુ બાબતે ચૂપ રહેવા ઇચ્છે છે પરંતુ જેઓ શોએબ ખાનના લીધે માર્યા ગયા તેમના પરિવારજનો ચૂપ રહેવા નથી માગતા.












