અક્ષર પટેલ અને બુમરાહની ઓવરો સહિત એ પાંચ કારણો જેણે મૅચ વેસ્ટ ઇન્ડીઝના હાથમાંથી પાછી ખેંચી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, યો મહેશ
- પદ, ભૂતપૂર્વ સીએસકે ખેલાડી
- વાંચવાનો સમય: 5 મિનિટ
આ ટી20 વર્લ્ડકપના સુપર આઠ રાઉન્ડમાં શાનદાર પરિણામો આવ્યાં છે, ભારતીય ટીમે ગઈ કાલની નૉકઆઉટ મૅચમાં છેલ્લી ઓવર સુધી રમીને જીત હાંસલ કરી હતી.
સંજુ સેમસનની અવિસ્મરણીય ઇનિંગે ભારતને સેમિફાઇનલ સ્થાન અપાવ્યું છે. સંજુ ઓપનર તરીકે મેદાનમાં આવેલા અને છેલ્લી ઓવર સુધી ક્રીઝ પર રહીને તેમણે ભારતની જીત સુનિશ્ચિત કરી અગત્યની ભૂમિકા ભજવી છે.
મને લાગે છે કે, આ મૅચમાં કેટલીક ક્ષણ એવી હતી જેણે મૅચ પર પ્રભાવ પાડ્યો જેમાં સેમસનની ઇનિંગનો પણ સમાવેશ થાય છે.
કેટલીક એવી બાબતો પણ હતી જેનાથી બંને ટીમોની જીતની દાવેદારી પ્રખર બની હતી. હું આવી પાંચ ક્ષણોનો ઉલ્લેખ કરવા માગું છું.
1. અક્ષર પટેલનો પાવરપ્લે સ્પેલ
સૂર્યકુમારે ટૉસ જીત્યો તેનો મૅચ પર મોટો પ્રભાવ પડ્યો.
સૂર્યકુમારે ટૉસ જીતીને કહ્યું હતું કે, આ મેદાન પર ભેજ છે, તેનો મોટો પ્રભાવ પડશે. અને ભારતની બૅટિંગમાં પણ તે સ્પષ્ટપણે જોવા મળ્યું. ભારતે પહેલાં બૉલિંગ કરવાનું નક્કી કર્યું અને તે તેના ફાયદારૂપ સાબિત થયું.
તે જ રીતે, વેસ્ટ ઇન્ડીઝનો બ્રાન્ડન કિંગને પડતા મૂકીને અને રોસ્ટન ચેઝને ટીમમાં લાવવાનો નિર્ણય પણ તેમના માટે ફળદાયી રહ્યો હતો. તેમણે ઓપનર તરીકે આવીને હોપ સાથે 68 રનની પાર્ટનરશિપ કરી હતી.
શાઈ હોપે જે રીતે બૅટિંગ કરી તે ચોક્કસપણે ચર્ચાનો વિષય છે. કારણ કે એક સમયે, તેમણે વિકેટ ગુમાવ્યા વગર 33 બૉલમાં ફક્ત 32 રન માર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આની પાછળ ભારતની બૉલિંગ પણ એક મુખ્ય કારણ હતું.
અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યા બંનેએ સારી શરૂઆત કરી હતી.
ઉપરાંત અક્ષર પટેલે નવા બૉલ સાથે ફેંકેલો બે ઓવરનો સ્પેલ ખૂબ અગત્યનો રહ્યો, તેમણે આ બે ઓવરમાં ફક્ત 15 રન આપ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
આ જ કારણે દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં તેમની પસંદગી કેમ ન થઈ તેવા પ્રશ્નો ઊભા થયા હતા.
ટીમમાં તેમની આજ ખાસિયત છે. તેઓ એક અનુભવી ખેલાડી તો છે, તેમણે ગયા વર્લ્ડકપમાં બૅટિંગ અને બૉલિંગ બંનેમાં સારું પ્રદર્શન કર્યું હતું.
આ મૅચમાં તેઓ ભારતનો સૌથી સફળ બૉલર (ઇકોનૉમી રેટ 8.75) રહ્યા. પાવરપ્લેમાં બૉલિંગ કરવી તેમના માટે એક મોટો પડકાર રહ્યો છતાં તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.
સૂર્યકુમાર બુમરાહનો ઇનિંગ્સના અંતમાં ઉપયોગ કરી શક્યા હતા.
આ સાથે પાવરપ્લેમાં તેમને ફક્ત એક ઓવર આપવામાં આવી હતી અને બીજી ઓવરો પાછળથી કામમાં આવી હતી.
અને આમ પાવરપ્લેમાં અક્ષરની સારી બૉલિંગે સૂર્યકુમારને મદદ કરી દીધી. આમ ભારતીય કૅપ્ટને આ એક શ્રેષ્ઠ નિર્ણય લીધો તેવું ગણી શકાય.
2. બુમરાહની એક ઓવર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ મૅચમાં, જ્યાં પ્રતિ ઓવર લગભગ 9.5 રન બન્યા, વેસ્ટ ઇન્ડીઝના બૅટિંગ ઑર્ડર સામે બુમરાહની 12મી ઓવર ઉલ્લેખનીય છે.
એક તરફ, રોસ્ટન ચેઝ મજબૂત રીતે ક્રિઝ પર ઊભા હતા અને સારું રમી રહ્યા હતા.
તેમણે 160 ના સ્ટ્રાઇક રેટથી 40 રન બનાવ્યા હતા. બીજી તરફ, હાર્ડ હિટર બૅટ્સમૅન શિમરોન હેટમાયરે 225ના સ્ટ્રાઇક રેટથી 27 રન બનાવ્યા હતા.
આમ જમણેરી અને ડાબોડી બૅટ્સમૅનોની આ જોડીએ ભારતીય બૉલરો સામે એક પડકાર ઊભો કરી દીધો હતો.
પરંતુ બુમરાહે આ એક જ ઓવરમાં બંને બૅટ્સમૅનોને આઉટ કરી દીધા.
આ તે જ ક્ષણ હતી જ્યારે વેસ્ટ ઇન્ડીઝનો રન રેટ વધી રહ્યો હતો. આ વર્લ્ડકપ દરમિયાન જો તમે વેસ્ટ ઇન્ડીઝના પ્રદર્શન પર નજર કરો, તો તે એક 'પેટર્ન' જેવું લાગશે.
તેઓ શરૂઆતમાં પ્રતિ ઓવર 8ના રન રેટથી શરૂઆત કરતાં, પછી વચ્ચેની ઓવરોમાં રનરેટ વધારીને 10 સુધી લઈ જતા, અને અડધી ઇનિંગ સુધીમાં તો મૅચ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેતા હતા.
તેઓ ગઈકાલે ભારત સામે પણ આ જ રીતે રમ્યા, પરંતુ જ્યારે તેઓએ રન રેટ વધાર્યો, ત્યાં જ બુમરાહ તેમના માટે એક અવરોધકારક બૉલર સાબિત થયા.
બુમરાહે પોતાની બૉલિંગમાં વેરિએશન લાવીને બે વિકેટ લીધી અને હાર્દિક પંડ્યાએ પણ 15મી ઓવરમાં એક વિકેટ લીધી હતી, આમ આ બે ઓવરમાં જ ભારતે મૅચ પોતાના નિયંત્રણમાં લાવી દીધી હતી. નહીં તો, વેસ્ટ ઇન્ડીઝની આક્રમક બૅટિંગ ભારત સામે એક પડકાર સાબિત થઈ રહી હતી.
3. વરુણના સ્થાને અર્શદીપ દ્વારા ફેંકાયેલી ઓવર
મજાની વાત એ છે કે, આમ ભારતે, કેટલીક ઓવરોમાં મૅચ પર નિયંત્રણ તો મેળવી લીધું, પણ બૉલિંગ લાઇનમાં ફેરફાર થવાથી વેસ્ટ ઇન્ડીઝે ફરીથી મૅચ પર પકડ મેળવી લીધી હતી.
સૂર્યકુમારે 16મી ઓવર નાખવા માટે વરુણ ચક્રવર્તીને બોલાવ્યા. અને ત્યારે કોચ ગૌતમ ગંભીરે વૉશિંગ્ટન સુંદર દ્વારા એક સંદેશ મોકલાવ્યો. અને સૂર્યકુમારે વરુણ પાસેથી બૉલ અર્શદીપને આપી દીધો, પણ તે ઓવર ભારતના પક્ષમાં ન ગઈ.
અર્શદીપની તે ઓવરમાં રમન પૉવેલ અને જેસન હૉલ્ડરે 24 રન બનાવ્યા, જેનાથી મૅચ ફરીથી ભારતના હાથમાંથી છીનવાઈ ગઈ.
તે જ સમયે, પૉવેલ અને હૉલ્ડર જે રીતે રમ્યા તેની પણ પ્રશંસા પણ થવી જોઈએ. બંનેએ મળીને 35 બૉલમાં 76 રન બનાવ્યા હતા.
ખાસ કરીને જેસન હૉલ્ડર!
છેલ્લી મૅચમાં પણ જ્યારે ટીમ આવી કટોકટીનો સામનો કરી હતી, ત્યારે તેમણે જ ટીમને બચાવી હતી અને મોટો સ્કોર બનાવવામાં મદદ કરી હતી.
આ મૅચમાં પણ તેમણે ફરીથી આવું જ કર્યું છે. તેમના પ્રદર્શનના કારણે જ વેસ્ટ ઇન્ડીઝની ટીમ 195 રનના જંગી સ્કોર સુધી પહોંચી શકી હતી.
15મી ઓવરના અંતે તેમની સ્થિતિ જોતાં, એવું લાગતું હતું કે તેઓ ફક્ત 170 રન જ બનાવશે. જોકે, આ બૅટ્સમૅનોની ભાગીદારીને કારણે ટીમે 20થી વધુ રન બનાવ્યા હતા.
4. સંજુ સેમસનનું શ્રેષ્ઠ પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે જ્યારે આપણે 190થી વધુના સ્કોરને ચેઝ કરવાનો હોય છે, ત્યારે આવી સ્થિતિ જ સંકટ પેદા કરતી હોય છે.
ઉપરાંત તે પરિસ્થિતિમાં, અભિષેક શર્મા, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ મોટા બૅટ્સમૅનો ખૂબ ઓછા રનમાં આઉટ થઈ રહ્યા હતા.
આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં, સંજુ સેમસન અડગ રહ્યા અને પોતાની વિકેટ જાળવી રાખીને અદ્ભુત રીતે રમતો રમ્યો.
તેમણે સાબિત કરી બતાવ્યું કે તેઓ મૅચ જિતાડી શકે છે. અને અંતે મૅન ઑફ ધ મૅચ પણ બન્યા.
એક સમયે, તેમણે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં ત્રણ સદી ફટકારી હતી.
પરંતુ તે પછી, કેટલીક મૅચોમાં તેમને પડકાર જનક બૉલિંગનો પણ સામનો કરવો પડ્યો.
ત્યારે તેમને વર્લ્ડકપમાં સ્થાન મળશે કે નહીં તેને લઈને ઘણા પ્રશ્નો હતા.
તે પછીની કેટલીક મૅચોમાં તેમને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન હતું મળ્યું. તેઓ છેલ્લી મૅચમાં પણ સારું પ્રદર્શન નહોતા કરી શક્યા.
મહત્ત્વની વાત એ છે કે તેમણે ક્યારેય સ્વાર્થી રીતે મૅચ નથી રમી.
જ્યારે એવી મૅચ હોય જ્યાં જીત જ મહત્ત્વપૂર્ણ હોય, મોટું લક્ષ્ય હોય અને ઇડન ગાર્ડન્સ જેવું સ્ટેડિયમ હોય, ત્યારે દબાણ હોય તે સ્વાભાવિક છે.
પરંતુ તેમણે સહેજ પણ દબાણ અનુભવ્યું નહીં. અને એક જોરદાર બૅટિંગ કરીને 12 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 50 બૉલમાં 97 રન સાથે અણનમ રહ્યા.
તેમને સામાન્ય રીતે છગ્ગા મારવાનું પસંદ છે. તે શક્ય હોય તેટલા છગ્ગા મારવાનો પ્રયાસ કરે છે.
પરંતુ, તે આ મૅચમાં એવું ન કરીને એક પરિપક્વતા દર્શાવી. તેનામાં ભારત માટે આ મૅચ જીતવાની ભૂખ સ્પષ્ટ દેખાતી હતી.
તેણે બાઉન્ડ્રી ફટકારીને મૅચ જીતી લીધી તે એક વધારાનું બોનસ હતું. તેમની આ ઇનિંગની ચર્ચા લાંબા સમય સુધી થતી રહેશે.
5. તિલક વર્માની અદ્ભુત બૅટિંગ

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે સૂર્યકુમાર આઉટ થયા ત્યારે ભારતનો સ્કોર 99/3 હતો. તે થોડી મૂંઝવણભરી સ્થિતિ હતી.
કારણ કે તે પછી પણ, ભારતની સ્થિતિ બદલાઈ શકી હોત. પરંતુ તે પરિસ્થિતિમાં તિલક વર્માનું પ્રદર્શન અવિશ્વસનીય હતું. તેમણે 15 બૉલમાં 27 રન બનાવ્યા હતા.
શરૂઆતમાં તેમને સેટ થવામાં થોડો સમય લાગ્યો. પહેલા પાંચ બૉલમાં તેમણે ફક્ત 2 રન બનાવ્યા હતા.
પરંતુ, તેમણે યોગ્ય સમયે બાઉન્ડ્રી મારવાનું શરૂ કર્યું. તેનાથી સેમસન પર દબાણ ઓછું થયું.
એટલું જ નહીં, જરૂરી રન રેટ પણ થોડો નિયંત્રણમાં આવવા લાગ્યો.
શમાર જોસેફની ઑવરમાં બાઉન્ડ્રીની હેટ્રિકથી ભારતને ફરીથી પ્રોત્સાહન મળ્યું.
રોસ્ટન ચેઝના ઑવરમાં છગ્ગાએ બૉલર અને વેસ્ટ ઇન્ડીઝ પર દબાણ બનાવ્યું હતું. તિલક વર્માએ તેમની બૅટિંગથી સારી અસર છોડી હતી.
આ અગાઉની મૅચમાં પણ, તિલકે હાર્દિક પંડ્યા સાથે મળીને અંતિમ તબક્કામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
તેમણે આ મૅચમાં પણ તેવું જ પ્રદર્શન ચાલુ રાખ્યું છે.
ભારતીય ટીમ માટે આ એક સકારાત્મક બાબત છે. જ્યારે મિડલ ઑર્ડર મજબૂત બનશે, ત્યારે ટૉપ ઑર્ડરને પણ વધુ આત્મવિશ્વાસ મળશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












