"ગુલામો જેવું વર્તન, જાતીય શોષણ" માનવ તસ્કરી કરીને ઓમાન લઈ જવામાં આવેલી મહિલાઓની કહાણી

મહિલા જેનું શોષણ થયું
    • લેેખક, ફ્લૉરેંસ ફિરી અને તમસીન ફોર્ડ
    • પદ, બીબીસી આફ્રિકા આઈ

બીબીસી આફ્રિકા આઈએ આ પડતાળ કરી છે કે કેવી રીતે એક વૉટ્સ ઍપ ગ્રૂપની મદદથી મલાવીની (આફ્રિકન દેશ) 50થી વધારે મહિલાઓને બચાવવામાં આવી છે, જેમને તસ્કરી કરીને ઓમાન લઈ જવાઈ હતી અને ત્યાં તેમની સાથે ગુલામો જેવું વર્તન કરવામાં આવ્યું.

ચેતવણી: કેટલાક લોકોને આ અહેવાલમાં આપેલી જાણકારી વિચલિત કરી શકે છે.

એક 32 વર્ષીય મહિલા એ યાદ કરતાં રડી પડે છે કે કેવી રીતે ઓમાનમાં એક સારા જીવનની આશા સાથે તેઓ લોકોનાં ઘરોમાં કામ કરતાં હતાં અને આ દરમિયાન તેમને કેવું ગેરવર્તન સહેવું પડ્યું.

જૉર્જિના માનવ તસ્કરીનો શિકાર બનેલી દરેક મહિલાની જેમ પોતાનું શરૂઆતી નામ જ જણાવવા માગે છે. આ અહેવાલ માટે બીબીસી સાથે વાત કરનાર અન્ય મહિલાઓએ પણ આવું જ કર્યું છે.

તેમણે કહ્યું "મને લાગ્યું કે મારી ભરતી દુબઈમાં ડ્રાઇવરના રૂપે થઈ હતી." જૉર્જિના મલાવીના પાટનગર લિલોંગ્વેમાં પોતાનો નાનકડો કારોબાર ચલાવતાં હતાં.

આ દરમિયાન એક એજન્ટે તેમની સાથે સંપર્ક કર્યો અને કહ્યું કે તેઓ મધ્ય પૂર્વના કોઈ દેશમાં આનાથી વધુરે પૈસા કમાઈ શકે છે. તેમનું વિમાન જ્યારે ઓમાનના પાટનગર મસ્કતમાં ઊતર્યું ત્યારે તેમને ખબર પડી કે તેઓ છેતરપિંડીનો શિકાર બન્યાં છે.

તેમણે જણાવ્યું કે કેવી રીતે એક પરિવારની જાળમાં ફસાઈ ગયાં જ્યાં તેમની પાસે અઠવાડિયાના સાત દિવસ કલાકો સુધી કામ કરાવવામાં આવતું. તેઓ યાદ કરે છે કે કેવી રીતે તેમને સૂવા માટે માત્ર બે જ કલાકનો સમય મળતો.

જૉર્જિનાએ કહ્યું, "હું એવી સ્થિતિમાં પહોંચી ગઈ કે હું ત્યાં વધારે કામ ન કરી શકી." તેમણે ત્યાંથી કામ ત્યારે છોડ્યું જ્યારે તેમના માલિકે શારીરિક સંબંધ બાંધવા માટે બળજબરી કરી અને ના પાડે તો ગોળી મારવાની ધમકી આપી.

તેમણે કહ્યું, "તેઓ એકલા નહોતા. તે પોતાના મિત્રોને ઘરે લઈ આવતા અને તેમની પાસેથી પૈસા લેતા." જૉર્જિના સંકોચ સાથે કહે છે કે કેવી રીતે તેમની સાથે અપ્રાકૃતિક સેક્સ કરવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે, "હું ગંભીર રૂપે ઈજાગ્રસ્ત હતી અને ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી."

ખાડીના દેશમાં માનવ તસ્કરીની ફરિયાદો

મલાવીની મહિલાઓ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એક અનુમાન પ્રમાણે ખાડીના દેશોમાં લગભગ 20 લાખ મહિલાઓ ઘરેલુ હેલ્પર તરીકે કામ કરે છે.

ઇમિગ્રન્ટ્સ માટે સ્થાપિત ચેરિટી સંસ્થા ડુ બોલ્ડે ઓમાનમાં રહેતી 400 મહિલાઓ પર એક સરવે કર્યો હતો. અમેરિકાના વિદેશ મંત્રાલયે વર્ષ 2023માં પોતાના એક રિપોર્ટમાં આ સરવેનો સમાવેશ કર્યો છે.

સરવેમાં સામેલ લગભગ બધી જ મહિલાઓ માનવ તસ્કરીનો શિકાર હતી.

જેમાંથી એક તૃતિયાંશ મહિલાઓએ કહ્યું કે તેમનું જાતીય શોષણ થયું, જ્યારે 50 ટકાથી વધારે મહિલાઓ પોતાની સાથે થયેલા ભેદભાવ અને શારીરિક હિંસાની વાત કહીં.

કેટલાંક અઠવાડિઓ સુધી બધું જ સહન કર્યા પછી જૉર્જિનાએ એક ફેસબુક પોસ્ટ થકી મદદ માગી.

હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ હૅમ્પશાયર રાજ્યમાં મવાલીનાં 38 વર્ષીય સામાજિક કાર્યકર્તા પિલિલાની મોમ્બે ન્યોનીએ તેમની આ પોસ્ટ જોઈ અને તેની પડતાળ કરવાની શરૂ કરી.

તેમણે જૉર્જિના સાથે સંપર્ક કર્યો અને તેમની સુરક્ષા ખાતર તેમની ફેસબુક પોસ્ટને ડિલીટ કરવાની સલાહ આપી.

પિલિલાનીએ જૉર્જિનાને પોતાનો વૉટ્સએપ નંબર આપ્યો જે ધીમે-ધીમે ઓમાનના કેટલાક લોકો સુધી પહોંચ્યો. પિલિલાનીને સમજાયું કે આ સમસ્યા ખૂબ જ વ્યાપક છે.

પિલિલાનીએ બીબીસીને કહ્યું, "જૉર્જિના માનવ તસ્કરીનાં પહેલા શિકાર હતાં. ત્યાર પછી અનેક મહિલાઓ સામે આવી."

તેમણે ઉમેર્યું કે ત્યારે મેં વૉટ્સ ઍપ ગ્રૂપ બનાવવાનું વિચાર્યું કારણ કે મને આ માનવ તસ્કરીનો મામલો લાગી રહ્યો હતો.

ઓમાનમાં ઘરકામ કરતી મલાવીની 50થી વધારે મહિલાઓ આ ગ્રૂપમાં જોડાઈ.

આ ગ્રૂપ વૉઇસ નોટ અને વીડિયો પોસ્ટથી ભરાઈ ગયું, જેમાં કેટલાક જોવામાં ભયાવહ છે. આ વીડિયો પરથી ખબર પડે છે કે મહિલાઓ કેવી ભયાવહ પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે. ઘણી મહિલાઓના પાસપોર્ટ ઓમાન પહોંચતાની સાથે જ છીનવી લેવામાં આવ્યા જેથી તેઓ દેશની બહાર ન જઈ શકે.

કેટલીક મહિલાઓએ જણાવ્યું કે તેમણે પોતાને ટૉઇલેટમાં બંધ કરી લીધી જેથી તેઓ છુપાઈને પોતાનો મૅસેજ કરી શકે.

એક મહિલાએ કહ્યું કે મને લાગ્યું કે હું કોઈ જેલમાં છું અને અમે અહીંથી ક્યારેય નીકળી નહીં શકીએ.

બીજી મહિલાએ કહ્યું, "મારા પર જીવનું જોખમ છે."

ઓમાનમાં નોકરો માટે શું નિયમ છે?

પિલિલાની મોમ્બે ન્યોનીએ માનવ તસ્કરીને રોકવા માટે કામ કરતી સંસ્થાઓ સાથે વાત કરવાનું શરૂ કર્યું.

આ દરમિયાન તેમની મુલાકાત ડૂ બોલ્ડનાં સંસ્થાપક એકાટેરિના પોરાસ સિવોલોબોવા સાથે થઈ, જેઓ ગ્રીસમાં હતાં.

ડૂ બોલ્ડ ખાડીના દેશોમાં કામ કરી રહેલા ઇમિગ્રન્ટો સાથે કામ કરે છે. આ સંસ્થા તસ્કરીના પીડિતો કે મજૂરોને ઓળખીને તેમના માલિકો પાસેથી તેમની મુક્તિ સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે.

સિવોલોબોલાએ બીબીસીને કહ્યું, "આ નોકરીદાતાઓ એજન્ટને ઘરેલુ હેલ્પર સાથે મેળવવા માટે ચૂકવણી કરે છે."

"અમારી સામે ઘણી વખત એવી સમસ્યાઓ આવે છે જેમાં હેલ્પરને નોકરી છોડવા માટે નોકરીદાતા અને એજન્ટ પોતાના પૈસા પાછા માગે છે."

"ઓમાનમાં એવા કાયદાઓ છે જે કારણે કોઈ ઘરેલુ હેલ્પર પોતાના માલિકને છોડીને નથી જઈ શકતાં. તેમની સાથે ગમે તેવી વર્તણૂક કરવામાં આવે છતાં તેઓ પોતાની નોકરી નથી બદલી શકતાં."

મધ્ય પૂર્વના દેશોમાં આ પ્રકારની વ્યવસ્થાને "કફાલા" કહે છે, જેમાં કંટ્રાક્ટની મુદત પૂરી ન થાય ત્યાં સુધી હેલ્પર તેમના ઍમ્પ્લૉયરથી અલગ થઈ શકતી નથી.

માનવ તસ્કરી સામે લડતી ઓમાનની રાષ્ટ્રીય સમિતિએ બીબીસીને કહ્યું કે ઘરેલુ હેલ્પર અને તેમના માલિકનો સંબંધ કંટ્રાક્ટ પર આધારિત છે અને જો કોઈ વિવાદ થાય તો તે મામલાને એક અઠવાડિયાની અંદર કોર્ટમાં લઈ જઈ શકે છે.

સમિતિએ એ પણ જણાવ્યું કે નોકરીદાતાને સહાયક પાસે જબરદસ્તી કામ લેવાની મંજૂરી નથી. આ ઉપરાંત તેઓ સહાયકોની લેખિતમાં આપેલી સહમતી વગર તેમનો પાસપોર્ટ કે અન્ય કોઈ પણ દસ્તાવેજ રાખી ન શકે.

મસ્કતમાં ત્રણ મહિના વિતાવ્યા પછી ન્યોનીની સાથે જ ઓમાનમાં કોઈની મદદથી જૉર્જિના જૂન 2021માં મલાવી પાછાં ફર્યાં.

જૉર્જિનાના કેસ થકી તેમણે મલાવીમાં આ મુદ્દો ઉઠાવ્યો અને સરકાર પર હસ્તક્ષેપ કરવા માટે દબાણ કર્યું.

મલાવીને ચેરિટી સેન્ટર ફૉર ડેમોક્રેસી ઍન્ડ ઇકોનૉમિક ડેવલપમેન્ટ ઇનિશિએટિવ્સએ (સીડીઈડીઆઈ) ઓમાન રેસ્કયૂ કેમ્પેઇન શરૂ કર્યો અને સરકાર સામે મહિલાઓની ઘર વાપસી માટે માગ રાખી.

ન્યોનીના વૉટ્સ ઍપ ગ્રૂપ સાથે જોડાયેલાં બ્લેસિંગ્સ નામનાં 39 વર્ષીય મહિલા ડિસેમ્બર 2022માં પોતાનાં ચાર બાળકોને બહેન સ્ટેવિલિયાની પાસે લિલોંગવેમાં છોડીને મસ્કત ગયાં હતાં.

મસ્કતના જે ઘરમાં તેઓ કામ કરી રહ્યાં હતાં ત્યાં તેઓ રસોડામાં ગંભીર રીતે દાઝી ગયાં. જોકે, તેમના માલિકે તેમને મલાવી જવાની મનાઈ કરી દીધી હતી.

સ્ટેવિલિયાએ બીબીસીને જણાવ્યું, "મારી વાત પર ભરોસો કરો જે રીતે મારી બહેન દાઝી હતી મને લાગ્યું કે તેનો જીવ નહીં બચે."

સ્ટેવિલિયાએ પોતાની બહેને કહેલી વાતને યાદ કરતા કહ્યું, "સ્ટેવિલિયા હું અહીં એટલા માટે આવી કારણ કે મારે સારી જીંદગીની જરૂરિયાત હતી પરંતુ જો હું મરી જાઉં તો મારાં બાળકોનું ધ્યાન રાખજે."

સ્ટેવિલિયાએ કહ્યું કે આ સાંભળીને મને ખૂબ જ દુ:ખ થયું.

ગયા ઑક્ટોબરમાં લિલોંગવે ઍરપોર્ટ પર સ્ટેવિલિયા પોતાનાં બહેન બ્લેસિંગ્સને મળ્યાં.

વાપસીના થોડાક સમય પછી બ્લેસિંગ્સે બીબીસીને કહ્યું, "મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે એવો સમય આવશે કે હું મારા પરિવાર અને બાળકોને ફરીથી જોઈ શકીશ."

તેમણે કહ્યું, "મને જરાય અંદાજો ન હતો કે ધરતી પર એવા લોકો પણ છે જે બીજા લોકો સાથે ગુલામ જેવું વર્તન કરે છે."

મલાવીની સરકારનું વલણ

મલાવીમાં બીચ

ડૂ બોલ્ડ સાથે કામ કરતી મલાવીની સરકારે કહ્યું કે તેમને ઓમાનથી 54 મહિલાઓને પાછા લાવવા માટે એક કરોડ 32 લાખ રૂપિયાથી વધારે ખર્ચ કર્યો.

જોકે, 23 વર્ષીય એડા ચિવાલો તાબૂતમાં ઘરે પાછાં ફર્યાં. તેમના મૃત્યુ પછી ઓમાનમાં કોઈ તપાસ પણ ન થઈ.

ઓમાનના અધિકારીઓનું કહેવું છે કે શ્રમ મંત્રાલયને વર્ષ 2022માં ઘરેલુ હેલ્પર તરીકે કામ કરનાર મલાવીના કોઈ પણ નાગરીકની ફરિયાદ નથી મળી અને વર્ષ 2023માં માત્ર એક ફરિયાદના આધારે સમાધાન કરવામાં આવ્યું.

સિવોલોબોવોએ કહ્યું, "મોટા ભાગની મહિલાઓને એટલા માટે છોડવામાં આવી કારણ કે તેમને કામ પર રાખનાર લોકોને એકથી બે હજાર ડૉલરની ચૂકવણી કરવામાં આવી હતી."

"આનો અર્થ એ છે કે તેમની સ્વતંત્રતાને ખરીદવામાં આવી છે અને આ વાત મને પરેશાન કરે છે. તમે કોઈની સ્વતંત્રતાને કેવી રીતે ખરીદી શકો છો?"

મલાવી સરકારના એક પ્રવક્તાએ બીબીસીને કહ્યું, "હવે અમે એવા કાયદાઓ ઘડી રહ્યા છીએ જે 'સુરક્ષિત ઇમિગ્રેશન પ્રદાન કરે છે જે ઇમિગ્રન્ટ્સ, તેમના પરિવારો અને દેશને લાભ આપે.'"

પરંતુ ન્યોનીનું વૉટ્સઍપ જૂથ હવે પાછા ફરનારાઓ માટે સપોર્ટ ગ્રૂપમાં ફેરવાઈ ગયું છે. તેઓ કહે છે કે ઓમાનમાં તસ્કરી કરાયેલા ઘરેલુ સહાયકોનો મુદ્દો માલાવીમાં ગરીબી અને બેરોજગારીની મોટી સમસ્યાને પ્રકાશિત કરે છે.

તેમણે ઉમેર્યું, "જો મલાવીમાં છોકરીઓને રોજગાર મળશે તો તેઓ આવી જાળમાં ફસાશે નહીં. હવે આપણે આપણા દેશની ખામીઓને દૂર કરવાની જરૂર છે જેથી કરીને આ યુવાનો ફરી ક્યારેય આ રીતે ફસાઈ ન જાય."

જૉર્જિના માટે આ આઘાતજનક અનુભવને ભૂલી જવું મુશ્કેલ છે. આફ્રિકાના સૌથી મોટા સરોવરો પૈકીના એક લેક મલાવી પાસે બેસીને તેને જોવાથી તેમને ખૂબ જ આરામ મળે છે.

તેમણે કહ્યું, "જ્યારે હું તરંગોને જોઉં છું, ત્યારે મને યાદ છે કે જીવનમાં કંઈપણ કાયમ રહેતું નથી. એક દિવસ આ બધું ઇતિહાસ બની જશે."

"હું આ વિચારથી દિલાસો અનુભવું છું અને મારી જાતને કહીને પ્રોત્સાહિત કરું છું કે પહેલાંની જ્યોર્જિના કેવી હતી, જે આત્મનિર્ભર હતી."