'મને રણમાં મારી માતાના મૃતદેહ સાથે છોડી દેવાઈ હતી'

- લેેખક, મોહમ્મદ ઓસમાન
- પદ, બીબીસી ન્યૂઝ અરેબિક
ઓમ સલમા કહે છે, “તેમણે મને મારી મમ્મીના મૃતદેહ સાથે રણમાં ત્યજી દીધી હતી.” ઓમ સલમા (નામ બદલ્યું છે)ને સુદાનથી ઇજિપ્ત તરફના રસ્તે કોઈક જગ્યાએ માનવતસ્કરો દ્વારા ત્યજી દેવામાં આવ્યાં હતાં.
25 વર્ષીય ઓમ સલમાના કહેવા મુજબ, તેઓ જે ખુલ્લા ટ્રકમાં સવારી કરી રહ્યાં હતાં તેનો અકસ્માત થયો હતો અને તેમાં તેમના માતાનું મૃત્યુ થયું હતું. તેમના માતાને ટ્રકમાંથી ફેંકી દેવામાં આવ્યાં હતાં.
ઓમ સલમા કહે છે, “અમે ડ્રાઇવરને ઓછી ઝડપે ટ્રક ચલાવવા કહ્યું હતું,” પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયુ હતું. સલમાના 65 વર્ષીય માતાને માથામાં ઈજા થઈ હતી અને તેઓ મૃત્યુ પામ્યાં હતાં.
સતત રડી રહેલાં ઓમ સલમાને તેમના થોડા ઘણા માલસામાન અને ભાંડુઓ સાથે ટ્રકમાંથી ઉતારી મૂકવામાં આવ્યાં હતાં. માનવતસ્કરોએ મૃતદેહ લઈ જવાનો ઇનકાર કર્યો હતો અને ભયભીત ઓમ સલમાને છોડીને તેઓ રવાના થઈ ગયા હતા.
સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન) સુદાનમાં ચાલી રહેલા સંઘર્ષને ‘વિશ્વની સૌથી મોટી વિસ્થાપન કટોકટી’ ગણાવે છે અને ઓમ સલમા તથા તેમનો પરિવાર એ સંઘર્ષમાંથી બચવાના પ્રયાસ કરતાં હતાં.
યુએનના જણાવ્યા અનુસાર, સુદાનનાં સશસ્ત્ર દળો (એસએએફ) અને અર્ધલશ્કરી જૂથ રેપિડ સપોર્ટ ફોર્સિસ (આરએસએફ) વચ્ચે એપ્રિલમાં હિંસક અથડામણો શરૂ થઈ ત્યારથી 80 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.
યુએનના અંદાજ મુજબ, છેલ્લા દસ મહિનામાં સાડા ચાર લાખ લોકોએ સુદાન છોડી દીધું છે અને સરહદ પાર કરીને ઇજિપ્તમાં પ્રવેશ કર્યો છે.
દેશના લશ્કરી નેતૃત્વમાં દ્વેષપૂર્ણ શક્તિ સંઘર્ષના પરિણામે ગયા વર્ષે રાજધાની ખાર્તુમમાં જોરદાર લડાઈ ફાટી નીકળી હતી. તે દેશમાં ઝડપથી ફેલાઈ હતી. પરિણામે અનેક લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લડાઈ ઓમ સલમાના વતન ઓમદુરમન નજીક આવી પહોંચી હતી અને ગોળીબારના અવાજ સંભળાવા લાગ્યા હતા. ઓમ સલમા કહે છે, “અમે ઘર છોડવું પડ્યું હતું. અમારા જીવ પર જોખમ હતું.”
ઘણા લોકોએ ઓમ સલમાને જણાવ્યું હતું કે ઇજિપ્તમાં કાયદેસર પ્રવાસ માટે ઝડપથી વિઝા મેળવવાનું અશક્ય છે. તેથી ઓમ સલમાએ એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો, જેણે સલમાના પરિવારને સુદાનમાંથી બહાર કાઢવા માટે વ્યક્તિદીઠ 300 ડૉલર વસૂલ્યા હતા.
ઇજિપ્ત-સુદાન વચ્ચેની 1,200 કિલોમીટર લાંબી સરહદ પર વ્યાપક પણે માનવતસ્કરી ચાલે છે. માનવતસ્કરો મોટા ભાગે પુરુષો હોય છે અને તેઓ સામાન્ય રીતે ઉત્તર સુદાન તથા દક્ષિણ ઇજિપ્તમાં સોનાના ખાણકામ સાથે સંકળાયેલા હોય છે. તેઓ પહેલેથી જ આ વિસ્તારમાં કામ કરતા હોવાથી કઠિન રણપ્રદેશને જાણે છે અને લોકોના પરિવહન માટે ટ્રકની સુવિધા ધરાવે છે.
ઓમ સલમા અને તેમનો પરિવાર ઉત્તર સુદાનના ગબગબા શહેરમાં પહોંચ્યો હતો. આ શહેર માનવતસ્કરી માટેનું જાણીતું પ્રારંભિક બિંદુ છે. તેથી સ્થાનિક લોકોએ તેને ગબગબા ઍરપૉર્ટનું હુલામણું નામ આપ્યું છે.
ઓમ સલમાને જણાવવામાં આવ્યું હતું કે તેઓને રણ તથા સરહદમાંથી પ્રવાસ કરાવીને દક્ષિણ ઇજિપ્તના અસવાન શહેરમાં લઈ જવામાં આવશે. તેમણે આઠ કલાક પ્રવાસ કર્યો હતો અને અકસ્માત થયો એ પહેલાં રાતની ઊંઘ હરામ થઈ ગઈ હતી.
ઓમ સલમા તેમનાં માતાના મૃતદેહ અને ભાંડુઓ સાથે રણમાં ફસાઈ ગયાં હતાં. તેમની પાસે બહુ ઓછો ખોરાક અને પાણી બચ્યાં હતાં.
રણમાં કલાકો રાહ જોયા પછી આખરે ઓમ સલમા એક કારને થોભાવી શક્યાં હતાં. એ કારનો ચાલક ઇજિપ્તથી સુદાનમાં ખોરાક તથા ઇલેક્ટ્રિકલ સામાનની હેરફેરનું કામ કરતો હતો.
ઓમ સલમા તેમને તેમની માતાના મૃતદેહ સાથે અબુ હમાદ શહેર સુધી પહોંચાડવાનું ડ્રાઇવરને સમજાવવામાં સફળ થયાં હતાં. ઓમ સલમા અગાઉ અબુ હમાદ શહેરમાં રોકાયા હતાં. તેઓ સુરક્ષિત રીતે અબુ હમાદ પહોંચ્યાં હતાં અને બાદમાં માતાની દફનવિધિ કરી હતી.
જોખમી મુસાફરી

શરૂઆતમાં લોકો અમારી સાથે વાત કરતાં ખચકાતા હતા, પરંતુ તેમણે વાત કરવાનું શરૂ કર્યું ત્યારે અમને જાણવા મળ્યું હતું કે ઓમ સલમાની કથા અસામાન્ય નથી અને આ વિસ્તારમાં અવારનવાર આવા અકસ્માતો થાય છે. સત્તાવાળાઓથી બચવા માટે માનવતસ્કરો ખુલ્લી ટ્રક ઝડપભેર ચલાવતા હોય છે. તેઓ સરહદ ઝડપથી પાર કરવા ઇચ્છતા હોય છે.
હવે કૈરોમાં રહેતા ઇબ્રાહીમ (નામ બદલ્યું છે) નામના એક માણસના કહેવા મુજબ, તે સુદાનમાંથી માનવતસ્કરી વડે બહાર નીકળ્યો ત્યારે તેની સાથે એક માણસ પ્રવાસ કરતો હતો.
ટ્રકને અકસ્માત નડ્યો તેમાં તેમની ગરદન તૂટી ગઈ હતી અને તે મૃત્યુ પામ્યા હતા. ઇબ્રાહીમ પોતાની રીતે મુસાફરી કરી રહ્યા હતા અને જૂથે પ્રતિકાર કરવા છતાં માનવતસ્કરોએ તેમને રણમાં દાટી દેવાનો આગ્રહ રાખ્યો હતો.
ઇબ્રાહીમ કહે છે, “દરેક વ્યક્તિ ભયભીત થઈ ગઈ હતી. ડ્રાઇવરે ફરીથી ટ્રક મારી મૂકી ત્યારે મેં બારીમાંથી કબર ભણી નજર કરી હતી. ટ્રકમાંની મહિલાઓ અને બાળકો રડતાં હતાં.”
લૂંટફાટ સામાન્ય બાબત છે. 60 વર્ષીય હલીમા (નામ બદલ્યું છે)ના કહેવા મુજબ, પરિવાર સાથે માનવતસ્કરી મારફત ઇજિપ્ત પહોંચતા પહેલાં સુદાનના રણમાં તેમને ભયાનક અનુભવ થયો હતો.
તેઓ કહે છે, “અમારી ટ્રક ખોટકાઈ ગઈ ત્યારે માસ્ક પહેરેલા ચાર બંદૂકધારીએ અમારા પર હુમલો કર્યો હતો. તેમણે હવામાં ગોળીબાર કર્યો હતો. મારી પુત્રીને થપ્પડ મારી હતી અને અમારો માલસામાન લૂંટી લીધો હતો.” બીજી કાર આવી ત્યારે તેઓ ડરી ગયાં હતાં. એ કારનો ડ્રાઇવર સદનસીબે મદદ કરવા તૈયાર થયો હતો અને તેમને સરહદ પાર લઈ ગયો હતો.
હલિમાના કહેવા મુજબ, તેમની 25 વર્ષની દીકરીને એટલો આઘાત લાગ્યો હતો કે તેઓ ઇજિપ્ત પહોંચ્યાના બીજા દિવસે તે મૃત્યુ પામી હતી. “તેને પૅનિક ઍટેક આવ્યો હતો. તે શ્વાસ લઈ શકતી ન હતી,” એમ કહેતાં હલિમાએ ઉમેર્યું હતું કે તેઓ સમયસર તબીબી સહાય મેળવી શક્યા ન હતા.
બીબીસીએ હલિમાની દીકરીના મૃત્યુનું પ્રમાણપત્ર જોયું હતું. તેમાં તેના મૃત્યુનું કારણ શ્વસન સંબંધી સમસ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
આશ્રય માટે લોકોનો ધસારો

સુદાનમાંથી માનવતસ્કરી રોકવા માટે શું પગલાં લેવામાં આવે છે એ જાણવા માટે બીબીસીએ ઇજિપ્ત સરકારનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી.
દક્ષિણ ઇજિપ્તના અસ્વાન ખાતેની સુદાનને એલચી કચેરીના અબ્દેલ કાદર અબ્દુલ્લાએ બીબીસીને જણાવ્યું હતું કે વિઝા વિના સરહદ પાર કરવી એ ગુનો છે અને માનવતસ્કરી સાથે સંકળાયેલાં જોખમો વિશે લોકોને ચેતવણી આપવા સત્તાવાળાઓએ અભિયાન શરૂ કર્યું છે.
અબ્દુલ્લાએ ઉમેર્યું હતું, “વિઝા પ્રક્રિયાને ઝડપી બનાવવા, વધુ અરજીઓને મંજૂરી આપવા અને સુદાનના વધારે લોકોને કાયદેસર ઇજિપ્તમાં આવવાની મંજૂરી માટે અસ્વાનમાંની સુદાનની એલચી કચેરી ઇજિપ્ત સરકાર સાથે કામ કરી રહી છે.”
મહિલાઓ અને બાળકોને ઇજિપ્તમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવતી હતી, પરંતુ સુદાનમાં લડાઈ ફાટી નીકળ્યા પછી ઇજિપ્ત સરકારે નવાં નિયંત્રણો લાદ્યાં હતાં. સુદાનમાં ઇજિપ્તના વિઝાની મોટી માગ છે, કારણ કે લોકો સંઘર્ષથી દૂર જવા ઇચ્છે છે.
તેઓ સુદાનમાં બે સ્થળ – ઉત્તરમાં વાડી હલ્ફા અને પૂર્વમાં પોર્ટ સુદાન એમ બે સ્થળે ઇજિપ્તના વિઝા માટે અરજી કરી શકે છે. મોટા ભાગના લોકો વાડી હલ્ફા તરફ જાય છે, કારણ કે તે અર્જીનની નજીક છે.
અર્જીન, સુદાન અને ઇજિપ્ત વચ્ચેનું મુખ્ય લેન્ડ બૉર્ડર ક્રૉસિંગ છે. બીજી તરફ વાડી હલ્ફામાં કોઈ માળખાકીય સુવિધા નથી.
વિઝા પ્રોસેસ માટે લોકોએ કલાકો સુધી કતારમાં ઊભા રહેવું પડે છે. અરજી કર્યા પછી તેને મંજૂરી મળશે કે કેમ તેની મહિનાઓ સુધી રાહ જોવી પડે છે. વિસ્થાપિત લોકો પાસે બહુ ઓછા પૈસા હોય છે. તેઓ તેમની અરજી સંબંધી નિર્ણયની પ્રતિક્ષા વાડી હલ્ફામાં કરે છે. નજીકની શાળા કે શેરીઓમાં ગમે ત્યાં રાતે ઊંઘે છે.
સુદાનમાંથી બહાર નીકળવા મક્કમ ઓમ સલમાએ તેમના બીજા પ્રયાસમાં કાનૂની માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે તેમની વિઝા અરજી આપવા માટે પોર્ટ સુદાનમાંની ઇજિપ્તની એલચી કચેરી સુધીનો પ્રવાસ કર્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
બે મહિના સુધી રાહ જોયા બાદ તેમણે હાર માની લીધી હતી અને ફરીથી ગેરકાયદે રૂટ પસંદ કર્યો હતો. ઘણા લોકોને વિઝા આપવાનો ઇનકાર કરવામાં આવે છે અને તેમને રાહ જોવાનું પરવડતું નથી. તેઓ તેમની પાસે બચેલા પૈસા માનવતસ્કરોને ચૂકવીને દેશમાંથી બહાર નીકળવાનું નક્કી કરતા હોય છે.
ઓમ સલમાના કહેવા મુજબ, પહેલા પ્રયાસમાં ભયાનકતાનો પાઠ ભણ્યા પછી તેમણે બીજા માનવતસ્કરનો સંપર્ક કર્યો હતો. તેઓ કહે છે, “આ વખતે પ્રવાસ માટે અમે વધુ તૈયારી કરી હતી.” તેમણે ખોરાક તથા પાણી માટે વધુ જોગવાઈ કરી હતી.
ઓમ સલમા કહે છે, “દક્ષિણ ઇજિપ્તમાં સરહદ સફળતાપૂર્વક પાર કરતા પહેલાં અમે રણમાં લગભગ છ દિવસ વિતાવ્યા હતા.”
ઇજિપ્ત પહોંચ્યા પછી પણ સુદાનના સ્થળાંતરકર્તાઓની દુર્દશા અટકતી નથી. તેમની પાસે શરણાર્થીનો દરજ્જો ન હોય અથવા અરજી માટેની ઍપૉઇન્ટમૅન્ટ છે, એવું તેઓ પુરવાર ન કરી શકે તો તેમનો દેશનિકાલ કરી શકાય છે.
ઍપૉઇન્ટમૅન્ટ લેવા માટે તેમણે ફરી કૈરો અથવા એલેકઝાન્ડ્રિયા સુધી મુસાફરી કરવી પડે છે.
કૈરો ખાતેના યુએન હાઈ કમિશનર ફૉર ધ રેફ્યુજીસ (યુએનએચસીઆર) સેન્ટરમાં મોટા ભાગે સ્ત્રીઓ તથા બાળકો સહિતના સુદાનના હજારો સ્થળાંતરકર્તાઓ તેમના નામ નોંધાવવા અને યલો કાર્ડ મેળવવા લાંબી લાઇન લગાવે છે.
હલિમા કહે છે, “હું ઠંડા હવામાનમાં ઍપૉઇન્ટમૅન્ટ મેળવવા માટે કલાકો સુધી ઊભી રહી હતી. મને ચાર મહિના પછીની ઍપૉઇન્ટમૅન્ટ મળી હતી.”
તેઓ સમજાવે છે, “યુએન શરણાર્થી તરીકે રજિસ્ટર્ડ થયા પછી યલો કાર્ડ મળે છે અને યલો કાર્ડ મેળવ્યા પછી કાયદેસર રીતે કામ કરી શકો છો અને યુએન પાસેથી માસિક નાણાકીય સહાય મેળવી શકો છો.”
યુએન રજિસ્ટર્ડ એક અન્ય શરણાર્થી ઈબ્તેસામ (નામ બદલ્યું છે) કહે છે, “બધું આટલું સરળ નથી.”
ઈબ્તેસામ ગયા ઉનાળામાં તેના પરિવારની ત્રણ પેઢીના કુલ 17 લોકો સાથે માનવતસ્કરી મારફત સુદાનથી ઇજિપ્ત આવ્યા હતા. 17 લોકોમાં તેમનાં માતા-પિતા અને બાળકોનો સમાવેશ થાય છે.
ઈબ્તેસામના કહેવા મુજબ, તેમની પાસે યલો કાર્ડ હોવા છતાં તેઓ ગયા જૂનમાં અહીં આવ્યાં ત્યારથી યુએન તરફથી કોઈ નાણાકીય સહાય મળી નથી.
તેઓ કહે છે, “મારા પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરવું તે સમજાતું નથી. મારા પતિ મૃત્યુ પામ્યા છે. મારે દર મહિને ભાડું અને સ્કૂલ ફી ચૂકવવાની હોય છે, પરંતુ અમને કોઈ મદદ કરતું નથી.”
ઇજિપ્તમાં સુદાનના સ્થળાંતરકર્તાઓએ હતાશા તથા વેદનાનો સામનો કરવો પડે છે તેનો સ્વીકાર યુએનએચસીઆરના પ્રવક્તા ક્રિસ્ટીન બિશાય કરે છે અને કહે છે, “યુએન ફંડોળની અછતનો સામનો કરી રહ્યું છે.”
તેઓ ઉમેરે છે, “અમે અમારી ક્ષમતામાં 900 ટકા સુધીનો વધારો કર્યો છે. તેથી અગ્રતા કોને આપવી તે અમારે વિચારવું પડશે. અમે ઇજિપ્તની રેડ ક્રેસન્ટની મદદથી સરહદ પર તબીબી સેવાઓ આપી રહ્યા છીએ.”
સુદાનમાંથી સ્થળાંતર કરીને ઇજિપ્ત આવેલા ઓમ સલમા જેવા લોકો માટે જીવન આસાન નથી. તેમણે બહુ થોડી મદદ અને પૈસા સાથે ક્યાંક આશરો લેવો પડે છે.
ઓમ સલમાના કહેવા મુજબ, તેઓ ભવિષ્ય બાબતે ચિંતિત છે. તેમની ઇચ્છા એક દિવસ વતન પાછા ફરવાની છે, પરંતુ સુદાનમાં ચાલતા સંઘર્ષને લીધે એવું ક્યારેય નહીં થાય એવો ડર તેમને છે.












