સુદાન હિંસા : 'મેં જોયું કે ડારફરની સામૂહિક કબરોમાં મૃતદેહો ફેંકાયા હતા'

સુદાન
    • લેેખક, મેરી જૂમા અને પીટર બૉલ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ, ઍડર (ચૅડ)

સુદાનના પશ્ચિમમાં આવેલા ડારફરમાં માલિમે જે જોયું તેનાથી તેઓ સ્તબ્ધ છે. એ પછી તેઓ ચૅડ પાસેની સરહદથી ભાગવામાં સફળ રહ્યા.

અલ-જિનૈના શહેરમાં વેરવિખેર પડેલા મૃતદેહોની તસવીરો તેમના ફોનમાં મને બતાવતા તેમણે કહ્યું, “જે લોકો સાથે મેં કામ કર્યું છે તેમને ખબર પડે કે, મેં તમને આવી તસવીરો અને વીડિયો બતાવ્યા છે અથવા માત્ર એને ક્લિક કર્યાં છે, તો મને મારી નાખશે.”

દેશ છોડતા પહેલાં તેઓ એ જૂથનો ભાગ હતા જેમણે રસ્તા પરથી આ મૃતદેહો હઠાવ્યા હતા અને તેને સામૂહિક કબરોમાં દાટી દીધા હતા.

સુદાનમાં અર્ધલશ્કરી દળ રેપિડ સપૉર્ટ ફોર્સ (આસએસએફ) અને આર્મી વચ્ચે એપ્રિલ મહિનાથી તીવ્ર લડાઈ ચાલી રહી છે. ડારફરમાં સૌથી ભીષણ લડાઈ ચાલી રહી છે, અહીંથી જ આરએસએફનો ઉદય થયો.

ગ્રે લાઇન

તસવીરોમાં ડઝન જેટલા મૃતદેહો

સુદાનની તસવીર

ચેતવણી : અહેવાલની તસવીરો વિચલિત કરી શકે છે

તસવીરોમાં ડઝન જેટલા મૃતદેહો છે, કેટલાક ધાબળાથી ઢંકાયેલા છે અને કેટલાક કપડાથી ઢંકાયેલા છે, જ્યારે કેટલાક ફૂલી ગયા છે અને સડી ગયા છે. માલિમે એ તસવીરો પણ બતાવી જેમાં સહાય કરતી સંસ્થાના કમ્પાઉન્ડમાં લૂંટ ચલાવાઈ અને તેને નુકસાન કરાયું.

દુખ વ્યક્ત કરતા માલિમ કહે છે, “મને ખૂબ જ દુખ થયું. મને લાગ્યું કે ડર અને આંતકના માહોલ વચ્ચે તેમનાં મોત થયાં. તેમાંથી મોટા ભાગના મૃતદેહો રસ્તામાં એક સપ્તાહ કરતાં વધુ સમયથી ત્યાં પડ્યા હતા.”

એક સૌથી ભયાનક વીડિયો તેમણે ઘાસની વચ્ચે સંતાઈને લીધો હતો તે છે. જેમાં મૃતદેહોને એક ટ્રકમાંથી સામૂહિક કબરોમાં નાખવામાં આવે છે.

માલિમ કહે છે, “અમે મૃતદેહો દાટવા માટે જંગલના કબ્રસ્તાન તરફ ગયા હતા. પણ આરએસએફે અમને એ ન કરવા દીધું. આરએસએફના આદેશો મુજબ ટ્રકના ડ્રાઇવરને મૃતદેહો ખાડામાં નાખવા માટે કહેવાયું હતું.”

“તેમને મુસ્લિમ પ્રથા અનુસાર દાટવા જોઈતા હતા. અમારે તેમના માટે પ્રાર્થના કરવી જોઈતી હતી. પણ આરએસએફે કહ્યું કે હવે આ માત્ર કચરો છે, જેનો નિકાલ કરવાનો છે.”

કોઈને નહોતી ખબર કે આ મૃતદેહો કોના છે અને તેમને કઈ રીતે મારી નાખવામાં આવ્યા હતા. પરંતુ ચૅડમાં શરણું લેનારા પરિવારોએ મને કહ્યું કે આરએસએફે ખાસ કરીને યુવકો અને છોકરાઓ જેઓ ડારફરના પશ્ચિમમાં રહેતા હતા તેમને નિશાન બનાવ્યા હતા. તેઓ જ્યાં છુપાયા હતા ત્યાંથી બહાર કાઢીને તેમને મારી નાખ્યા.

ગ્રે લાઇન

પહેલો સામૂહિક કત્લેઆમ

સુદાન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પરિવારોનું કહેવું છે કે બિન-આરબ સમુદાયો નિશાન બન્યા હતા. તેમને આરએસએફના ચૅક પૉઇન્ટ્સ પર ઊભા રાખવામાં આવતા હતા અને તેમને તેમની વંશીય પૃષ્ટભૂમિ પૂછવામાં આવી હતી. તેઓ અમને કહેતા કે જો એવું કહેવામાં આવે કે વ્યક્તિ પોતે મસલિત છે, તો તેને મારી નાખવામાં આવતી. એટલે લોકો ખૂબ જ ડરેલા હતા.

બીબીસીએ આરએસએફને આ આક્ષેપો વિશે ટિપ્પણી માટે કહ્યું પરંતુ તેમના તરફથી કોઈ પ્રત્યુત્તર નથી મળ્યો. જોકે સપ્તાહની શરૂઆતમાં કે તેમણે મે મહિનામાં મસલિત સમુદાયના સભ્યો પર થયેલા આવા હુમલામાં તેમની સંડોવણી હોવાનો ઇન્કાર કર્યો હતો.

13મી જુલાઈએ યુએન દ્વારા પ્રકાશિત અહેવાલની વિગતો માલિન જે કહે છે તેની સાથે બંધ બેસે છે. જેમાં કહેવાયું છે કે, સ્થાનિક પોલીસને વંશીય રીતે મસલિત હોય તેવા ઓછામાં ઓછા 87 લોકોના મૃતદેહનનો નિકાલ કરવા દબાણ કરાયું હતું. સાથે જ આરએસએફ દ્વારા મારી નાખવામાં આવેલા તમામને પશ્ચિમ ડારફરમાં દાટવા માટે દબાણ કરાયું હતું.

માલિમના ફોનમાં રહેલો મૅટાડેટા (જેમાં તસવીરો અને વીડિયો છે) દર્શાવે છે કે તે 20મી અને 21મી જૂન વચ્ચે લેવાયા હતા. યુએનના અહેવાલમાં પણ આ જ તારીખોનો ઉલ્લેખ છે.

માલિમે અમને જણાવ્યું કે, લાલ જમીનવાળા જગ્યા જે અલ-તૂરબ અલ-અહમરથી ઓળખાતા ખુલ્લા વિસ્તારમાં મૃતદેહો દાટવામાં આવ્યા હતા. જે અલ-જિનૈનાના પશ્ચિમમાં એક પોલીસ બૅઝની નજીક આવેલી છે. યુએનના અહેવાલમાં પણ આવો જ ઉલ્લેખ છે.

યુએનના નિવેદનમાં કહ્યું છે કે કેટલાક લોકો ઈજાનો યોગ્ય ઇલાજ ન થયો હોવાથી મરી ગયા. માલિમના એક વીડિયોમાં એક વ્યક્તિ મૃતદેહોના ઢગલા વચ્ચે જીવતી મળી આવે છે. તેના સૂકા અને ફાટેલા હોઠ પર માખીઓ બણબણે છે અને તે બોલવાની કોશિશ કરે છે.

માલિમ અનુસાર આ વ્યક્તિ ત્યાં આઠ દિવસથી પડી હતી અને તેને ગોળી વાગ્યાના ઘા હતા. તે વ્યક્તિ સાથે શું થયું હતું એ અમને નથી ખબર.

માલિમે કહ્યું કે, તેમણે વીડિયો એટલા માટે લીધા કે તેઓ બધું જ ડૉક્યુમેન્ટ કરવા માગતા હતા, જે તેમના નગરમાં થઈ રહ્યું હતું. પછી તેમને સમજાયું કે હવે શહેરમાં વધુ રહેવું તેમના માટે સુરક્ષિત નથી.

“મને ડર લાગ્યો, કેમ કે તેઓ એકથી વધુ વખત તપાસ કરતા કે મૃતદેહોનો નિકાલ કરતા લોકોમાંથી કોઈ પાસે મોબાઇલ ફોન તો નથી ને.”

ડારફરની આરબ અને બ્લૅક કૉમ્યુનિટી (સમુદાય) વર્ષોથી સામાસામે સંઘર્ષ કરતી આવી છે. બે સપ્તાહ પહેલાં સરકાર પર ભેદભાવના આરોપ લગાવી બિન-આરબ સમુદાયે હથિયાર ઉઠાવ્યાં ત્યારે ભયંકર હિંસા થઈ હતી.

કુખ્યાત જનજાવિદ આરબ મિલિશિયામાંથી આરએસએફનો જન્મ થયો, જેણે બળવાખોરોને ક્રૂર રીતે દબાવ્યા અને સંખ્યાબંધ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા.

જૂથ પર મોટા પાયે અત્યાચાર અને વંશીય હત્યાઓના આરોપ લાગ્યા, જેને 21મી સદીનો પહેલો સામૂહિક હત્યાકાંડ તરીકે વર્ણવવામાં આવે છે.

બીબીસી

યુદ્ધ અપરાધની નવી તપાસ શરૂ

સુદાન

આરએસએફ અને સુદાનની આર્મી વચ્ચે એપ્રિલમાં લડાઈ ફાટી નીકળી હતી અને પછી ફરી હિંસા થઈ. ગયા મહિને પશ્ચિમ ડારફરમાં ગવર્નરની હત્યા કરી દેવાઈ હતી. મસલિત લોકોનો આરએસએફ દ્વારા સામૂહિક હત્યાકાંડ થયાનો તેમણે આરોપ લગાવ્યાના ટૂંક સમયમાં જ તેમની હત્યા થઈ ગઈ હતી.

ડારફરના ઘણા ભાગોમાં ફાટેલી હિંસા સામાન્ય નથી જણાતી. અમને જાણવા મળ્યું છે કે, એવા આરોપો થયા છે કે આરએસએફ દ્વારા પદ્ધતિસર પ્રયાસ થકી અને આરબ મિલિશિયાની મદદથી મસલિત જેવા બ્લૅક આફ્રિકન સમુદાયોના વરિષ્ઠ આગેવાનોને નિશાન બનાવવામાં આવ્યા છે. જેથી હજારો લોકોએ ચૅડ છોડીને જતું રહેવું પડ્યું છે.

આરએસએફે કહે છે કે, 2000ની સાલમાં જોવા મળેલી વંશીય હિંસા ફરી સક્રિય થઈ છે અને તેમાં તેમની કોઈ સંડોવણી નથી.

ગુરુવારે ઇન્ટરનેશનલ ક્રાઇમ કોર્ટ (આઈસીસી) જે વર્ષ 2005થી ડારફરમાં થયેલા ગુનાની તપાસ કરી રહી છે તેમણે સુદાનમાં થયેલા કથિત યુદ્ધ અપરાધની નવી તપાસ શરૂ કરી છે.

ચીફ પ્રોસિક્યૂટર કરીમ ખાને યુએનની સુરક્ષા પરિષદને કહ્યું કે, “ઇતિહાસ ફરી પોતાને દોહરાવે એવું જોખમ છે. એ જ દુખી ઇતિહાસ.”

ડારફરથી અન્ય હજારો સુદાની લોકો ભાગી ગયા પણ માલિમ પાસે પરત ફરવા માટે કંઈ બચ્યું નથી.

તેમનું ઘર સળગાવી દેવાયું અને તેમના પરિવારની બધી જ વસ્તુઓ લૂંટી લેવાઈ. પણ સૌથી દુખની વાત એ કે તેમના ઘણા મિત્રો અને પરિવાર હવે ત્યાં નહીં હોય.

રેડ લાઇન
રેડ લાઇન