'મેં મારા પાડોશીને તેના ઘરની ટાઇલ્સ કાઢીને દફનાવી દીધો' યુદ્ધગ્રસ્ત દેશમાં લોકોની વ્યથા

- લેેખક, એથર શૈલેબી
- પદ, બીબીસી ન્યૂઝ, અરબી
ચેતવણી : આ કહાણીમાં અમુક તસવીરો અને ઘટનાઓનું વર્ણન વિચલિત કરી શકે છે. ઓળખ છુપાવવાના હેતુસર વ્યક્તિઓનાં નામ બદલ્યાં છે.
ઓમર જણાવે છે કે સુદાનના પાટનગર ખાર્તૂમમાં ભીષણ ઘર્ષણને કારણે તેમણે પોતાના ઓછામાં ઓછા 20 પાડોશીઓને તેમનાં જ ઘરોમાં દફન કરવા પડ્યા છે.
તેઓ કહે છે કે એવું ભાગ્યે જ બને છે કે દરવાજો ખોલો ત્યારે માનવ મૃતદેહને ચૂંથતાં કૂતરાં ન જોવા મળે.
તેઓ કહે છે કે, “મેં ત્રણ લોકોને તેમનાં ઘરના ભોંયતળિયા નીચે જ દફન કર્યા અને અન્યોને પોતાના ઘર પાસેની સડકના કિનારા પાસે.”
“મારો પાડોશી તેમના જ ઘરમાં મરાયો, હું કંઈ ન કરી શક્યો, મેં તેમને તેમના ઘરના તળિયે લાગેલી ટાઇલ્સ હઠાવી, ત્યાં એક કબર ખોદીને તેના મૃતદેહને દફનાવી દીધો.”

‘આસપાસની જગ્યાઓ કબરસ્તાનમાં તબદીલ થઈ રહી છે’

થોડા થોડા અંતરાલે સંઘર્ષવિરામ છતા ખાર્તૂમમા સૈન્ય અને અર્ધ સૈનિક બળો રૅપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે ભીષણ યુદ્ધ દરમિયાન સ્નાઇપર છતો પર હોય છે.
હિંસાના કારણે ઓમર અને અન્ય લોકો મૃતદેહોને કબરસ્તાન નથી પહોંચાડી શકી રહ્યા. “ગરમીમાં મૃતદેહો સડી રહ્યા છે. અમે શું કહી શકીએ? ખાર્તૂમના ઘણા રહેણાક વિસ્તારો કબરસ્તાનમાં તબદીલ થઈ રહ્યા છે.”
ત્રણ અઠવાડિયાં પહેલાં, ઓમરે ખાર્તૂમમાં અલગ ઇમતિદાદ જિલ્લામાં પોતાના ઘરથી થોડા અંતરે સડકના કિનારે જ ચાર લોકોની કબર ખોદી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જણાવ્યું કે આસપાસના વિસ્તારોમાં તેમના જેવું જ કામ કરનારા કેટલાક લોકોને તેઓ ઓળખે છે.
તેમના પ્રમાણે, “મૃત્યુ પામેલા લોકો પૈકી મોટા ભાગને ખાર્તૂમ યુનિવર્સિટીની પાસેના વિસ્તારમાં દફન કરાયા છે. અન્ય મૃતદેહોને મોહમ્મદ નાગુઇબ રોડ પાસેના વિસ્તારોમાં દફન કરાયા.”
જોકે, ઘરો અને આસપાસ દફનાવાયેલા મૃતદેહોની સંખ્યા વિશે આધિકારિક આંકડો ઉપલબ્ધ નથી પરંતુ ઓમરનું કહેવું છે કે ‘સંખ્યા ડઝનોમાં’ હોઈ શકે.

સ્નાઇપરો વચ્ચેથી મૃતદેહો કબરસ્તાન સુધી કેવી રીતે લઈ જવા?

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હામિદે બીબીસીને જણાવ્યું કે સૈન્યનું એક વિમાન ક્રેશ થયા બાદ પાટનગરથી 12 કિલોમિટર દૂર સીમાંત વિસ્તારમાં સૈન્યના ત્રણ જવાનોને દફનાવ્યા.
તેમણે કહ્યું, “એ દરમિયાન સંયોગથી હું એ વિસ્તારમાં જ હતો. વિમાનના કાટમાળમાંથી મૃતદેહોને મેં અને અન્ય પાંચ લોકોએ સાથે મળીને કાઢ્યા અને શામબાતના રહેણાક વિસ્તારમાં તેમને દફનાવ્યા.”
આ વિસ્તારમાં પાછલાં 20 વર્ષોથી રહી રહેલા એક પ્રૉપર્ટી એજન્ટ પ્રમાણે ગુજરી ગયેલા લોકોને શક્ય તેટલા જલદી દફનાવવા એ ‘માનવતાનું કામ’ છે.
તેઓ કહે છે કે, “આપણે મૃતકોને ક્યાં દફનાવી રહ્યા છીએ એ વાત મહત્ત્વપૂર્ણ નથી. દફનવિધિ કરવી એ પ્રાથમિકતા છે. એ એક માનવીય કાર્ય છે. કબરસ્તાન સુધી પહોંચવાની યાત્રામાં ઘણા દિવસ લાગી શકે છે અને દરેક સ્થળે સ્નાઇપર મોજૂદ છે.”
તેમના અનુસાર, “અમે સમાજને બીમારીઓની આપત્તિથી બચાવવાની કોશિશ કરી રહ્યા છીએ. જો આપણે મૃતદેહોને આમ જ છોડી દઈએ તો ગરમીના કારણે મૃતદેહો સડવા લાગશે અને રખડતાં જાનવરો તેને ચૂંથવા લાગશે, આ ધાર્મિકની સાથોસાથ એક નૈતિક જવાબદારી પણ છે.”
હામિદ જણાવે છે કે ભીષણ રીતે દાઝી ગયેલા મૃતદેહોની તસવીર હજુ પણ તેમના મગજમાં ઘૂમરાઈ રહી છે. એ ત્રણેયને દફનાવ્યા બાદ તેઓ ઘણા આઘાતમાં રહ્યા, “મારી ઊંઘ ઊડી ચૂકી હતી અને હું દિવસમાં માત્ર એક વખત જ ભોજન કરી શકતો હતો.”

આ રીતે મૃતદેહોને દફનાવવા એટલે ‘સત્યને દફનાવવું’

ઇમેજ સ્રોત, PRELIMINARY COMMITTE OF SUDAN DOCTOR'S TRADE UNION
જોકે, ડૉક્ટરોની યુનિયનના પ્રમુખે ઘરો અને સાર્વજનિક સ્થળોએ મૃતદેહોને દફનાવવાની પ્રવૃત્તિની ટીકા કરી છે.
યુદ્ધ અપરાધના કેસો ચલાવવાનો તેમને અમુક અનુભવ છે.
સુદાનના ડૉક્ટર્સ ટ્રેડ યુનિયનની કમિટીના સેક્રેટરી જનરલ ડૉ. આટિયા અબ્દુલ્લાએ આ પ્રકારની દફનવિધિને અપરિપક્વ ગણાવી અને ચેતવ્યા કે આવું કરવાથી ‘સત્ય દફન’ થઈ જશે.
તેઓ કહે છે કે બિનવારસી મૃતદેહોને ઘરો અને રહેણાક વિસ્તારોમાં દફનાવવા એટલે કે મૃત્યુનાં કારણો કે પુરાવાનો નાશ.
તેમના મત પ્રમાણે, “યુદ્ધ પૂરું થયા બાદ મૃત્યુનું કારણ શું હતું, એ સવાલ સૌપ્રથમ ઊઠશે. જે લોકોનાં મૃત્યુ થયાં છે તેમની ઓળખ શું હતી? કોણ લૂંટફાટ દરમિયાન મૃત્યુ પામ્યું અને કોણ તણાવના કારણે? આ બધી બાબતો આપણને ગૃહયુદ્ધ વિશે જરૂરી માહિતી આપશે. આવી રીતે તો આ બધા જવાબ મૃતદેહોની સાથે જ દફન થઈ જશે.”
ડૉ. આટિયાનું કહેવું છે મૃતદેહોની ઓળખ સ્થાપિત કર્યા બાદ સન્માનપૂર્ક દફનવિધિ કરવી જોઈએ.
તેમણે ભારપૂર્વક કહ્યું કે દફનવિધિનું કામ સ્વાસ્થ્ય સંસ્થાઓ જેમ કે રેડ ક્રૉસ અને સુદાની રેડ ક્રૅસેંટ પર છોડી દેવું જોઈએ.
તેઓ કહે છે કે, “મૃતકોની આ પ્રકારે દફનવિધિ કરવાનું કામ યોગ્ય નથી. દફનવિધિમાં સરકારના પ્રતિનિધિ, પ્રૉસિક્યૂટર, ફોરેન્સિક નિષ્ણાત અને રેડ ક્રૉસની હાજરી જરૂરી છે. ડીએનએ સૅમ્પલ પણ એકઠાં થવાં જોઈએ.”

યુદ્ધ રોકવા આંતરરાષ્ટ્રીય દબાણની જરૂર

ઇમેજ સ્રોત, Reuters
જ્યારે બીબીસીએ પૂછ્યું કે જ્યારે દેશમાં નિયમ અને કાયદા ધ્વસ્ત થઈ ચૂક્યા છે, એવા સમયે શું આ પ્રક્રિયાઓ અનુસરવાનું શક્ય છે? તો આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે અન્ય દેશોએ આ ભૂમિકા ભજવવી જોઈએ.
ડૉ. આટિયા પ્રમાણે, “યુદ્ધ રોકવા માટે બંને પક્ષો પર આંતરરાષ્ટ્રીય દબાણ વધારવાની જરૂરિયાત છે. આપણે બધી જવાબદારી રેડ ક્રૉસ અને રેડ ક્રૅસેંટ પર ન છોડી દેવી જોઈએ.”
જોકે, ઓમર અને હામિદે કહ્યું કે દફનવિધિ પહેલાં તેઓ મૃતદેહની તસવીરો લે છે જેથી ભવિષ્યમાં તેમની ઓળખ કરી શકાય.
પરંતુ ડૉ. આટિયાનું કહેવું છે કે જે લોકો જ્યાં ત્યાં દફનાવાની પ્રક્રિયા સામેલ છે, તેમનો કાયદાકીય પક્ષ કમજોર છે.
“આવી રીતે અને આ સ્થળોએ દફનવિધિ કરવાને લઈને તેમની પાસે કોઈ પરવાનગી નથી અને આધિકારિકપણે મૃત્યુ પ્રમાણપત્ર પણ નથી અપાયાં. આ કાયદાકીય પ્રશ્ન છે.”
તેઓ એવી પણ ચિંતા વ્યક્ત કરે છે કે આવું કરવાથી બીમારી ફેલાવાનો ડર છે.
તેમના અનુસાર ઉપરછલ્લા આવરણવાળી કબરોમાં દફન મૃતદેહો અંગે એ આશંકા પ્રબળ છે કે રખડતાં કૂતરાં તેમને ખોદી કાઢે. દફનવિધિ માટે યોગ્ય રીતો નથી અપનાવાઈ રહી.
જોકે હામીદનું કહેવું છે કે મોટા ભાગના સુદાની લોકોને ખ્યાલ છે કે કેવી રીતે એક મીટર ઊંડી કબર ખોદવી જેથી મૃતદેહોને સુરક્ષિતપણે દફનાવી શકાય.
મૃતદેહોને દફનાવાને લઈને કેટલાક વ્યવસ્થિત પ્રયત્નો પણ થઈ રહ્યા છે. હામિદ રેડ ક્રૉસ સાથે મળીને સડકો પરથી મૃતદેહો હઠાવી રહ્યા છે.

મૃતદેહોને ઠેકાણે પાડવા બીજો કોઈ ઉપાય નથી

ઇમેજ સ્રોત, AL-AMART
ડૉ. આટિયાની ટીકા છતા લોકોને લાગે છે કે જાહેર આરોગ્ય પ્રણાલી સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ જવાની સ્થિતિમાં તેમની પાસે બીજો કોઈ રસ્તો નથી.
ગત મહિને 11 મેના રોજ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો જેમાં દેખાઈ રહ્યું છે કે બે સુદાની મહિલા ડૉક્ટરો મૅગડોલિન અને માગ્ડા યુસુફ ઘાલીને તેમના બગીચામાં દફનાવાઈ રહ્યા છે.
તેમના ભાઈએ બીબીસીને જણાવ્યું કે એ સમયે માત્ર આ જ એક રીત હતી, “તેમના મૃતદેહ 12 દિવસ સુધી બહાર પડ્યા હતા.”
આંખોમાં આંસુ સાથે તેઓ કહે છે કે, “પાડોશીઓએ ઘરમાંથી બદબો આવી રહી હોવાની ફરિયાદ કરી હતી, તે બાદ અમુક લોકો આવ્યા અને તેમને એક કબરમાં દફનાવી દીધા.”
સુદાનના ડૉક્ટરોના ટ્રેડ યુનિયને 29 મેના રોજ 865 લોકોનાં મૃત્યુ નોંધ્યાં હતાં. પરંતુ જો બિનઆધિકારિક દફનવિધિની ઘટનાઓને આમાં સામેલ કરાય તો આંકડો ખૂબ વધુ હોઈ શકે.
આરોગ્યવિભાગ રેડ ક્રૉસ અને સુદાની રેડ ક્રૅસેંટ સાથે મળીને મૃતદેહોને ઠેકાણે લગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ યુદ્ધથી તેમના કામમાં અવરોધ સર્જાઈ રહ્યા છે.
આ પરિસ્થિતિમાં યુદ્ધ અપરાધ ટ્રિબ્યુનલ સ્થાપિત કરાય તેવી શક્યતાઓ નહિવત્ છે.
એ બે બહેનોના બાઈએ એ પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો જેમાં લોકો રહેવા માટે મજબૂર છે, “મારી બહેનોને તેમના જ બગીચામાં એક ખાડામાં દફન કરાઈ. તેમનો આવો અંત થશે, મેં ક્યારેય વિચાર્યું નહોતું.”














