અમેરિકા-ઈરાન ઘર્ષણને કારણે મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીમાં શું ચિંતા છે, ખેડૂતો પર શું અસર પડી શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર હવાઈ હુમલો કરતાં ખાડી દેશો સહિતના અનેક દેશો ચિંતાતુર બન્યા છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણના કારણે કેટલીય ઍરલાઇન્સે ખાડી દેશોમાં તેમની ફ્લાઇટ્સ રદ કરી નાખતા વાયુમાર્ગે થતી મુસાફરીની સેવાઓ ડામાડોળ થઈ ગઈ છે.
જાણકારો અનુસાર તે જ રીતે સમુદ્ર માર્ગે ખાડી દેશો તરફ જતા કે આવતા અથવા તો પસાર થતા માલ-સામાનનું વહન પણ ખોરંભે ચડ્યું છે.
ખાડી દેશોમાં ઘર્ષણના કારણે સમુદ્ર માર્ગે થતા આંતરરાષ્ટ્રીય વેપારમાં વિક્ષેપનાં ગંભીર પરિણામો ગુજરાતના ઉદ્યોગ-ધંધા પર પડશે તેમ નિષ્ણાતો જણાવી રહ્યા છે.
મોરબીના સિરામિક ઉદ્યોગના અગ્રણીઓએ બીબીસીને જણાવ્યું કે તેમને ભય છે કે જો ઘર્ષણ વધારે દિવસો ચાલશે તો મોરબીમાં સેંકડો કારખાનાં બંધ કરવાની નોબત આવશે.
તો કૃષિ પેદાશોની નિકાસ કરતા વેપારીઓ કહે છે કે તેમને ભીતિ છે કે ખાડી દેશોનું મોટું માર્કેટ લાંબા સમય સુધી અસ્થિર રહેશે તો ચોખા, ખાંડ, ઘઉં અને સિરામિક ટાઇલ્સ વગેરેની નિકાસ પર વિપરીત અસર થશે અને તેની સીધી અસર ગુજરાત સહિત ભારતભરના ખેડૂતો પર થશે.
મોરબીના ઉદ્યોગોમાં શું ચિંતા છે?

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya/BBC
મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં સિરામિક ટાઇલ્સ એટલે કે લાદી અને સેનેટરીવેર એટલે કે ટૉયલેટ અને બાથરૂમની વસ્તુઓનું ઉત્પાદન કરતાં 900થી વધારે કારખાનાં આવેલાં છે.
સિરામિક ટાઇલ્સ અને સેનેટરીવેર આઇટમ્સનું ઉત્પાદન કરતું ભારતનું આ સૌથી મોટું ક્લસ્ટર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોરબી સિરામિક ઍસોસિયેશનના પૂર્વ પ્રમુખ નીલેશ જેતપરિયાએ કહ્યું, "આ કારખાનાં દર વર્ષે અંદાજે 20,000 કરોડ મૂલ્યની ટાઇલ્સ અને સેનેટરીવેર આઇટમની નિકાસ કરે છે અને તેમાંથી 15થી વીસ ટકા માલની નિકાસ ખાડી દેશોમાં થાય છે."
પરંતુ મોરબી સિરામિક ઍસોસિયેશનમાં વૉલ ટાઇલ ડિવિઝનના પ્રમુખ હરેશ બોપલિયા કહે છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષના કારણે સિરામિક ઇન્ડસ્ટ્રી સામે નિકાસ ખોરંભે પડવા સિવાયનું એક ગંભીર સંકટ ઊભું થઈ રહ્યું છે.
તેમણે કહ્યું, "મેઈન ચિંતા તો પ્રોપેન ગૅસ સપ્લાયની છે. આઇઓસી (ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન) બીપીસીએલ (ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ), રિલાયન્સ વગેરે અમારા સપ્લાયર્સ છે. અમારી પાસે ત્રણ દિવસનો જ સ્ટૉક છે. જો ગૅસ નહીં મળે તો કેટલાંય કારખાનાં બંધ થઈ જશે."
નીલેશ જેતપરિયાએ જણાવ્યું કે પ્રોપેન ગૅસથી અઢીસોથી ત્રણસો કારખાનાં ચાલે છે જ્યારે બાકીનાં કારખાનાં ગુજરાત ગૅસ કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા પાઇપ્ડ નેચરલ ગૅસ (પીએનજી)થી ચાલે છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નીલેશ જેતપરિયાએ સોમવારે કહ્યું, "પ્રોપેન ગૅસ સાઉદી અરેબિયા અને યુએઇ (યુનાઇટેડ આરબ અમીરાત એટલે કે સંયુક્ત અરબ અમીરાત)થી આવે છે."
"સાઉદી અરામકોમાં એક બ્લાસ્ટ થતા ત્યાંથી પ્રોપેન ગૅસ આવવાનું પહેલાંથી જ બંધ થઈ ગયું હતું."
"હવે જો યુએઈથી પણ આવવાનું બંધ થાય તો અઢીસોથી ત્રણસો કારખાનાં એક દિવસમાં બંધ થઈ જશે, કારણ કે ઑઇલ કંપનીઓ આવનાર દિવસોમાં પ્રોપેન સપ્લાયની ગૅરંટી આપી નથી રહી અને અમે ગુજરાત ગૅસને 27 તારીખે જ રજૂઆત કરી હતી કે આ કારખાનાંને પીએનજી આપવામાં આવે, પરંતુ તેના તરફથી પણ તાત્કાલિક કોઈ કન્ફર્મેશન નથી."
જેતપરિયાએ ઉમેર્યું કે મોરબીમાં સિરામિક ફૅક્ટરીઓ દરરોજ 65,000થી 70,000 ઘનમીટર જેટલો પ્રોપેન ગૅસ અને 25 લાખ ઘનમીટર જેટલો પીએનજી વાપરે છે.
તેમણે કહ્યું કે મોરબીની દરેક સિરામિક ફૅક્ટરી 10,000 ઘનમીટરથી 20,000 ઘનમીટર જેટલો ગૅસ વાપરે છે.
તેમણે ઉમેર્યું, "બીજી ચિંતા એ છે કે ગૅસની તંગી સર્જાય તો ઍક્સપૉર્ટના જે કૉન્ટ્રાક્ટ થઈ ગયા છે તે પૂરા કરી શકાશે કે નહીં."
બીબીસીએ આ બાબતે ગુજરાત ગૅસનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, પરંતુ તેના તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા મળી ન હતી.
ખેડૂતો પર શું અસર પડશે?

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા અનુસાર ભારતે 2024-25ના વર્ષમાં 73 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની નિકાસ કરી હતી.
તેમાંથી 14.74 લાખ કરોડના મૂલ્યની એટલે કે લગભગ 40 ટકા જેટલી નિકાસ એશિયાના દેશોમાં કરી હતી.
તેમાંથી સૌથી વધારે એટલે કે 4.81 લાખ કરોડ મૂલ્યની નિકાસ ખાડી દેશોમાં કરવામાં આવી હતી. દેશની કુલ નિકાસનું તે 13 ટકા જેટલું થાય.
ભારત ખાડી દેશોમાં ખાંડ, ચોખા, ઘઉં, બટાટા, ડુંગળી અને અન્ય શાકભાજી, ફળો તેમજ પશુઓ માટેના ખાણદાણની મોટા પાયે નિકાસ કરે છે.
રાજકોટના વેપારી સાગર ચગ તેમની સાગર ઇન્ટરનૅશનલ નામની પેઢીના માધ્યમથી ખેતપેદાશોની નિકાસનો વ્યવસાય કરે છે.
તેમણે બીબીસીને જણાવ્યું કે ભારત દર વર્ષે સિત્તેરથી એંશી લાખ ટન (1 ટન=1૦૦૦ કિલો) ચોખાની નિકાસ કરે છે અને તેમાંથી લગભગ ત્રીજા ભાગની નિકાસ ખાડી દેશોમાં થાય છે.
ફળો અને શાકભાજીની નિકાસ મોટા ભાગે વિમાનો દ્વારા હવાઈ માર્ગે તેમ જ કેટલાક અંશે મુંબઈના ન્હાવાશેવા બંદરેથી રિફર કન્ટેનર એટલે કે રેફ્રિઝરેટર જેવાં કન્ટેનરોમાં ભરી કન્ટેનરોને જહાજોમાં લાદી સમુદ્ર માર્ગે પણ કરાય છે.
ફળો અને શાકભાજી સિવાયની અન્ય ખેતપેદાશોની નિકાસ સમુદ્ર માર્ગે જહાજો દ્વારા થાય છે.
જહાજોમાં આ માલ-સમાન મુખ્યત્વે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલાં મુન્દ્રા અને કંડલા બંદરોએથી રવાના કરાય છે.

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya/BBC
મુન્દ્રાના આશુતોષ કન્ટેનર ફ્રેઇટ સ્ટેશનના ડાઇરેક્ટર ભાવેન ઠક્કરે બીબીસીને કહ્યું, "મુન્દ્રા પોર્ટ પરથી એકાંતરે ત્રણ હજારથી ચાર હજાર જેટલાં કન્ટેનરોમાં માલ-સમાન ભરીને ખાડી દેશોમાં જહજો વાટે મોકલાય છે."
"કંડલા બંદરેથી પણ ઘઉં, ચોખા, પશુઓ માટેનો ખોળ વગેરે બલ્ક કાર્ગો (ગુણી કે ખોખામાં પૅક ન કરેલો છુટ્ટો માલ) સ્વરૂપે ખાડી દેશોમાં નિકાસ થાય છે, પણ જહાજો ચલાવતી મોટા ભાગની કંપનીઓએ ખાડી દેશો તરફ જતા તેમના રૂટને સ્થગિત કરી દીધા છે. તેથી કન્ટેનરો અટવાઈ ગયાં છે."
કન્ટેનર ફ્રેઇટ સ્ટેશનોમાં વિદેશ મોકલવા માટે માલને કન્ટેનરોમાં ભરી તેમને એકઠા કરીને જહાજોમાં ચડાવાય છે અથવા તો વિદેશથી મંગાવેલાં કન્ટેનરો બંદરે ઊતર્યા બાદ આયાતકારોને સોંપવા માટે તેમનું એકત્રીકરણ કરાય છે.
રાજકોટના હરીશ લાખાણી મુખ્યત્વે ખાંડ અને એરંડિયાની નિકાસનો વેપાર કરે છે.
તેમણે બીબીસીને જણાવ્યું, "ટેકાના ભાવના કારણે અમેરિકા-ઈરાનના સંઘર્ષની ભારતના ખેડૂતો પર તત્કાળ તો કોઈ અસર નહીં થાય."
"ખાંડના ભાવ ભારતમાં આંતરરાષ્ટ્રીય બજાર કરતાં ઊંચા જ ચાલી રહ્યા છે, પરંતુ ચોખાના વેપાર પર અસર થઈ શકે છે."
"ઈરાન ભારતમાંથી દસેક લાખ ટન જેટલા ચોખા દર વર્ષે આયાત કરે છે."
"તેમાંથી ત્રણ-ચાર લાખ ટનનાં પેમેન્ટ બાકી છે. તે એક ચિંતાનો વિષય છે."
"આ અસ્થિરતાને કારણે 1121 વૅરાયટીના બાસમતી ચોખાની કિંમતમાં પ્રતિ કિલોએ છથી આઠ રૂપિયાનો તો ઘટાડો પણ થઈ ગયો છે."
મુન્દ્રા, કંડલામાં શું સ્થિતિ છે?
અમેરિકા-ઇઝરાયલ દ્વારા હવાઈ હુમલા બાદ ઈરાને જહાજોને હૉર્મુઝની સામુદ્રધુનીથી દૂર રહેવાની ચેતવણી છે.
હૉર્મુઝની સામુદ્રધુની પર્શિયન ગલ્ફ એટલે કે પર્શિયાની ખાડીની એક પ્રકાની ડોક છે.
પર્શિયન ગલ્ફ અરેબિયન ગલ્ફ એટલે કે આરબ ખાડી તરીકે પણ ઓળખાય છે.
હૉર્મુઝની સામુદ્રધુની અરેબિયન ગલ્ફને ઓમાનની ખાડી સાથે જોડે છે અને ઓમાનની ખાડી આરબ સાગરમાં ખૂલ છે.
ઇરાક, કુવેત, કતાર, બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત વગેરે દેશો પર્શિયન ગલ્ફના કિનારે આવ્યા છે.
સમુદ્ર વાટે વેપાર કરવા માટે પર્શિયન ગલ્ફ તેમના માટે એકમાત્ર જળમાર્ગ છે.
સાઉદી અરેબિયાનાં કેટલાંક બંદર રાતા સમુદ્રમાં આવેલાં છે, પરંતુ અન્ય કેટલાંક બંદર આરબ ખાડીમાં પણ આવેલાં છે.
ઇરાક આ ખાડીના પશ્ચિમ કિનારે આવેલો છે જ્યારે અન્ય બધા દેશો દક્ષિણ કિનારે આવેલા છે. આ ખાડીનો આખો ઉત્તર કિનારો ઈરાન દેશનો છે.
ફેડરેશન ઑફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશન (ટૂંકમાં ફોકીયા)ના મૅનેજિંગ ડાયરેક્ટર નિમિષ ફડકેએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે ભારતમાંથી નિકાસ થતા માલ-સામાનોનો આશરે 35 ટકા ભાગ ગુજરાતનાં બંદરોએથી રવાના કરાય છે અને તેમાં સૌથી મોટાં બંદર કચ્છ જિલ્લામાં આવેલાં કંડલા અને મુન્દ્રા બંદરો છે, પરંતુ ખાડી દેશોમાં ઘર્ષણને કારણે નિકાસ બજારમાં ભારે અનિશ્ચિતતા ઊભી થઈ છે.
નિમિષ ફડકેએ કહ્યું, "અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિના કારણે પર્શિયન ગલ્ફ અને રાતા સમુદ્રના કૉરિડૉરમાં જહાજો ચલાવવું જોખમી થઈ ગયું છે."
"તે તરફ જઈ રહેલાં પાંચથી સાત હાજર કન્ટેનર નિશ્ચિત પોર્ટ સુધી પહોંચશે કે કેમ તેના વિષે ચિંતા છે."
"ભારતમાંથી નિકાસ થતા તેમજ વિદેશથી ભારતમાં આયાત કરતા માલ-સામાનમાંથી લગભગ 35 ટકા માલ-સામાનની આયાત નિકાસ ગુજરાતનાં બંદરો પરથી થાય છે, પરંતુ ઘર્ષણના કારણે તેમાં અનિશ્ચિતતા સર્જાઈ છે."
શિપિંગલાઇન્સ શું કહે છે?
ગુજરાતની ટ્રાન્સનૅશનલ શિપિંગલાઇન પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર હિતેશ બેલ્લાનીએ કહ્યું, "ગલ્ફ કન્ટ્રીઝમાં કૉન્ફલિક્ટના કારણે નિકાસ કારોબાર એક રીતે ઠપ્પ થઈ ગયો છે, કારણ કે જહાજ ચલાવતી કંપનીઓ એ બાબતે સ્પષ્ટ નથી કે તેઓ પર્શિયન ગલ્ફમાં આવેલાં બંદરો પર જઈ શકશે કે નહીં."
"વૈકલ્પિક રીતે ઓમાનનાં બંદરોએ માલ ઉતારી જમીન માર્ગે ખાડી દેશો સુધી પહોંચાડી શકાય છે, પરંતુ ઓમાન પર પણ હુમલા થયા છે તેથી આ રૂટ પર પણ ચિંતા છે."
"આ અડચણ એવે વખતે આવી છે જ્યારે માર્ચના કારણે સૌ કોઈ તેમના ઑર્ડર પૂરા કરવાની ઉતાવળમાં છે."
કંડલા અને મુન્દ્રા બંદરેથી આયાતકારો અને નિકાસકારોને કસ્ટમ્સની મજૂરી મેળવી આપવાની સેવા આપવાનો બિઝનેસ ચલાવતા નરેન્દ્ર ઠાકરે જણાવ્યું કે તેમના ગ્રાહકોનાં કન્ટેનર પણ ફસાઈ ગયાં છે.
તેમણે કહ્યું, "આજે ચોખાનાં કેટલાંક કન્ટેનરનું બુકિંગ હતું, પરંતુ શિપિંગ કંપનીએ ખાલી કન્ટેનર મોકલ્યાં નથી. આ ઉપરાંત શિપિંગ કંપનીઓએ જાણ કરી છે કે યુદ્ધ જેવી સ્થિતિને કારણે સંયુક્ત અરબ અમીરાત સરકારે તે દેશનાં બંદરો પર આવતાં-જતાં કન્ટેનરો પર કન્ટેનર દીઠ 2000 અમેરિકન ડૉલર જેટલો ઇમર્જન્સી કૉન્ફ્લિક્ટ સરચાર્જ લાદ્યો છે."
"તેથી જહાજનું ભાડું છ ગણું થઈ ગયું છે. મુન્દ્રાથી દુબઈનું જહાજભાડું 400 અમેરિકન ડૉલર જ છે પણ હવે 2000 ડૉલરના સરચાર્જ સાથે તે 2400 ડૉલર થઈ ગયું છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












