ઈરાન-અમેરિકા સંઘર્ષ વચ્ચે વડા પ્રધાન મોદીની ઇઝરાયલ મુલાકાતની કેમ ચર્ચા થાય છે?

ઇમેજ સ્રોત, ilia YEFIMOVICH / AFP via Getty Images
- લેેખક, જુગલ પુરોહિત
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 6 મિનિટ
26 ફેબ્રુઆરી 2026ની સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલથી રવાના થયા.
28 ફેબ્રુઆરી 2026ની સવારે ઈરાન પર ઇઝરાયલના હુમલાના પ્રથમ અહેવાલ આવ્યા.
ત્યાર પછી અમેરિકાએ પુષ્ટિ કરી કે તે પણ આ હુમલામાં સામેલ છે.
આ હુમલામાં ઈરાનમાં મોટા પાયે નુકસાન થયું અને ઈરાની દળો સતત જવાબી હુમલો કરી રહ્યા છે.
આ વિસ્તારમાં ઊડતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અથવા ડાઇવર્ટ કરી દેવાઈ છે. કેટલાંય મોટાં ઍરપોર્ટ બંધ છે.
અમેરિકા અને ઇઝરાયલનાં નિવેદનોથી દેખાય છે કે આ કાર્યવાહી માટે કેટલાય મહિનાથી તૈયારી ચાલતી હતી.
અમેરિકાએ ઈરાનને લક્ષ્યમાં રાખીને આ પ્રદેશમાં કેટલાય દાયકાથી પોતાની સૌથી મોટી સૈન્ય હાજરી જાળવી હતી.
આવામાં સવાલ ઊઠે છે કે વડા પ્રધાન મોદીની ઇઝરાયલ યાત્રાથી દુનિયાને શું સંદેશ મળ્યો?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત અને પશ્ચિમ એશિયા

ઇમેજ સ્રોત, GIL COHEN-MAGEN / POOL / AFP via Getty Images
આ વિસ્તાર ભારત માટે કેટલો મહત્ત્વનો છે તે આંકડા પરથી સમજી શકાય છે.
ગલ્ફ કોઑપરેશન કાઉન્સિલ (જીસીસી)ના દેશો સાઉદી અરેબિયા, યુએઈ, ઓમાન, કુવૈત, કતાર અને બહેરિનમાં જ લગભગ 89 લાખ ભારતીયો વસે છે.
વર્ષ 2024-25માં ભારત અને જીસીસીના દેશો વચ્ચેનો વેપાર 178.56 અબજ અમેરિકન ડૉલર સુધી પહોંચી ગયો હતો, જેના કારણે તે ભારતના સૌથી મોટા વ્યાપાર ભાગીદારો પૈકી એક છે.
ભારતની ઍનર્જીની જરૂરિયાત માટે પણ જીસીસીના દેશો મહત્ત્વના સ્રોત છે.
ભારત આ સમગ્ર વિસ્તારને પોતાના 'વિસ્તારિત પડોશ' તરીકે ઓળખે છે.
ઇઝરાયલ પ્રવાસ દરમિયાન વડા પ્રધાન મોદીએ સ્પષ્ટ કહ્યું કે 'પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા ભારતની સુરક્ષા સાથે સીધા સંકળાયેલા છે.'
સંઘર્ષ શરૂ થયા પછી ભારતના વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકરે સૌથી પહેલાં ઇઝરાયલના વિદેશમંત્રી સાથે વાત કરી અને પછી ઈરાનના વિદેશમંત્રી સાથે વાત કરવાની જાહેરાત કરી. તેમણે યુએઈ, કતાર, બહેરિન, કુવૈત અને છેલ્લે સાઉદી અરેબિયાના વિદેશમંત્રીઓ સાથે વાત કરી.
'આરબ દેશો હવે ચીન તરફ ઝૂકી રહ્યા છે'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કુવૈતથી બીબીસી સાથે વાત કરતા 'ધ ટાઇમ્સ કુવૈત'ના ઍક્ઝિક્યુટિવ મૅનેજિંગ એડિટર રેવેન ડી'સુઝાએ કહ્યું કે, "મને લાગે છે કે બધા જાણે છે કે ભારત આવા કોઈ સૈન્ય અભિયાનનો હિસ્સો ક્યારેય નહીં બને. તેથી ભારત પર કોઈ આરોપ નથી લગાવતું."
"પરંતુ હા, મારી નજરમાં આ વખતે ઇઝરાયલના વડા પ્રધાન સાથે મુલાકાત ટાળી શકાય તેમ હતી. ભારતના વડા પ્રધાન કદાચ કોઈ જુનિયર મંત્રીને મોકલી શક્યા હોત."
"ભારતીયોએ પોતાની મહેનત અને કૌશલ્યથી કુવૈત અને સમગ્ર ગલ્ફ ક્ષેત્રમાં બહુ સન્માન મેળવ્યું છે અને તેને નુકસાન થાય એવું કંઈ ન કરવું જોઈએ."
ડી'સુઝા મુજબ આના લાંબા ગાળાનાં પરિણામ આવી શકે છે.
તેમણે આગળ કહ્યું કે, "મને નથી લાગતું કે આરબ દેશો ખૂલીને ટીકા કરશે. પરંતુ મને ભરોસો છે કે જે તસવીરો આવી છે અને મેસેજ ગયો છે તેની નોંધ લેવામાં આવશે."
"ભારત જૂથનિરપેક્ષ આંદોલનમાં મુખ્ય સ્તંભ રહ્યો છે. આપણે હંમેશાં તટસ્થતાની વાત કરી છે. પરંતુ હું નથી જાણતો કે હવે આ ક્ષેત્રમાં એ નજરે જોવામાં આવે છે કે નહીં."
"આરબ દેશો હવે ચીન તરફ ઝૂકી રહ્યા છે અને મને તેમાં કોઈ નવાઈ નથી લાગતી."
પરંતુ ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ શશાંકનું માનવું હતું કે વડા પ્રધાનની આ યાત્રા કોઈ પણ રીતે નુકસાનકારક નથી.
તેમણે કહ્યું કે "ભારતે પોતાના હિતોનું રક્ષણ કરવાનું રહેશે. આજે દુનિયામાં ઘણા મુદ્દા પર અનિશ્ચિતતા છે ત્યારે ઇઝરાયલ જેવા જૂના સાથીદાર સાથે આપણા સહયોગને મજબૂત બનાવવાની જરૂર છે."
"આતંકવાદ, વેપાર અને હવે ટેકનૉલૉજી - આ તમામ ક્ષેત્રોમાં આપણો સહયોગ સારો રહ્યો છે અને તેને આગળ વધારવો જોઈએ."
"હા, હવે લાગે છે કે ઑપરેશનથી બરાબર અગાઉ ભારતના વડા પ્રધાન ઇઝરાયલ ગયા તે ઇઝરાયલ માટે ફાયદાકારક સાબિત થયું. પરંતુ મને નથી લાગતું કે આપણે તેમાં વધુ કંઈ અર્થ કાઢવો જોઈએ."
'ઇઝરાયલની સાથે - પૂરી મજબૂતી અને પૂરા વિશ્વાસ સાથે, અત્યારે અને ભવિષ્યમાં પણ'

ઇમેજ સ્રોત, Getty Images
આઝાદી પહેલાં જ 1946માં તત્કાલીન વચગાળાના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ નક્કી કરી દીધું હતું કે ભારતે દુનિયામાં પોતાનો વ્યવહાર કેવો રાખવો જોઈએ.
તેમણે કહ્યું હતું, "અમારી નીતિ એ છે કે અમે શક્તિની રાજનીતિમાં નહીં પડીએ અને કોઈ એક જૂથ સાથે મળીને બીજા જૂથ વિરુદ્ધ નહીં ઊભા રહીએ."
ત્યાર બાદ 'જૂથ નિરપેક્ષતા' અને 'વ્યૂહાત્મક સ્વાયત્તતા' જેવા શબ્દોનો ઉપયોગ થયો. પરંતુ મૂળ ભાવના એ જ રહી - કોઈ પક્ષનો સાથ ન લેવો.
વડા પ્રધાન મોદીની બે દિવસની આ યાત્રામાં પ્રતીકાત્મકતાની ઘણી ક્ષણો આવી.
યાત્રા દરમિયાન 17 સમજૂતીઓ થઈ અને 10 ઘોષણાઓ કરવામાં આવી. પરંતુ ઇઝરાયલના વડા પ્રધાને થોડા દિવસો અગાઉ કરેલી વાતોએ રસ જગાવ્યો.
22 ફેબ્રુઆરી 2026ના રોજ પોતાના સાથીદારો સાથે વાત કરતા તેમણે કહ્યું, "…અમે એક આખું માળખું બનાવીશું, જેને તમે મધ્ય પૂર્વમાં ચારે બાજુ અથવા અંદર એક 'ષટકોણ' જેવું ગઠબંધન કહી શકાય."
"તેમાં ભારત, આરબ દેશો, આફ્રિકન દેશો, ભૂમધ્ય સાગરના દેશો (ગ્રીસ અને સાઇપ્રસ) અને એશિયાના કેટલાક દેશો સામેલ થશે, જેનો ઉલ્લેખ હું હમણા નથી કરતો."
"તેનો હેતુ એવો સમૂહ બનાવવાનો છે જે પરિસ્થિતિ, પડકારો અને લક્ષ્યો માટે એક સરખું વિચારતા હોય."
"કટ્ટરપંથી જૂથોની વિરુદ્ધ, પછી તે કટ્ટરપંથી શિયા જૂથ હોય, જેના પર અમે પ્રચંડ પ્રહાર કર્યો છે, કે પછી ઊભરતા કટ્ટરપંથી સુન્ની જૂથો."

ઇમેજ સ્રોત, @narendramodi
એવું લાગતું હતું કે દિલ્હી પોતાની તરફથી ઇઝરાયલ સાથે મજબૂત ભાગીદારી બનાવવા માટે પૂરી કોશિશ કરે છે.
વડા પ્રધાન મોદીએ ઇઝરાયલી સંસદ કનેસેટમાં આપેલા ભાષણને ત્યાં ઉપસ્થિત બધા લોકોએ ઊભા થઈને બિરદાવ્યું હતું.
ઇઝરાયલમાં 7 ઑક્ટોબર, 2023ના રોજ હમાસે કરેલા હુમલામાં લગભગ 1200 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 251 લોકોને બંધક બનાવાયા હતા.
આ સંદર્ભમાં મોદીએ કહ્યું કે, "ભારત ઇઝરાયલની સાથે છે. પૂર્ણ મજબૂતી અને વિશ્વાસ સાથે. અત્યારે અને ભવિષ્યમાં પણ."
"કોઈ પણ કારણોથી નિર્દોષ લોકોની હત્યાને યોગ્ય ઠરાવી શકાય નહીં."
તેમણે 'આમ યિસ્રાએલ ખાઈ' પણ કહ્યું, જેનો અર્થ થાય છે 'ઇઝરાયલની જનતા જીવિત રહે'.
પરંતુ તેમણે ગાઝામાં થયેલા વિનાશનો જાહેરમાં ઉલ્લેખ ન કર્યો, જ્યાં હમાસ દ્વારા ચલાવાતા આરોગ્ય મંત્રાલય મુજબ ઇઝરાયલની સૈન્ય કાર્યવાહીમાં 72 હજારથી વધુ લોકોના જીવ ગયા છે.
મોદીએ ઇઝરાયલ પર એ દબાણ પણ ન કર્યું કે તેઓ ગાઝામાં સહાયતા વધારે અને કબ્જા હેઠળ વેસ્ટ બૅન્કના વિસ્તારોમાં હિંસાને રોકે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ યાત્રા પછી ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ નિરુપમા મેનન રાવે એક્સ પર લખ્યું કે, "વિદેશનીતિ એક શતરંજની રમત છે. પરંતુ પશ્ચિમ એશિયા એવું નથી. તે જીવિત, પીડિત અને બદલાતું ક્ષેત્ર છે."
"ભારત એવું માને છે કે તે કોઈ પક્ષના સ્થાયી સમર્થક દેખાયા વગર પોતાની ચાલ ચાલી શકે છે. સમય જ કહેશે કે આ સમજદારીભર્યો દાવ હતો કે વધારે પડતા આત્મવિશ્વાસભર્યો."
પ્રવાસના સમય અંગે સવાલ

ઇમેજ સ્રોત, REUTERS/Piroschka van de Wouw
પરંતુ ઇઝરાયલ પ્રવાસ પહેલાં જ તેના સમય પર સવાલ ઊઠવા લાગ્યા હતા.
24 ફેબ્રુઆરીએ કૉંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે લખ્યું કે, "કબ્જા હેઠળના વેસ્ટ બૅન્કમાં ઇઝરાયલ દ્વારા હજારો પેલેસ્ટાઇનવાસીઓને બેઘર અને વિસ્થાપિત કરવાની ઘટનાઓ વધી રહી છે, જેની દુનિયાભરમાં ટીકા થાય છે."
"ગાઝામાં ઇઝરાયલના હુમલા સતત ચાલુ છે. ઇઝરાયલ અને અમેરિકા ઈરાન પર હવાઇ હુમલાની યોજના ઘડી રહ્યા છે. છતાં વડા પ્રધાન આવતીકાલે ઇઝરાયલ જઈ રહ્યા છે પોતાના 'પ્રિય મિત્ર' નેતન્યાહૂને ગળે લગાવવા, જેઓ ભ્રષ્ટાચારના ગંભીર આરોપોનો સામનો કરે છે."
"મોદી સરકારના પેલેસ્ટાઇન મુદ્દે બેવડા માપદંડ અને પાખંડભર્યા નિવેદનો આપે છે."
24 ફેબ્રુઆરીએ જ ભૂતપૂર્વ ડિપ્લોમેટ કેસી સિંહે એક્સ પર લખ્યું, "વડા પ્રધાન મોદી પોતાના 'મિત્ર' નેતન્યાહૂના આમંત્રણ પર એવા સમયે ઇઝરાયલ જઈ રહ્યા છે જે ગલ્ફ અને પશ્ચિમ એશિયામાં અત્યંત સંવેદનશીલ છે."
"તેનો અર્થ છે ભારત, અમેરિકા અને ઇઝરાયલના પક્ષમાં દેખાય છે. સમય જ કહેશે કે આ સમજદારીભર્યું પગલું હતું કે એક વ્યૂહાત્મક ભૂલ."
પરંતુ ઘણા લોકો વડા પ્રધાન મોદીની આ યાત્રાના સમર્થનમાં પણ હતા.
જોર્ડન અને લિબિયા સહિત ઘણા દેશોમાં ભારતના રાજદૂત રહી ચૂકેલા અનિલ ત્રિગુણાયતે કહ્યું કે, "મારું માનવું છે કે અમેરિકા અને ઇઝરાયલ પહેલેથી હુમલાનો નિર્ણય કરી ચૂક્યા હતા. મને ખુશી છે કે તેમણે એ સમયે હુમલો ન કર્યો જ્યારે વડા પ્રધાન ઇઝરાયલમાં હાજર હતા."
"મને નથી લાગતું કે માત્ર આ યાત્રાના કારણે આરબ દેશો ભારત વિરુદ્ધ કંઈ વિચારશે. અમારી 'ડી-હાઇફનેશન' નીતિ એકદમ સ્પષ્ટ છે."
"એટલે કે એક દેશ સાથે અમારા સંબંધો બીજા દેશ સાથેના સંબંધને અસર કરી ન શકે. આપણે એ ભૂલવું ન જોઈએ કે ભારતના મુશ્કેલ સમયમાં ઇઝરાયલ ભરોસાપાત્ર ભાગીદાર રહ્યો છે."
"ભારતના ગઈકાલના નિવેદનને જુઓ, તો તેમાં માત્ર ઈરાનની સંપ્રભુતાની વાત કરવામાં નથી આવી, પરંતુ તેની સાથે સાથે તે ક્ષેત્રના બીજા દેશોની પણ વાત કરવામાં આવી છે. મને લાગે છે કે આ મહત્ત્વની વાત છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












