શું મારે એક ખૂની સાથે લગ્ન કરવાં જોઈએ? એ લવસ્ટોરી, જેણે હત્યારાનો પર્દાફાશ કર્યો

ડૉક્ટર કેરોલિન મ્યુરહેડ અને ઍલેક્ઝાન્ડર 'સૅન્ડી' મેકકેલર એકમેકના પ્રેમમાં પડ્યાં અને થોડા જ સમયમાં તેમની સગાઈ થઈ ગઈ.

ઇમેજ સ્રોત, Netflix

ઇમેજ કૅપ્શન, ડૉક્ટર કેરોલિન મ્યુરહેડ અને ઍલેક્ઝાન્ડર 'સૅન્ડી' મેકકેલર એકમેકના પ્રેમમાં પડ્યાં અને થોડા જ સમયમાં તેમની સગાઈ થઈ ગઈ
    • લેેખક, યાસ્મિન રૂફો
    • પદ, બીબીસી ન્યૂઝ
  • વાંચવાનો સમય: 6 મિનિટ

તમે જેને પ્રેમ કરતાં હો, તે વ્યક્તિ તમને કહે કે તેણે એક માણસની હત્યા કરી હતી, તો તમે શું કરશો?

આવી સ્થિતિમાં એવી કલ્પના કરવી સહેલી છે કે તમે તર્કસંગત, નૈતિક અને કોઈ પણ પ્રકારનો ખચકાટ રાખ્યા વિના વર્તન કરશો, પણ નેટફ્લિક્સની વાસ્તવિક ઘટના પર આધારિત નવી ક્રાઇમ ડૉક્યુમેન્ટરી 'શૂડ આઇ મૅરી અ મર્ડરર?' સૂચવે છે કે વાસ્તવિક જીવનમાં પ્રેમ ઘણી વસ્તુને જટિલ બનાવી દે છે.

2017માં શરાબ પીને ગાડી ચલાવી રહેલા ઍલેક્ઝાન્ડર મેકકેલર ઉર્ફે સૅન્ડીએ સ્કૉટલૅન્ડના અર્ગિલ ઍન્ડ બ્યૂટમાં ચેરિટી સાઇક્લિસ્ટ ટોની પાર્સન્સને ટક્કર મારીને મારી નાખ્યા હતા. મેકકેલર અને તેમના જોડિયા ભાઈ રૉબર્ટે તે પછી પાર્સન્સના મૃતદેહને દફનાવી દીધો હતો.

તે પછી ટોની પાર્સન્સનો મૃતદેહ ત્રણ વર્ષ સુધી ત્યાં જ દફનાયેલો રહ્યો હતો. આખરે મેકકેલરનાં નવાં ગર્લફ્રેન્ડ ડૉક્ટર કેરોલિન મ્યુરહેડને સત્યની જાણ થઈ અને તેઓ પોલીસને તે કબર સુધી દોરી ગયાં.

જ્યારે દિગ્દર્શક જોશ ઍલોટે પ્રથમ વખત આ વાત સાંભળી, ત્યારે તેમને તે "સાચી હોવાનો વિશ્વાસ ન આવ્યો."

"મને લાગ્યું કે, તે કોઈ ડ્રામાનો પ્લૉટ છે અને કોઈની સાથે વાસ્તવિક જીવનમાં આવું થઈ ન શકે."

સિરીઝનાં નિર્માતા ક્લેર બીવિસ આ કેસ સામે આવ્યો, તે પછીના ઘટનાક્રમથી અવગત હતાં, કારણ કે, "સ્કૉટલૅન્ડમાં આ કેસે ઘણી ચકચાર જગાવી હતી." તેઓ કહે છે કે, "કેસનો કોઈ ખૂટતો ભાગ હોય, તો તે હતો મ્યુરહેડની જુબાની અને તેમણે વર્ણવેલો ઘટનાક્રમ."

ગર્લફ્રેન્ડે પોલીસને હત્યાની જાણ કરી

ત્રણ ભાગની સિરીઝ મુખ્યત્વે કેરોલિન મ્યુરહેડના દ્રષ્ટિકોણથી જણાવવામાં આવી છે.

ઇમેજ સ્રોત, Netflix

ઇમેજ કૅપ્શન, ત્રણ ભાગની સિરીઝ મુખ્યત્વે કેરોલિન મ્યુરહેડના દૃષ્ટિકોણથી જણાવવામાં આવી છે

સિરીઝની શરૂઆત મ્યુરહેડ એક મુશ્કેલ બ્રેક-અપમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, ત્યાંથી થાય છે. તે પછી 2020ની પાનખર ઋતુમાં ટિન્ડર પર તેઓ મેકકેલરને મળે છે. તે પછી શરૂ થાય છે બંને વચ્ચેનો રોમાન્સ, જે ગણતરીના સપ્તાહોમાં જ સગાઈમાં પરિણમે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સગાઈના થોડા જ સમય પછી મ્યુરહેડ મેકકેલરને સવાલ કરે છે કે, તેમના ભૂતકાળની એવી કોઈ બાબત છે, જે તેમના ભવિષ્યને પ્રભાવિત કરી શકે છે?

ત્યારે મેકકેલર તેમને જવાબ આપે છે કે, થોડાં વર્ષો પહેલાં તે તેના ભાઈ સાથે એક હોટલથી ઘરે જઈ રહ્યો હતો, ત્યારે તેણે એક સાઇક્લિસ્ટને ટક્કર મારી દીધી હતી, પણ તેણે કોઈ તબીબી સહાય મેળવી નહોતી.

પછીથી ખબર પડી કે, પાર્સનને એટલી ગંભીર ઈજા થઈ હતી કે મદદ વિના તેઓ માત્ર 20 કે 30 જ મિનિટ જીવિત રહી શકે તેમ હતું - પણ તરત જ તેમનું મોત નીપજવાની શક્યતા નહિવત્ હતી.

જોડિયા ભાઈ તે જગ્યાએથી જતા રહ્યા અને બીજી કારમાં ઘટનાસ્થળે પરત ફર્યા અને પાર્સન્સનો મૃતદેહ નજીકમાં આવેલી ઓચ એસ્ટેટમાં લઈ ગયા. ત્યાં તેમણે પાર્સન્સને દફનાવી દીધા.

હકીકતની જાણ થતાં મ્યુરહેડ મૂંઝવણમાં પડી ગયાં. તેઓ વફાદારી અને સત્યનો સાથ આપવા વચ્ચે ફસાઈ ગયાં.

ઍલોટ માટે આ સંવેદનાત્મક અને નૈતિક તણાવને નજરઅંદાજ કરવો અશક્ય હતો.

"તમારા ખુદના સંબંધમાં આવી દ્વિધાની કલ્પના કરવી અશક્ય નથી, તે તમને વિચારવા પ્રેરે છે કે, જો તમે તેની (મ્યુરહેડની) જગ્યાએ હોત, તો શું કરત? કારણ કે આ ભયાવહ સ્થિતિ છે."

મ્યુરહેડે પોલીસને આ ગુના વિશે જાણ કરી, પણ તે પછી તેમણે જે પગલું ભર્યું, તે જ આ કિસ્સાને અસાધારણ બનાવે છે અને સમજાવે છે કે, આ સિરીઝનું અસ્તિત્વ શા માટે છે.

હત્યાના આરોપી ભાઈઓની ધરપકડ

ટૂંકા સમયગાળા માટે ડેટિંગ કર્યા પછી એલેક્ઝાન્ડર 'સેન્ડી' મેકકેલરે મ્યુરહેડ સમક્ષ કબૂલાત કરી કે, તેણે ચેરિટી સાઇક્લિસ્ટ ટોની પાર્સન્સની હત્યા કરી હતી.

ઇમેજ સ્રોત, Netflix

ઇમેજ કૅપ્શન, ટૂંકા સમયગાળા માટે ડેટિંગ કર્યા પછી ઍલેક્ઝાન્ડર 'સૅન્ડી' મેકકેલરે મ્યુરહેડ સમક્ષ કબૂલાત કરી કે, તેણે ચેરિટી સાઇક્લિસ્ટ ટોની પાર્સન્સની હત્યા કરી હતી

મેકકેલર સાથે છેડો ફાડી નાખવાને બદલે મ્યુરહેડે સંબંધ ચાલુ રાખ્યો અને તે દરમિયાન તેઓ ગુપ્ત રીતે પોલીસ પાસે જતાં, તપાસમાં સહકાર પણ આપતાં. મેકકેલરને ગંધ સુધ્ધાં ન આવી કે મ્યુરહેડે જ પોલીસને જાણ કરી હતી.

મેકકેલરે મ્યુરહેડ સમક્ષ ગુનાની કબૂલાત કરી, તેનાં લગભગ ત્રણ વર્ષ પછી તેને જેલની સજા ફટકારાઈ હતી.

તે સમયગાળા દરમિયાન, મ્યુરહેડે તેમના ફોનમાં ગુપ્ત કબૂલાતો રેકૉર્ડ કરી લીધી હતી અને તે પછી તેઓ મેકકેલર સાથે ઓચ એસ્ટેટ ગયાં, જ્યાં તેમણે પાર્સન્સને દફનાવ્યાની જગ્યાએ નિશાન તરીકે ગુપ્ત રીતે રેડ બુલનું કેન ફેંકી દીધું. તે પછી તેમણે પોલીસને ફોન કરીને તે અંતરિયાળ એસ્ટેટમાં મૃતદેહ ક્યાં છે, તે જણાવ્યું.

કેટલાક લોકો આવા નિર્ણયો સામે સવાલ ઉઠાવી શકે છે, પણ ઍલોટ કહે છે કે, મ્યુરહેડે અપરાધની જાણ પોલીસને કરીને યોગ્ય પગલું ભર્યું હતું.

ડિસેમ્બર, 2020માં બંને ભાઈની ધરપકડ થઈ અને જામીન પર તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. ડિસેમ્બર, 2021માં તેમના પર આરોપ લગાવવામાં આવ્યા.

ઍલોટ સમજાવે છે, "મ્યુરહેડને અપેક્ષા હતી કે બંને ભાઈઓને કસ્ટડીમાં રાખવામાં આવશે, તેમની સામે સુનાવણી હાથ ધરાશે, બંનેને કાયમ માટે જેલમાં ધકેલી દેવાશે અને મ્યુરહેડના જીવનમાંથી નીકળી જશે, પણ તેઓ મ્યુરહેડના જીવનમાં પાછા ફર્યા."

મ્યુરહેડે આ અનિશ્ચિત ગાળામાં જાતે જ રસ્તો કાઢવો પડ્યો હતો, કારણ કે તેઓ લગભગ એક વર્ષ સુધી હત્યારાઓ સામે અસુરક્ષિત સ્થિતિમાં રહ્યાં હતાં અને ત્યારે જ તેમણે આ પ્રકારના નિર્ણયો લેવા પડ્યા હતા, એમ ઍલોટે જણાવ્યું હતું.

કેરોલિનના પોલીસ પર આરોપ

ઍલોટના મતે, મ્યુરહેડના વ્યક્તિત્વની આ જટિલતા જ તેમને એક આકર્ષક પાત્ર બનાવે છે. મ્યુરહેડ બુદ્ધિશાળી અને સ્પષ્ટવક્તા હતાં અને આઠ વર્ષની તબીબી તાલીમ ધરાવતાં એક આશાસ્પદ યુવાન પૅથૉલૉજિસ્ટ હતાં.

"તેમનું જીવન સુપેરે આગળ ધપી રહ્યું હતું, પણ સૅન્ડીને મળ્યા પછી અને તેણે શું કર્યું હતું, તે જાણ્યા પછી બધું વેરવિખેર થઈ ગયું."

આ સિરીઝમાં મ્યુરહેડે નિખાલસતાપૂર્વક જણાવ્યું હતું કે પોતે જે સ્થિતિમાં ફસાઈ ગયાં હતાં, તેનો સામનો કરવા માટે તેઓ શરાબ અને ડ્રગ્ઝના રવાડે ચઢી ગયાં હતાં.

ઍલોટ અને બીવિસનો આશય સ્પષ્ટ છે કે તેઓ ઘટનાનું સંતુલિત વર્ણન રજૂ કરવા માગે છે, પણ તેની સાથે જ એ વાત ઉપર પણ પ્રકાશ પાડવા માગે છે કે, "ગુનામાં સંડોવાયેલા ન હોવા છતાં, તેની પેરિફેરી પર હોવાથી કોઈના જીવન ઉપર કેટલી ગંભીર અસર પડી શકે છે."

આ ઉપરાંત, મ્યુરહેડે અપરાધ વિશે તેમણે જાણ કરી, તે પછી પોલીસે તેમની સાથે કેવો વ્યવહાર કર્યો, તેને પણ સિરીઝમાં મહત્ત્વ આપવામાં આવ્યું છે.

ઍલોટ દલીલ કરે છે કે, "પોલીસ નહોતી જાણતી કે કેરોલિન સાથે કેવી રીતે વર્તવું." વધુ વિગતો આપ્યા વિના તેઓ કહે છે કે, જો કેરોલિનને પોલીસ પાસેથી સહાનુભૂતિ મળી હોત, તો કેરોલિને અમુક નિર્ણયો ન લેવા પડ્યા હોત.

બીવિસ તેમની સાથે સંમત થતાં ઉમેરે છે કે કેરોલિન મ્યુરહેડનો અનુભવ "અપરાધિક ન્યાય વ્યવસ્થામાં ઘણા લોકોને થયેલા અનુભવોનો પડઘો પાડે છે."

"ન્યાયનું ચક્ર અત્યંત મંથર ગતિએ ચાલે છે અને લોકોના જીવન ઉપર તેની વિપરીત અસર પડે છે. આ જ બાબત અમે દર્શાવવા માગતા હતા."

પોલીસ સ્કૉટલૅન્ડ અને વિક્ટિમ સપોર્ટ સ્કૉટલૅન્ડે આ શ્રેણીમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો.

મ્યુરહેડે પોલીસ સ્કૉટલૅન્ડ સામે એક કરતાં વધુ ફરિયાદો કરી હતી.

પાંચ વર્ષની તપાસ પછી મોટા ભાગના આરોપો સાચા પુરવાર ન થયા અને પોલીસ તેના નિવેદનને વળગી રહી હતી કે, તેમણે કેરોલિનને પૂરતી સહાય પૂરી પાડી હતી.

'પોતાના હાલ પર નોધારા તરછોડી દેવાયા'

ઍલોટ અને બીવીસ કહે છે કે, મ્યુરહેડે એસ્ટેટમાં જવાનો અને ટોનીને જ્યાં દફનાવવામાં આવ્યા હતા, ત્યાં રેડ બુલનું કેન ગુપ્ત રીતે છોડવાનો "હિંમતભર્યો" નિર્ણય લીધો હતો.

ઇમેજ સ્રોત, Netflix

ઇમેજ કૅપ્શન, ઍલોટ અને બીવીસ કહે છે કે, મ્યુરહેડે એસ્ટેટમાં જવાનો અને ટોનીને જ્યાં દફનાવાયા હતા, ત્યાં રેડ બુલનું કેન ગુપ્ત રીતે છોડવાનો "હિંમતભર્યો" નિર્ણય લીધો હતો

શો વિશેની એક નોંધમાં કેરોલિને કહ્યું હતું, "મને વિશ્વાસ હતો કે હું જ્યારે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી હોઈશ, ત્યારે સિસ્ટમ મારી પડખે ઊભી રહેશે અને મને સલામતી પૂરી પાડશે, પણ આવું કશું થયું નહીં."

"મને આશા છે કે મારી સાથે જે બન્યું, તે વિશે જણાવીને આપણે પીડિતો અને સાક્ષીઓ માટે વધુ સુરક્ષા વિશે પ્રામાણિક સંવાદ શરૂ કરી શકીએ છીએ. સાથે જ પોલીસ અને કોર્ટ સિસ્ટમમાં માનસિક સ્વાસ્થ્ય અંગે ઊંડી સમજની શા માટે જરૂર છે, તે વિશે પણ ચર્ચા શરૂ કરી શકીએ છીએ."

"ઘણી વખત આઘાત અને પજવણીની અસરોની ઉપેક્ષા કરવામાં આવે છે કે તેનો સાવ છેદ ઉડાડી દેવામાં આવે છે, જેનો અર્થ એ કે મારા જેવા લોકોને સાવ નોંધારાં છોડી દેવાય છે."

ટોની પાર્સન્સ છેલ્લે 29મી સપ્ટેમ્બર, 2017ની સાંજે ગ્લેનકો ગામમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. તે પછી તેઓ અર્ગિલમાં બ્રિજ ઓફ ઓર્ચી હોટેલ તરફ જવા રવાના થયા હતા.

ઇમેજ સ્રોત, Netflix

ઇમેજ કૅપ્શન, ટોની પાર્સન્સ છેલ્લે 29મી સપ્ટેમ્બર, 2017ની સાંજે ગ્લેનકો ગામમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. તે પછી તેઓ અર્ગિલમાં બ્રિજ ઑફ ઓર્ચી હોટલ તરફ જવા રવાના થયા હતા

જુલાઈ, 2023માં ગ્લાસગોની હાઇકોર્ટમાં જોડિયા ભાઈની સુનાવણી શરૂ થવાની હતી, તેના થોડા જ સમય પહેલાં મેકકેલરે સદોષ માનવવધ (કલ્પેબલ હોમીસાઇડ)નો ઓછો ગંભીર આરોપ કબૂલી લીધો હતો.

તેના ભાઈની હત્યામાં દોષિત ન હોવાની અરજી સ્વીકારી લેવાઈ, બંને ભાઈએ ગુનો છુપાવીને ન્યાય પ્રક્રિયા આડે અવરોધ ઊભો કરવાનો પ્રયત્ન કરવાની વાત સ્વીકારી હતી.

સેન્ડી મેકકેલરને 12 વર્ષના જેલવાસની સજા ફટકારવામાં આવી, જ્યારે તેના બાઈને પાંચ વર્ષ અને ત્રણ મહિનાની જેલ થઈ હતી.

અગાઉ બીબીસીની ડૉક્યુમેન્ટરી સિરીઝ મર્ડર કેસઃ ધ વેનિશિંગ સાઇક્લિસ્ટમાં પણ આ કેસ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

શૂડ આઇ મૅરી અ મર્ડરર? સિરીઝ નૅટફ્લિક્સ પર ઉપલબ્ધ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન