ઈરાનના જવાબી હુમલા બાદ અમેરિકાની મોંઘીદાટ ઍર ડિફેન્સ સિસ્ટમ પર સવાલ કેમ ઊઠી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જૉનેથન બીલ
- પદ, સંરક્ષણ સંવાદદાતા, બીબીસી
- વાંચવાનો સમય: 4 મિનિટ
ઈરાને બહેરીનમાં અમેરિકન નૌસેનાના બેઝને નિશાન બનાવ્યું છે, જેનાથી અમેરિકન ઍર ડિફેન્સ સિસ્ટમમાં ખામીઓ સામે આવી છે.
દેખીતું છે કે અમેરિકા અને આ વિસ્તારમાં તેના સાથી દેશો માટે આ ચિંતાની વાત હશે.
વીડિયોમાં મિસાઇલો અને ડ્રોન બહેરીનમાં અમેરિકાની પાંચ ફ્લીટ્સ હૅડક્વાર્ટરની આસપાસ હુમલા કરતા દેખાય છે.
સમાચાર લખાય છે ત્યાં સુધી આ હુમલામાં કોઈ પણ જાનહાનિની માહિતી નથી.
અમેરિકાની સેનાને કદાચ આ હુમલા મામલે ચેતવણી પહેલાં મળી હશે અને સાવચેતીના ભાગરૂપે લોકોને પહેલાં જ અહીંયાથી બહાર કાઢવામાં આવ્યા હશે.
બ્રિટિશ રૉયલ નેવીના પૂર્વ કમાંડર ટૉમ શાર્પ અનુસાર ઈરાને બહેરીનને કદાચ એક હાઈ પ્રોફાઇલ ટાર્ગેટના રૂપમાં જોયું હશે, જ્યાં પહેલાં ઍર ડિફેન્સની પરિસ્થિતિ અપેક્ષાકૃત બહુ સારી નહોતી.
અમેરિકાને હવાઈ સુરક્ષાવ્યવસ્થા કડક કરી
એવું લાગે છે કે એક વીડિયોમાં ઈરાનનું એક ધીમી ગતિવાળું શાહેદ ડ્રોન તેના ડિફેન્સનો તોડતું દેખાયું.
યુક્રેનમાં આવાં ડ્રોનને મોટાભાગે એક સામાન્ય હાઇ કૅલિબર મશીન-ગનથી તોડી પાડવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સમાચાર છે કે ગત કેટલાંક અઠવાડિયાંમાં અમેરિકા એ વિસ્તારમાં એવી ઍર ડિફેન્સ સિસ્ટમ મોકલી છે જેમાં આધુનિક થાડ અને પેટ્રિયટ સિસ્ટમ સામેલ છે.
આ બૅલેસ્ટિક મિસાઇલોને પાડી શકે છે. પરંતુ આ ઘણી મોંઘી છે અને તેની સંખ્યા પણ ઓછી છે.
આને આ રીતે પણ સમજી શકાય કે યુક્રેન પાસે દસથી પણ ઓછી પેટ્રિયટ બૅટરી છે અને તે હજુ પણ રાજધાની કિએવની રક્ષા કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.
હજુ પણ આ વાત એટલી સરળ નથી કે અમેરિકા પાસે મધ્ય પૂર્વ એશિયામાં પોતાનાં બધાં સૈન્ય ઠેકાણાં અને હિતોની રક્ષા માટે આ પૂરતું હોય.
અમેરિકાની નેવીએ ખાડી અને પૂર્વ ભૂમધ્ય સાગરમાં લગભગ એક ડઝન અર્લે બર્ક-ક્લાસ ડિસ્ટ્રૉયર પણ તહેનાત કર્યાં છે.
આ ઍર ડિફેન્સ ડિસ્ટ્રૉયર ડ્રોન અને બૅલેસ્ટિક મિસાઇલોને પણ મારી શકે છે. આ યમનમાં ઈરાનના સમર્થનવાળા હૂતી વિદ્રોહીઓ વિરુદ્ધ લાલ સાગરમાં પહેલાં જ અસરકારક સાબિત થયાં છે.
2024 અને 2026 વચ્ચે અમેરિકાએ લગભગ ચાર સો હૂતી ડ્રોન અને મિસાઇલોને ઇન્ટરસેપ્ટ કરી હતી.
આ વિસ્તારમાં મોકલવામાં આવેલાં અમેરિકન ફાઇટર જેટ પણ ડ્રોન અને મિસાઇલોને ઇન્ટરસેપ્ટ કરવામાં સક્ષમ છે.
અમેરિકા પાસે હવે આ વિસ્તારમાં એક સોથી વધારે ફાઇટર પ્લેન છે.
પણ આ મોટી ક્ષમતાઓ પણ ઈરાનને કેટલાક ટાર્ગેટ પર સફળતાપૂર્વક હુમલા કરતું રોકી શકવા માટે પૂરતી નથી.
અમેરિકા અને ઇઝરાયલના આ નવા હુમલા પહેલાં ઈરાન પાસે કદાચ બે હજાર ઓછા અંતરની બૅલેસ્ટિક મિસાઇલોનો ખજાનો હતો. તેની પાસે હજુ ઘણાં વન-વે અટૈક ડ્રોન છે.
ઈરાનના શાહેદ ડ્રોન રશિયાને નિર્યાત કરવામાં આવ્યાં છે અને આ સંપૂર્ણ યુક્રેનમાં તબાહી મચાવી રહ્યાં છે. રશિયા હવે દર મહીને હજારો આવાં ડ્રોન બનાવી રહ્યું છે અને કદાચ ઈરાનને પોતાની તકનીક વિકસિત કરવામાં મદદ કરી છે.
ઈરાનમાં બનેલા શાહેદ ડ્રોને યુક્રેનમાં મચાવી તબાહી

ઇમેજ સ્રોત, Getty Images
શાર્પ કહે છે કે રૉયલ નેવીમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે મધ્ય પૂર્વમાં સૈન્ય મથકો પર સંભાવિત ઈરાની હુમલાને ધ્યાનમાં રાખીને યુદ્ધાભ્યાસ કર્યા હતા.
આ દરમિયાન કેટલીક વખત મિસાઇલ અને ડ્રોન સીમિત ઍર ડિફેન્સને ભેદીને પોતાનો રસ્તો બનાવી લેતાં હતાં.
તેઓ કહે છે કે, "જો ઈરાન બધું છોડી દે, જો તંત્રને ખતરો અનુભવાય અને હુમલા તેજ કરે તો અંતમાં અમેરિકા પાસે થાડ અને પેટ્રિયટ ઇન્સટસેપ્ટર ખતમ થઈ જશે."
શાર્પનું કહેવું છે કે ઈરાનની ડ્રોન અને મિસાઇલ ક્ષમતા "બહુ વધુ વિસ્તૃત છે."
પણ અમેરિકામાં વિદેશ નીતિ પર કામ કરતા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફાઉન્ડેશન ફૉર ડિફેન્સ ઑફ ડેમોક્રેસીઝના એક સિનિયર ફેલો એડમંડ ફિટન-બ્રાઉન કહે છે કે ઈરાન, જવાબ આપવા માગે છે પણ આને એક મોટી બબાલમાં બદલવા નથી માગતું, એના પુરાવા હોઈ શકે છે .
તેઓ કહે છે કે એ સ્પષ્ટ નથી કે ગયા વર્ષે અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં ઈરાનની કેટલી સૈન્ય ક્ષમતાઓને કેટલું નુકસાન પહોંચ્યું હતું.
તેઓ આગળ કહે છે કે, "પ્રારંભિક સંકેત એવા છે કે ઈરાનની જવાબી કાર્યવાહી ઘણી નરમ રહી છે. આ યાદ રાખવાવાળી વાત છે કે યમનમાં હૂતી વિદ્રોહીઓને એક વર્ષ સુધી ટાર્ગેટ કર્યા બાદ, અમેરિકાએ તેમની મિસાઇલો અને ડ્રોન લૉન્ચ કરવાની કાબેલિયતને નુકસાન પહોંચાડ્યું હતું. પણ ખતમ નહોતી કરી."
અમેરિકા યુદ્ધના મેદાનથી ઘણું દૂર છે

ઇમેજ સ્રોત, Getty Images
માત્ર હવાઈ હુમલાઓ દ્વારા લડાયેલા યુદ્ધમાં ભાગ્યે જ કોઈ પાક્કી જીત કે સરકાર બદલવાની તકમાં મળતી હોય છે.
2011માં લિબિયા પર નાટોના નેતૃત્વમાં કરવામાં આવેલ બૉમ્બમારો એક મોટો અપવાદ હોઈ શકે છે, જોકે તેનાથી પણ નોંધપાત્ર અરાજકતા સર્જાઈ હતી.
યુએસ નેવી જો રેન્જમાં આવી જાય તો ઈરાન પાસે તેના પર પણ હુમલો કરવાની પણ ક્ષમતા છે. તેની પાસે એન્ટી-શિપ મિસાઇલોનો ભંડાર છે, ઉપરાંત કદમાં નાની, તેજ અને ક્રૂ વગર હુમલા કરી શકે તેવી બોટ પણ છે.
બીજા એક સવાલનો જવાબ હજુ નથી મળ્યો કે, શું ચીને છેલ્લા કેટલાક મહિનાઓમાં ઈરાનને લશ્કરી સહાય પૂરી પાડી હશે.
અમેરિકામાં સ્થિત સેન્ટર ફૉર સ્ટ્રેટેજિક ઍન્ડ ઇન્ટરનૅશનલ સ્ટડીઝના ડેનિયલ બાયમેન કહે છે, "શરૂઆતના હુમલાઓ ઈરાનના નેતૃત્વ અને લશ્કરી સંપત્તિને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ અમેરિકાએ આ અભિયાન સતત ચાલુ રાખવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે, જ્યારે ઈરાન પાસે બચવાનો વિકલ્પ ફક્ત આ સમયગાળામાં ટકી રહેવું છે."
યુક્રેન આપણને એર ડિફેન્સ માટે મહત્ત્વની યાદ અપાવે છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની તેમના સાથી દેશો પાસે આ સૌથી મહત્ત્વની માંગ રહી છે. યુક્રેનનો કિસ્સો એ પણ દર્શાવે છે કે સેંકડો ડ્રોન અને ડઝનબંધ મિસાઈલો સાથેના જટિલ હુમલાઓથી બચવું કેટલું મુશ્કેલ છે.
અમેરિકા પાસે વધુ સંસાધનો છે, અને ઇઝરાયલ સાથે મળીને તે ઈરાનની ડ્રોન અને મિસાઇલ ફેક્ટરીઓ અને લૉન્ચ સાઇટ્સને ટાર્ગેટ કરશે.
પરંતુ આ જોખમને દૂર કરવું સરળ નહીં હોય. લાંબુ યુદ્ધ માત્ર ઈરાન માટે જ નહીં પરંતુ અમેરિકાના શસ્ત્રોના ભંડાર અને પુરવઠા માટે પણ પડકાર ઉભો કરશે, કારણ કે આ યુદ્ધ અમેરિકાથી ખૂબ દૂર લડાઈ રહ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












