સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરિકો સૂકી બ્રેડ અને ટૉઇલેટના પાણીથી જીવન ટકાવી રાખવા મજબૂર

કર્ણાટકમાં હક્કી-પિક્કી જનજાતિના મોટા ભાગના લોકો પોતાના હર્બલ અને આયુર્વેદિક અર્કના વેચાણ માટે સુદાન જાય છે

ઇમેજ સ્રોત, IMRAN QURESHI

ઇમેજ કૅપ્શન, કર્ણાટકમાં હક્કી-પિક્કી જનજાતિના મોટા ભાગના લોકો પોતાના હર્બલ અને આયુર્વેદિક અર્કના વેચાણ માટે સુદાન જાય છે
    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી હિન્દી માટે

સુદાનમાં સૈન્ય અને અર્ધલશ્કરી દળો વચ્ચે સતત ચાલી રહેલા ગોળીબાર તથા બૉમ્બમારા વચ્ચે 100થી વધુ ભારતીય નાગરિકો ફસાયેલા હોવાનું માનવામાં આવે છે.

આ લોકો પૈકીના ઘણા હોટલનાં રૂમ્સમાં કે ઘરોમાં ભોજન-પાણીની ખેંચનો સામનો કરી રહ્યા છે.

સુદાનમાં ફસાયેલા કર્ણાટકના કેટલાક ભારતીયો સાથે બીબીસીએ વાત કરી એ દરમિયાન જોરદાર ગોળીબારનો અવાજ પણ સાંભળવા મળ્યો હતો.

ગોળીબારનો એ અવાજ માત્ર સુદાનની રાજધાની ખાર્તૂમમાં જ નહીં, પરંતુ ત્યાંથી દૂર આવેલા અલ-ફશીરમાં પણ સાંભળવા મળતો હતો.

બીબીસી ગુજરાતી
  • ભારતીય સમય અનુસાર, બુધવારે રાતે 9.30 વાગ્યે સુદાનના સૈન્ય અને અર્ધસૈનિક દળ રેપિડ સપોર્ટ ફોર્સ (આરએસએફ) વચ્ચે 24 કલાકના સંઘર્ષવિરામની જાહેરાત કરવામાં આવી હતી.
  • અત્યાર સુધીમાં 200 લોકો મૃત્યુ પામ્યા છે. ઘણા લોકો શહેરમાંથી પલાયન કરી રહ્યા છે.
  • શહેરના મોટા ભાગના વિસ્તારોમાં લોકો પોતપોતાના ઘરમાં કેદ છે. તેમાં અનેક વિદેશી નાગરિકો પણ છે.
  • ભારતીય દૂતાવાસના જણાવ્યા મુજબ, સુદાનમાં 181 ભારતીય નાગરિક ફસાયેલા છે.
  • મુખ્ય વિવાદ સૈન્ય અને આરએસએફના વિલય વિશેનો છે.
  • તાજેતરના હિંસા તંગદિલીના ઘણા દિવસ પછી ચાલુ થઈ છે. આરએસએફના જવાનોને જોખમ ગણીને સૈન્યએ ગત સપ્તાહે તેમને તહેનાત કરવા માટે નવી વ્યવસ્થા શરૂ કરી હતી.
  • ઑક્ટોબર, 2021માં નાગરિકો તથા સૈન્યની સંયુક્ત સરકારને પદભ્રષ્ટ કરવામાં આવી ત્યારથી જ સૈન્ય અને આરએસએફ વચ્ચે ટક્કર ચાલી રહી છે.
  • સુદાનના હવાઈ દળે 60 લાખથી વધુ લોકોની વસ્તી ધરાવતા ખાર્તૂમ પર હવાઈ હુમલા કર્યા છે. તેમાં ઘણા નાગરિકો માર્યા ગયા હોવાની આશંકા છે.
બીબીસી ગુજરાતી

ટૉઇલેટનું પાણી પીવા મજબૂર

કર્ણાટકના માંડ્યા જિલ્લાના નાગમંગલા ગામના મૂળ રહેવાસી સંજુએ બીબીસીને કહ્યું હતું કે “અમે એ હોટલમાં રહીએ છીએ, જેના કર્મચારીઓ સંઘર્ષની શરૂઆત થવાની સાથે પાંચ દિવસ પહેલાં હોટલમાંથી ચાલ્યા ગયા હતા. અમે બ્રેડના બચેલા ટુકડા અને ટૉઇલેટના નળમાંથી આવતું પાણી પીને જીવી રહ્યા છીએ. હાલ એક રૂમમાં અમે દસ લોકો રહીએ છીએ.”

સુદાન

પ્રભુ એસએ કહ્યું હતું કે “ અહીં અમે 31 જણ છીએ. ગઈ કાલે એક દુકાન અર્ધા કલાક માટે ખૂલી હતી. તેથી અમે થોડા ચોખા અને પાણી મેળવી શક્યા હતા.”

કર્ણાટકના દાવણગેરે જિલ્લાના ચન્નાગિરિના રહેવાસી પ્રભુએ ઉમેર્યું હતું કે “મોટા ભાગે સવારે અને સાંજે જોરદાર ગોળીબાર થાય છે અને તે મોડી રાત સુધી ચાલુ રહે છે. સામાન્ય રીતે બપોરે થોડી શાંતિ રહેતી હોય છે.”

આ વિસ્તારમાં વીજળી પુરવઠાના અભાવની ફરિયાદ કરતાં સંજુએ કહ્યું હતું કે “તમે બૅકગ્રાઉન્ડમાં ગોળીબારનો અવાજ સાંભળતા હશો. એ કલાકોથી સતત ચાલી રહ્યો છે.”

સંજુએ ઉમેર્યું હતું કે “પાડોશમાં આવેલી પાંચ માળની હોટલમાં 98 લોકો છે. ભારતીય દૂતાવાસના અધિકારીઓએ અમારો સંપર્ક કર્યો હતો અને અમને કોઈ પણ સમયે બહાર નહીં નીકળવાની સૂચના આપી છે, પરંતુ ભોજન-પાણી માટે હજુ કેટલી રાહ જોવી પડશે એ ખબર નથી.”

વાસ્તવમાં સંજુ અને તેમનાં પત્ની 18 એપ્રિલે ભારત પાછા આવવા રવાના થવાના હતા, પરંતુ તેના ત્રણ દિવસ પહેલાં ઍરપૉર્ટને બંધ કરી દેવામાં આવ્યું હતું.

કર્ણાટકના શિવમોગાની હક્કી-પિક્કી જનજાતિના સૌપ્રથમ એન્જિનિયર કુમુદાએ બીબીસીને કહ્યું હતું કે “કેટલાંક સ્થળોએ અમારા સુદાની પાડોશીઓએ ભારતીયોના ભોજનની વ્યવસ્થા કરી છે. મેં બે દિવસ પહેલાં ત્યાં મારી દીકરી અને જમાઈ સાથે વાત કરી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તેમની સાથે વાત થઈ શકી નથી.”

ગ્રે લાઇન

હક્કી-પિક્કી જનજાતિ

બીબીસી સાથેની વાતચીત દરમિયાન લોકોએ જણાવ્યું કે તેમના નિકટના વિસ્તારમાં પણ ફાયરિંગ થઈ રહ્યું છે

ઇમેજ સ્રોત, IMRAN QURESHI

ઇમેજ કૅપ્શન, બીબીસી સાથેની વાતચીત દરમિયાન લોકોએ જણાવ્યું કે તેમના નિકટના વિસ્તારમાં પણ ફાયરિંગ થઈ રહ્યું છે

કર્ણાટકમાં હક્કી-પિક્કી જનજાતિના મોટા ભાગના લોકો પોતાના હર્બલ તથા આયુર્વેદિક અર્ક સ્થાનિક લોકોને વેચવા માટે સુદાન જતા હોય છે. એ પૈકીના મોટા ભાગના પાઉડરનો ઉપયોગ ગેસ્ટ્રિક સમસ્યાઓ કે માથાના દુખાવાના નિવારણ માટે કરવામાં આવે છે. જનજાતિના લોકો વાળ માટેનું તેલ પણ વેચે છે, જે વાળને ખરતા અટકાવે છે.

પ્રભુએ કહ્યું હતું કે “અમે એ તેલ તથા અર્કનો ઉપયોગ માલિશ માટે પણ કરીએ છીએ.”

પ્રભુએ પોતાની પ્રોડક્ટ્સ વેચવા માટે ભારતનાં વિવિધ રાજ્યોનો પ્રવાસ કર્યો છે. તેમની પ્રોડક્ટ્સ મોટા ભાગે જડીબુટ્ટીઓ પર આધારિત હોય છે.

શિવમોગા પાસે હક્કી-પિક્કી શિબિરમાં રહેતા 33 વર્ષના શિક્ષક રઘુવીરે કહ્યું હતું કે “જનજાતિના લોકો પાંચ-છ મહિના સુદાનમાં રહે છે અને થોડી કમાણી કરીને પાછા આવી જાય છે.”

સુદાન

મૈસુર યુનિવર્સિટીના સેન્ટર ફૉર સ્ટડી ઑફ સોશિયલ એક્સક્લૂઝન ઍન્ડ ઇન્ક્લૂઝિવ પૉલિસીના ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. ડીસી નનજુંદાએ બીબીસીને કહ્યું હતું કે “તેલ બનાવવાના કામમાં પત્નીઓ પણ તેમના પતિઓને મદદ કરતી હોય છે. બીમાર લોકોની સારવાર માટે એ તેલનો ઉપયોગ કરવામાં આવે છે અને તેઓ બીમાર લોકોને માલિશ કરવામાં પણ મદદ કરે છે.”

હક્કી-પિક્કી એક વિચરતી જનજાતિ છે. 2011ની વસ્તીગણતરી અનુસાર તેમની જનસંખ્યા 11,892 છે. તેઓ કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવાં પાડોશી રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં ફેલાયેલા છે.

હક્કી-પિક્કીનો શાબ્દિક અર્થ છે પક્ષીના શિકારી, પરંતુ 1970ના દાયકામાં પક્ષીઓના શિકાર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો એ પછી આ જનજાતિના સભ્યો છોડવાઓમાંથી હર્બલ પ્રોડક્ટ્સ બનાવે છે અને દેશ-વિદેશમાં તેનું વેચાણ કરે છે.

બીબીસી ગુજરાતી

‘પ્રતિક્ષા કરીએ છીએ’

આ લોકોને ભારતીય દૂતાવાસે ઇમારતથી બહાર નીકળવાની ના પાડી દીધી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ લોકોને ભારતીય દૂતાવાસે ઇમારતથી બહાર નીકળવાની ના પાડી દીધી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડૉ. નનજુંદાએ કહ્યું હતું કે “તેઓ તેમની પ્રોડક્ટ્સ લઈને મુખ્યત્વે સિંગાપુર તથા મલેશિયા જતા હોય છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ સમુદાયના બધા લોકો પાસે પાસપૉર્ટ છે અને તેઓ મોટા ભાગે તેમના પરિવાર સાથે પ્રવાસ કરે છે, એવું અમારા અભ્યાસમાં જાણવા મળ્યું હતું. તેઓ બાગડી નામે ઓળખાતી એક ભાષા બોલે છે, જેમાં ગુજરાતી ભાષાના કેટલાક અંશ સાંભળવા મળે છે.”

સંજુએ કહ્યું હતું કે “ભારતીય દૂતાવાસના અધિકારીઓએ અમારો સંપર્ક કર્યો હતો અને કોઈ પણ સમયે ઇમારતની બહાર નહીં નીકળવાની સૂચના આપી હતી. હવે અમે માત્ર પ્રતીક્ષા કરી રહ્યા છીએ.”

પ્રભુએ પણ જણાવ્યું હતું કે કર્ણાટક રાજ્ય ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટીએ પણ તેમને ઘરમાં જ રહેવાની સૂચના આપી છે. ભારતીય દૂતાવાસના કોઈ અધિકારીએ અલ-ફશીરમાં રહેતા ભારતીયોનો સંપર્ક હજુ સુધી કર્યો નથી.

કૉંગ્રેસના નેતા સિદ્ધરમૈયાએ વડા પ્રધાનના કાર્યાલય, ગૃહમંત્રી, વિદેશ મંત્રાલય અને મુખ્ય મંત્રી બસવરાજ બોમ્મઈને “આ મામલામાં તત્કાળ હસ્તક્ષેપ કરીને ભારતીયોની સલામત વાપસી સુનિશ્ચિત કરવા”નો આગ્રહ કરતી ટ્વીટ કરી હતી.

એ ટ્વીટનો પ્રતિભાવ આપતાં વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે “તમારી ટ્વીટથી સ્તબ્ધ છું. જીવન દાવ પર લાગેલું છે. રાજકારણ કરશો નહીં. 14 એપ્રિલે લડાઈ શરૂ થયા પછી ખાર્તુમ ખાતેનો ભારતીય દૂતાવાસ મોટા ભાગના ભારતીય નાગરિકો તથા ભારતીય મૂળના લોકો સાથે સતત સંપર્કમાં છે.”

સિદ્ધારમૈયાએ વળતો ફટકો મારતાં લખ્યું હતું કે “તમે વિદેશમંત્રી છો એટલે મેં તમને મદદની અપીલ કરી હતી. તમે ભયભીત થવામાં વ્યસ્ત હો તો કૃપા કરીને અમને એ વ્યક્તિ વિશે જણાવો જે અમારા લોકોને પાછા લાવવામાં અમારી મદદ કરી શકે.”

રેડ લાઇન
રેડ લાઇન