મારી માતાનો ગૅંગરેપ થયો અને મારો જન્મ થયો

- લેેખક, ફ્લોરા ડ્રરી
- પદ, બીબીસી ન્યૂઝ
રવાંડાના 24 વર્ષીય યુવાન બીબીસીને તેમના જન્મ અંગેની કહાણી જણાવી રહ્યા છે. તેમનાં માતાનો રવાંડામાં નરસંહાર દરમિયાન રેપ થયો હતો. રેપ સર્વાઇવર તેમની સાથે બનેલા ગુનાને લઈને શરમ અનુભવે છે, તેના કારણે તે બધાનાં નામ બદલ્યાં છે.
જીન પેરે જણાવે છે કે જ્યારે તેમણે પોતાની પ્રાથમિક શાળાની અરજી ભરી કરી તેમને તેમનાં માતાપિતાનું નામ પુછાયું હતું. તે પછી તેમના મગજમાં પ્રથમ પ્રશ્ન એ આવ્યો કે આખરે તેમના પિતા કોણ છે?
તેમણે કહ્યું, “મને તે કોણ છે તે વિશે અને તેમનું નામ ખબર નથી.”
ચેતવણી : આ અહેવાલના કેટલાક અંશો વાચકોને વિચલિત કરી શકે છે
વર્ષ 1994માં રવાંડામાં એક ભયાનક નરસંહારની ઘટના બની. તેમાં આઠ લાખ લોકોનાં મૃત્યુ થયાં. ઘણાં બાળકોએ પોતાના પિતા ગુમાવ્યા. આથી ઘણાં બાળકોને પિતા ન હોય એ વાત સામાન્ય હતી.
ગામલોકો જીન પેરે વિશે ધીમા અવાજે વાત કરતા, તેમને ગાળો દેતા. જોકે, આ બધા પાછળનું સત્ય સમજવા માટે તેમને કેટલાંક વર્ષો લાગી ગયાં.
તેમનાં માતા કૅરીન કહે છે, “આ એક વખત બને છે એવું નથી.”
“તેને અલગઅલગ માહિતીઓ મળી છે. તે ઘણી અફવા સાંભળતો, સમાજમાં બધાને ખબર હતી કે મારો રેપ થયો હતો અને તે વિશે હું કઈ કરી શકું એમ ન હતી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ આગળ કહે છે કે, “મારો પુત્ર પૂછતો રહેતો, મારા પિતા કોણ છે? પરંતુ લગભગ 100 લોકોએ મારો રેપ કર્યો હતો. તેથી હું તેને તેના પિતા કોણ છે તે અંગે ચોક્કસ ન કહી શકી.”

‘હું ભાગી નહોતી શકતી’

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 1994 બનેલો એ નરસંહાર 100 દિવસ સુધી ચાલ્યો હતો. તેમાં થયેલા અત્યાચારો બાદ તેના કારણે કેટલાં બાળકોનો જન્મ થયો તે અંગે કોઈ નિશ્ચિત આંકડા નથી.
યુનાઇટેડ નેશન્સ સંઘર્ષ દરમિયાન થતી જાતીય હિંસા ખતમ કરવા માટે કામ કરી રહ્યું છે. ગત વર્ષે, સીરિયા, કૉલંબિયા, રિપબ્લિક ઑફ કૉંગો અને મ્યાનમાર ખાતે રેપનો યુદ્ધના હથિયાર તરીકે ઉપયોગ થયો હતો.
યુએનના ‘યુદ્ધ દરમિયાન જાતીય હિંસા વિરુદ્ધના દિવસ’ નિમિત્તે ઘણા સર્વાઇવરો #EndRapeInWar સાથે પોતાની સાથે થયેલા અન્યાયની કહાણી શૅર કરી રહ્યા છે.
જોકે, 25 વર્ષ બાદ પણ, આ ઘટના વિશ યાદ કરવું આ વેઠનાર લોકો માટે સરળ નથી. કૅરીનની સ્ટોરી સાંભળીને હવે સમજાય છે કે કેમ તેમણે સત્ય જણાવવા માટે પોતાનો પુત્ર મોટો થાય તેની રાહ જોઈ.
તેમનો જ્યારે પ્રથમ વખત રેપ થયો ત્યારે તેમની ઉંમર પણ જીન જેટલી જ હતી. હજારો તુત્સી છોકરીઓનો તેમના હુતુ પાડોશીઓ, સૈનિકો અને આક્રમણકારોએ રેપ કર્યો હતો.
જ્યારે તેમનો રેપ થયો ત્યારે નરસંહારની શરૂઆત પણ માંડ થઈ હતી. એ સમયે જ તેમના ચહેરાની બંને તરફ ચપ્પુના ઘા મારી દેવાયા હતા, ઘા હજુ તાજા જ હતા. આ ઘાના કારણે તેઓ હજુ સુધી બરોબર બોલી નથી શકતાં.

ઇમેજ સ્રોત, Getty Images
તેમના સમાજના એક સમયના ભાગ રહેલા આ આક્રમણ કરનારાઓ તેમને ખાડા સુધી ઢસડી ગયા. સ્કૂલમાં બાળકો, મહિલાઓ અને પુરુષોની હત્યા કરાઈ હતી અને તેમના મૃતદેહો આ ખાડામાં ફેંકાયા હતા.
કૅરીનના મોઢા પર ઘા હતા, જેના કારણે તેમને અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. પરંતુ આવી પરિસ્થિતિ છતાં પણ આ બધું વેઠનારા જીવવા માગતા હતા. થોડા સમય પછી આવેલા સૈનિકોએ લાકડીઓ વડે તેમને શારીરિક યાતના આપી, જેની ભરપાઈ ન કરી શકાય તેવું નુકસાન થયું હતું. તેમ છતાં તેમની જીવવાની આશા હતી.
જોકે, તે પછી એક ટોળાએ તેમના પર હુમલો કરી દીધો. તેમણે તેમના આખા શરીર પર બચકાં ભર્યાં. એ સમયે તેમણે જીવવાની આશા છોડી દીધી.
“હવે મારી જીવવાની ઇચ્છા નહોતી.”
જોકે, કૅરીનની સહનશીલતાની સાચી કસોટી તો હજુ શરૂ જ થઈ હતી. હુતુ સૈનિકોએ તેઓ દાખલ હતાં તે હૉસ્પિટલ પર હુમલો કરી દીધો.
“હું ભાગી શકતી નહોતી, કારણ કે મારા શરીર પર ઘણી ઈજા થઈ હતી.”
“મારી સાથે લગભગ બધી વ્યક્તિએ સેક્સ કર્યું. જો કોઈએ મારા શરીર પર મૂત્રત્યાગ કરવો હોય તો તે પણ કર્યું.”

ઇમેજ સ્રોત, AFP
જ્યારે વિદ્રોહી રવાંડન નેશનાલિસ્ટ ઍલાયન્સે હૉસ્પિટલ પરનો કબજો છોડ્યો ત્યારે કૅરીનનો ઇલાજ થઈ શક્યો. તે પછી નિર્બળ, અસહાય, ઉઝરડા પડેલા શરીર સાથે પરંતુ જીવિત અવસ્થામાં તેઓ ગામ પરત ફર્યાં.
જ્યારે ડૉક્ટરોએ તેમને તેમની ગર્ભાવસ્થા વિશે જણાવ્યું તો એ વાતનો તેમને ઝાટકો વાગ્યો.
તેમણે કહ્યું, “મારા શરીરમાં કશું બાકી નહોતું. તેથી હું પૂછી રહી હતી કે હવે શું કરું? હું શું થશે એ વાતની કલ્પના પણ નહોતી કરી શકતી.”
“જ્યારે મારું બાળક જન્મ્યું, ખબર નહીં કેમ પણ એ બાળક મારું હોવાની વાત પર વિશ્વાસ જ નહોતી કરી શકી. હું જે થયું એ વિશે વિચારતી રહી. બાળક માટે કોઈ પ્રેમ ન હોવા છતાં મેં તેને રાખવાનું ઠરાવ્યું.”

- વર્ષ 1994માં રવાંડામાં નરસંહાર થયો, જેમાં આઠ લાખ લોકો મરાયા
- 100 દિવસ ચાલેલા નરસંહારમાં હુમલાખોરોએ અનેક મહિલાઓનો રેપ કર્યો
- ઘણા લોકોએ મહિલાઓનો રેપ કરતાં પેદા થયેલાં બાળકોને કારણે સામાજિક પ્રશ્નો સર્જાયા
- જેનું નિરાકરણ લાવવા આજ સુધી દેશ મથી રહ્યો છે
- રવાંડામાં થયેલા નરસંહાર માટે એક કરોડ 20 લાખ આરોપીઓ પર કામ ચલાવાઈ રહ્યું છે

‘તરછોડાયેલાં બાળકો’
પાછલાં 25 વર્ષથી સમગ્ર રવાંડામાં બાળકોને આ જ વાર્તા સંભળાવાઈ રહી છે.
સર્વાઇવર્સ ફંડના ચીફ એક્ઝિક્યુટિવ સૅમ મેનદરેરે જણાવે છે કે, “રેપ વિશે હજુ વાત નથી કરાતી.” સર્વાઇવર્સ ફંડ રવાંડા ફાઉન્ડેશન પ્રોગ્રામનું સંકલન કરે છે.
રવાંડા પ્રોગ્રામ ફાઉન્ડેશન નરસંહારનાં રેપ સર્વાઇવરો અને તેમનાં બાળકોને શિક્ષણ અને મનોવૈજ્ઞાનિક સહાય પૂરી પાડે છે.
કહેવાય છે કે ઘણા કિસ્સામાં છોકરીનાં માતાપિતાએ જાતે આવી રીતે જન્મેલ બાળકને ત્યાગવા માટે જણાવેલું, કારણ કે રેપ થકી પેદા થયેલ બાળકને કેટલાક ‘કલંક’ ગણે છે. ઘણા કિસ્સામાં લગ્નો પણ તૂટ્યાં.
જે કિસ્સામાં શક્ય હતું તેમાં સ્ત્રીઓએ તેમની સાથે બનેલી ઘટનાને ગુપ્ત રાખી. તેના કારણે જીન પેરે જેવાં ઘણાં બાળકોને સ્કૂલ ફૉર્મ ભરતી વખતે તેમના જન્મની કથા વિશે ખબર પડી.
“આવી રીતે પેદા થયેલાં બાળકોને તેમના જન્મની વાત કેવી રીતે જણાવવી તે એક મુશ્કેલી છે, તેમને તેમના પિતા ગુજરી ગયા એ વાત જણાવવું વધારે સહેલું છે.”
“જોકે, બાળકો મોટાં થાય, તેમ તેમના પ્રશ્નો વધે છે, તેથી માતાએ તેમને સત્ય જણાવવું પડે છે.”

ઇમેજ સ્રોત, Reuters
રવાંડા ફાઉન્ડેશન વર્ષોથી આવાં માતાઓને તેમનાં બાળકોને તેમના જન્મ વિશેની કહાણી કેવી રીતે જણાવવી તે શીખવી રહી છે.
એક નવોઢાએ પોતાના જન્મની આ કહાણી તેમના પતિથી છુપાવી હતી. તેમને બીક હતી કે જો તેઓ સત્ય કહેશે તો તેની અસર તેમનાં લગ્ન પર થશે.
સૅમ આ અંગે કહે છે કે, “આની લાંબા ગાળાની અસરો હોઈ શકે છે, તે પેઢીઓ સુધી અનુભવાઈ શકે છે.”
એક માતા હતાં, તેઓ પોતાની પુત્રીને મારતાં, કારણ કે તે ખૂબ મસ્તીખોર હતી. માતાને લાગતું કે જે સંજોગોમાં તેમની પુત્રી જન્મી છે તેના કારણે તેનો સ્વભાવ આવો હતો.
કેટલાંક માતા કૅરીન જેવાં પણ છે. તેઓ પોતાનાં બાળકોથી નિકટતા અનુભવતાં નથી. આ બાબતની લાંબા ગાળાની કેવી અસર હશે તે હજુ જોવું રહ્યું.
મેનદેરેરે જણાવે છે કે, “આના કારણે એવા સંજોગ સર્જાયા છે જેનો વિચાર પણ ન આવી શકે. યુવાવર્ગ સામે તેમના પોતાના પડકારો છે. અમે તેઓ સમાજનો એક ભાગ છે તેવો અનુભવ કરાવવા અને તેઓ રવાંડાના અન્ય નાગરિકોની જેમ જ સામાન્ય છે તે સમજાવવા માટે બનતા પ્રયાસ કરી રહ્યા છીએ.”
તૂટેલા સંબંધો
જીન પેરે જ્યારે 19-20 વર્ષના થયા ત્યારે કૅરીને તેમને તેમના જન્મ અંગેની સંપૂર્ણ કહાણી કહી સંભળાવી.
તેઓ કહે છે કે તેમણે સત્યનો સ્વીકાર કરી લીધો છે. જોકે, તેઓ હજુ પણ પોતાના જીવનમાં પિતા ન હોવાની વાતને લઈને ખાલીપો અનુભવે છે.
રસપ્રદ વાત એ છે કે તેમનાં માતા પર આક્રમણ કરનાર વ્યક્તિ માટે તેમના મનમાં કોઈ કડવાશ નથી અને કૅરિને પણ તેમને માફ કરી દેવાનો નિર્ણય કર્યો છે.
તેઓ કહે છે કે, “મને વધુ તકલીફ તેમની અંગેના વિચારોને કારણે થઈ. જ્યારે તમે માફ કરી દો છો ત્યારે સારું અનુભવો છો.”
જીન પેરે કહે છે કે, “હું તેમનાથી ગુસ્સે નહોતો. હું તેમના વિશે ક્યારેક ક્યારેક વિચારું પણ છું. જો મારા જીવનમાં ક્યારેય મુસીબત આવે અને તેનો સામનો કરવા માટે મારા પિતા મારી સાથે હોય તો એ વાત મારા માટે સારી હોત.”
તેઓ એક મિકૅનિક બનવા માગે છે અને પોતાનો પરિવાર બનાવવા માગે છે.
તેઓ હંમેશાં નાણાંની ખેંચ અનુભવે છે, છતાં તેઓ કહે છે કે, “તેઓ તેમના પરિવારની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.”
કૅરીનની વાત કરીએ તો તેમને ખૂબ ઝડપથી કાઉન્સેલિંગનો લાભ મળ્યો. તેથી તેઓ જીન પેરે પ્રત્યે લાગણી ધરાવતાં થયાં છે. માતા-બાળક વચ્ચેનો આ નાતો મજબૂત બન્યો છે, તેમની વચ્ચેનો પ્રેમ સરળતાથી નજરે પડે છે.
કૅરીને જ્યાં તેમનું બાળપણ વિતાવ્યું તે ગામ તેમણે છોડી દેવું પડ્યું હતું. તેમનાં માતાપિતાએ જીન પેરેને છોડી દેવા માટે કહ્યું હતું. તેમણે ગામ પાસે જ નવું ઘર વસાવ્યું, જ્યાંના લોકોએ જીનનું નામકરણ કર્યું.
જોકે, હવે પરિસ્થિતિ સુધરી છે. તેમને લાગે છે કે તેમનાં પરિવાર અને ગામડાંએ તેમને અપનાવી લીધાં છે.
તેઓ કહે છે કે, “હું ઘણાં વર્ષો સુધી આઘાતમાં હતી. હવે હું તેમાંથી બહાર આવી છું અને ખુશ છું.”
જીન-પેરે અનુસાર, તેઓ તેમનાં માતા પર અને તેમની ઉપલબ્ધિઓ પર ગર્વ કરે છે.
તેઓ કહે છે કે, “આ બધું જોવું ખૂબ અઘરું હતું. જોકે, તેમની સફળતાથી હું ખુશ છું.”
“તેમણે પોતાની સાથે જે થયું તે જે રીતે સ્વીકારી લીધું, જે પ્રકારે તેઓ હવે ભવિષ્ય વિશે વિચારે છે અને આગળ વધે છે તેનાથી હું ખુશ છું.”
રવાંડા નરસંહાર
6 એપ્રિલ, 1994ના રોજ રવાંડાના હુતુ રાષ્ટ્રપતિ હબ્યારિમાના વિમાન વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા હતા. એ દિવસ બાદ 100 દિવસ સુધી હુતુ હુમલાખોરોએ લગભગ આઠ લાખ સૉફ્ટ હુતુ અને તુત્સી લોકોને મારી નાખ્યા.
4 જુલાઈ, 1994 તુત્સી આરપીએપ વિદ્રોહીઓએ પાટનગર કિગાલી કબજે કરી લીધું. જે બાદ દસ લાખ હુતુ લોકોએ ઝેઅરમાં આશરો લીધો.














