'મને રાતના અંધારામાં હત્યા કરવાનું પસંદ નથી. હું સૂર્યોદય થવાની રાહ જોઉં છું' - પેદ્રો લોપેઝ

સિરિયલ કિલર્સ

ઇમેજ સ્રોત, Getty Images

(આ અહેવાલનાં કેટલાંક વિવરણ વાચકોને વિચલિત કરી શકે છે)

"હું બજારમાં એવી છોકરીઓ શોધતો ફરતો, જેમના ચહેરા પર સુંદરતા અને નિર્દોષતા છલકાતી હોય. હું બે-ત્રણ દિવસ તેમનો પીછો કરતો અને તક મળતા જ તેમને ઉઠાવી લેતો."

"મને રાતના અંધારામાં હત્યા કરવાનું પસંદ નથી. હું સૂર્યોદય થવાની રાહ જોઉં છું. વહેલી સવારે જ્યારે સૂરજ ઊગતો ત્યારે હું તેમને ગળેટૂંપો આપતો. તે સમયે તેમના હાવભાવ જોવા જેવા હોય છે. જો રાતના અંધારામાં આમ કરતો હોત તો હું તે જોઈ ન શકતો."

"તેમને મરતા 10-15 મિનિટ લાગતી, પણ હું તેમના મૃત્યુને લઈને ગંભીર હતો. એટલે બાદમાં કલાકો સુધી તેમની સાથે બેસતો અને અલગઅલગ રીતે પુષ્ટિ કર્યા બાદ જ ત્યાંથી હઠતો."

આ શબ્દો છે 300થી વધુ બાળકીઓની હત્યા કરનારા પેદ્રો લોપેઝ ઉર્ફે 'મૉન્સ્ટર ઑફ ઍન્ડીઝ'ના.

ગ્રે લાઇન

પેદ્રો લોપેઝ ઉર્ફે 'મૉન્સ્ટર ઑફ ઍન્ડીઝ'

સિરિયલ કિલર્સ

ઇમેજ સ્રોત, Policía Nacional del Ecuador

જેલમાંથી ઇક્વાડોરના કાઇટોસ્થિત પત્રકાર રૉન લૅટનરને ડિસેમ્બર 1992થી 1998 દરમિયાન આપેલા ટેલિફૉનિક ઇન્ટરવ્યૂમાં તેણે આ વાત કહી હતી. જે ઍસોસિયેટેડ પ્રેસ સહિત વિશ્વના પ્રમુખ સમાચાર માધ્યમોમાં છપાઈ હતી.

સેંકડો હત્યાઓ કર્યા બાદ પણ પોલીસ અને સામાન્ય લોકોની નજરોથી દૂર રહેનારા લોપેઝના ગુનાઓ પર પ્રથમ વખત 1979માં પ્રકાશ પડ્યો. જ્યારે ઇક્વાડોરના અંબાટો શહેરની નદીમાં પાણી છોડવામાં આવતા ચાર બાળકીઓના મૃતદેહ નદીકિનારે તણાઈ આવ્યા હતા.

આ ઘટનાના થોડાક દિવસ બાદ લોપેઝ બજારમાં એક પરિવારની રેકી કરી રહ્યો હતો અને પરિવારની સતર્કતાના કારણે 10 વર્ષીય બાળકીને ઉઠાવવા જતા પહેલાં જ પકડાઈ ગયો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોલીસને શંકા હતી કે અંબાટો નદીના કિનારેથી મળેલા ચાર બાળકીઓના મૃતદેહો સાથે લોપેઝને કંઈ લેવાદેવા છે. જેથી એક અંડરકવર પોલીસકર્મીને તેની સાથે જેલમાં મોકલવામાં આવ્યો. જ્યાં લોપેઝે તેની સમક્ષ કબૂલાત કરી હતી.

આ કબૂલાત લોપેઝ પોલીસને તેણે દાટેલા 53 મૃતદેહો સુધી લઈ ગયો હતો. બે મહિના બાદ 1980માં તે 110 હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

અહેવાલ પ્રમાણે માર્ચ 1980માં લોપેઝે કબૂલ્યું હતું કે તેણે ઇક્વાડોર, પેરુ અને કોલમ્બિયામાં 360થી વધુ બાળકીઓની હત્યા કરી છે. જોકે, સાચો આંકડો ક્યારેય સામે આવ્યો નથી.

પોલીસ મુજબ, લોપેઝ પર 350થી વધુ ગુમ થયેલી બાળકીઓની હત્યાનો કેસ થઈ શકતો હતો પરંતુ પેરુ અને કોલમ્બિયામાં બનેલ ઘટનાઓની કાર્યવાહી ઇક્વાડોરમાં કરવી જટિલ અને ખર્ચાળ હતી.

પેદ્રો લોપેઝને આઠ વર્ષની ઉંમરથી જ ખ્યાલ હતો કે તે હત્યારો બનશે. પોતાના ભૂતકાળ વિશે રૉન લેટનરને તેણે કહ્યું હતું કે "હું કોલમ્બિયાની એક વેશ્યાના 13 બાળકોમાંથી સાતમુ બાળક હતો. આઠ વર્ષની ઉંમરે મારી માએ મારી બહેનના સ્તન અડકતા પકડ્યો હતો અને ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂક્યો હતો."

તેણે આગળ કહ્યું, "ઘરમાંથી કાઢી મુકાયા બાદ મને એક આધેડે આશરો આપ્યો. જે મારા પર સતત બળાત્કાર ગુજારતો હતો. એ યાતના સહન કરતી વખતે જ મેં નક્કી કર્યું હતું કે મારી સાથે જે થયું એ બધું જ હું બને તેટલી છોકરીઓ સાથે કરીશ." 

1980માં ધરપકડ કરાયા બાદ લોપેઝને 31 માર્ચ 1994ના રોજ ઇક્વાડોર સરકારે તેને 20 વર્ષીય યુવકની હત્યાના અને ગેરકાયદેસર ઘૂસણખોરીના આરોપસર કોલમ્બિયન સરકારને સોંપવામાં આવ્યો હતો. કોલમ્બિયામાં લાવ્યા બાદ તેને બગોટા હૉસ્પિટલના સાઇકિયાટ્રિક વિંગમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યાંથી 1998માં તેને છોડી દેવામાં આવ્યો હતો. એ દિવસથી લઈને અત્યાર સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી.

રેડ લાઇન

દિલ્હીની ઘટના સંક્ષિપ્તમાં :

  • તાજેતરમાં દિલ્હીમાં બનેલ શ્રદ્ધા મર્ડર કેસ સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે. આ ઘૃણાસ્પદ ઘટનામાં આરોપી આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેમના શરીરના 35 ટુકડા કરીને જંગલમાં ફેંકી દીધા હતા.
  • પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને શ્રદ્ધાના મૃતદેહના અવશેષો એકઠા કરવાના પ્રયાસો હાથ ધરી રહી છે. આ વચ્ચે એક બાબત એ પણ છે કે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબે તેમના શરીરના ટુકડા એ જ ફ્રીઝમાં મૂક્યા હતા. જેમાં તે ભોજન રાખતો હતો.
  • પોલીસ પ્રમાણે, શ્રદ્ધાના મૃતદેહને ઠેકાણે લગાડવાની યુક્તિ આફતાબે ‘ડેક્સ્ટર’ સિરીઝથી મેળવી હતી.
  • આ ટીવી સિરીઝની કહાણી ડેક્સ્ટર મૉર્ગનની આસપાસ ફરે છે જે એક ફૉરેન્સિક ટેકનિશિયન છે અને સિરિયલ કિલર તરીકે એક દ્વિમુખી જીવન જીવી રહ્યો છે.
  • ત્યારે વિશ્વમાં એવા ઘણા સિરિયલ કિલર્સ છે જે વર્ષો સુધી પોલીસ અને સામાન્ય લોકોની વચ્ચે રહીને પણ પકડમાં આવ્યા નહોતા. 
રેડ લાઇન

લુઇસ આલ્ફ્રેડો ગારાવિતો ઉર્ફે 'ઍલ કુરા'

લુઇસ આલ્ફ્રેડો ગારાવિતો

ઇમેજ સ્રોત, Policía Nacional de Colombia

1997માં એક એવી ઘટના બની હતી. જેણે સમગ્ર કોલમ્બિયાને હચમચાવી નાખ્યું હતું. પશ્ચિમ કોલમ્બિયાના શહેર પેરેઇરામાંથી પોલીસને એક સાથે 36 મૃતદેહોના અવશેષો મળ્યા હતા. આગામી દિવસોમાં અલગઅલગ 11 રાજ્યોમાંથી મૃતદેહોના અવશેષો મળવાના શરૂ થયા અને પોલીસ દોડતી થઈ ગઈ હતી.

કોલમ્બિયાના તત્કાલીન ચીફ પ્રૉસિક્યુટર અલ્ફોન્સો ગોમેઝે બીબીસીને જણાવ્યું હતું કે 'મોટા ભાગના મૃતદેહોના ગળા કપાયેલા હતા અને તેમના પર વિવિધ ઇજાઓના નિશાન હતા. લાગતું હતું કે તેમને બાંધીને રાખવામાં આવ્યા હશે અને તેઓ જીવતા હશે ત્યારે તેમના પર યાતના ગુજારવામાં આવી હશે.'

બીબીસીના દક્ષિણ અમેરિકાના સંવાદદાતા જેમ્સ રૅનોલ્ડ્સે કહ્યું હતું કે "મૃતદેહો એટલી હદે વિકૃત હતા કે હિંસાથી ટેવાયેલા કોલમ્બિયન લોકો પણ આ ઘટનાથી ચોંકી ઉઠ્યા હતા."

મોટી સંખ્યામાં મળી આવેલા વિકૃત મૃતદેહો અને માનવકંકાલ કોઈ 'સૅટેનિક કલ્ટ'નું કામ હોવાનું પોલીસને લાગ્યું અને પોલીસે એક ટાસ્કફોર્સ બનાવીને દેશભરમાં તપાસ શરૂ કરી.

જેમજેમ તપાસ આગળ વધી, કંઈક એવું બન્યું જેણે પોલીસને ચોંકાવી દિધી હતી.

પૂર્વ કોલમ્બિયામાં આવેલા વિલાવિકેન્સિયો શહેરમાં લુઇસ આલ્ફ્રેડો ગારાવિતો નામક વ્યક્તિની એક 12 વર્ષીય બાળક પર બળાત્કારના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

તેના અને તેની ગર્લફ્રેન્ડના ઍપાર્ટમેન્ટની તપાસ કરતા કેટલાક ન્યૂઝપેપર્સ કટિંગ મળી આવ્યા હતા. આ કટિંગ બાળકો ગુમ થવાના સમાચારોના હતા અને તમામ બાળકોના મૃતદેહ વિકૃત હાલતમાં મળ્યા હતા.

જેથી પોલીસે તેને પુરાવા તરીકે એકત્ર કરીને સઘન પૂછપરછ કરી હતી. જેમાં અંતે તેમણે કબૂલ્યું હતું કે તમામ હત્યાઓ તેમણે જ કરી છે.

ગારાવિતોએ કરેલી કબૂલાત અનુસાર, તે ઘરવિહોણા, ગરીબ અને અનાથ બાળકોને પૈસા, ચૉકલેટ કે પછી અન્ય કોઈ વસ્તુ આપવાના બહાને ફોસલાવતો હતો. તે ક્યારેક પાદરી તો ક્યારેક સેલ્સમેન બનીને બાળકો પાસે જતો અને તેમને ફોસલાવ્યા બાદ તેમને એકાંતમાં લઈ જતો હતો. જ્યાં તેમની હત્યા કરતો હતો. 

મોટા ભાગના કિસ્સામાં તે પાદરી તરીકે ઓળખ આપતો હોવાથી સ્થાનિક લોકોએ તેને 'ઍલ કુરા' એટલે કે પાદરી નામ આપ્યું હતું. 

હત્યા કરતા પહેલાં ગારાવિતો બાળકોના હાથપગ બાંધી દેતો હતો અને સ્ક્રૂ-ડ્રાઇવર અને બ્લેડથી યાતના આપતો હતો. કેટલીક વખત તો તેણે બાળકના મૃત્યુ બાદ મૃતદેહ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાની પણ કબૂલાત કરી હતી.

ગારાવિતોએ પોલીસ સમક્ષ 172 હત્યા કરી હોવાનું સ્વીકાર્યું હતું. જે પૈકી 138 હત્યામાં તે દોષિત ઠર્યો હતો. આ હત્યાઓ માટે તેને 1853 વર્ષ અને નવ દિવસની જેલની સજા સંભળાવવામાં આવી હતી. જે કોલમ્બિયાના ઇતિહાસની સૌથી લાંબી જેલવાસની સજા છે. 

જોકે, તેણે પોલીસને મૃતદેહો શોધવામાં મદદ કરી હોવાથી અને કોલમ્બિયામાં 40 વર્ષથી વધુ જેલવાસની સજાની કોઈ જોગવાઈ ન હોવાથી તેની સજા 22 વર્ષની રાખવામાં આવી હતી. હાલમાં તે કોલમ્બિયાની એક સુરક્ષિત જેલમાં સજા ભોગવી રહ્યો છે.

ગ્રે લાઇન

હું ધારત તો 500 પણ મારી શકતો હતો- પાકિસ્તાનનો જાવેદ ઇકબાલ

જાવેદ ઇકબાલ

"મને કોઈ ખેદ નથી. મેં 100 બાળકોને માર્યા છે. હું ધારત તો 500 પણ મારી શકતો હતો. પૈસાની કોઈ તંગી નહોતી પણ મેં 100ને મારવાની પ્રતિજ્ઞા લીધી હતી. જે મેં પૂરી કરી છે."

પાકિસ્તાનમાં 100 બાળકોને ગળે ટૂંપો આપીને માર્યા બાદ તેમના ટુકડા કરીને એસિડમાં પિગળાવી દેનારા જાવેદ ઇકબાલે ધરપકડની ગણતરીની મીનિટો પહેલાં આ વાત કહી હતી.

30 ડિસેમ્બર 1999ના દિવસે પાકિસ્તાનના સૌથી મોટા ઉર્દૂ અખબાર 'જંગ'ની ઑફિસને પાકિસ્તાની આર્મીએ ઘેરી લીધી હતી. કારણ કે તે ઑફિસમાં જાવેદ ઇકબાલ પોતાના ગુનાઓનું કબૂલાતનામું લખી રહ્યો હતો. જોકે, તેના એક મહિના પહેલાં પણ તેણે પોલીસ અને અખબારને પત્ર લખીને ઔપચારિક કબૂલાત કરી હતી.

જંગ અખબારના તંત્રી શાહીન કુરૈશીએ બીબીસીને જણાવ્યું હતું કે 'તે કબૂલાત કરવા આવ્યો હતો. તેને ડર હતો કે જો તે પોલીસ પાસે જશે તો પોલીસ તેને મારી નાંખશે.'

જાવેદે 1999 સુધીમાં કુલ 100 બાળકોને પોતાના આલિશાન ઘરમાં બોલાવીને તેમની હત્યા કરી હતી. હત્યા માટે તે ગરીબ, ઘરવિહોણા બાળકોને શોધતો હતો અને તેમને ફોસલાવીને ઘરે બોલાવ્યા બાદ તેમના હાથપગ બાંધીને ટૂંપો આપીને હત્યા કરી દેતો હતો. હત્યા કર્યા બાદ તે મૃતદેહોના નાના ટુકડા કરી દેતો હતો અને એસિડમાં પિગળાવી દેતો હતો. 

જેથી ધરપકડ બાદ વર્ષ 2000ની શરૂઆતમાં પાકિસ્તાનની કોર્ટમાં જજ અલ્લાહ બુખ્શ રાંઝાએ ચુકાદો આપતી વખતે કહ્યું હતું, "તને એ જ રીતે મોતની સજા અપાશે, જે રીતે તે એ બાળકોને માર્યા. પહેલાં તને એ બાળકોના માતાપિતા સામે ગળેફાંસો આપવામાં આવશે. બાદમાં તારા 100 ટુકડા કરવામાં આવશે અને તેને એસિડમાં નાખવામાં આવશે."

જોકે, પાકિસ્તાનના પ્રમુખ અખબાર 'ડૉન' અનુસાર, આ હત્યાઓ માટે જાવેદ બાળપણમાં તેની સાથે બનેલી ઘટનાઓને જવાબદાર ઠેરવે છે. શ્રીમંત પરિવારમાં જન્મેલો જાવેદ બાળપણથી જ ખોટા રવાડે ચઢી ગયો હતો અને જીવનનો મોટા ભાગનો સમય તે સગીરોની આસપાસ વીતાવતો હતો. તેમાંથી રૂપાળા દેખાતા સગીરોને મસમોટી ગિફ્ટો આપીને ફસાવવાનો પ્રયત્ન કરતો હતો.

આ દરમિયાન એક વખત પોલીસે બળાત્કારના આરોપસર તેની ધરપકડ કરી હતી અને જેલમાં તેની સાથે કરેલા વર્તનના કારણે તેને પોલીસ પર ગુસ્સો હતો. જેના કારણે તેણે આ બાળકોની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ સ્વીકાર્યું હતું.

ગ્રે લાઇન

મિખાઇલ પૉપકૉવ: ધ વૅરવુલ્ફ

મિાઇલ પૉપકોવ

ઇમેજ સ્રોત, AFP

90ના દાયકામાં રશિયન પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી. કારણ કે એક જ મોડસ ઓપરેન્ડીથી 16થી 40 વર્ષની ઉંમરની સંખ્યાબંધ મહિલાઓ અને એક પોલીસકર્મીની હત્યા કરનારો હત્યારો તેમના હાથે લાગતો ન હતો.

પોલીસ પાસે આ તમામ હત્યાઓને જોડતી માત્ર એક કડી હતી અને તે હતી 'ટાયરના નિશાન.'

આ ટાયરના નિશાન એવી કારના હતા જે પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતી હતી. વર્ષ 1990થી 2012 સુધી આ હત્યાનો સિલસિલો યથાવત રહ્યો પણ પોલીસ હત્યારા સુધી પહોંચવામાં સફળ થઈ ન હતી. પોલીસે 2012માં 3,500 જેટલા પોલીસકર્મીઓના ડીએનએની તપાસ કરી. જેમાં તેઓ સફળ રહ્યા.

આ હત્યાઓ કરનાર અન્ય કોઈ નહીં પણ રશિયન પોલીસકર્મી મિખાઇલ પૉપકોવ હતો. જાન્યુઆરી 2015માં મિખાઇલને 22 હત્યા અને 2 હત્યાના પ્રયાસ માટે આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી.

બે વર્ષ બાદ 2018માં પૉપકૉવે વધુ 59 અને જુલાઈ 2020માં વધુ બે હત્યાની કબૂલાત કરી. જેની સાથે કુલ મૃતકોનો આંકડો 83 પર પહોંચ્યો હતો.

'ધ સાઇબેરિયન ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, મિખાઇલ એવી મહિલાઓને નિશાન બનાવતો હતો, જે તેના મતે 'અનૈતિક કામ' કરતી હોય. તે રોજ રાત્રે પોલીસ યુનિફોર્મમાં ફરતો અને પોલીસની ગાડીમાં જ આવી મહિલાઓને લિફ્ટ આપતો. 

મહિલાઓને નિયતસ્થળે છોડવાની જગ્યાએ તે અવાવરું જગ્યાએ લઈ જતો અને ત્યાં તેમને કપડાં ઉતારવાનું કહેતો અને બાદમાં ચપ્પુ, કરવત, હથોડા કે પછી સ્ક્રૂ ડ્રાઇવર વડે તેમની હત્યા કરતો. કેટલાક કિસ્સામાં તેણે મહિલાઓની હત્યા કર્યા બાદ મૃતદેહો સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હતો. 

રેડ લાઇન
રેડ લાઇન