ટી20 વર્લ્ડકપ : ભારતે ઝિમ્બાબ્વેને 72 રને હરાવ્યું, સેમિફાઇનલની આશા જીવંત

ભારત અને ઝિમ્બાબ્વે મેચ, ટી20 વર્લ્ડકપ, ચેન્નાઈ મેચ, વેસ્ટઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાની મેચ, બીબીસી ગુજરાતી સ્પોર્ટ્સ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઇસીસી ટી20 વર્લ્ડકપની સુપર-8 મૅચમાં ભારતે ઝિમ્બાબ્વેને 72 રનથી હરાવ્યું છે
વાંચવાનો સમય: 4 મિનિટ

આઇસીસી ટી20 વર્લ્ડકપની સુપર-8 મૅચમાં ભારતે ઝિમ્બાબ્વેને 72 રનથી હરાવ્યું છે.

ભારતના 257 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઝિમ્બાબ્વે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 184 રન જ બનાવી શક્યું હતું.

ઝિમ્બાબ્વેના ઓપનર બ્રાયન બેનેટે 97 રનની અણનમ ઇનિંગ રમી હતી, પરંતુ તેમની ઇનિંગ ટીમને વિજય અપાવવામાં નિષ્ફળ રહી. ભારત માટે અર્શદીપસિંહે ચાર ઓવરમાં 24 રન આપીને ત્રણ વિકેટ લીધી.

ભારતે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 23 બૉલમાં 50 રનની અણનમ ઇનિંગ રમી. તો તિલક વર્મા 16 બૉલમાં 44 રન બનાવીને અણનમ રહ્યા.

ભારતે ટી20 વર્લ્ડકપના ઇતિહાસમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર હાંસલ કર્યો હતો. અગાઉ ટી20 વર્લ્ડકપમાં ભારતનો સર્વોચ્ચ સ્કોર 218 હતો, જે તેણે 2007માં ઇંગ્લૅન્ડ સામે બનાવ્યો હતો.

ભારતે તેની ઇનિંગમાં 17 છગ્ગા ફટકાર્યા છે. આ ટી20 વર્લ્ડકપ મૅચમાં ભારતે ફટકારેલા સૌથી વધુ છગ્ગા છે.

આજે ભારતના તમામ છ બૅટ્સમૅનોએ 150થી વધુના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. ટી20 વર્લ્ડકપના ઇતિહાસમાં આ પહેલાં આવું ક્યારેય બન્યું નથી.

ભારતના ઑલ રાઉન્ડર બૅટ્સમૅન હાર્દિક પંડ્યાએ આ વખતે ઝંઝાવાતી બેટિંગ કરી હતી અને ટીમને એક મજબૂત સ્કોર આપવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

હાર્દિકના 50 રનમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગા સામેલ હતા.

ભારતની શાનદાર શરૂઆત

ભારત અને ઝિમ્બાબ્વે મેચ, ટી20 વર્લ્ડકપ, ચેન્નાઈ મેચ, વેસ્ટઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાની મેચ, બીબીસી ગુજરાતી સ્પોર્ટ્સ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અભિષેક શર્મા 30 બૉલમાં 55 રન બનાવીને આઉટ થયા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આઇસીસી ટી20 વર્લ્ડકપની સુપર-8 મૅચમાં ઝિમ્બાબ્વેએ ટૉસ જીતીને ભારત સામે પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ભારતે ઓપનિંગમાં શાનદાર શરૂઆત કરી હતી. અભિષેક શર્મા અને સંજુ સેમસને ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો.

અભિષેક શર્મા 30 બૉલમાં 55 રન બનાવીને આઉટ થયા. ફૉર્મમાં ચાલી રહેલા ઈશાન કિશન 24 બૉલમાં 38 રન કરીને આઉટ થયા, જ્યારે ઓપનિંગમાં આવેલા સંજુ સેમસન 24 રન બનાવીને આઉટ થયા.

તો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ પણ 33 રન કરીને આઉટ થઈ ગયા હતા.

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મહત્ત્વપૂર્ણ મૅચ માટે ભારતે તેની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા હતા. ઝિમ્બાબ્વેએ તેની પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કર્યો. ભારતની ટીમમાં અક્ષર પટેલ અને સંજુ સેમસન પાછા ફર્યા હતા.

ભારતે આ મૅચ માટે પ્લેઇંગ ઇલેવનમાંથી વૉશિંગ્ટન સુંદર અને રિંકુસિંહને બહાર કર્યા હતા.

સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા માટે ભારત માટે આજની મૅચ ખૂબ જ મહત્ત્વની હતી.

ગુરુવારે ઝિમ્બાબ્વેને હરાવ્યા બાદ પણ સેમિફાઇનલમાં પહોંચવા માટે કોલકતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે (પહેલી માર્ચ, રવિવાર) વેસ્ટ ઇન્ડીઝને પણ હરાવવું પડશે.

જ્યારે ટી20 વર્લ્ડકપની શરૂઆત થઈ, ત્યારે ભારતની ટીમને પ્રબળ દાવેદાર માનવામાં આવતી અને તે હોટ ફેવરિટ હતી. ટીમના પર્ફૉર્મન્સ ઉપરાંત શ્રીલંકાની સાથે ટુર્નામેન્ટનું યજમાનપદને 'પ્લસ પૉઇન્ટ' માનવામાં આવી રહ્યો હતો.

ભારત અને ઝિમ્બાબ્વે : કોનું પલ્લું ભારે?

ભારત અને ઝિમ્બાબ્વે મેચ, ટી20 વર્લ્ડકપ, ચેન્નાઈ મેચ, વેસ્ટઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાની મેચ, બીબીસી ગુજરાતી સ્પોર્ટ્સ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

વર્લ્ડકપ શરૂ થયો એ પહેલાંના 41 ટી20 મૅચમાંથી 31માં વિજય હાંસલ કર્યો હતો. પહેલા રાઉન્ડ દરમિયાન તમામ ચાર મૅચ જીતીને ભારતીય ક્રિકેટ ટીમે સુપર-8 રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

જોકે, દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં 76 રને ટીમ ઇન્ડિયાનો પરાજય થયો, એ વાત નિષ્ણાતો અને ભારતના ક્રિકેટરસિકો માટે આંચકાજનક હતી.

આ એક માત્ર હારને કારણે ભારતની ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડકપમાંથી બહાર ફેંકાય જાય, તેવું જોખમ ઊભું થયું છે, કારણ કે ભારત સેમિફાઇનલમાં પહોંચશે, તેનો નિર્ણય માત્ર તેની હારજીત ઉપર નહીં, પરંતુ અન્ય દેશોના પર્ફૉર્મન્સ પર પણ રહેશે.

ટી20માં ભારતનો ઝિમ્બાબ્વે સામેનો રેકૉર્ડ ઘણો સારો રહ્યો છે. સામસામેની 13 મૅચમાં ભારતની 10માં જીત થઈ છે અને ત્રણમાં હાર થઈ છે.

ભારત માટે ચિંતાજનક બાબત કઈ?

પૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર સંજય માંજરેકરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ભારત આજે રાત્રે ફેવરિટ હશે, પરંતુ તેણે બે બાબતો ઉપર ધ્યાન આપવું રહ્યું. જો તે પહેલા બેટિંગ કરે, તો તેણે સારી રનરેટ જાળવી રાખે, ચાહે એના માટે શરૂઆતના તબક્કે બે-ત્રણ વિકેટ કેમ ન પડે. સીમરોની સ્લૉ-બૉલ્સ અને સ્પીન બૉલિંગ સામે કેવી રીતે રમે છે, તેની ઉપર પણ આધાર રહેશે. ટી20 વર્લ્ડકપમાં ભારત કેટલું આગળ જશે, તેનો આધાર આ વાતો ઉપર રહેશે."

પૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર આકાશ ચોપરાએ લખ્યું, "આજની મૅચ ઝિમ્બાબ્વે વિરૂદ્ધ માત્ર બે પૉઇન્ટ્સ માટેની નથી. અસલ વાત એ હશે કે ભારત કેવા ઇરાદા સાથે બેટિંગ કરે છે. જો બૅટ્સમૅન કોઈ પણ પ્રકારે ખચકાટ દેખાડશે, તો તે નબળાઈનો સંકેત હશે. આજે રાત્રે એનાથી કદાચ સીધું નુકસાન નહીં થાય, પરંતુ આજની મૅચનું પરિણામ વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં આપણને કનડી શકે છે."

ભારત અને ઝિમ્બાબ્વેની ટીમો

ભારત અને ઝિમ્બાબ્વે મેચ, ટી20 વર્લ્ડકપ, ચેન્નાઈ મેચ, વેસ્ટઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાની મેચ, બીબીસી ગુજરાતી સ્પોર્ટ્સ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ક્રિકેટના આંકડાનું વિશ્લેષણ કરતી વેબસાઇટ ઇએસપીએનક્રિક ઇન્ફોના અહેવાલ પ્રમાણે, બંને ટીમોની પ્લેઇંગ-ઇલેવન આ ખેલાડીઓમાંથી નક્કી થશે.

ભારત: સૂર્યકુમાર યાદવ (કપ્તાન), અક્ષર પટેલ (વાઇસ-કૅપ્ટન), અભિષેક શર્મા, અર્શદીપસિંહ, ઈશાન કિશન (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, તિલક વર્મા, જસપ્રીત બુમરાહ, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા.

ઝિમ્બાબ્વે: તડિવનાશે મરુમાની, બ્રાયન બેનેટ, ડિઓન મેયર્સ, રાયન બર્લ, સિકંદર રઝા (કૅપ્ટન), ટૉની મુનયોંગા, તાશિંગા મુસેકિવા, બૅડ એવન્સ, તિનોતેંડા મપોસા, બ્લેસિંગ મુઝરાબાની, રિચર્ડ અંગારાવા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન