તાલાલા : 'વળગાડ' દૂર કરવા કથિતપણે પિતાએ 'ક્રૂર તાંત્રિક વિધિ' કરતાં કિશોરીના મૃત્યુનો મામલો શું છે?

ઇમેજ સ્રોત, Dilip Mori
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે

- ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગામના વતની ભાવેશ અકબરીએ કથિતપણે પોતાની 14 વર્ષીય દીકરી ધ્રુવાનું ભૂતનો વળગાડ દૂર કરવા કરેલ તાંત્રિક વિધિમાં 'ક્રૂરતાપૂર્વક' મૃત્યુ નિપજાવ્યાની ફરિયાદ નોંધવામાં આવી છે
- આરોપી પર પુત્રીને સાત દિવસ ભૂખી-તરસી રાખી અત્યાચાર ગુજાર્યાનો આરોપ
- આરોપી અને તેમના ભાઈએ ચૂપચાપ મૃતદેહનો નિકાલ કરવાનો કર્યો પ્રયાસ, પરંતુ પોલીસ સુધી વાત કેવી રીતે પહોંચી?

"મારી નવાસીને મારા જમાઈ અને એના ભાઈએ ભેગા મળીને તાંત્રિક વિધિના નામે મારી નાખી છે. લાડકોડમાં ઉછેરેલી દીકરીને જમાઈએ કસાઈની જેમ મારી નાખી, મારા તો ધોળામાં ધૂળ પડી. ઘરમાં આ ગુના અંગે કોઈ ફરિયાદ કરવા માગતું ન હતું, અંતે મેં મારા જમાઈ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે."
ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના માધુપુર ગામમાં ખેતી કરતા 76 વર્ષીય વાલજીભાઈએ બીબીસી સાથેની વાતચીતમાં પોતાની દોહિત્રીની 'ક્રૂર' હત્યા અને આરોપી જમાઈના કૃત્ય અંગે દુ:ખ અને આક્રોશ સાથે ઉપરોક્ત વાત કરી હતી.
અહીં નોંધનીય છે કે ગુજરાતના તાલાલાના ધાવા ગામના વતની ભાવેશ અકબરીએ કથિતપણે પોતાની 14 વર્ષીય દીકરી ધ્રુવાનું ભૂતનો વળગાડ દૂર કરવા કરેલ તાંત્રિક વિધિમાં 'ક્રૂરતાપૂર્વક' મૃત્યુ નિપજાવ્યું હોવાના અહેવાલ મળ્યા હતા.
આ બનાવ અંગે ઇન્ડિયન પીનલ કોડની કલમ 302 અંતર્ગત એફઆઈઆર નોંધી સ્થાનિક પોલીસ દ્વારા ધ્રુવાના પિતા ભાવેશ અકબરી અને કાકા દિલીપ અકબરીની ધરપકડ કરાઈ હતી.
આ સમગ્ર બાબત અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે બીબીસી ગુજરાતીએ કેસ સાથે સંબંધિત કેટલાક લોકો સાથે વાતચીત કરી હતી.

'અચાનક એક દિવસ ફોન આવ્યો કે ધૈર્યા ગુજરી ગઈ...'

ઇમેજ સ્રોત, Dilip Mori
વાલજીભાઈએ બીબીસી ગુજરાતી સાથે પોતાના જમાઈ અને તેમના કુટુંબ વિશે વિગતવાર વાત કરી હતી.
તેમણે કહ્યું કે, "20 વર્ષ પહેલાં મેં મારી દીકરી કપિલાનાં તાલાલા તાલુકાના ધાવા ગામના ભાવેશ અકબરી સાથે લગ્ન કરાવ્યાં હતાં. તેઓ ધંધા માટે સુરત ગયા. ત્યાં તેઓ ઍલ્યુમિનિયમ સૅક્શનનો ધંધો કરે છે. લગ્નનાં છ વર્ષ બાદ ધ્રુવા જન્મી હતી. તેના જન્મ બાદ ધંધો પણ સારો ચાલતો."
દોહિત્રીની 'ક્રૂર હત્યા'ના અમુક મહિના અગાઉ બનેલ બનાવો અંગે વાત કરતાં વાલજીભાઈ કહે છે કે, "બધું બરોબર ચાલી રહ્યું હતું ત્યાં ત્રણ મહિના અગાઉ જમાઈ ભાવેશ અચાનક ધૈર્યાને ધાવા ગામે મૂકી ગયા. સુરતમાં તેની શાળા છોડાવી ધાવા ગામની સ્કૂલમાં ઍડમિશન કરાવ્યું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ એ કાળમુખા દિવસે બનેલા બનાવોને યાદ કરતાં આગળ કહે છે કે, "અચાનક મારા જમાઈના મોટા ભાઈ દિલીપનો મારા દીકરા કમલેશના મોબાઇલ પર ફોન આવ્યો. તેમણે ધૈર્યાનું મૃત્યુ નીપજ્યું હોવાના સમાચાર આપ્યા."
"અમે ઝડપથી ધાવા ગામે પહોંચ્યા. પરંતુ ખબર પડી કે મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ ચૂક્યાં હતાં. તેમણે મારી દીકરી કપિલાની પણ રાહ જોઈ ન હતી."
વાલજીભાઈએ એ દિવસ બનેલી ઘટનાઓ અંગે આગળ જણાવતાં કહ્યું કે, "અમને આ અધીરાઈ સામે શંકા ગઈ. કડકાઈથી પૂછપરછ કરી તો ધૈર્યાને અંતે વેઠવાં પડેલ દુ:ખ-દર્દની હચમચાવી દેનારી હકીકત જાણવા મળી."
"મારા જમાઈએ ધૈર્યાને વળગાડ થયો હોવાનું કારણ આપી તે દૂર કરવા કરેલ તાંત્રિક વિધિ દરમિયાન આચરેલ ક્રૂરતાથી તેનું મોત નીપજ્યું, એટલે મેં ફરિયાદ કરાવી."

'સાત-દિવસ ભૂખી-તરસી રાખી અત્યાચાર ગુજારતાં ધૈર્યાનું મોત'

ઇમેજ સ્રોત, Dilip Mori
ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધીક્ષક મનોહરસિંહ જાડેજાએ આ ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, "અમારા પર પાછલા અમુક દિવસથી ધાવા ગામે કેટલાક લોકોએ તેમની દીકરીનો બલિ આપ્યો હોવાની માહિતી આપતા ફોન આવ્યા હતા. આ બાબતને ધ્યાને લઈને અમે આરોપીઓના ઘરે તપાસ કરી હતી."
તપાસ દરમિયાન મળી આવેલ વિગતો અને પુરાવા અંગેની આશ્ચર્યજનક હકીકતો રજૂ કરતાં જાડેજા જણાવે છે કે, "1 ઑક્ટોબરના રોજ ધૈર્યાના પિતાએ તે સ્કૂલેથી આવી તે બાદ વળગાડ દૂર કરવાની વિધિની શરૂઆત કરી હતી. તેમને શંકા હતી કે ધૈર્યાને વળગાડ છે. ભાવેશ નવરાત્રિ દરમિયાન અનુષ્ઠાન કરવાનું કહીને સુરતથી ગામડે આવ્યો હતો. વળગાડ દૂર કરવા ભાવેશ અને તેના ભાઈ દિલીપે સાથે મળીને દીકરીનાં તમામ કપડાં શેરડીના ખેતરમાં લઈ જઈને બાળી નાખ્યાં. અને તેને નગ્નાવસ્થામાં અગ્નિની ઘણી નજીક ઊભી રાખી જેથી તે દાઝી ગઈ."
"વળગાડ દૂર કરવા માટે તેમની ક્રૂરતા આગળ વધી અને તેમણે આ અવસ્થામાં જ દીકરીને ખુરશી પર બેસાડીને વાયર અને સોટીનો માર માર્યો. તેને આ જ અવસ્થામાં તેના જ માથાના વાળ વડે ખુરશી સાથે બાંધી દીધી અને તેને કયા ભૂતનો વળગાડ છે તે અંગે પ્રશ્નો કરવાનું ચાલુ રાખ્યું. દીકરીને 1 ઑક્ટોબરથી 7 ઑક્ટોબર સુધી ભૂખી-તરસી આ જ અવસ્થામાં રાખવામાં આવી. તે બાદ તેમને લાગ્યું તેનું મૃત્યુ થઈ ગયું છે. અને મૃતદેહમાં કીડા પડી ગયા છે, આ વાત સમજાતાં હવે તેમણે મૃતદેહનો નિકાલ કરવાનું ઠરાવ્યું."
સ્થાનિક પત્રકાર દિલીપ મોરીએ જણાવ્યું કે આ સાત લોકોએ પોલીસને નિવેદન આપ્યું કે ધ્રુવાને ચેપી રોગ છે એટલે મોઢું ન બતાવી શકાય એવું તેમને કહેવામાં આવ્યું હતું. તેમણે અન્ય લોકોને ધ્રુવાના અંતિમસંસ્કારની જાણ અન્ય લોકોને ન કરવા અંગે પણ પ્રશ્ન કર્યા હતા પરંતુ ભાવેશ અને દિલીપ તેમને ત્યાંથી બહાર કર્યા હતા.
ધૈર્યાના મૃત્યુ બાદ પિતા ભાવેશ અને તેમના ભાઈ દિલીપે આ ગુનાના પુરવાનો નાશ કરવા માટે અપનાવાયેલ વ્યૂહરચના અંગે વિગતો આપતાં પોલીસ અધીક્ષક મનોહરસિંહ જાડેજા જણાવે છે કે, "ધૈર્યાનું કોઈ ચેપી રોગના કારણે મૃત્યુ થયું હોવાની વાત કરી તેમણે પોતાના નિકટના સાત સંબંધીઓને સ્મશાને અંતિમ વિધિ કરવા બોલાવ્યા. પરંતુ સંબંધીઓએ દીકરીના મૃત્યુ અને તેના શરીરમાંથી આવતી દુર્ગધ અંગે જાતભાતના સવાલો અને શંકા વ્યક્ત કરતાં બંને ભાઈઓએ સંબંધીઓને ત્યાંથી મોકલી 8 ઑક્ટોબરે વહેલી સવારે ગામના સ્મશાનમાં જ ચૂપચાપ મૃતદેહની અંતિમ વિધિ કરી નાખી."
ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે કરેલ કાર્યવાહી અંગેની વિગતો આપતાં તેઓ જણાવે છે કે, "અમને માહિતી મળ્યા બાદ અમારી ટીમે સ્મશાન અને ખેતરમાંથી પુરાવા એકત્રિત કર્યા. જે ઓરડીમાં ધૈર્યાને રાખી તાંત્રિક વિધિ કરી હતી ત્યાંની સમગ્ર સામગ્રી કબજે કરી છે. ધૈર્યાના પિતા અને દિલીપની ધરપકડ કરી છે. જો આ કામ કે સંબંધિત અન્ય ગુનાહિત કૃત્ય અંગે વધુ જાણકારી મળશે તો તે અનુસાર કાર્યવાહી કરવામાં આવશે."

'ચેપી રોગથી મૃત્યુ થયાની વાત ફેલાવી'

ઇમેજ સ્રોત, Dilip Mori
ધાવા ગામના સામાજિક કાર્યકર ગૌતમ જસોટીયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમારા ગામમાં કોઈનું પણ મરણ થાય તો આખુંય ગામ ભેગું થાય છે, મરણની નોંધ ગ્રામ પંચાયતમાં પણ થાય છે. અચાનક ગામના સ્મશાનમાં ભાવેશ અને એના ભાઈ દિલીપે ધૈર્યાના મૃતદેહની ખાનગીમાં રાત્રે અંતિમ વિધિ કરી દીધી. જેના કારણે બધાને શંકા ગઈ કે કંઈક તો ખોટું થયું છે. અમે સ્મશાનમાં તપાસ કરી તો ખબર પડી કે ભાવેશ અને દિલીપ દીકરીનો મૃતદેહ ગોદડીમાં છુપાવીને લાવ્યા હતા અને એને ચેપી રોગ થયો છે, ગામમાં રોગ ના ફેલાય એટલે એને અગ્નિદાહ આપવો પડે એમ છે એવું કહીને અંતિમ સંસ્કાર કર્યા હતા."
ભાવેશ અકબરી સાથે સુરતમાં વેપાર કરતાં એક વેપારી દિનેશ સુતરીયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ભાવેશ પહેલેથી કેટલીક માનતાઓ માનતો હતો. એની દીકરી નવમા ધોરણમાં ભણતી હતી. અચાનક એને ત્રણ મહિના પહેલાં સુરતની સ્કૂલમાંથી ઉઠાડીને ગામડે લઈ ગયો હતો. ત્યારે અમને પણ નવાઈ લાગી હતી કે લોકો બાળકોને શહેરમાં ભણવા લાવે અને આ દીકરીને ગામડે કેમ મૂકી આવ્યો."
તેઓ આગળ જણાવે છે કે, "એ જયારે નવરાત્રિમાં પોતાના ગામડે અનુષ્ઠાન કરવા માટે જવા નીકળ્યો ત્યારે એની પત્ની કપિલાને લીધા વગર ગયો એની નવાઈ લાગી હતી, પણ એ પોતાની દીકરીને તાંત્રિક વિદ્યા કરીને મારી નાખવાનું કૃત્ય કરશે એ અમારી કલ્પના બહારની વાત છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













