કફ સિરપ : ગાંબિયામાં પોતાનાં નાનાં ભૂલકાઓને ગુમાવનાર માતાઓ માગી રહી છે ન્યાય

ઇમેજ સ્રોત, OMAR WALLY
- લેેખક, ઓમાર વૉલી
- પદ, બંજુલ, ગાંબિયા

- ગાંબિયામાં કફ સિરપ પીધા બાદ 66 બાળકોનાં મૃત્યુ થયાં હતાં
- ભારતીય કંપની દ્વારા બનાવેલ કફ સિરપ પીધા બાદ થયાં મૃત્યુ
- ઘટના બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચાર કફ સિરપને લઈને ઍલર્ટ કર્યું જાહેર
- મૃત બાળકોના પરિવારજનોની માત્ર એક માગ, "અમને ન્યાય આપો"
- સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર હરિયાણા સરકારે આ કફ સિરપ બનાવનાર કંપનીના ઉત્પાદનને સંપૂર્ણ રીતે બંધ કરવાનો આદેશ આપ્યો છે.

મરિયમ કુયાતેહના ઘરનાં ખૂણાંમાં એક લાલ રંગની રમકડાની બાઇક પડી છે.
આ તેમના દોઢ વર્ષના પુત્ર મૂસા માટે હતી, પણ સપ્ટેમ્બર મહિનામાં તેનું મૃત્યુ થયું છે.
વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર, મૂસા એ 66 બાળકોમાંથી એક છે, જેનું કફ સિરપ પીધા બાદ તબિયત બગડતા મૃત્યુ થયું છે.
પરિવારમાં કોઈ પણ મૂસાનાં રમકડાં અડકી રહ્યા નથી કારણ કે તે મૂસાની યાદ અપાવે છે.
મૂસા સહિત ચાર બાળકો ધરાવતાં તેનાં 30 વર્ષીય માતા મૂસા સાથે બનેલી ઘટનાને લઈને દુ:ખમાં છે અને તેમના આંસુ રોકાઈ રહ્યા નથી.
ગાંબિયાના સૌથી મોટા શહેર સેરેકુંડામાં રહેતાં કુયાતેહ જણાવે છે કે મૂસાની બીમારી એક ફ્લૂ સ્વરૂપે શરૂ થઈ હતી. એક ડૉક્ટરે તપાસ્યા બાદ તેમના પતિ તેના ઇલાજ માટે એક સિરપ લઈ આવ્યા હતા.
તેમણે કહ્યું, "જ્યારે અમે તેને સિરપ આપ્યું, તો ફ્લૂ બંધ થઈ ગયો પણ તેનાંથી વધુ એક સમસ્યા શરૂ થઈ. મારો દીકરો યુરિન પાસ કરી શકતો ન હતો."
તેઓ પાછા હૉસ્પિટલ ગયા, જ્યાં મૂસાનું રક્તપરિક્ષણ કરવામાં આવ્યું. તેમાં મેલેરિયા પણ ન હોવાનું જાણવા મળ્યું. તેમણે આ સમસ્યા માટે અન્ય એક ઉપચાર સૂચવ્યો હતો અને છેવટે એક કૅથેટર લગાવવામાં આવ્યું. તેમ છતાં પણ કોઈ સુધારો ન થયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અંતે મૂસાનું ઑપરેશન પણ હાથ ધરવામાં આવ્યું. જે બાદ પણ તબિયત ન સુધરી.
"તે ન બચી શક્યો. એ મૃત્યુ પામ્યો."

જુદાજુદા ચાર સિરપને લઈને ઍલર્ટ

ઇમેજ સ્રોત, KUYATEH FAMILY
આ અઠવાડિયાની શરૂઆતમાં વિશ્વ આરોગ્ય સંગઠને ગાંબિયામાં થયેલાં મૃત્યુ સંદર્ભે ચાર કફ સિરપ પર વૈશ્વિક ઍલર્ટ જાહેર કર્યું હતું.
ડબલ્યૂએચઓએ કહ્યું કે પ્રોમેથાઝિન ઓરલ સૉલ્યુશન, કોફેક્સમાલિન બેબી કફ સિરપ, મકૉફ બેબી કફ સિરપ અને મૅગ્રીપ એન કોલ્ડ સિરપ એક ભારતીય કંપની મૅડેન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા બનાવવામાં આવેલ છે, જે સુરક્ષાની ગૅરેન્ટી આપવામાં નિષ્ફળ ગયા છે.
ભારત સરકાર આ મામલે તપાસ કરી રહી છે. ફાર્મા કંપનીએ ટિપ્પણી માટે બીબીસીના અનુરોધનો જવાબ આપ્યો ન હતો.
ગાંબિયામાં જે કાંઈપણ થયું તેને લઈને લોકોમાં ભારે રોષ છે.
દેશમાં દવાઓના આયાતકારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સાથેસાથે સ્વાસ્થ્યમંત્રી ડૉ. અહમદો લામિન સમતેહના રાજીનામાંની માગ વધી રહી છે.
મૂસાના માતા કુયાતેહ કહે છે, "છાસઠ એક મોટો આંકડો છે. એટલે ન્યાયની જરૂર છે કારણ કે પીડિત માસૂમ બાળકો હતાં."
ગાંબિયામાં દવાની તપાસ માટે એક પણ લૅબોરેટરી નહીં

ઇમેજ સ્રોત, OMAR WALLY
પાંચ મહિનાની આયશાનું પણ કફ સિરપ પીધા બાદ મૃત્યુ થયું છે.
તેમનાં માતા મરિયમ સિસાવોને એક સવારે ખ્યાલ આવ્યો કે ખાંસીની દવા પીધા પછી તેમનું બાળક યુરિન પાસ કરી રહ્યું નથી.
હૉસ્પિટલમાં શરૂઆતના સમયમાં તેમને જણાવવામાં આવ્યું કે તેમની બાળકીના મૂત્રાશયમાં કોઈ ખામી નથી. આયશાને રાજધાની બંજુલના એક હૉસ્પિટલમાં રિફર કરતાં પહેલાં સતત બે દિવસ એ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી.
પણ ઘરથી 36 કિલોમીટર દૂર આવેલા હૉસ્પિટલમાં પાંચ દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું.
તેઓ કહે છે, "મારી દીકરીનું દર્દનાક મૃત્યુ થયું છે. ડૉક્ટરોએ યોગ્ય સમયે એક ડ્રિપ લગાવવી જોઈતી હતી. ત્યારે તેમને આયશાના હાથની નસ મળતી ન હતી. અમારા વૉર્ડમાં મારા સિવાય અન્ય એક મહિલાએ પણ પોતાનું બાળક ગુમાવ્યું છે."
ગાંબિયાના સ્વાસ્થ્ય સેવા નિદેશક મુસ્તફા બિટ્ટેએ બીબીસીના 'ફોકસ ઑન આફ્રિકા' કાર્યક્રમમાં જણાવ્યું કે, "દવાઓ સુરક્ષિત છે કે નહીં, તેની તપાસ કરવા માટે ગાંબિયામાં એક પણ લૅબોરેટરી નથી. જેથી તેને તપાસ માટે વિદેશ મોકલવામાં આવશે."
શુક્રવારે રાષ્ટ્રતિ અદામા બૅરોએ ટૅલિવિઝન પર કરેલાં રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં કહ્યું કે દેશમાં દવાઓની તપાસ માટેની લૅબોરેટરી તૈયાર કરવાની યોજના બનાવી છે અને સ્વાસ્થ્ય મંત્રાલયને આયાત કરવામાં આવતી દવાઓ માટે કાયદા અને દિશાનિર્દેશોની સમીક્ષા કરવાની પણ સૂચના આપી છે.
મરિયમ સિસાવોનું માનવું છે કે સરકારે વધુ સતર્ક રહેવું જોઈતું હતું.
તેમણે કહ્યું, "આ માતા-પિતા માટે આંખ ઉઘાડવાનો કિસ્સો છે પણ સૌથી મોટી જવાબદારી સરકારની છે. કોઈ પણ દવા દેશમાં આવે તે પહેલાં તેની પૂરતી તપાસ થવી જોઈએ. જેથી બાદમાં આ પ્રકારની તકલીફ ન પડે."
'...તો ઘણાં બાળકોને બચાવી શકાયાં હોત'

ઇમેજ સ્રોત, OMAR WALLY
ઇસાતો ચામ પોતાના અઢી વર્ષીય પુક્ષ મોહમ્મદનાં મૃત્યુ વિશે વાત કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી.
તેઓ પોતાનાં અન્ય બે બાળકો સાથે રડતાંરડતાં સેરેકુંડામાં પોતાના ઘરમાંથી બહાર ચાલ્યાં ગયાં.
મોહમ્મદના પિતા અલિઉ કિજારે જણાવ્યું કે તેમના સૌથી નાના પુત્ર સાથે શું થયું હતું?
તેમણે કહ્યું કે મોહમ્મદને તાવ આવતા હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને તેને યુરિન પાસ થતું ન હતું. પણ ડૉક્ટર મોહમ્મદની મૅલેરિયાની સારવાર કરી રહ્યા હતા અને તેમની તબિયત સતત લથડી રહી હતી.
ત્યારે તબીબોએ કહ્યું કે મોહમ્મદની સારવાર પાડોશી સેનેગલમાં કરાવવી જોઈેએ. સેનેગલમાં સ્વાસ્થ્ય સુવિધાઓ સારી હોવાનું માનવામાં આવે છે. પણ ત્યાં તબિયતમાં થોડો ઘણો સુધારો થયા બાદ પણ મોહમ્મદનો જીવ ન બચી શક્યો.
અલિઉ કિજેરા એ વાતથી નારાજ છે કે તેમના દેશમાં પૂરતી સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ નથી અને તેમણે વિદેશયાત્રા કરવા મજબૂર થવું પડ્યું હતું.
તેઓ કહે છે, "જો યોગ્ય ઉપકરણો અને દવાઓ હોત તો મારા પુત્ર સહિત અન્ય ઘણા બાળકોને બચાવી શકાય તેમ હતાં."
બીજી તરફ ભારતમાં હરિયાણા સરકારે ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા ચાર ઇન્સપેક્શનના આધારે ઉત્પાદનની પ્રક્રિયાના ઉલ્લંઘન અને દસ્તાવેજોમાં કમીને ધ્યાનમાં રાખીને કંપનીમાં ઉત્પાદન સંપૂર્ણ રીતે બંધ કરવાનો આદેશ આપ્યો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













