મશરૂમ : ઝેરી મશરૂમને કેવી રીતે ઓળખવાં? શું હોય છે મશરૂમની ખાસિયતો?

    • લેેખક, શાલિનીકુમારી
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં મશરૂમ ખાવાનું ચલણ વધી રહ્યું છે. તે લોકોનાં ઘરોમાં શાકભાજીની સાથે પોતાનું સ્થાન જમાવતું રહ્યું છે. પરંતુ મશરૂમને દુકાનોમાંથી ખરીદવાના બદલે કેટલાક લોકો જાતે જંગલમાં જઈને પણ તોડી લાવતા હોય છે. એવા કિસ્સામાં ઘણી વાર ઝેરી મશરૂમથી થનારાં મૃત્યુના સમાચારો જાણવા મળે છે.

આવો જ એક તાજો કિસ્સો ગત અઠવાડિયે આસામમાં બન્યો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ઝેરી મશરૂમ ખાવાના કારણે 13 લોકોનાં મૃત્યુ થયાં છે.

આસામ મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ (એએમસીએચ)ના અધ્યક્ષ ડૉક્ટર પ્રશાંત દિહિંગિયાએ જણાવ્યું કે બધા અસરગ્રસ્તોએ પોતાના ઘરે જંગલી ઝેરી મશરૂમને સામાન્ય મશરૂમ સમજીને ખાધાં હ
ઇમેજ કૅપ્શન, આસામ મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ (એએમસીએચ)ના અધ્યક્ષ ડૉક્ટર પ્રશાંત દિહિંગિયાએ જણાવ્યું કે બધા અસરગ્રસ્તોએ પોતાના ઘરે જંગલી ઝેરી મશરૂમને સામાન્ય મશરૂમ સમજીને ખાધાં હ

આસામ મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ (એએમસીએચ)ના અધ્યક્ષ ડૉક્ટર પ્રશાંત દિહિંગિયાએ જણાવ્યું કે બધા અસરગ્રસ્તોએ પોતાના ઘરે જંગલી ઝેરી મશરૂમને સામાન્ય મશરૂમ સમજીને ખાધાં હતાં.

ડૉ. દિહિંગિયાએ કહ્યું કે, "આ મશરૂમને ખાધા પછી એ બધાને જીવ ચૂંથાવો, ઊલટી અને પેટમાં ચૂંક જેવી ફરિયાદો થઈ હતી. જ્યારે તબિયત વધારે બગડવા લાગી ત્યારે સારવાર માટે એમને એએમસીએચમાં લાવવામાં આવ્યા હતા."

એમણે જણાવ્યું કે, દર વર્ષે આવા કેસ આવે છે અને મોટા ભાગના કેસ ચાના બગીચાવાળા વિસ્તારમાંથી આવે છે.

તેમણે જણાવ્યું કે, "કેટલીક વાર લોકો વાઇલ્ડ એટલે કે જંગલી મશરૂમ અને સામાન્ય મશરૂમ વચ્ચેનો તફાવત સમજી શકતા નથી, તેથી ભૂલથી ઝેરી મશરૂમ ખાઈ જાય છે."

ડૉ. દિહિંગિયાએ કહ્યું કે એ બાબતે લોકોમાં જાગરૂકતા લાવવાની જરૂર છે. પરંતુ હાલ તો આ મુદ્દે વધારે કામ નથી થતું.

line

શરીરનાં કયાં અંગો પર અસર થાય છે?

ઝેરી મશરૂમ ખાવાથી થનારી તકલીફો
ઇમેજ કૅપ્શન, ઝેરી મશરૂમ ખાવાથી થનારી તકલીફો

ઝેરી મશરૂમ ખાવાથી થનારી તકલીફો વિશે વાત કરતાં ડૉ. દિહિંગિયાએ કહ્યું કે, "કેટલાંક મશરૂમ એવાં છે જેની અસર લીવર અને કિડની પર થાય છે. ક્યારેક ક્યારેક દર્દી હૉસ્પિટલમાં મોડા પહોંચે છે અને દવાઓ લીધા છતાં બચી શકતા નથી."

એમણે જણાવ્યું કે કેટલાક કિસ્સામાં મશરૂમના ટૉક્સિનની તાત્કાલિક અસર શરીર પર નથી થતી પરંતુ 4-5 દિવસ પછી ધીરે ધીરે એની અસર દેખાવા લાગે છે.

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (આઇસીએઆર)ના ઇન્ડિયન ફાર્મર્સ ડાઇજેસ્ટ અનુસાર મોટા ભાગના કિસ્સામાં રંગ અને રૂપ સરખાં હોવાના કારણે ઝેરી મશરૂમને ઓળખવામાં ભૂલ થઈ જાય છે.

એમાં જોવા મળતો સૌથી ખતરનાક પદાર્થ છે એમાનિટિન. તે ડેથ કૅપ અને ડેસ્ટ્રૉઇંગ ઍન્જલ નામના મશરૂમમાં જોવા મળે છે. સાથે જ, નાના વાદળી રંગનાં મશરૂમોમાં પણ એ જોવા મળે છે. મશરૂમથી થનારાં મોટા ભાગનાં મૃત્યુમાં એમાનિટિન કારણરૂપ હોય છે.

line

ઝેરી મશરૂમને ઓળખવામાં કઈ રીતે ભૂલ થાય છે?

ઝેરી મશરૂમને ઓળખવાં મુશ્કેલ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઝેરી મશરૂમને ઓળખવાં મુશ્કેલ છે

આઇસીએઆર અનુસાર, ઝેરી મશરૂમને ઓળખવાં મુશ્કેલ છે. મશરૂમ અંગેની કેટલીક ધારણાઓ છે જેનાથી સામાન્ય રીતે લોકો ઝેરી મશરૂમોને ઓળખતા રહ્યા છે, પરંતુ પેપર અનુસાર આ ધારણાઓના આધારે ઝેરી મશરૂમને ચોક્કસપણે ઓળખી ન શકાય.

એમાંની એક રીત એવી હતી, જેમાં મશરૂમના રંગથી ઓળખવામાં આવે કે તે ઝેરી છે કે નહીં.

એવી માન્યતા છે કે ચમકદાર રંગનાં મશરૂમ ઝેરી હોય છે પરંતુ દુનિયાના મોટા ભાગનાં ઝેરી મશરૂમના રંગ વાદળી કે સફેદ છે. ડેસ્ટ્રૉઇંગ ઍન્જલનો રંગ બિલકુલ સફેદ છે. એમાનિટિનવાળા મશરૂમનો રંગ ચમકદાર નારંગી કે સફેદ હોઈ શકે છે.

લોકો એવું પણ માનતા હતા કે ઝેરી મશરૂમ જ્યારે ચાંદી સાથે ભળે છે (મુકાય છે) ત્યારે ચાંદી કાળી પડી જાય છે પરંતુ હજી સુધી એ સાબિત નથી થઈ શક્યું. સાથે જ, લોકો એવું પણ માને છે કે જો મશરૂમની કૅપ એટલે ઉપરનો ભાગ અણીદાર હોય તો તે ઝેરી છે, પરંતુ જો ડેથ કૅપ મશરૂમની વાત કરીએ તો એનો આકાર અણીદાર નહીં બલકે ગોળ છે.

line

કઈ બાબતોનું ધ્યાન રાખી શકાય?

લોકો મશરૂમનો ઉપયોગ સ્ટાર્ટરની જેમ કરે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લોકો મશરૂમનો ઉપયોગ સ્ટાર્ટરની જેમ કરે છે

ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ ડૉક્ટર નૂપુરે જણાવ્યું કે "ક્યારેક-ક્યારેક લોકો મશરૂમનો ઉપયોગ સ્ટાર્ટરની જેમ કરે છે અને લોકો દારૂની સાથે મશરૂમવાળી ડિશ ખાઈ લે છે, જે ખતરનાક બની શકે છે."

એમણે એમ પણ જણાવ્યું કે ક્યારેક-ક્યારેક સામાન્ય મશરૂમ ખાવાથી પણ ફૂડ પૉઇઝન થઈ શકે છે.

એમણે કહ્યું કે, "સાત વર્ષથી નાનાં બાળકોને મશરૂમ ન ખવડાવવાં જોઈએ કેમ કે એમના શરીરમાં એ ઉંમર સુધીમાં ઍન્ઝાયમ્ઝ નથી બનતાં જે મશરૂમને પચાવી શકે."

ડૉક્ટર નૂપુરે જણાવ્યું કે જો તમે કોઈ મશરૂમને તાજાં જ તોડી લાવ્યાં હો તો 48 કલાકની અંદર જ એને ખાઈ લેવાં જોઈએ.

એમણે કહ્યું કે, "મશરૂમનું ઉત્પાદન હમેશાં એક નિયંત્રિત વાતાવરણમાં થાય છે, તેથી તમે કોઈ પણ મશરૂમને જંગલમાંથી તોડી લાવીને ના ખાઈ શકો કેમ કે તે ખતરનાક સાબિત થઈ શકે છે."

line

મશરૂમ કેમ આટલાં મહત્ત્વનાં હોય છે?

વાસ્તવમાં મશરૂમ શું હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાસ્તવમાં મશરૂમ શું હોય છે?

વાસ્તવમાં મશરૂમ શું હોય છે? ડૉક્ટર નૂપુરે જણાવ્યું કે તે એક પ્રકારની ફૂગ છે જે બૅક્ટેરિયા ઉત્પન્ન કરે છે, જે હવાથી ફેલાય છે. મશરૂમ માટી કે લાકડાં પર ઊગતાં રહે છે.

મશરૂમને ઘણાં વર્ષોથી ખાવામાં આવે છે. આજકાલ એનું વધારે પ્રચલન છે કેમ કે એને સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. એમાં કૉલેસ્ટ્રોલ અને ફૅટ નથી. સાથે જ મશરૂમમાં પોટેશિયમ, વિટામિન-ડી, ફાઇબર, સિલીનિયમ જેવાં પોષક તત્ત્વ પણ હોય છે.

તે પ્રતિરોધક ક્ષમતાને સુધારે છે. કેટલાક પ્રકાર એવા છે જે ડીએનએને થતા નુકસાનને અટકાવીને કૅન્સર સામે રક્ષણ આપતી દીવાલ રચે છે.

કેટલાક એવા પુરાવા પણ છે જે બતાવે છે કે અલ્ઝાઇમર્સ જેવી બીમારીઓ સામે લડવામાં પણ મશરૂમ ઉપયોગી થઈ શકે છે.

મશરૂમની લગભગ 2000 કરતાં પણ વધારે પ્રજાતિઓ ઉપલબ્ધ છે પરંતુ એમાંથી માત્ર 25 પ્રજાતિઓને જ ખાઈ શકાય છે. ભારતમાં મશરૂમનું ઉત્પાદન 1970ના દાયકાથી શરૂ થયું છે.

2012ની એગ્રીકલ્ચર યર બુક અનુસાર લગભગ 1000 વર્ષ પહેલાં ચીનના લોકોએ મશરૂમની ખેતી શરૂ કરી હતી પરંતુ એનો વેપાર કરનારા લોકો યુરોપના હતા. એમણે 16મી અને 17મી સદીમાં બટન મશરૂમ ઉગાડવાનું શરૂ કર્યું હતું.

line

મશરૂમની ખેતી કઈ રીતે થાય છે?

સરકારી આંકડા અનુસાર વર્ષ 2019-20માં ભારતમાં 2,01,088 ટન પાક થયો હતો. સૌથી વધુ પાક હરિયાણા (20,050 ટન)માં થયો હતો. આ યાદીમાં હરિયાણા પછી ઓડિશા અને મહારાષ્ટ્રનું નામ છે.

દુનિયાની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સંસ્થા ફૂડ ઍન્ડ એગ્રિકલ્ચર ઑર્ગનાઇઝેશનના 2018ના આંકડા અનુસાર ચીનનો નંબર સૌથી ઉપર આવે છે. ત્યાર બાદ અમેરિકા અને નેધરલૅન્ડ્સ આવે છે.

ભારતમાં બટન મશરૂમ અને ઑયસ્ટર મશરૂમ વધારે પ્રચલિત છે. પૅડી સ્ટ્રૉ મશરૂમ અને મિલ્કી મશરૂમ પણ અહીં જોવા મળે છે.

જો બટન મશરૂમની વાત કરીએ તો નૅશનલ હૉર્ટિકલ્ચર બોર્ડ અનુસાર પારંપરિક રીતે ઠંડીની ઋતુમાં ભારતના ઉત્તર-પશ્ચિમ વિસ્તાર કે પહાડોમાં આ મશરૂમ્સને ઉગાડવામાં આવે છે. એના પાકમાં છથી નવ મહિના થાય છે. પરંતુ હવે તકનીકી વિકાસના કારણે કોઈ પણ ઋતુમાં અને ક્યાંય પણ એને ઉગાડી શકાય છે.

ઑયસ્ટર મશરૂમ વર્ષની છથી આઠ મહિનાની અવધિ દરમિયાન મધ્યમ તાપમાન (એટલે કે 20થી 30 ડિગ્રી તાપમાન)માં ઉગાડવામાં આવે છે. એને ઉનાળામાં પણ ઉગાડી શકાય છે. આ મશરૂમની ખેતી ગ્રામીણ ક્ષેત્રોમાં ખૂબ સરળ અને વાજબી છે, જ્યાં કાચા માલ અને આવશ્યક સગવડો આસાનીથી ઉપલબ્ધ છે.

મશરૂમની ખેતી માટે કમ્પોસ્ટ તૈયાર કરવું પડે છે. આ ખાતરને વિશેષ રીતે બનાવવામાં આવે છે. ઘઉંના પરાળ અને ચિકનના ખાતર સમેત અન્ય વસ્તુઓનો પણ ઉપયોગ કરાય છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન