ઇઝરાયલ વિરુદ્ધ ઈરાન : કોની પાસે વધારે હથિયારો છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આરિફ શમીમ
- પદ, બીબીસી ઉર્દૂ
(ઇઝરાયલે 13 જૂને ઈરાનના 'અણુ કાર્યક્રમ' સાથે સંકળાયેલાં મથકો પર હુમલા કર્યા છે. ઇઝરાયલે તેને 'ઑપરેશન રાઇઝિંગ લાયન' નામ આપ્યું છે. ઈરાનના સરકારી મીડિયા મુજબ ઇઝરાયલે તહેરાન અને અન્ય બીજાં શહેરોમાં રહેણાક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ)ના પ્રવક્તાએ જણાવ્યું છે કે ઈરાને લગભગ 100 ડ્રોન ઇઝરાયલના પ્રદેશ તરફ છોડ્યાં છે. આ અહેવાલ ગત વર્ષે એપ્રિલમાં પ્રકાશિત થયો હતો. તાજેતરના સંઘર્ષ બાદ અમે આ કહાણી ફરી પ્રકાશિત કરીએ છીએ.)
ઇઝરાયલે ઈરાન પર કરેલા હુમલાને કારણે મધ્ય પૂર્વમાં તણાવનો ખતરો વધી ગયો છે.
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામનેઈએ ઇઝરાયલના હુમલા પર કહ્યું કે "તેને આની સજા ભોગવવી પડશે."
તેમણે ઍક્સ પર લખ્યું છે કે "તે (ઝાયનિસ્ટ) સરકારે આકરી સજાની અપેક્ષા રાખવી જોઈએ. ઈરાનની સશસ્ત્ર સેના આ હુમલાનો જવાબ આપ્યા વગર છોડશે નહીં."
હુમલા પછી તરત ઇઝરાયલે દેશમાં કટોકટી જાહેર કરી દીધી હતી. ઈરાન આ હુમલાનો બદલો લેશે તેવી આશંકા છે.
ઈરાન કે ઇઝરાયલ: કોની સૈન્ય તાકાત વધારે છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીએ કેટલાંક સૂત્રો થકી આ વિશે પડતાળ કરવાની કોશિશ કરી કે ઈરાન અને ઇઝરાયલમાં કોની સૈન્ય તાકાત મજબૂત છે. જોકે, આ બન્ને દેશોએ પોતાની કેટલીક ક્ષમતાઓને છુપાવી રાખી છે.
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રેટેજિક સ્ટડીઝે બન્ને દેશોનાં હથિયારો, મિસાઇલો અને હુમલો કરવાની શક્તિની તુલના કરી છે.
આ માટે વિભિન્ન પ્રકારનાં આધિકારિક અને સાર્વજનિક સ્રોતોનો ઉપયોગ કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાંક અન્ય સંગઠનો જેવા કે સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ દેશોના સૈન્ય ક્ષમતાનું આકલન કરે છે. જોકે, જે દેશો પોતાની સૈન્ય ક્ષમતાના આંકડાઓ જાહેર નથી કરતા તેના વિશે આકલન કરવું મુશ્કેલ છે.
જોકે, પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑસ્લોના નિકોલસ માર્સે કહ્યું કે સૈન્ય ક્ષમતાના આકલનના મામલામાં આઈઆઈએસએસને બેન્ચમાર્ક માનવામાં આવે છે.
આઈઆઈએસએસ પ્રમાણે ઈરાનની તુલનામાં ઇઝરાયલનું રક્ષા બજેટ સાત ગણું વધારે છે.
આ કારણે કોઈ પણ પ્રકારની લડાઈમાં ઇઝરાયલનો પક્ષ વધારે મજબૂત દેખાય છે.
આઈઆઈએસએસ પ્રમાણે ઈરાનનું રક્ષા બજેટ 2022 અને 2023માં 7.4 અબજ ડૉલરનું હતું.
જોકે, ઇઝરાયલનું રક્ષા બજેટ લગભગ 19 અબજ ડૉલર છે.
ઇઝરાયલનું રક્ષા બજેટ જીડીપીની તુલનામાં ઈરાન કરતા બે ગણું છે.
ટેકનૉલૉજીની દૃષ્ટીએ કયો દેશ વધારે શક્તિશાળી?

ઇમેજ સ્રોત, Getty Images
આઈઆઈએસએસના આંકડાઓ પ્રમાણે, ઇઝરાયલ પાસે હુમલાઓ કરવા માટે 340 લડાયક વિમાનો છે. ઇઝરાયલ આ કારણે ચોક્કસ હુમલાઓ કરવા માટે વધારે સારી સ્થિતિમાં છે. ઇઝરાયલ પાસે એક એફ-15 છે જે વધારે દૂર સુધી હુમલાઓ કરી શકે છે.
ઇઝરાયલ પાસે રડારમાં ન આવે અને છુપાઈને હુમલાઓ કરી શકે તેવા એફ-35 લડાયક વિમાનો પણ છે. તેની પાસે ઝડપથી હુમલાઓ કરી શકે તેવા હેલિકૉપ્ટરો પણ છે.
આઈઆઈએસએસનું આકલન છે કે ઈરાન પાસે 320 લડાયક વિમાનો છે. ઈરાન પાસે 1960ના દાયકાના લડાયક વિમાનો પણ છે, જેમાં એફ-4એસ, એફ-5એસ અને એફ-14એસ જેવાં વિમાનો પણ સામેલ છે. (1986માં આવેલી ટૉપ ગન ફિલ્મને કારણે આ વિમાનો પ્રખ્યાત થયા હતા.)
જોકે, પીઆરઆઈઓના નિકોલસ માર્શનું કહેવું છે કે એ સ્પષ્ટ નથી કે આ જૂનાં વિમાનોમાંથી કેટલાં વિમાનો ઊડી શકે છે કારણ કે તેમના રિપેરિંગ માટેના ભાગો મંગાવવા ખૂબ જ મુશ્કેલ છે.
આયરન ડોમ અને ઍરો સિસ્ટમ

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલની સેનાની કરોડરજ્જુ તેની આયર્ન ડોમ અને ઍરો સિસ્ટમ છે.
મિસાઇલ ઇજનેર દેશના રક્ષા મંત્રાલય હેઠળ કામ કરતા ઇઝરાયલ મિસાઇલ ડિફેન્સ ઑર્ગેનાઇઝેશનનાં સંસ્થાપક છે.
જેરૂશલમ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રેટેજી ઍન્ડ સિક્યૉરિટીમાં વરિષ્ઠ સંશોધક રહમાને બીબીસીને કહ્યું કે ગયા શનિવારે જ્યારે આયરન ડોમ અને ઇઝરાયલના સહયોગી દેશોએ મળીને ઈરાન તરફથી કરેલા મિસાઇલ અને ડ્રોન હુમલાઓને નિષ્ફળ કર્યો ત્યારે તેમણે તેઓ કેટલા સુરક્ષિત છે તેનો અનુભવ કર્યો.
તેમણે કહ્યું, "હું ખૂબ જ ખુશ અને સંતુષ્ટ હતો. તે લક્ષ્યને હિટ કરવામાં એકદમ સચોટ છે. તેની પાસે ઓછી રેન્જ માટે પણ મિસાઇલ ડિફેન્સ છે. આ અન્ય કોઈપણ સિસ્ટમમાં ઉપલબ્ધ નથી."
ઈરાન ઇઝરાયલથી કેટલું દૂર છે?

ઇમેજ સ્રોત, AMIR COHEN / REUTERS
ઇઝરાયલ ઈરાનથી 2100 કિલોમીટર દૂર છે.
ડિફેન્સ આઈના તંત્રી ટિમ રિપ્લેએ બીબીસીને જણાવ્યું કે ઇઝરાયલે ઈરાન પર હુમલો કરવો હોય તો તેને મિસાઇલોનો ઉપયોગ કરવો પડશે.
ઈરાનનો મિસાઇલ પ્રોગ્રામ મધ્ય પૂર્વનો સૌથી મોટો અને સૌથી વધારે વિવિધતા ધરાવતો મિસાઇલ પ્રોગ્રામ માનવામાં આવે છે.
અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડનાં જનરલ કેનેથ મૈકેન્જીએ 2022માં કહ્યું હતું કે ઈરાન પાસે 3000થી વધારે બૅલેસ્ટિક મિસાઇલો છે.
સીએસઆઈએસ મિસાઇલ ડિફેન્સ પ્રોજેક્ટે આપેલી માહિતી પ્રમાણે ઇઝરાયલ કેટલાય દેશોને મિસાઇલોની નિકાસ પણ કરે છે.
ઈરાનની મિસાઇલો અને ડ્રોન

ઇમેજ સ્રોત, EPA
ઈરાને પોતાની મિસાઇલ સિસ્ટમ અને ડ્રોન પર ઘણું કામ કર્યું છે. ઈરાને ખાસ કરીને 1980થી 1988 વચ્ચે પાડોશી દેશ ઇરાક સાથે થયેલા યુદ્ધ દરમિયાન કામ કરવાનું શરૂ કર્યું.
ઈરાને નાની રેન્જની મિસાઇલો અને ડ્રોન વિકસાવ્યા. ઇઝરાયલ પર હાલમાં કરવામાં આવેલા હુમલામાં આ જ પ્રકારની મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સાઉદી અરેબિયા પર હૂતી લડવૈયાઓ તરફથી કરેલા મિસાઇલ હુમલાઓનો અભ્યાસ કરીને વિશ્લેષકોનું કહેવું છે કે આ મિસાઇલો ઈરાનમાં જ બની હતી.
લાંબી રેન્જના હુમલા કરવાની રીતો

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડિફેન્સ આઈના ટિમ રિપ્લેએ કહ્યું, "એ વાતની સંભાવના ઘણી ઓછી છે કે ઇઝરાયલ ઈરાન સાથે જમીન પર લડાઈ લડશે. ઇઝરાયલની સૌથી મોટી તાકાત તેની વાયુસેનાની ક્ષમતા અને ગાઇડેડ હથિયાર છે. આ કારણે તેની પાસે ઈરાનના મહત્ત્વપૂર્ણ ઠેકાણાઓ પર હવાઈ હુમલાઓ કરવાની ક્ષમતા છે."
તેમણે ઉમેર્યું કે ઇઝરાયલ તરફથી આ હુમલાઓ થકી ઈરાનના મુખ્ય અધિકારીઓ અને તેલના કૂવાઓને નિશાનો બનાવવની શક્યતાઓ વધારે છે.
રિપ્લેએ કહ્યું, "હુમલો ત્યાં કરો જેને કારણે સૌથી વધારે નુકસાન થાય. ઇઝરાયલની સેનાના અધિકારીઓ હંમેશાં આ નીતિનો ઉપયોગ કરે છે. આ તેમના યુદ્ધના સિદ્ધાંતનો ભાગ છે. તેઓ પોતાના વિરોધીઓને એટલું નુકસાન પહોંચાડવા માંગે છે કે વિરોધીઓ ઇઝરાયલ પર હુમલો કરતા પહેલાં બે વાર વિચારશે."
ઇઝરાયલે આ પહેલાં પણ હુમલાઓ કરીને સેનાના કેટલાય હાઈ પ્રોફાઇલ અધિકારીઓ અને રાજકીય નેતાઓને માર્યા હતા. સીરિયાના પાટનગર દમાસ્કસમાં તારીખ પહેલી એપ્રિલે ઈરાનના વાણિજ્ય દૂતાવાસ પર કરવામાં આવેલો હુમલો પણ સામેલ છે. ઈરાને આ હુમલા પછી જ ઇઝરાયલ પર હુમલાઓ શરૂ કર્યા છે.
ઇઝરાયલે ઈરાનના મુખ્ય નાગરિકો અને સૈન્ય અધિકારીઓ પર હુમલાઓની જવાબદારી ક્યારેય લીધી નથી. જોકે, આ વાતનો અસ્વીકાર પણ નથી કર્યો.
નૌકાદળની તાકાત

ઇમેજ સ્રોત, IRGC HANDOUT / REUTERS
આઈઆઈએસએસના રિપોર્ટ પ્રમાણે ઈરાનની નૌસેનાનું આધુનિકીકરણ કરવામાં આવ્યું નથી.
ઈરાન પાસે 220 જહાજો છે, જ્યારે ઇઝરાયલ પાસે 60 જહાજો છે.
સાઇબર હુમલાઓ
ઇઝરાયલ પર જો સાઇબર હુમલાઓ થયા તો તેને વધારે નુકસાન થશે. કારણ કે ઈરાન પાસે વધારે આધુનિક ડિફેન્સ સિસ્ટમ ટેકનૉલૉજી નથી.
આ કારણે જ જો ઇઝરાયલની સેના પર સાઇબર હુમલાઓ થાય તો ઈરાનને ફાયદો થઈ શકે છે.
ઇઝરાયલ સરકારના રાષ્ટ્રીય સાઇબર નિદેશાલયે કહ્યું, "પહેલાંની તુલનામાં સાઇબર હુમલાઓની તીવ્રતા વધારે હોઈ શકે છે. આ હુમલાઓ ત્રણ ગણા ઝડપી થઈ શકે છે અને દેશના દરેક સેક્ટર પર થઈ શકે છે. કારણ કે યુદ્ધ દરમિયાન ઈરાન અને હિઝબુલ્લાહ વચ્ચે સહયોગ મજબૂત થઈ ગયો છે."
રાષ્ટ્રીય સાઇબર નિદેશાલયના રિપોર્ટ પ્રમાણે 7 ઓક્ટોબર 2023થી લઈને અંત સુધી 3380 સાઇબર હુમલાઓ થયા હતા.
ઈરાનના સિવિલ ડિફેન્સ ઑર્ગેનાઇઝેશનના બ્રિગેડિયર જનરલ ગુલામરઝા જલાલીએ કહ્યું કે ઈરાને હાલમાં થયેલી સંસદીય ચૂંટણી પહેલાં 200 સાઇબર હુમલાઓને નાકામ કર્યા.
ઈરાનના પેટ્રોલ મંત્રી જવાદ ઓજીએ ડિસેમ્બરમાં કહ્યું કે સાઇબર હુમલાઓને કારણે આખા દેશમાં પેટ્રોલ સ્ટેશનો પર મુશ્કેલીઓ આવી હતી.
પરમાણુ ખતરો

ઇમેજ સ્રોત, IRANIAN GOVERNMENT / GETTY IMAGES
એવું માનવામાં આવે છે કે ઇઝરાયલ પાસે પરમાણુ હથિયારો છે. જોકે, ઇઝરાયલ આ વિશે કોઈ ચોક્કસ જાણકારી આપતો નથી.
ઈરાન પાસે પરમાણુ હથિયારો હોવાની શક્યતા ઓછી છે.
જોકે, ઈરાન પર પરમાણુ હથિયારો બનાવવાની કોશિશ કરવાના આરોપો છે. જોકે, ઈરાન આ આરોપોનો અસ્વીકાર કરે છે.
ભૂગોળ અને વસ્તી
ઈરાન ક્ષેત્રફળની દૃષ્ટીએ ઇઝરાયલની તુલનામાં ઘણો મોટો દેશ છે.
ઈરાનની વસ્તી 89 મિલિયન છે જે ઇઝરાયલની વસ્તી 10 મિલિયન કરતા લગભગ દસ ગણી છે.
ઈરાનના સૈનિકોની તુલના ઇઝરાયલની સૈનિક સંખ્યા કરતા છ ગણી વધારે છે.
આઈઆઈએસએસ પ્રમાણે ઈરાનની સેનામાં છ લાખ સક્રિય સૈનિકો છે જ્યારે ઇઝરાયલ પાસે એક લાખ 70 હજાર સક્રિય સૈનિકો છે.
ઇઝરાયલ જવાબી હુમલો કેવી રીતે કરી શકે છે?

ઇમેજ સ્રોત, Reuters
તેલ અવીવ યુનિવર્સિટી સાથે જોડાયેલા મધ્ય પૂર્વના રિસર્ચર ડૉક્ટર રોન્ડસ્કીએ કહ્યું કે ઇઝરાયલે ઈરાનના હુમલા દરમિયાન હાઈ એલર્ટ જાહેર કરીને પોતાની સુરક્ષાની નિષ્ફળતાનો સ્વીકાર કર્યો છે.
પાડોશી દેશોનાં ચરમપથી સંગઠનો ઈરાનની મદદથી ઇઝરાયલના સ્થાપનો પર હુમલાઓ કરે છે. ઇઝરાયલના સ્થાપનો પર આ પ્રકારના હુમલાઓની શંકા છે.
જેન્સ ડિફેન્સમાં મધ્ય પૂર્વના રક્ષા વિશેષજ્ઞ જેરેમી બિનીએ કહ્યું કે ઇઝરાયલ તરત જ જવાબી હુમલાઓ કરશે એ વાતની શક્યતાઓ ઓછી છે.
તેમણે કહ્યું કે ઇઝરાયલ તરત જ હુમલાઓ ન કરવાની સ્થિતિમાં પોતાની પાસે કેટલાક વિકલ્પો ખુલા રાખી શકે છે, જેમ કે સીરિયા અને લેબનાનના કેટલાંક ઠેકાણાઓ પર હુમલા.
ઈરાન કાર્ડ

ઇમેજ સ્રોત, Getty Images
મધ્ય પૂર્વના મામલાઓના નિષ્ણાત તારિક સુલેમાને બીબીસી ઉર્દૂને જણાવ્યું કે આ યુદ્ધનો વિસ્તાર થાય તેની શક્યતાઓ ઓછી છે.
જોકે, તેમણે કહ્યું કે ઇઝરાયલની સંસદ અને કેબિનેટમાં એવા લોકો છે જે યુદ્ધ ઇચ્છે છે. તેઓ આ માટે ઇઝરાયલના વડા પ્રધાન પર દબાણ કરી શકે છે.
તારિક સુલેમાને કહ્યું કે બેન્જામિન નેતન્યાહૂ પણ રાજકીય રૂપે પોતાને નબળી સ્થિતિમાં જોતાની સાથે જ ઈરાન કાર્ડનો ઉપયોગ કરે છે.
હિબ્રૂ યુનિવર્સિટી તરફથી કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં જાણકારી મળી કે સહયોગી દેશો સાથે મળીને ઇઝરાયલની સુરક્ષાને નુકસાન પહોંચાડવામાં આવે તો 75 ટકા ઇઝરાયલી લોકો ઈરાન પર જવાબી હુમલો કરવાની વિરુદ્ધ છે.
ઈરાન અને ઇઝરાયલ પર યુદ્ધનો પડછાયો

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે અત્યાર સુધી સામસામે લડાઈ થઈ નથી. ઇઝરાયલે ઇરાનના કેટલાક મુખ્ય સૈન્ય અને રાજકીય નેતાઓને બીજા દેશોમાં નિશાનો બનાવ્યા હતા. ઈરાને પણ આવા હુમલાઓ કર્યા હતા.
ઇઝરાયલ પર આ પ્રકારના હુમલાઓના આરોપો લાગ્યા છે. બીજી તરફ ઈરાન પરોક્ષ રીતે ઇઝરાયલ પર નિશાનાઓ લગાવે છે.
ઈરાન તરફથી ચરમપંથી સંગઠન હિઝબુલ્લાહ ઇઝરાયલ અને લેબનાનમાં યુદ્ધ લડી રહ્યું છે. ઈરાને હિઝબુલ્લાને સાથ આપવાનો અસ્વીકાર નથી કર્યો. ઈરાન ગાઝામાં હમાસનો પણ સાથ આપે છે.
ઇઝરાયલ અને પશ્ચિમના દેશોનું માનવું છે કે ઈરાન હમાસને શસ્ત્રો, દારૂગોળો અને તાલીમ આપે છે.
યમનના હૂતી ચરમપંથીઓ પણ ઈરાન તરફથી પરોક્ષ રૂપે લડાઈ લડવા માટે જાણીતું છે. સાઉદી અરેબિયાનું કહેવું છે કે તેમના પર જે મિસાઇલો થકી હુમલો થયો તે મિસાઇલો ઈરાનમાં બનેલી હતી.
ઈરાન સમર્થક સંગઠનોની ઈરાક અને સિરિયામાં પણ ભારે અસર છે.
ઈરાન સિરિયાની સરકારનું સમર્થન કરે છે. એ પણ કહેવામાં આવે છે કે ઇઝરાયલ પર થયેલા હુમલામાં સીરિયાની જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.












