મધ્ય પૂર્વના દેશો વચ્ચે વધી રહેલા સંઘર્ષ પાછળ કોણ જવાબદાર છે?

યમનમાં હૂતી વિદ્રોહીઓ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, યમનમાં હૂતીઓના સમર્થકોનું પ્રદર્શન, આ લોકો હૂતી વિદ્રોહીઓને અમેરિકા દ્વારા આતંકવાદી જૂથ જાહેર કરવાનો વિરોધ કરી રહ્યા છે
    • લેેખક, જોસ કાર્લોસ ક્યુટો
    • પદ, બીબીસી ન્યુઝ વર્લ્ડ

ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ એ મધ્ય-પૂર્વના ઇતિહાસમાં સૌથી વધુ સંઘર્ષમય સમય શરૂ થવા માટેનો માત્ર પ્રારંભિક સંકેત હતો.

આ સંઘર્ષ ઉપરાંત, લેબનનમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેની અથડામણો, યમનમાં પશ્ચિમી દેશો અને હૂતી વિદ્ગોહીઓ વચ્ચે સંઘર્ષ, ઈરાને ઇરાક, સીરિયા અને પાકિસ્તાનમાં તેનાં લક્ષિત ઠેકાણાઓ પર કરેલા હુમલાઓ, અને અન્ય ઈરાન તરફી જૂથો દ્વારા અમેરિકા, ઇઝરાયલ અને તેમના સાથીઓ ઉપર હુમલાઓ, વગેરે જેવી તાજેતરમાં બનેલી ઘટનાઓ દ્વારા મધ્યપૂર્વના ક્ષેત્રમાં જાણે કે અંધાધૂંધી વ્યાપેલી છે.

મધ્ય પૂર્વમાં આટલી બધી હિંસાત્મક ઘટનાઓથી મોટાપાયે યુદ્ધ થવાનો ભય છે. એ સિવાય ત્યાંની પરંપરાગત પ્રાદેશિક સત્તાઓમાં પણ ઘણાં સમીકરણો બદલાઈ શકે છે.

એક બાજુ, ઇઝરાયલ અને આરબ દેશો વચ્ચેની દુશ્મનાવટ અને બીજી બાજુ શિયાબહુલ ઈરાન અને સુન્ની બહુલ સાઉદી અરેબિયા વચ્ચેના ધાર્મિક મતભેદો પણ સપાટી પર આવતા રહે છે. જ્યારે ખાડીદેશોના રાજકારણ અને સત્તાઓના કેન્દ્રનો કોયડો ચર્ચવામાં આવે ત્યારે આ બે મુદ્દાઓ કેન્દ્રમાં રહે છે.

બીબીસી સાથે વાત કરતા નિષ્ણાતો એક વાત ઉપર સહમત થાય છે કે, આ પ્રદેશમાં તાજેતરમાં જે મતભેદો જોવા મળ્યા છે તે ધાર્મિક મુદ્દાઓ ઉપર નહીં પરંતુ રાજકીય અને લશ્કરી જોડાણોને કારણે જોવા મળ્યા છે.

ઈરાન અને અન્ય સશસ્ત્ર જૂથો

મધ્ય પૂર્વ સંબંધો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાન અને સાઉદી અરેબિયા મુસ્લિમ દેશોની બે મોટી શક્તિઓ છે

ઈરાને ગત 15થી 17 જાન્યુઆરીની વચ્ચે માત્ર ત્રણ દિવસમાં ત્રણ અલગ-અલગ દેશો: ઇરાક, સીરિયા અને પાકિસ્તાનમાં તેનાં લક્ષ્યો પર હુમલો કર્યો ત્યારે આંતરરાષ્ટ્રીય સમુદાયને ખરેખર લાગ્યું કે આ ખતરાની ઘંટડી સમાન છે.

આ કાર્યવાહી ચોક્કસ લક્ષ્યોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. જેમ કે ઇરાકમાં શંકાસ્પદ ઇઝરાયલી ગુપ્તચર ઑફિસ, સીરિયા અને પાકિસ્તાનનામાં પ્રતિસ્પર્ધી ઇસ્લામિક જૂથોને ઈરાને ધ્યાનમાં રાખ્યા હતા. નિષ્ણાતો મુજબ ઈરાને આ હુમલાઓ તેમની સૈન્ય તાકાત બતાવવા કર્યા છે.

ઈરાન વારંવાર એવું પુનરાવર્તિત કરે છે કે તે કોઈ મોટી અથડામણ કે યુદ્ધનો ભાગ બનવા માંગતું નથી. જોકે, છેલ્લા અઠવાડિયામાં તે પ્રતિકાર કરવા માટે ખૂબ જ સક્રિય દેખાય છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તે પ્રતિકારની ધરી લેબનોનમાં હિઝબુલ્લાહ, ઇરાક, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં શિયા જૂથો, પેલેસ્ટિનિયન પ્રદેશોમાં હમાસ અને અન્ય ઉગ્રવાદી જૂથો અને યમનમાં હૂતી વિદ્રોહીઓ જેવાં સશસ્ત્ર જૂથો પર ટકેલી છે.

બીબીસી પર્શિયન સેવા તેમની વિચારધારાને 'સ્પષ્ટપણે અમેરિકા-ઇઝરાયલ વિરોધી' તરીકે વર્ણવે છે.

ઑક્ટોબરમાં જ્યારથી ગાઝામાં યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારથી આ બધાં જૂથોએ વત્તે-ઓછે અંશે ઇઝરાયલી ઠેકાણાઓ અથવા તેમના સાથીદારોનાં ઠેકાણાઓ પર હુમલાઓ કર્યા છે.

એલ્કનો રોયલ ઇન્સ્ટિટ્યૂટના મધ્ય પૂર્વના ક્ષેત્રના નિષ્ણાત હૈઝામ અમીરાહ-ફર્નાન્ડીઝ બીબીસી સાથે વાત કરતા સમજાવે છે કે, "ઈરાન અને તેના પ્રતિકારમાં સામેલ જૂથો સાથેના જોડાણો આ પ્રદેશમાં સૌથી વધુ સ્થિર રહ્યા છે અને આ જૂથો લાંબા સમયથી સાથે છે."

લંડન સ્થિત એસઓએએસ મિડલ ઈસ્ટ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર લીના ખાતિબ બીબીસી સાથે વાત કરતાં કહે છે કે, "ઈરાન અને આ જૂથો વચ્ચેનું જોડાણ 1979ની ઈરાની ક્રાંતિનું પરિણામ છે અને તે તેમના રાજકીય હેતુઓને પ્રોત્સાહન આપવા માટેનો એક રસ્તો પણ છે."

નિષ્ણાતોના મતે, આ જૂથો તેમના દેશોની રાજકીય પરિસ્થિતિઓથી અસંતુષ્ટ હતા અને તેના કારણે તેમનું અસ્તિત્ત્વ ઊભરી આવ્યું છે. ઈરાન આ વાતનો ફાયદો ઉઠાવી રહ્યું છે.

મધ્ય પૂર્વ સંબંધો

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કતારનો અલ-થાની રાજવંશ ક્ષેત્રીય સંઘર્ષોમાં મુખ્ય મધ્યસ્થી તરીકે પોતાને સ્થાપિત કરવા માટે સ્પષ્ટ વ્યૂહરચના અપનાવી રહ્યો છે

બીબીસી મુંડો દ્વારા 2020માં પ્રકાશિત કરવામાં આવેલા એક લેખમાં, બીબીસી પર્શિયનના પત્રકાર કાવ્યાન હોસેનીએ જણાવ્યું હતું કે, આ તમામ જૂથોને ઈરાન તરફથી આર્થિક અને વૈચારિક સમર્થન મળે છે.

વિલ્સન સેન્ટરમાં દક્ષિણ એશિયાના ડિરેક્ટર માઈકલ કુગેલમેન કહે છે કે, "શિયા જૂથો સાથે ઈરાનની નિકટતા અને સુન્નીઓ સાથે સાઉદીના સારા સંબંધોને અવગણી શકાય નહીં."

પરંતુ, તે જ સમયે તેઓ ભારપૂર્વક કહે છે કે, હાલની જે મધ્ય પૂર્વ દેશો વચ્ચેની સ્પર્ધા છે તે ધાર્મિક મતભેદો કરતાં સત્તા માટેનો સંઘર્ષ વધારે છે.

આ જ કારણ છે કે હમાસને સુન્ની મુસ્લિમોનું જૂથ હોવા છતાં ઈરાન પણ તેને સમર્થન આપી રહ્યું છે.

ઘણીવાર ઈરાનની આ ધરીમાં સામેલ આ જૂથો અલગ-અલગ વલણ કે પક્ષ લે છે. હમાસ અને હિઝબુલ્લાહએ સીરિયન યુદ્ધમાં અલગ-અલગ પક્ષને સમર્થન આપ્યું હતું, પરંતુ જયારે ઇઝરાયલને ખતમ કરવાની વાત આવે છે ત્યારે તે બંને એક થઈ જાય છે.

ઈરાન મધ્યપૂર્વમાં જાણે કે અલગ પડી ગયું છે. સીરિયામાં બશર-અલ-અસદ શાસનના અપવાદ સિવાય મધ્યપૂર્વમાં ઈરાનનું બીજા કોઈ દેશ સાથે જોડાણ નથી. નિષ્ણાતોનું કહેવું છે કે તેનાં બે મુખ્ય કારણ છે.

અમીરાહ-ફર્નાન્ડીઝ કહે છે કે, પહેલું કારણ "ઇસ્લામિક ક્રાંતિના મૉડલને ખાડીદેશોના તેલ પર નિર્ભર રાજવંશો અને આ ક્ષેત્રના અન્ય દેશો દ્વારા જોખમ તરીકે જોવામાં આવતું હતું."

અને બીજું કારણ ઈરાન પોતાને તેના ઇતિહાસ, તેનાં સંસાધનો, વસ્તી અને પર્શિયન સામ્રાજ્યના વારસાના કારણે પ્રાદેશિક આધિપત્યવાદી બનવા માટે હકદાર તરીકે જુએ છે."

તેઓ ઉમેરે છે કે, "અને ઈરાનની આ મહત્ત્વાકાંશા અન્ય દેશો, ખાસ કરીને સાઉદી અરેબિયાની મહત્ત્વાકાંક્ષાઓ સાથે અથડાય છે."

સાઉદી અરેબિયાના નેતૃત્વમાં આરબ દેશોનો સમૂહ

મધ્ય પૂર્વ સંબંધો

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, સાઉદી અરેબિયાના પરિવર્તનને નેતા મોહમ્મદ બિન સલમાનની મહત્વાકાંક્ષાઓથી વેગ મળ્યો.

સાઉદી અરેબિયાએ તાજેતરનાં વર્ષોમાં પોતાને આરબ વિશ્વમાં એક આગેવાન તરીકે સ્થાપિત કરવા માટે ઘણા પગલાં લીધાં છે.

એક સમયે ઇજિપ્ત આરબજગતો સૌથી વધુ વસ્તી અને મહત્ત્વપૂર્ણ રાજકીય તથા સાંસ્કૃતિ ધરોહર ધરાવતો દેશ હતો જેથી થોડા દાયકાઓ પહેલાં, ઇજિપ્ત આરબજગતનું કેન્દ્ર રહ્યું હતું.

પરંતુ ત્યાર બાદ સત્તા ગલ્ફ દેશો અને અરેબિયન દ્વીપકલ્પમાં સ્થળાંતરિત થઈ રહી છે. જ્યાં વિશાળ ઊર્જા સંસાધનોના આધારે વિપુલ સંપત્તિનું નિર્માણ થયું જે ધીમે ધીમે રાજકીય દૃશ્ય પર પ્રભાવ પાડી રહ્યા છે.

યુનાઇટેડ આરબ અમીરાત અથવા કતાર જેવા નાના દેશો પહેલાં ઊભા થયા, પરંતુ તે પછી, ખાસ કરીને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો સત્તામાં ઉદય સાથે , "સાઉદી અરેબિયા દેશની અંદર અને વૈશ્વિક સ્તરે મોટા પાયે બદલાઈ ગયું છે."

વિશ્લેષક અમીરાહ-ફર્નાન્ડીઝ કહે છે કે, "તેમની સમૃદ્ધ હાઇડ્રોકાર્બન અર્થવ્યવસ્થા દ્વારા તેમનો ઉદય પણ પ્રબળ બન્યો. ઈરાન સામે દબાણના માપદંડ તરીકે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકારળ દરમિયાન અમેરિકા દ્વારા આપવામાં આવેલ સમર્થનએ પણ તેમના ઉદયમાં યોગદાન આપ્યું."

નિષ્ણાતો એ વાતથી સહમત છે કે સાઉદી અરેબિયા 22 દેશોની પ્રાદેશિક સંસ્થા, આરબ લીગનું સ્વાભાવિક 'લીડર' છે.

ખતીબ કહે છે, "આમ તો દરેક દેશની મહત્ત્વાકાંશાઓ હોય છે. તેમ છતાં ઇજિપ્ત અને જૉર્ડન પણ સાઉદી દ્વારા સ્થાપિત માર્ગદર્શનને અનુસરે છે."

લગભગ 40 વર્ષ સુધી, સાઉદી અરેબિયા અને ઈરાને ખુલ્લી દુશ્મનાવટ જાળવી રાખી હતી જેને કેટલાક નિષ્ણાતો "નવા મધ્ય-પૂર્વ કોલ્ડ વાર" તરીકે વર્ણવે છે. અને તાજેતરનાં વર્ષોમાં, આ ક્ષેત્રના વિવિધ વિસ્તારમાં 'પ્રૉક્સી યુદ્ધ' વધુ તીવ્ર બન્યું હતું.

યમનમાં, સાઉદી અરેબિયા 2015થી હૂતી બળવાખોરો સામેના યુદ્ધમાં તે સરકારને સમર્થન આપી રહ્યું છે.

ઈરાન પર, સાઉદીના હરીફો હૂતીને ટેકો આપવાનો આરોપ છે. જોકે ઈરાને એ નકારી કાઢ્યું છે કે તે આ હૂતીને શસ્ત્રો મોકલે છે. આરોપ છે કે આ શસ્ત્રો હૂતી સાઉદીનાં શેહેરો અને આધારરૂપ વ્યવસ્થાને મિસાઇલ અને ડ્રોન હુમલાઓ કરવામાં વાપરે છે.

સાઉદી અરેબિયાએ ઈરાન પર લેબનન અને ઇરાકમાં દખલ કરવાનો આરોપ પણ મૂક્યો હતો, જ્યાં શિયા લશ્કરે વિશાળ રાજકીય અને લશ્કરી પ્રભાવ જમાવ્યો છે. આ ઉપરાંત, આમાંના કેટલાંક જૂથોને સાઉદી સુવિધાઓ પર હુમલા માટે દોષી ઠેરવવામાં આવ્યા છે.

માર્ચ 2023માં, સાઉદી-ઈરાનના સંબંધોમાં એક નવો વળાંક જોવા મળ્યો. ચીનની મધ્યસ્થીમાં થયેલી વાટાઘાટોમાં બંને દેશોએ 'રાજદ્વારી સંબંધો' ફરીથી વિકસાવ્યા જેમાં, સુરક્ષા, વેપાર, આર્થિક અને રોકાણના મુદ્દે કરારોને પુનર્જીવિત કર્યા.

બીબીસી મુંડોને નિષ્ણાતો ચેતવણી આપતા કહે છે કે, મધ્ય પૂર્વમાં સંબંધો જટિલ અને હંમેશાં બદલાતા રહે છે.

કતારની મધ્યસ્થી ભૂમિકા

મધ્ય પૂર્વ સંબંધો

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ઈરાનના વિદેશ પ્રધાન હોસેન અમીર-અબ્દુલાહિયાને ડિસેમ્બરના અંતમાં કતારમાં હમાસના નેતા ઈસ્માઈલ હનીયેહ સાથે મુલાકાત કરી હતી.

ખાતિબ અને અમીરાહ-ફર્નાન્ડીઝ કતારને સાઉદીની આગેવાની હેઠળના બ્લૉકમાં મૂકે છે. તેઓ પ્રદેશમાં સંતુલન લાવવાની કોશિશમાં કતારની મધ્યસ્થી ભૂમિકાને ખાસ માને છે.

હાલ કતારના વાટાઘાટકારો ઇઝરાયલ અને હમાસ વચ્ચે પણ મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે.

વર્ષોથી, આ અબજોપતિ ગલ્ફ દેશ ઇઝરાયલ અથવા ઈરાન જેવા દેશો સાથે અને તેના બાકીના પડોશીઓ જેમાં મોટાભાગે ઇસ્લામવાદી જૂથો છે, જેમ કે હમાસ અથવા સાઉદીના હરીફો વચ્ચે મધ્યસ્થી કરે છે.

આ અભિગમ પાડોશી દેશોએ આવકાર્યો નથી

ખતીબ યાદ કરતા કહે છે કે "2017માં, કતારને સાઉદી અરેબિયા, બહેરીન, ઇજિપ્ત, સંયુક્ત આરબ અમીરાત, યમન અને લિબિયા દ્વારા બ્લૉક કરવામાં આવ્યું હતું કારણ કે તેની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓને લીધે તેને જોખમ તરીકે જોવામાં આવ્યું હતું."

કતાર એક અત્યંત સમૃદ્ધ પરંતુ નાનો દેશ છે. રાજકીય વૈજ્ઞાનિક મેહરાન કામરાવાએ તેમના પુસ્તક કતાર : સ્મૉલ સ્ટેટ, બિગ પૉલિટિક્સમાં ઉલ્લેખ કરે છે કે, "કતાર તેની સુરક્ષા જાળવવા અને તેના રાજદ્વારી કદ અને સ્થિતિને વધારવાના માર્ગ તરીકે બહુવિધ જોડાણ કરવા માગે છે."

કતાર પરનો પ્રતિબંધ 2021 માં દૂર કરવામાં આવ્યો હતો અને તેના પડોશીઓ, ખાસ કરીને સાઉદી અરેબિયા સાથેના સંબંધો મૈત્રીપૂર્ણ તબક્કાનો અનુભવ કરી રહ્યા છે.

અલબત્ત, ખતીબ પુનરોચ્ચાર કરે છે, કતાર હજી પણ "તેની ભૌગોલિક રાજકીય વ્યૂહરચનામાં પોતાને વધુ મધ્યસ્થી અને સમાધાનકારી દેશ તરીકે સ્થાપિત કરવા માગે છે."

ઇઝરાયલ ક્યાં આવેલું છે?

મધ્ય પૂર્વ સંબંધો

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ગાઝામાં ઇઝરાલના યુદ્ધથી આરબ દેશોમાં યહૂદી રાજ્યનો અસ્વીકાર વધ્યો.

અમીરાહ-ફર્નાન્ડીઝ ઇઝરાયલને એક "અસામાન્ય" ઉદાહરણ ગણાવે છે અને ખતીબ જણાવે છે કે, ઇઝરાયલ કોઈ પણ જોડાણમાં જોડાયા વગર સ્વતંત્ર દેશ છે.

તે ઈરાન તથા તે જે લશ્કરોને ટેકો આપે છે તેની સામે લાંબા સમયથી અઘોષિત યુદ્ધ પર છે, જ્યાં નીચલા સ્તરે દુશ્મનાવટ યથાવત્ છે પરંતુ ત્યાં સંપૂર્ણ અને ખુલ્લો સંઘર્ષ થયો નથી.

તેના આરબ પડોશીઓ સાથે પણ સંબંધ સરળ નથી.

ઇઝરાયલ, તુર્કી અને ઈરાન, મધ્ય પૂર્વમાં એવા બિન-આરબ દેશો છે, જેમને રાજ્ય તરીકે ખૂબ જ મર્યાદિત માન્યતા છે.

આરબ રાષ્ટ્રોમાંથી, 1979થી ઇજિપ્ત, 1994થી જૉર્ડન અને 2020થી સંયુક્ત આરબ અમીરાત, બહેરીન, મોરોક્કો અને સુદાન ઇઝરાયલ રાજ્યને માન્યતા આપે છે.

અમીરાહ-ફર્નાન્ડીઝના મતે, આનું કારણ મુખત્વે એ છે કે," આરબ દેશોમાં ઇઝરાયલને આક્રમક અને કબજો કરનાર તરીકે જોવે છે અને આ માટે ગાઝા સાથેના યુદ્ધથી વધારે ઊંડું બન્યું છે.

ઑક્ટોબર 7, 2023ના રોજ હમાસ સામે યુદ્ધ શરૂ થયું તેના થોડા સમય પહેલા, ઇઝરાયલ સાઉદી અરેબિયા સાથેના સંબંધોને સામાન્ય બનાવવા માટે વાટાઘાટો કરી રહ્યું હતું, જે યહૂદી રાજ્ય માટે એક મોટી પ્રગતિ બની શકી હોત.

જો કે, તે હુમલા પછી એવું નોંધાયું હતું કે સાઉદી અધિકારીઓએ યુનાઇટેડ સ્ટેટ્સને આ ત્રિ-માર્ગીય વાટાઘાટોને બંધ કરવા માટે કહ્યું હતું.

નિષ્ણાતો ઇઝરાયલ માટે પેલેસ્ટિનિયનો સાથેના સંઘર્ષના સ્પષ્ટ ઉકેલ ન આવે ત્યાં સુધી તેના જોડાણો અને સંબંધોમાં આ "અસામાન્યતા" દૂર થવી મુશ્કિલ લાગે છે.