પીએમ મોદીનો ઇઝરાયલ પ્રવાસ, વિપક્ષના નેતાએ હિંદીમાં પોસ્ટ કરીને કર્યું સ્વાગત- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Eyal Warshavsky/SOPA Images/LightRocket via Getty
ઇઝરાયલના પૂર્વ વડા પ્રધાન અને વિપક્ષ નેતા યેર લાપિડે હિંદીમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ઇઝરાયલમાં સ્વાગત કર્યું છે.
તેમણે પીએમ મોદીને ઇઝરાયલના સાચા મિત્ર ગણાવ્યા છે.
લાપિડે મંગળવારે મોડી રાત્રે ઍક્સ પર લખ્યું, "આખું ઇઝરાયલ કાલે (25 ફેબ્રુઆરી) વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા ઉત્સુક છે. તેઓ ઇઝરાયલના સાચા મિત્ર છે. ભારત અને ઇઝરાયલ વચ્ચે સંબંધ માત્ર એક રણનીતિક સંબંધ જ નથી પરંતુ રાષ્ટ્રો વચ્ચે ગહેરી મિત્રતાનું બંધન છે."
વડા પ્રધાન આજે એટલે કે બુધવારે ઇઝરાયલ પહોંચશે. તેઓ બે દિવસના ઇઝરાયલ પ્રવાસે જઈ રહ્યા છે.
ટી20 વિશ્વકપ : પાકિસ્તાનને હરાવીને સેમિફાઇનલમાં પહોંચનારી ઇંગ્લૅન્ડ બની પહેલી ટીમ

ઇમેજ સ્રોત, Getty Images
ટી20 વિશ્વકપના સુપર-8 મુકાબલામાં ઇંગ્લૅન્ડની ટીમે પાકિસ્તાનને બે વિકેટે હરાવ્યું છે. ઇંગ્લૅન્ડે આ રોમાંચક મુકાબલો માત્ર પાંચ બૉલ બાકી રહેતા જીત્યો હતો.
આ સાથે ઇંગ્લૅન્ડની ટીમ આ ટી20 વિશ્વકપની સેમિફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ છે.
આ જીતમાં ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી બ્રૂકની મહત્ત્વની ભૂમિકા રહી હતી. તેમણે માત્ર 51 બૉલમાં 100 રન બનાવીને ઇંગ્લૅન્ડને જીતની નજીક પહોંચાડ્યું હતું.
ટૉસ જીતીને પાકિસ્તાને પહેલી બેટિંગ પસંદ કરી હતી અને ઇંગ્લૅન્ડની સામે જીત માટે 165 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જે ઇંગ્લૅન્ડે 8 વિકેટ ગુમાવીને 19.1 ઓવરમાં પાર પાડ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાન તરફથી સાહિબજાદા ફરહાને સૌથી વધુ 63 રન બનાવ્યા હતા. બાબર આઝમ અને ફખર ઝમાને 25-25 રનની પારી રમી હતી. ઇંગ્લૅન્ડ તરફથી લિએમ ડૉસને સૌથી વધુ ત્રણ વિકેટો ઝડપી હતી. જોફ્રા આર્ચર અને જેમી ઓવરટને બે-બે વિકેટો ઝડપી હતી.
શરૂઆતમાં તો ઇંગ્લૅન્ડે પણ ઝડપથી વિકેટ ગુમાવી હતી, પરંતુ બ્રૂકે એક છેડો જાળવી રાખ્યો અને ઇંગ્લૅન્ડને જીત સુધી પહોંચાડ્યું.
પાકિસ્તાન તરફથી શાહીનશાહ આફ્રીદીએ ચાર વિકેટો ઝડપી જ્યારે કે મોહમ્મદ નવાઝ અને ઉસ્માન તારિકે બે-બે વિકેટો ઝડપી હતી.
કેરળનું નામ 'કેરલમ્' કરવા કેન્દ્રીય કૅબિનેટની મંજૂરી, વિધાનસભામાં હવે પેશ થશે બિલ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકારની કૅબિનેટે કેરળનું નામ બદલીને 'કેરલમ્' કરવાની મંજૂરી આપી દીધી છે. નામ બદલવાની પ્રક્રિયા અહીં માત્ર શરૂ થઈ છે.
કેન્દ્રીય કૅબિનેટની મંજૂરી બાદ ભારતના રાષ્ટ્રપતિ એક બિલ કેરળની વિધાનસભામાં મોકલશે જેથી વિધાનસભા પોતાના અભિપ્રાયો આપી શકે. આ પ્રક્રિયા સંવિધાનના અનુચ્છેદ 3 અંતર્ગત થશે.
રાજ્ય વિધાનસભાના અભિપ્રાયો મળ્યા બાદ ભારત સરકાર આગળની કાર્યવાહી કરશે.
તેના માટે રાષ્ટ્રપતિની ભલામણ લેવામાં આવશે જેથી આ અંગેનું બિલ સંસદમાં પેશ કરી શકાય આ બિલ મારફતે કેરળનું નામ બદલીને 'કેરલમ્' કરવામાં આવશે.
પીઆઈબી દ્વારા પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું, "કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક, જેની અધ્યક્ષતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહી, આજે કેરળનું નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી."
જેમાં જણાવાયું છે કે કેરળ વિધાનસભામાં 24મી જૂન, 2024ના રોજ એક પ્રસ્તાવ આવ્યો હતો કે રાજ્યનું નામ કેરળથી બદલીને 'કેરલમ્' કરવામાં આવે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












