પાઇપલાઇનના કામ માટે અજ્ઞાત વ્યક્તિએ નગરપાલિકાને 21 કિલો સોનાનાં બિસ્કિટ દાનમાં આપ્યાં

ઇમેજ સ્રોત, Osaka City Waterworks Bureau
- લેેખક, કોહ ઈવે
- પદ, બીબીસી ન્યૂઝ
- વાંચવાનો સમય: 2 મિનિટ
જાપાનના એક શહેરને તેની જીર્ણ થઈ ગયેલી વૉટર સિસ્ટમની મરામત કરાવવા માટે 21 કિલોગ્રામ (46 પાઉન્ડ) સોનાનાં બિસ્કિટ્સનું ધરખમ દાન મળ્યું છે.
ઓસાકાના મેયર હિદેયુકી યોકોયામાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યા પ્રમાણે, અંદાજે 560 મિલિયન યેન (3.6 મિલિયન ડૉલર, 2.7 મિલિયન પાઉન્ડ)ના મૂલ્યનાં આ સોનાનાં બિસ્કિટ ગયા મહિને એક અજ્ઞાત દાતાએ દાનમાં આપ્યાં હતાં. તે દાતાએ પોતાનું નામ પ્રગટ નહોતું કર્યું.
આશરે 30 લાખ લોકોની વસ્તી ધરાવતું ઓસાકા જાપાનના કન્સાઇ પ્રદેશમાં આવેલું વ્યાવસાયિક કેન્દ્ર છે અને તે જાપાનનું ત્રીજું સૌથી મોટું શહેર છે.
પરંતુ, જાપાનનાં અન્ય ઘણાં શહેરોની માફક, ઓસાકાની પાણી પુરવઠા અને સૂએજની પાઇપો જરીપુરાણી થઈ ગઈ છે, જેના કારણે સલામતીને લઈને ચિંતા પ્રવર્તી રહી છે.
ઓસાકાના વૉટરવર્ક્સ બ્યૂરોના જણાવ્યા પ્રમાણે, 2024ના નાણાંકીય વર્ષમાં શહેરના માર્ગોની નીચે પાણીની પાઇપ્સ લીક થવાના 90 કરતાં વધુ બનાવ નોંધાયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
સોનાના આટલા મોટા દાન વિશે પૂછાયેલા એક પ્રશ્નનો જવાબ આપતાં યોકોયામાએ પત્રકારોને જણાવ્યું હતું, "જૂની થઈ ગયેલી પાણીની પાઇપલાઇનોની સમસ્યા નિવારવા માટે મોટા રોકાણની જરૂર પડશે. આથી, આ દાન મળવા બદલ હું આભાર વ્યક્ત કરું છું."
યોકોયામાએ કહ્યું હતું કે, આ રકમ "આશ્ચર્યજનક" હતી અને તેઓ કશું બોલી નહોતા શક્યા.
તેમણે જણાવ્યું હતું કે, આ સમાન અજ્ઞાત દાતાએ અગાઉ નગરપાલિકાનાં જળ કાર્યો માટે 5,00,000 યેન આપ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શહેરના વૉટરવર્ક્સ બ્યૂરોએ એક યાદીમાં જણાવ્યું હતું કે, તે સોનાનું આ દાન મળવા બદલ આભારની લાગણી વ્યક્ત કરે છે અને દાનનો તે સદઉપયોગ કરશે અને પાણીની પાઇપોની સમસ્યા ઉકેલવા માટે પણ તે રકમ ઉપયોગમાં લેશે.
જાપાનની 20 ટકા કરતાં વધારે પાણીની પાઇપો તેમના 40 વર્ષનું કાયદેસર આયુષ્ય વટાવી ચૂકી હોવાનું સ્થાનિક માધ્યમોએ જણાવ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
આ ઉપરાંત જાપાનનાં શહેરોમાં સિંકહોલ (ભૂવા) પડવાનું પ્રમાણ પણ વધી ગયું છે અને ઘણાં શહેરોમાં સૂએજ પાઇપલાઇનાં માળખાં જૂનાં થઈ ગયાં છે.
ગયા વર્ષે સાઇતામા પ્રાંતમાં એક વિશાળ ભૂવામાં એક ટ્રકની કેબિન ફસાઈ ગઈ હતી અને ડ્રાઇવરનું કરુણ મોત નીપજ્યું હતું.
આ ભૂવો સૂએજ પાઇપ ફાટવાને કારણે થયો હોવાનું મનાય છે.
તે અકસ્માતને પગલે જાપાનના અધિકારીઓએ દેશભરમાં ખવાઈ ગયેલી પાઇપો બદલવાના પ્રયત્નો વેગવાન બનાવી દીધા હતા. પરંતુ બજેટની સમસ્યાના કારણે પાઇપોના નાવિન્યીકરણનું કામ ખોરવાઈ ગયું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન












