ભાવનગર : 'ભાજપમાં મહિલાઓ સલામત નથી', કૉર્પોરેટર ભાજપ છોડીને કૉંગ્રેસમાં જોડાયાં અને ત્રણ કલાકમાં પરત ફર્યાં

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- વાંચવાનો સમય: 4 મિનિટ
ભાવનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાવનગરનાં એક મહિલા નેતા ચર્ચામાં આવ્યાં છે. ભાવનગરના વડવા વૉર્ડનાં કૉર્પોરેટર સેજલ ગોહિલ 6 એપ્રિલે ભાજપ છોડીને કૉંગ્રેસમાં જોડાયાં હતાં અને ફક્ત ત્રણ કલાકમાં જ ફરીથી ભાજપમાં જોડાઈ ગયાં.
ખૂબ ટૂંક સમય માટે પાર્ટી બદલનારાં કૉર્પોરેટર સેજલ ગોહિલ રાજકીય પક્ષોમાં ચર્ચાનો મુદ્દો બન્યાં હતાં. ભાવનગરમાં ચૂંટણી પહેલાં થયેલા હાઈવોલ્ટેજ પોલિટિકલ ડ્રામા પછી કૉંગ્રેસે હવે આવા ઑપરેશન ગુપ્ત રાખવાનું નક્કી કર્યું છે, જ્યારે ભાજપે આ અંગે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
એક જ દિવસમાં કૉંગ્રેસ અને ફરી ભાજપમાં

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
કૉંગ્રેસ ભાવનગર માટે ચૂંટણીઢંઢેરો જાહેર કરવાની હતી, એવા સમયે કૉંગ્રેસના મંચ પર અચાનક વડવા વૉર્ડનાં ભાજપનાં મહિલા કૉર્પોરેટર દેખાયાં. ભાજપનાં કૉર્પોરેટર તરીકે ટર્મ પૂરી કરનારા અનુસૂચિત જાતિનાં મહિલા નેતા સેજલ ગોહિલે ધડાકો કર્યો કે, "ભાજપમાં મહિલાઓ સલામત નથી, માટે હું ભાજપ છોડીને કૉંગ્રેસમાં જોડાઉં છું."
સેજલ ગોહિલના ભાજપ અંગેના આ નિવેદનથી ભાવનગરના રાજકારણમાં ચર્ચા જામી હતી. તે સમયે તેમણે કૉંગ્રેસનો ખેસ પહેરી લીધો હતો. એક તરફ કૉંગ્રેસના નેતા ખુશ થતા હતા ત્યાં ત્રણ જ કલાકમાં બપોરના સમયે ભાજપ કાર્યાલયમાં ફરી સેજલ ગોહિલ દેખાયાં.
ત્યાં તેમણે ફરીથી ભાજપનો ખેસ પહેરીને જાહેર કર્યું કે, "કૉંગ્રેસના નેતાઓની વાતોમાં આવીને કૉંગ્રેસીઓએ જે કહ્યું એ મુજબ નિવેદન આપ્યું હતું, પણ હવે મને 'ભૂલ' સમજાઈ છે અને હવે હું કૉંગ્રેસમાં નહીં જોડાઉં, કાયમી ભાજપમાં રહેશે."
સેજલ ગોહિલ શું કહે છે?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
સેજલ ગોહિલની ઉંમર 30 વર્ષની છે, તેઓ 2021થી 2026 સુધી ભાવનગરનાં ભાજપનાં કૉર્પોરેટર રહ્યાં છે. સેજલબહેને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ઘણા સમયથી કૉંગ્રેસના નેતાઓ મારો સંપર્ક કરતા હતા, એ લોકો સાથે વાતચીત ચાલી રહી હતી."
"મારા પર બે વર્ષ પહેલાં કેટલાક બુટલેગરોએ હુમલો કર્યો હતો. ત્યારબાદ તે બુટલેગરો સામે કોઈ કાર્યવાહી ન થતાં મારા મનમાં નારાજગી હતી. મને થતું હતું કે, જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાજપમાં સલામત ન હોય તો સામાન્ય જનતાની સલામતીનું શું? તેથી મારા અંતરાત્માનો અવાજ મને કહેતો હતો કે, મારે ભાજપ છોડી દેવો જોઈએ."
સેજલબહેનનું કહેવું છે, "હું મારા પર થયેલા હુમલાનાં બે વર્ષ પછી કૉંગ્રેસના નેતાઓને મળી, તેમણે મને સમજાવી કે, ભાવનગર મ્યુનિસિપલ ચૂંટણીનો ઢંઢેરો બહાર પાડવાનો છે, ત્યારે મારે ભાજપમાં મહિલાઓ સલામત નથી એમ કહેવાનું છે અને વિધિવત્ રીતે કૉંગ્રેસમાં જોડાવાનું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સેજલબહેન જણાવે છે કે એટલે મેં કૉંગ્રેસમાં જોડાઈને કૉંગ્રેસનો ખેસ પહેર્યો. મેં કહ્યું હતું કે, ભાજપમાં મહિલાઓ સુરક્ષિત નથી, એટલે કૉંગ્રેસમાં જોડાઈ રહી છું. "પણ ઘરે ગયા પછી મેં ઘણો વિચાર કર્યો. તો મારા અંતરાત્માના અવાજે મને કહ્યું કે મેં મોટી 'ભૂલ' કરી છે. એટલે મેં અમારા નેતાઓનો સંપર્ક કર્યો અને માત્ર ત્રણ જ કલાકમાં ફરી ભાજપમાં જોડાઈ ગઈ અને હવે આજીવન ભાજપમાં રહીશ."
આ બાબતે ભાજપ અને કૉંગ્રેસનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
ભાવનગરના કૉંગ્રેસના પ્રમુખ લાલભા જાડેજાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "સેજલબહેનનો અમે કોઈએ સંપર્ક કર્યો નથી, એ સામેથી અમારી પાસે આવ્યાં હતાં. તેમણે ખુદે કહ્યું હતું કે, તેઓ કૉંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત છે. અમે તેમને મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ટિકિટ આપવાનું પણ વચન આપ્યું ન હતું. તેમની બિનશરતી રીતે જોડાવાની તૈયારી હતી, તેથી તેમને અમે ચૂંટણીઢંઢેરાની જાહેરાત સમયે હાજર રહેવા કહ્યું હતું."
"તેઓ જ્યારે કૉંગ્રેસમાં જોડાયાં ત્યારે પત્રકારોના સવાલના જવાબમાં કહ્યું છે કે, બે વર્ષ પહેલાં એમના પર બુટલેગરોએ હુમલો કર્યો હતો, એ ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં સલામત નથી તેવી વાત કરી હતી."
તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, "કૉંગ્રેસે સેજલબહેનને કંઈ શીખવાડ્યું ન હતું. હજુ પણ ભાજપના ઘણા નેતા અમારા સંપર્કમાં છે, જેઓ કૉંગ્રેસમાં જોડાવા માગે છે."
બીબીસી ગુજરાતીએ ભાવનગર ભાજપના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પણ એમનો સંપર્ક થઈ શક્યો ન હતો. તો ભાજપના પ્રવક્તા અશ્વિન બૅન્કરે આ વિષય પર કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
રાજકીય સમીકરણો શું કહે છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જાણીતા રાજકીય વિશ્લેષક કૌશિક મહેતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ભાવનગરમાં સૌથી વધુ મતદાન ઓ.બી.સી. અને અનુસૂચિત મતદાતા કરે છે. અલબત્ત, અહીં ક્ષત્રિય અને મુસ્લિમ મતદાતા એટલા જ નિર્ણાયક છે. "
"ભાવનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ઓ.બી.સી. અનામત પછી ગણિત બદલાયાં છે, પણ અનુસૂચિત જાતિના મતદાતા પર એમનાં કૉર્પોરેટર સેજલબહેનના કૉંગ્રેસમાં જોડાવાથી અસર પડે એમ હતી. કારણ કે થોડા સમય પહેલાં ભાવનગરમાં મુસ્લિમ ધાર્મિક સ્થળનાં દબાણ તોડાયાં છે, ત્યારે ભાજપમાંથી બળવો કરીને બહાર નીકળેલાં દલિત મહિલા સાથે પ્રચાર કરે તો કૉંગ્રેસે ફાયદો થાય એમ હતો."
"બીજી તરફ 'આપે' ગણતરીપૂર્વક ભાવનગરમાં પગપેસારો કર્યો છે. કૉંગ્રેસના હરીફ માત્ર ભાજપ નથી, 'આપ' પણ છે એટલે દલિત મહિલા કૉર્પોરેટરને પોતાની તરફ લઈ 12થી 15 બેઠક પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાનો કૉંગ્રેસનો ખેલ અવળો પડ્યો છે."
ભાવનગરના સ્થાનિક પત્રકાર અરવિંદ ભટ્ટીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અહીં ગઈ ચૂંટણીમાં કૉંગ્રેસનો વૉટ શેર સારો હતો, પરંતુ હવે હડદડની ઘટના પછી આમ આદમી પાર્ટીએ પગપેસારો કર્યો છે."
"પાર્ટી હીરાઉદ્યોગ અને નાના વેપારીની સમસ્યા સાથે બહાર આવી રહી છે. ઉપરાંત એ.આઈ.એમ.આઈ.એમ. પાર્ટી પણ અહીંથી કેટલાક ઉમેદવારોને લડાવવાના મૂડમાં છે. ત્યારે અનુસૂચિત જાતિનાં કૉર્પોરેટર એમની સાથે આવે તો મતોનું વિભાજન થતું અટકે, પણ ભાજપે નારાજ કૉર્પોરેટરને પરત લાવી બાજી સંભાળી લીધી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન































