ભારતમાં ચોમાસું નબળું રહેશે, સ્કાયમેટનું અનુમાન, ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં કેટલો વરસાદ થશે?

ગુજરાત, ચોમાસું, હવામાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્કાયમેટે પૂર્વાનુમાન લગાવ્યું છે કે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનાની લાંબા ગાળા દરમિયાનની સરેરાશના 94% જેટલો વરસાદ થવાની સંભાવના છે
વાંચવાનો સમય: 4 મિનિટ

ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કામેટ વેધરે આગામી ચોમાસાનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે. સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાની સંભાવના છે.

સ્કાયમેટે પૂર્વાનુમાન લગાવ્યું છે કે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનાની લાંબા ગાળા દરમિયાનની સરેરાશના 94% જેટલો વરસાદ થવાની સંભાવના છે. એનો અર્થ એ થયો ચાર મહિના દરમિયાન વરસાદ સરેરાશ કરતાં ઓછો થશે.

ભારતમાં જૂન મહિનાથી શરૂ થતું ચોમાસું સપ્ટેમ્બર મહિના સુધી ચાલે છે. આ ચાર મહિના દરમિયાન જે વરસાદ પડે તેની સરેરાશને લાંબા ગાળાની સરેરાશ કહેવામાં આવે છે.

આ ચાર મહિના ગાળા દરમિયાન સરેરાશ 868.6 મિલીમીટર જેટલો વરસાદ થાય તો તેને સામાન્ય ચોમાસું ગણવામાં આવે છે. એટલે કે આ વર્ષે ચોમાસાના ચાર મહિના દરમિયાન સરેરાશ 817 મિલીમીટર વરસાદ થવાની સંભાવના છે.

આ વર્ષે પ્રશાંત મહાસાગરમાં અલ નીનો બનવાની સંભાવના છે અને તેની અસર ભારતના ચોમાસા પર પાછળના મહિનાઓ દરમિયાન પડે તેવી સંભાવના છે.

ચોમાસામાં કયા મહિનામાં કેટલો વરસાદ થશે?

ગુજરાત, ચોમાસું, હવામાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ વર્ષે પ્રશાંત મહાસાગરમાં અલ નીનો બનવાની સંભાવના છે અને તેની અસર ભારતના ચોમાસા પર પાછળના મહિનાઓ દરમિયાન પડે તેવી સંભાવના છે

સ્કાયમેટ વેધરનું અનુમાન છે કે આ વર્ષે ચોમાસું 90થી 95 ટકાની વચ્ચે રહે તેવી સંભાવના છે. એટલે કે સરેરાશ વરસાદ ઓછો પડવાની સંભાવના દેખાઈ રહી છે.

પૂર્વાનુમાન પ્રમાણે જૂન મહિનામાં સરેરાશના 101 ટકા વરસાદ થવાની સંભાવના છે, એનો અર્થ એ થયો કે દેશમાં ચોમાસાની શરૂઆત સારી રહેશે અને તે બાદ ચોમાસું નબળું પડશે.

જુલાઈ મહિનામાં સરેરાશના 95 ટકા વરસાદ થવાની સંભાવના છે. પૂર્વાનુમાન પ્રમાણે 40 ટકા એવી સંભાવના છે કે જુલાઈમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થશે, જ્યારે 40 ટકા એવી સંભાવના છે કે સરેરાશનો સામાન્ય વરસાદ થશે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઑગસ્ટ મહિનામાં સરેરાશના 92 ટકા વરસાદ થવાની શક્યતા સ્કાયમેટે તેના પૂર્વાનુમાનમાં રજૂ કરી છે. જેમાં 60 ટકા એવી શક્યતા છે કે વરસાદ આ મહિનામાં સરેરાશ કરતાં ઓછો થશે. જ્યારે 20 ટકા સામાન્ય અને 20 ટકા સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની સંભાવના છે.

સ્કાયમેટના મહેશ પલાવતનું કહેવું છે કે ઑગસ્ટ મહિનામાં ચોમાસા પર અલ નીનોની અસર વધારે જોવા મળશે.

ભારતમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન જુલાઈ અને ઑગસ્ટ મહિના દરમિયાન સૌથી વધારે વરસાદ થાય છે. ગુજરાતમાં પણ આ બંને મહિના ચોમાસાના વરસાદ માટે ખૂબ મહત્ત્વના છે.

સપ્ટેમ્બર મહિનો સામાન્ય રીતે ચોમાસાનો છેલ્લો મહિનો હોય છે, આ મહિનામાં સ્કાયમેટનું અનુમાન છે કે વરસાદ વધારે ઘટશે અને સરેરાશના 89 ટકા વરસાદ થાય તેવી સંભાવના છે. આ મહિના દરમિયાન 70 ટકા એવી સંભાવના છે કે વરસાદ સરેરાશ કરતાં ઓછો થશે. જ્યારે 20 ટકા સરેરાશના સામાન્ય અને 10 ટકા સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની સંભાવના છે.

સ્કાયમેટ અનુસાર ચાર મહિનાના લાંબાગાળા દરમિયાન સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના 40 ટકા છે, જ્યારે દુષ્કાળ જેવી સ્થિતિ થવાની શક્યતા 30 ટકા છે. જ્યારે સરેરાશના સામાન્ય 20 ટકા અને 10 ટકા સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની સંભાવના છે. એટલે કે ચાર મહિના દરમિયાન વરસાદ ઓછો થવાની સંભાવના વધારે છે.

ચોમાસા પર અલ-નીનોની અસર?

ગુજરાત, ચોમાસું, હવામાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પૂર્વાનુમાન પ્રમાણે જૂન મહિનામાં સરેરાશના 101 ટકા વરસાદ થવાની સંભાવના છે

સ્કાયમેટના એમડી જતીનસિંહના કહેવા પ્રમાણે દોઢ વર્ષ સુધી લા-નીનાની સ્થિતિ બાદ હવે પ્રશાંત મહાસાગર તટસ્થ સ્થિતિમાં આવી ગયો છે. જે બાદ ચોમાસાની શરૂઆતમાં અલ નીનો બનશે અને ચોમાસાના અંતમાં અલ નીનો વધારે મજબૂત બને તેવી સંભાવના છે. જેથી ચોમાસું નબળું રહે તેવી સંભાવના છે.

અલ-નીનો અને લા નીના એ પ્રશાંત મહાસાગરમાં બનતી કુદરતી ઘટનાઓ છે. જેની અસર વિશ્વના અનેક દેશો પર પડે છે. જ્યારે પ્રશાંત મહાસાગરમાં અલ-નીનોની સ્થિતિ હોય ત્યારે ભારતમાં ચોમાસું નબળું રહેવાની પ્રબળ સંભાવના હોય છે.

સ્કાયમેટના પ્રેસિડેન્ટ જીપી શર્માનું કહેવું છે કે મોડરેટ અલ નીનો પણ ભારતના ચોમાસા પર નકારાત્મક અસર કરે છે. એટલે કે દેશમાં વરસાદ ઓછો થવાની સંભાવના હોય છે.

નૅશનલ ઑશેનિક ઍન્ડ ઍટમોસ્ફેરિક ઍડમિનિસ્ટ્રેશન (NOAA)ના અનુમાન પ્રમાણે જૂનથી ઑગસ્ટ મહિનાના ગાળામાં પ્રશાંત મહાસાગરમાં અલ નીનો બનવાની સંભાવના 62 ટકા છે અને તે બાદ 2026નું વર્ષ પૂરું થશે ત્યાં સુધી અલ-નીનો રહેશે.

સામાન્ય રીતે, પ્રશાંત મહાસાગરમાં ગરમ પાણીની દિશા બદલાવાને કારણે જે ભૌગોલિક ફેરફારો થાય છે, તેને 'અલ નીનો' કહેવામાં આવે છે.

અલ-નીનો સર્જાય ત્યારે ગરમ પાણીને લીધે પવનના મજબૂત પ્રવાહો (જેટ સ્ટ્રીમ) દક્ષિણ અને પૂર્વ તરફ ખસી જાય છે. આ ફેરફારને કારણે દક્ષિણ અમેરિકા અને મૅક્સિકો જેવા વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડે છે અને પૂરની સ્થિતિ સર્જાવાની પણ શક્યતા રહે છે.

બીજી તરફ, દક્ષિણ-પૂર્વ એશિયા, ઑસ્ટ્રેલિયા અને મધ્ય આફ્રિકામાં વાતાવરણ સૂકું રહે છે અને ત્યાં સામાન્ય રીતે ઓછો વરસાદ થાય છે.

જ્યારે પ્રશાંત મહાસાગરમાં અલ નીનો સક્રિય હોય, ત્યારે તેની નકારાત્મક અસર ભારતીય ચોમાસા પર પડે છે. પરિણામે ભારતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા રહે છે.

દેશનાં કયાં રાજ્યોમાં ઓછો વરસાદ પડશે, ગુજરાતમાં શું થશે?

ગુજરાત, ચોમાસું, હવામાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રશાંત મહાસાગરમાં અલ-નીનોની સ્થિતિ હોય ત્યારે ભારતમાં ચોમાસું નબળું રહેવાની પ્રબળ સંભાવના હોય છે

સ્કાયમેટે રજૂ કરેલા પૂર્વાનુમાન પ્રમાણે ભારતનાં પૂર્વ અને ઉત્તર પૂર્વ ભાગોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં સરેરાશ જેટલો સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.

જ્યારે ભારતના ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના વિસ્તારોમાં ચોમાસું નબળું રહે તેવી સંભાવના છે. એટલે કે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થઈ શકે છે.

ગુજરાત ભારતના પશ્ચિમ ભાગોમાં આવેલું છે, જેમાં સ્કાયમેટના પૂર્વાનુમાન પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં નબળાં સિગ્નલો મળે છે. એટલે કે એ વિસ્તાર પૂરતી માહિતી આપી શકાતી નથી, પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં ચોમાસું નબળું રહેવાની સંભાવના છે.

ગુજરાતમાં સામાન્ય રીતે ખરીફ અને રવી બને પાકોનો આધાર ચોમાસામાં થતા વરસાદ પર રહે છે. જો સારો વરસાદ થાય તો મોટા ભાગના ખેડૂતો બંને પાક લઈ શકે છે. જો ચોમાસું નબળું રહે તો અનેક ખેડૂતો રવી પાક લઈ શકતા નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન