અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવીને પાકિસ્તાને કેટલો મોટો વિજય મેળવ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 6 મિનિટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અંગે 13 કલાકની અંદર "એક સંસ્કૃતિ નાશ પામશે"ની વાતથી યૂ-ટર્ન લીધો હતો. ગણતરીના કલાકોમાં તેમણે ઈરાન સાથે બે અઠવાડિયાં માટે સંઘર્ષવિરામની જાહેરાત કરી હતી.
ટ્રમ્પનું કહેવું છે કે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ તથા ફિલ્ડ માર્શલ આસિમ મુનીર સાથેની વાતચીત પછી તેમણે આ નિર્ણય લીધો હતો.
ટ્રમ્પ સતત ઈરાનને ધમકી આપી રહ્યા હતા, પરંતુ ઈરાન ઝૂકવા માટે તૈયાર ન હતું. એવામાં પાકિસ્તાન મહત્ત્વપૂર્ણ મધ્યસ્થ બની રહ્યું હતું અને તેણે સંઘર્ષવિરામ કરાવ્યો.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ વાટાઘાટોમાં મધ્યસ્થતા કરવા બદલ શરીફ અને મુનીરની પ્રશંસા કરી હતી.
તાજેતરની ઘટનાને જોતાં મધ્યપૂર્વ એશિયામાં પાકિસ્તાન મહત્ત્વપૂર્ણ ખેલાડી બની રહ્યું છે. ઈરાન ઉપર અમેરિકા-ઇઝરાયલના હુમલામાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા હતા તથા વિશ્વના અનેક દેશોમાં ઊર્જાસંકટ ઊભું થયું હતું.
ટ્રમ્પે શરીફ અને મુનીરનું નામ લઈને સંઘર્ષવિરામ માટે પાકિસ્તાનને શ્રેય આપ્યો હતો. આને પાકિસ્તાનના મોટા કૂટનીતિક વિજય તરીકે જોવામાં આવે છે.
'પાકિસ્તાન માટે મોટો વિજય'

ઇમેજ સ્રોત, Getty Images
વૉશિંગ્ટનસ્થિત ઍટલાન્ટિક કાઉન્સિલમાં દક્ષિણ એશિયાના રેસિડન્ટ સિનિયર ફેલો માઇકલ કુગેલમેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' ઉપર એક પોસ્ટમાં લખ્યું, , "આજે રાત્રે, પાકિસ્તાને તેનાં તાજેતરનાં વર્ષોના કૂટનીતિક વિજયમાંથી એક હાંસલ કર્યો. જે શંકા કરનારા તથા ટીકાકારોને લાગતું હતું કે પાકિસ્તાન પાસે આટલું જટિલ અને જોખમી કામ પૂરું કરવા માટે ક્ષમતા નથી, તેમને ખોટા સાબિત કર્યા છે. જોકે, સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ રહી કે તેણે ઈરાનમાં સંભવિત તારાજીને અટકાવવામાં મદદ કરી."
અમેરિકન ઍન્ટરપ્રાઇઝીસ ઇન્સ્ટિટ્યૂટના ફેલો સદાનંદ ધુમેએ ઍક્સ ઉપર લખ્યું, "ગમે તે રીતે જોવાનો પ્રયાસ કરો, આ પાકિસ્તાન માટે મોટો કૂટનીતિક વિજય છે. ઇસ્લામાબાદ એક જવાબદાર પક્ષકાર તરીકે બહાર આવ્યું છે, જેના ઉપર વૈશ્વિક સત્તાઓને એટલો વિશ્વાસ છે કે તે સંભવિત વૈશ્વિક તારાજીને ટાળવામાં મદદ કરી શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાના મીડિયા આઉટલેટ બ્લૂમબર્ગ સાથે વાત કરતાં કુગલમેને કહ્યું, "આ પાકિસ્તાન માટે મોટી કૂટનીતિક જીત છે. પાકિસ્તાનની દાયકાઓની વિદેશનીતિની સફળતમ કહાણીઓમાંથી એક છે. આને કારણે કમ સે કમ હાલ પૂરતું સમગ્ર વિશ્વ, તાજેતરનાં વર્ષોના સૌથી ગંભીર સંઘર્ષો પૈકી એકથી બચી ગયું છે."
યુદ્ધવિરામની જાહેરાત કરતાં શરીફે ઇસ્લામાબાદ ખાતે અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિ મંડળોને વાટાઘાટો માટે આમંત્રિત કર્યા, જેથી કરીને લડાઈનો નિર્ણાયક અંત આવી શકે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલાઇન લેવિટે કહ્યું કે આગામી તબક્કાની વાટાઘાટો માટે ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કંઈ નક્કી નથી થયું.
ન્યૂયોર્ક ટાઇમ્સે ત્રણ અજ્ઞાત ઈરાની અધિકારીઓને ટાંકતાં તેના રિપોર્ટમાં લખ્યું લખ્યું કે ચીને છેલ્લી ઘડીએ દખલ કરી. તેણે ઇસ્લામિક ગણરાજ્યને લવચીકતા દેખાડવા તથા તણાવ ઘટાડવા માટે આગ્રહ કર્યો, એ પછી ઈરાને યુદ્ધવિરામના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો.
ન્યૂઝ એજન્સી એએફપી (એજન્સી ફ્રાન્સ પ્રેસ) સાથે વાત કરતી વેળા ટ્રમ્પે કહ્યું કે, 'મને લાગે છે કે યુદ્ધવિરામ માટે ઈરાનને સહમત કરવા માટે ચીને ભૂમિકા ભજવી.'
દબાણ અને વાટાઘાટો એકસાથે

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સમગ્ર ઘટનાક્રમમાં અમેરિકાની નીતિ પણ બદલાતી જણાય છે. અમેરિકા એક તબક્કે ઈરાનનો નાશ કરી દેવાની વાત કરતું હતું અને હવે સશરત વાટાઘાટો કરવા માટે તૈયાર જણાય છે. અમેરિકાએ ઈરાનને નબળું પાડી દીધું છે, પરંતુ રાજકીય ધ્યેય સિદ્ધ નથી થયું.
ભારતનાં પૂર્વ વિદેશ સચિવ નિરૂપમા મેનન રાવે કહ્યું કે આ યુદ્ધવિરામ દર્શાવે છે કે અમેરિકાનું લક્ષ્ય સ્પષ્ટ નથી.
રાવે એક લાંબી 'એક્સ' પોસ્ટમાં લખ્યું, "યુદ્ધવિરામની જાહેરાત એક વાત દેખાડે છે કે કયો પક્ષકાર ક્યાં છે. અમેરિકાએ પોતે જે કાંઠો બનાવ્યો, ત્યાંથી પાછળ ખસી ગયું. ધમકીભરેલી સમયમર્યાદા હવે વાટાઘાટો ઉપર આધારિત સશરત વિરામ બની ગઈ છે. આનાથી કેવળ તાકાત નહીં, પરંતુ મર્યાદાઓ પણ છતી થઈ છે. સૈન્ય ધ્યેયો હાંસલ કરી લેવાયા હશે, પરંતુ છેવટનું રાજકીય લક્ષ્યાંક હજુ પણ સ્પષ્ટ નથી."
મેનન રાવે લખ્યું, "ઇઝરાયલની વાત કરીએ તો તે વધુ અસ્પષ્ટ પરિસ્થિતિમાં જણાય છે. તણાવને વકરાવ્યા પછી હવે તે એવી પ્રક્રિયા સાથે બંધાયેલું છે, જેની ઉપર તેનું કોઈ નિયંત્રણ નથી. ઇઝરાયલનું ધ્યેય ઈરાનમાં સત્તાપરિવર્તન અથવા તેને લાંબા ગાળા માટે નબળું પાડી દેવાનું છે, પરંતુ બીજે ક્યાંક યોજાઈ રહેલી વાટાઘાટો આ બાબતને બંધ નથી બેસતી."
"ઈરાને એક હદ સુધી વ્યૂહાત્મક લવચીકતા દાખવી છે. તેણે હુમલા ખમ્યા, વળતી કાર્યવાહી કરી અને યુદ્ધવિરામની ચર્ચાને વ્યાપક કરારની શરતો તરફ વાળી દીધી: પ્રતિબંધોમાં ઢીલ, સુરક્ષાની ગૅરંટી અને પ્રાદેશિક તણાવમાં ઘટાડો. આ બધું કરતી વેળા તેણે પોતાના મૂળ વલણ સાથે સમાધાન નથી કર્યું."
રાવે લખ્યું, "પાકિસ્તાન એક આયોજનકર્તા તરીકે નહીં, પરંતુ માધ્યમ તરીકે ભૂમિકા ભજવી હોવાનું બહાર આવ્યું છે. તેણે સંદેશાઓનું આદાનપ્રદાન થઈ શકે એ માટેનો માર્ગ તૈયાર કર્યો. સમયમર્યાદાઓમાં ઢીલ આપવામાં આવી, કૂટનીતિક તકો માટે સાંકડો દરવાજો ખુલ્યો."
"પરંપરાગત અર્થમાં તે મધ્યસ્થતા નથી, પરંતુ તેને હળવી-સાદી ટિપ્પણીઓ દ્વારા નકારી ન શકાય. આપણે જે જોઈ રહ્યા છીએ તે સંઘર્ષનું સમાધાન નથી, પરંતુ તેની પરિસ્થિતિમાં પરિવર્તન છે. યુદ્ધ હજુ સમાપ્ત નથી થયું, તે નવા તબક્કામાં પ્રવેશી ગયું છે, જ્યાં દબાણ અને વાટાઘાટો એકસાથે ચાલી રહ્યાં છે."
પાકિસ્તાનની મોટી ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
નિરૂપમા રાવ કહે છે, "ભારત માટે આનાથી સ્પષ્ટ સંકેત છે. તેને માત્ર તણાવમાં ઘટાડાની રીતે ન જોવું જોઈએ. તેને એક એવા તંત્ર સ્વરૂપે જોવામાં આવે જે તણાવમાં છે. ત્યાં પરિણામ હજુ પણ બદલાઈ શકે છે."
"ભારતે તેની સ્થિતિ સ્પષ્ટ રીતે રાખવી જોઈએ. તણાવમાં ઘટાડો થયો એ વાતનું સમર્થન કરવું જોઈએ, સમુદ્રી માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ અને સંઘર્ષની કોઈ પણ એક કથા સાથે પોતાને ન જોડવું જોઈએ."
તેણે કહ્યું હતું કે આ મૌન રહેવાનો સમય નથી, પરંતુ સંતુલિત ઢબે અને સમજી-વિચારીને બોલવાનો સમય છે.
ઈરાન સામે ઇઝરાયલ અને અમેરિકાનો હુમલો કોઈપણ રીતે પાકિસ્તાનના પક્ષમાં નહોતો. ઈરાન પાકિસ્તાન સાથે 909 કિલોમીટરની સરહદ ધરાવે છે. પાકિસ્તાનની લગભગ 20 ટકા વસ્તી શિયા મુસ્લિમ છે.
ઈરાન શિયા બહુમતી ધરાવતો ઇસ્લામિક દેશ છે. બીજી તરફ, પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે એક સંરક્ષણ કરાર પણ કર્યો છે, જેમાં એવી શરત મૂકવામાં આવી છે કે કોઈપણ દેશ પર કોઈપણ હુમલો કરે, તો બંને દેશ તેને પોતાના પર થયેલો હુમલો માનશે.
ઈરાને સાઉદી અરેબિયાના અનેક વિસ્તારોમાં હુમલો કર્યો, જે પાકિસ્તાનને અસહજ કરનારું હતું. આથી, યુદ્ધવિરામ પાકિસ્તાનના પક્ષમાં પણ છે. ભારતના અગ્રણી અંગ્રેજી અખબાર, 'ધ હિન્દુ'ના ભૂતપૂર્વ પાકિસ્તાન સંવાદદાતા અને વિદેશી બાબતોના નિષ્ણાત નિરુપમા સુબ્રમણ્યમ પણ માને છે કે પાકિસ્તાને એક મોટો રોલ અદા કર્યો હતો.
નિરુપમા સુબ્રમણ્યમ કહે છે, "પાકિસ્તાનની છબી ક્યારેય યુદ્ધનો અંત લાવવા જેવી નહોતી. તેની છબી ખૂબ જ નકારાત્મક હતી. તે ઓસામા બિન લાદેન જેવા લોકોને આશ્રય આપવા માટે જાણીતું હતું, પરંતુ આ વખતે તેણે સંપૂર્ણપણે અલગ ભૂમિકા ભજવી છે. પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય મંચ પર આટલી હાજરી પહેલાં ક્યારેય નહોતી. પાકિસ્તાન પર સાઉદી અરેબિયાનું દબાણ પણ હતું કે ઈરાન તેના પર સતત હુમલા કરી રહ્યું છે. પરંતુ પાકિસ્તાન માટે ઈરાન સામે સાઉદી અરેબિયાનું યુદ્ધ લડવું સરળ નહોતું. જો આવું થયું હોત, તો તેનાથી પાકિસ્તાનમાં બળવો થયો હોત. તેથી, પાકિસ્તાન ઇચ્છતું હતું કે યુદ્ધ કોઈપણ કિંમતે સમાપ્ત થાય."
મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની સફળતા મોટા ભાગે ટ્રમ્પ વહીવટી તંત્ર સાથેના તેના વધતા જતા ગાઢ સંબંધો સાથે જોડાયેલી છે.
નિરુપમા સુબ્રમણ્યમ દલીલ કરે છે કે ઑપરેશન સિંદૂર પછી ટ્રમ્પ વહીવટી તંત્ર સાથે પાકિસ્તાનની નિકટતાથી તેને ફાયદો થયો છે, જ્યારે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુને વધુ અસ્વસ્થ બન્યા છે.
મુનીર છેલ્લા એક વર્ષમાં ઘણી વખત વૉશિંગ્ટનની મુલાકાત લઈ ચૂક્યા છે, અને ટ્રમ્પે તેમને તેમના 'પ્રિય ફિલ્ડ માર્શલ' પણ કહ્યા છે.
પાકિસ્તાનના ઐતિહાસિક રીતે ઈરાન સાથે તેમજ ખાડીદેશો સાથે પણ ઉષ્માભર્યા સંબંધો રહ્યા છે જે તેહરાનના ક્ષેત્રીય હુમલાઓ અને હોર્મુઝ સામુદ્રધુનીની નાકાબંધીથી પ્રભાવિત થયા છે.
મોટા ભાગના નિષ્ણાતો માને છે કે આનાથી નક્કર શાંતિ વાટાઘાટો થાય કે ન થાય, પાકિસ્તાને પહેલાંથી જ તેના પક્ષમાં મોટી રાજદ્વારી સફળતા મેળવી લીધી છે.
અમેરિકામાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીએ વૉલ સ્ટ્રીટ જર્નલને જણાવ્યું હતું કે, "પાકિસ્તાનના દૃષ્ટિકોણથી, તે બંને દેશો માટે ફાયદાકારક છે, પછી ભલે કોઈ સોદો થાય કે ન થાય. પાકિસ્તાને જે હાંસલ કર્યું છે તે એ છે કે અલગ પડી જવાની છબી હવે સમાપ્ત થઈ ગઈ છે અને તેના સ્થાને કેન્દ્રમાં હોવાની છબી આવી ગઈ છે."
પરંતુ મધ્યસ્થીની ભૂમિકા જોખમો પણ લાવે છે, ઓમાનમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત ઇમરાન અલીએ વૉલ સ્ટ્રીટ જર્નલને જણાવ્યું હતું કે, "પાકિસ્તાને ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે ખૂબ જ મુશ્કેલ રાજદ્વારી સંતુલન બનાવવું પડ્યું છે."
વર્ષો સુધી, અમેરિકા શીતયુદ્ધ અને આતંકવાદ સામેના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને એક સાથી તરીકે જોતું હતું.
11 સપ્ટેમ્બર, 2001ના હુમલા માટે જવાબદાર અલ-કાયદાના આતંકવાદીઓની શોધમાં પાકિસ્તાનની સેના અને જાસૂસી એજન્સીઓ સાથે મળીને સીઆઈએએ કામ કર્યું હતું. તેમાં ઓસામા બિન લાદેનની શોધનો પણ સમાવેશ થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
































