અલ નીનો તથા લા નીના શું છે અને તે હવામાનને કેવી રીતે બદલી નાખે છે?

અલ નીનો, લા નીના, ક્લાઈમેટ ઍન્ડ સાયન્સ, હવામાન, ઉનાળો, વેધર, ગુજરાતનું હવામાન, વરસાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, માર્ક પોયન્ટિંગ અને એસ્મા સ્ટેલાર્ડ
    • પદ, બીબીસી ન્યૂઝ ક્લાયમેટ એન્ડ સાયન્સ

સમગ્ર વિશ્વના હવામાન પર અસર કરનારા અલ નીનોનો તબક્કો હવે પૂરો થઈ ગયો છે અને પ્રશાંત મહાસાગરમાં હવે લા નીનાની સ્થિતિ સર્જાઈ છે.

વિશ્વના સૌથી મોટા દરિયા પ્રશાંત મહાસાગરમાં સર્જાતા અલ નીનો અને લા નીના તબક્કા ભારતના ચોમાસા પર પણ અસર કરે છે.

ઑસ્ટ્રેલિયાના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વર્ષ 2023ના ઉનાળામાં જે અલ નીનોની શરૂઆત થઈ હતી એ તબક્કો હવે સમાપ્ત થઈ ગયો છે.

અલ નીનોને કારણે ગયા વર્ષે વિશ્વભરમાં વિક્રમજનક ગરમી પડી હતી. વર્ષ 2024 અત્યાર સુધીનું સૌથી વધારે ગરમ વર્ષ હતું.

અલ નીનો શું છે?

અલ નીનો, લા નીના, ક્લાઈમેટ ઍન્ડ સાયન્સ, હવામાન, ઉનાળો, વેધર, ગુજરાતનું હવામાન, વરસાદ, બીબીસી ગુજરાતી

અલ નીનો એ અલ નીનો સધર્ન ઓસિલેશન (ENSO) નામની આબોહવાની કુદરતી ઘટનાનો એક ભાગ છે.

આ કુદરતી ઘટનામાં એકબીજાથી તદ્દન વિરુદ્ધ બે પ્રકારની સ્થિતિ જોવા મળે છે. એક છે અલ નીનો અને બીજી છે લા નીના. આ બંને સ્થિતિ વિશ્વના હવામાન પર અસર કરે છે. એટલે કે તેના લીધે હવામાનમાં ફેરફારો થાય છે.

અલ નીનોની સ્થિતિ સર્જાઈ છે કે નહીં તે જાણવા માટે વિવિધ માપદંડોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.

  • ઉષ્ણકટિબંધીય પૂર્વ પ્રશાંત મહાસાગરમાં સપાટીનું સામાન્ય કરતાં વધુ તાપમાન
  • ડાર્વિન, ઓસ્ટ્રેલિયા (પશ્ચિમ પ્રશાંત મહાસાગર) ખાતે વાતાવરણનું સામાન્ય કરતાં વધારે દબાણ અને તાહિતી, ફ્રેન્ચ પોલિનેશિયા (મધ્ય પેસિફિક) ખાતે સામાન્ય કરતાં ઓછું દબાણ

ન્યૂટ્રલ એટલે કે 'તટસ્થ' પરિસ્થિતિમાં પ્રશાંત મહાસાગરમાં સપાટીનું પાણી પૂર્વમાં ઠંડું અને પશ્ચિમમાં ગરમ હોય છે. અલ નીનો ન હોય અને લા નીના પણ ન હોય એવી સ્થિતિને તટસ્થ સ્થિતિ કહેવામાં આવે છે.

વેપારી પવનો પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાય અને સૂર્યની ગરમી પાણીને ધીમે ધીમે ગરમ કરે છે, કારણ કે તે આ દિશામાં આગળ વધે છે.

અલ નીનો દરમિયાન આ પવનો નબળા પડે છે અથવા ઊલટા એટલે કે પશ્ચિમથી પૂર્વ તરફ ફૂંકાવા લાગે છે. જેના કારણે સપાટી પરનું ગરમ પાણી પૂર્વ તરફ જાય છે.

લા નીના સમયગાળામાં પૂર્વથી પશ્ચિમ તરફના પવનો વધુ મજબૂત બને છે, જે ગરમ પાણીને વધારે પશ્ચિમ તરફ ધકેલે છે.

આ કારણે સમુદ્રના ઊંડાણમાંથી ઠંડું પાણી ઉપર આવે છે એટલે કે પૂર્વ પેસિફિકમાં દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં ઠંડું હોય છે.

આ ઘટના સૌપ્રથમ 1600ના દાયકામાં પેરુના એક માછીમારે નોંધી હતી. તેમણે જોયું કે ડિસેમ્બરમાં દક્ષિણ અમેરિકા નજીકનું પાણી અત્યંત ગરમ થઈ જતું હતું.

તેમણે આ ઘટનાને 'અલ નીનો ડી નેવીદાદ' એવું હુલામણું નામ આપ્યું હતું.

અલ નીનો અને લા નીના હવામાનને કેવી રીતે બદલી નાખે છે?

અલ નીનો, લા નીના, ક્લાઈમેટ ઍન્ડ સાયન્સ, હવામાન, ઉનાળો, વેધર, ગુજરાતનું હવામાન, વરસાદ, બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દરેક ઘટના સમાન હોતી નથી. તેનાં પરિમાણો પ્રદેશ પ્રમાણે બદલાય છે. જોકે, વિજ્ઞાનીઓએ કેટલીક સામાન્ય અસરોનું અવલોકન કર્યું છે.

અલ નીનોને કારણે તાપમાનમાં કેવા ફેરફાર થાય છે?

અલ નીનો દરમિયાન વૈશ્વિક તાપમાન સામાન્ય રીતે વધે છે અને લા નીના દરમિયાન ઘટે છે.

અલ નીનોમાં ગરમ પાણી વધુ ફેલાય છે અને સપાટીની નજીક રહે છે. તે વાતાવરણમાં વધારે ગરમી છોડે છે, જેનાથી હવા વધારે ભેજવાળી અને ગરમ રહે છે.

તેની પ્રાદેશિક અસરો જટિલ હોય છે અને કેટલાંક સ્થળોએ વર્ષના અલગ-અલગ સમયે અપેક્ષા કરતાં ગરમ અને ઠંડી બંને હોઈ શકે છે.

2023નું વર્ષ રેકૉર્ડ પરનું સૌથી ગરમ વર્ષ હતું. લાંબા ગાળાના માનવસર્જિત આબોહવા પરિવર્તન ઉપરાંત અલ નીનો પરિસ્થિતિને કારણે ગરમી વધી હતી અને તે 2024 સુધી ચાલુ રહી હતી.

2020 અને 2022ની વચ્ચેના સમયગાળામાં વિશ્વએ લા નીના પરિસ્થિતિના અસામાન્ય રીતે લાંબા સમયગાળાનો અનુભવ કર્યો હતો, જેણે વૈશ્વિક તાપમાનને અંકુશમાં રાખવામાં મદદ કરી હતી.

બ્રિટન અને પશ્ચિમ યુરોપના પ્રદેશોનું તાપમાન અલ નીનોને કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તે જટિલ અને અનિશ્ચિત છે. દાખલા તરીકે, તેમાં શિયાળો સરેરાશ કરતાં વધુ ઠંડો હોઈ શકે છે, પરંતુ તેનો આધાર અલ નીનો કેવી રીતે સર્જાય છે તેના પર હોય છે.

અલ નીનોના સમયગાળા દરમિયાન ભારતના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય રીતે તાપમાન ઊંચું જોવા મળે છે.

અલ નીનોને કારણે વરસાદમાં કેવા ફેરફાર થાય છે?

અલ નીનો, લા નીના, ક્લાઈમેટ ઍન્ડ સાયન્સ, હવામાન, ઉનાળો, વેધર, ગુજરાતનું હવામાન, વરસાદ, બીબીસી ગુજરાતી

અલ નીનો ઘટના દરમિયાન ગરમ પાણી પેસિફિક જેટ સ્ટ્રીમના હવાના મજબૂત પ્રવાહોને દક્ષિણ તથા પૂર્વ તરફ વધુ ધકેલે છે.

તેનાથી દક્ષિણ અમેરિકા અને મૅક્સિકોના અખાતની આસપાસના વિસ્તારોમાં વધારે વરસાદ પડે છે.

દક્ષિણપૂર્વ એશિયા, ઑસ્ટ્રેલિયા અને મધ્ય આફ્રિકા જેવા ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં સામાન્ય રીતે વરસાદ ઓછો પડે છે.

જ્યારે પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ હોય ત્યારે સામાન્ય રીતે ભારતમાં ચોમાસું નબળું રહે છે એટલે કે ભારતમાં વરસાદ ઓછો પડે છે.

લા નીનામાં આ સ્થિતિ તદ્દન વિપરીત હોય છે, એટલે કે લા નીના સર્જાય ત્યારે સામાન્ય રીતે ભારતમાં ચોમાસું સારું રહે છે અને વધારે વરસાદ પડે છે.

અલ નીનો અને લા નીનામાં ઉષ્ણકટિબંધીય તોફાનો એટલે કે વાવાઝોડાંની સ્થિતિ શું હોય છે?

અલ નીનો વાતાવરણીય પરિભ્રમણ પૅટર્નને પણ અસર કરે છે. તેનો અર્થ એ છે કે ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગરમાં સામાન્ય કરતાં વધુ વાવાઝોડાં સર્જાય છે, પરંતુ દક્ષિણ અમેરિકા સહિતના ઉષ્ણકટિબંધીય એટલાન્ટિક મહાસાગરમાં વાવાઝોડાંની સંખ્યા ઓછી રહી છે.

લા નીના દરમિયાન સામાન્ય રીતે આનાથી વિપરીત સ્થિતિ જોવા મળે છે.

કાર્બન ડાયોક્સાઇડ(CO2)ના પ્રમાણ સ્થિતિ શું હોય છે?

વિજ્ઞાનીઓએ પણ અવલોકન કર્યું છે કે અલ નીનો ઘટનાઓ દરમિયાન, સંભવતઃ ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં ગરમ અને સૂકી પરિસ્થિતિને પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે.

દુષ્કાળને કારણે છોડ ઓછી ઝડપે વૃદ્ધિ પામતા હોવાથી તે ઓછો કાર્બન ડાયોક્સાઇડ શોષે છે, જ્યારે દક્ષિણ એશિયા જેવા પ્રદેશોમાં આવેલાં જંગલો વધારે આગ લાગવાના બનાવો બને છે અને તેના કારણે ત્યાંથી વધારે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે.

અલ નીનો અને લા નીના મહત્ત્વની કેમ છે?

અલ નીનો, લા નીના, ક્લાઈમેટ ઍન્ડ સાયન્સ, હવામાન, ઉનાળો, વેધર, ગુજરાતનું હવામાન, વરસાદ, બીબીસી ગુજરાતી

અલ નીનો અને લા નીનાને કારણે હવામાનની અત્યધિક ઘટનાઓમાં વધારો થાય છે. આ એક્સ્ટ્રીય વેધર ઇવેન્ટ્સ વિશ્વભરમાં માળખાગત સુવિધાઓ, ખોરાક અને ઉર્જા પ્રણાલીઓને અસર કરે છે.

દાખલા તરીકે, અલ નીનો ઘટના દરમિયાન દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારા પર ઓછું ઠંડુ પાણી સપાટી પર આવે છે ત્યારે સમુદ્રના તળિયેથી પોષકતત્ત્વો પણ ઓછાં ઉપર આવે છે.

તેનો અર્થ એ છે કે સ્ક્વિડ અને સેલ્મોન જેવી દરિયાઈ પ્રજાતિઓ માટે ખોરાકની તંગી સર્જાય છે. જેના લીધે આ દરિયાઇ માછલીઓ પકડીને જીવન ગુજારતા દક્ષિણ અમેરિકન માછીમાર સમુદાય માટે સંકટ ઊભું થાય છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, 2015-16ની આત્યંતિક અલ નીનો ઘટનાને કારણે સર્જાયેલા દુષ્કાળ અને પૂરથી 6 કરોડથી વધુ લોકો પર ખોરાકનું સંકટ ઊભું થયું હતું.

તાજેતરનો એક અભ્યાસ સૂચવે છે કે અલ નીનો ઘટનાઓ વિશ્વની આર્થિક વૃદ્ધિમાં નોંધપાત્ર ઘટાડો કરે છે, જે ભવિષ્યમાં વધારે સંકટરૂપ બની શકે છે.

અલ નીનો અને લા નીનાની ઘટનાઓ સામાન્ય રીતે દર બેથી સાત વર્ષે થાય છે. તે સામાન્ય રીતે નવથી બાર મહિના સુધી ચાલે છે.

તે વારાફરતી સર્જાય એવું જરૂરી નથી. અલ નીનો કરતાં લા નીના ઘટનાઓ ઓછી સામાન્ય છે.

આબોહવા પરિવર્તનની અસર અલ નીનો, લા નીના પર થાય છે?

અલ નીનો, લા નીના, ક્લાઈમેટ ઍન્ડ સાયન્સ, હવામાન, ઉનાળો, વેધર, ગુજરાતનું હવામાન, વરસાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સંયુક્ત રાષ્ટ્રસંઘના હવામાન વિજ્ઞાનીઓ આઈપીસીસીએ 2021માં જણાવ્યું હતું કે 1950થી બનેલી અલ નીનો, લા નીના ઘટનાઓ 1850 અને 1950ની વચ્ચે જોવા મળેલી આવી ઘટનાઓ કરતાં વધુ આકરી હતી.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે વૃક્ષોની રિંગ્ઝ અને અન્ય ઐતિહાસિક પુરાવા દર્શાવે છે કે 1400ના દાયકાથી આ ઘટનાઓના આવર્તન અને તિવ્રતામાં ભિન્નતા રહી છે.

આઈપીસીસીએ તારણ કાઢ્યું હતું કે આબોહવા પરિવર્તને આ ઘટનાઓ પર અસર કરી હોય એવા કોઈ સ્પષ્ટ પુરાવા નથી.

કેટલાક ક્લાયમેટ મોડેલ્સ સૂચવે છે કે ગ્લોબલ વૉર્મિંગને પરિણામે અલ નીનો ઘટનાઓ વારંવાર અને વધુ તીવ્ર બનશે. સંભવતઃ તાપમાનમાં વધારો કરશે, પરંતુ એવું થશે જ તે નક્કી નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.