ગીરની સિંહણ: સિંહો પણ જેને 'માન આપતા' એ 'રાજમાતા' સિંહણનો દબદબો કેવો હતો?

સિંહણ, બીબીસી ગુજરાતી, ગીર, સાસણ ગીર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR

"સાસણ પહોંચ્યો ત્યારે બજાર સૂમસામ હતું. રસ્તા પર આંટા મારતા ટૂરિસ્ટ કે અમસ્તા ભેગા થયેલા માણસો સિવાય કોઈ નહોતું. પોતપોતાની જિપ્સી ઘરે મૂકી રાખીને બજારમાં ભેગા થયેલા ડ્રાઈવરો એક ઓટલે ટોળે વળ્યા હતા. મારી નજર અહેમદ પર પડી. મેં ત્યાં જઈને પૂછ્યું, 'શું છે અહેમદ, આજે બધું બંધ કેમ રાખ્યું છે?'

'પરમ દિ રાત્યે આંય પુલ માથેથી સ્હાવજે પડતું મેલ્યું. આજ ઈનીં મૈંયત કરી તે ગામ બંધ છે. બપોર કેડે સભા સ્હોત થવાની સે.'

ગુજરાતના જાણીતા નવલકથાકાર ધ્રુવ ભટ્ટની 'અકૂપાર' નવલકથાનો આ અંશ છે. એક સિંહનું મૃત્યુ થાય ત્યારે માણસોને કેવું દુ:ખ લાગે, કેવી ગમગીની છવાઈ જાય, સિંહ અને માણસ વચ્ચે કેવી લાગણી હોય તેનું આ નવલકથાઅંશમાં વિવરણ છે.

આ તો વાત સાહિત્યની થઈ પણ વાસ્તવિક જગતમાં પણ ગીર પંથકમાં સિંહ અને માણસ વચ્ચેનો સેતુ હજુ પણ અકબંધ છે.

ગુજરાતની એક સિંહણ હતી અને એનું નામ હતું 'રાજમાતા', જ્યારે એનું મોત થયું ત્યારે લીલિયા ક્રાંકચ સહિતના વિસ્તારોમાં તેને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ મુજબ આ સિંહણની યાદમાં અમરેલીના કોલ્લારવેલીમાં બાવડી ડુંગર પર તેનું એક સ્મારક બનાવવામાં આવ્યું છે. આ સ્ટેચ્યૂનું નામ ' વર્લ્ડ્સ મોસ્ટ લેજન્ડરી લાયોનેસ' રાખવામાં આવ્યું છે.

સિંહણ રાજમાતાનું આયુષ્ય અંદાજે 20 વરસનું હતું અને સામાન્ય સિંહ કરતા તેનું આયુષ્ય ઘણું લાંબું માનવામાં આવે છે.

જૂનાગઢનાં મુખ્ય વનસંરક્ષક (વાઇલ્ડલાઈફ) આરાધના સાહુ કહે છે કે એ સિંહણ (રાજમાતા) ઘણી લોકપ્રિય હતી. એનું આયુષ્ય 20 વર્ષની આસપાસનું હતું. લોકોએ તેને રાજમાતા નામ આપ્યું હતું.

બીબીસી

પ્રજા અને સિંહોનું વચ્ચેનું જોડાણ

સિંહણ

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR

એશિયામાં સૌથી લાંબું જીવનાર સિંહણ રાજમાતાનું 23 ઑગસ્ટ 2020ના રોજ મોત થયું હતું. પાલિતાણા નજીક વડાલ એનિમલ કેર સેન્ટરમાં તેની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.

માનવામાં આવે છે કે સાત વખત ગર્ભવતી થયા બાદ આ સિંહણે 15 સિંહબાળને જન્મ આપ્યો હતો, જે એશિયાટિક સિંહોમાં એક રેકૉર્ડ ગણાય છે.

અમરેલીના લીલિયા ક્રાકંચમાં રહેલાં 40થી વધુ સિંહ-સિંહણનો વારસો પણ રાજમાતાનો વંશ માનવામાં આવે છે, જેને વન વિભાગ અને પ્રાણીપ્રેમીઓ ગર્વભેર યાદ કરે છે.

મુખ્ય વનસંરક્ષક આરાધના સાહુ કહે છે કે એશિયાટિક સિંહો સામાન્ય રીતે 16 વર્ષ જીવતા હોય છે. રાજમાતા એક અપવાદ છે. તે 20 વર્ષ સુધી જીવી અને સાત વાર સિંહબાળને જન્મ આપ્યો. તેમણે જ 2008માં આ સિંહણના ગળામાં રિસર્ચ માટે રેડિયો કૉલર પહેરાવ્યો હતો.

બીબીસી

ગીર વિસ્તારમાં રાજમાતાનો દબદબો

સિંહણ

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર રાજન જોશી કહે છે, "1999-2000ની સાલમાં એક સિંહ યુગલ અહીં આવેલું અને એમનું બચ્ચું એટલે સિંહણ રાજમાતા. અત્યાર સુધીમાં સૌથી વધુ બચ્ચાં જો કોઈએ આપ્યાં હોય તો એ રાજમાતા છે એવું માનવામાં આવે છે. અહીં લોકો અને સિંહ વચ્ચેના જોડાણનું એક બહુ મોટું માધ્યમ આ સિંહણ હતી."

વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર રાજન જોશી કહે છે કે "આ વિસ્તારમાં રાજમાતાનો ભારે દબદબો હતો. ઘણી વાર એવું બન્યું છે કે સિંહોનું ટોળું બેઠું હોય, ઇનફાઇટ ચાલતી હોય અને સિંહણ રાજમાતા આવે એટલે બધા શાંત થઈ જાય અને પોતપોતાના રસ્તે ચાલ્યા જાય."

મનોજ જોશી કહે છે કે રાજમાતા સિંહણને જોવી એક લહાવો હતો. તેની ચાલવાની ઢબ, દેખાવ અન્ય સિંહોથી અલગ હતાં.

સામાન્ય રીતે સિંહણ 12 કે 13 વર્ષની ઉંમર પછી બચ્ચાંને જન્મ આપતી નથી. 18 વર્ષની ઉંમરે પહોંચેલી આ સિંહણે એક સિંહબાળને જન્મ આપ્યો હતો.

રાજમાતાનું મોત ઉંમર સંબંધિત બીમારીના કારણે થયું હતું. રાજમાતા સહિત અન્ય સિંહોની સંખ્યાનું નજીકથી નિરીક્ષણ કરનારા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર રાજન જોશી અને મનોજ જોશી કહે છે કે, તેણે છેલ્લી વાર 2018માં સિંહબાળને જન્મ આપ્યો હતો. જોકે તે જ વર્ષે સિંહબાળ ગુમ થઈ જતાં રાજમાતાનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગ્યું હતું. આ સિંહબાળનો અન્ય સિંહોએ શિકાર કરી નાખ્યો હોવાનું મનાય છે.

બીબીસી

'અમારી સિંહણ અમને પાછી આપી દો'

સિંહણ

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR

ગુજરાત એ એશિયન સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે અને ઘણી વાર સિંહો અને માનવી વચ્ચેના ઘર્ષણની વાતો પણ સામે આવતી હોય છે.

જોકે રાજમાતા સિંહણની કહાણી જરા જુદી છે.

થયું એવું કે એક વાર રાજમાતા પોતાનો રસ્તો ભૂલી ગઈ અને ગોંડલ સુધી પહોંચી ગઈ. રાજમાતા સહિત તેનાં ત્રણ સિંહબાળને પકડવામાં ફોરેસ્ટ વિભાગને સાત દિવસ લાગ્યા હતા. ફોરેસ્ટ અધિકારીઓએ તેને પકડવા પાંજરા મૂકતા, જોકે રાજમાતા દરેક ટ્રેપમાંથી છટકી જતી. આખરે વન વિભાગે તેને ઇંજેક્ષન મારીને બેભાન કરી હતી અને બાદમાં તેને જૂનાગઢ શક્કરબાગ ઝૂમાં લઈ ગયા.

રાજન જોશી કહે છે કે "એક વાર અહીં ભયંકર પૂર આવ્યું ત્યારે વનવિભાગે આ સિંહણને રેસ્ક્યુ કરીને ધારી પૂર્વમાં છોડી હતી. ત્યાંથી એ બચ્ચાં સાથે ગોંડલ પહોંચી ગઈ હતી. દિવાળીના દિવસે એ ગોંડલ પહોંચી હતી. જોકે લીલિયા અને આસપાસના લોકોને જાણ થતા કે સિંહણને પાછી લાવવા રજૂઆત કરી હતી."

સ્થાનિક પત્રકાર મનોજ જોશી કહે છે કે "સામાન્ય રીતે ખેડૂતો હમેશાં એવું કહેતા હોય છે કે અમારા વિસ્તારના સિંહોને તમે લઈ જાવ. એને જંગલમાં લઈ જાવ, કેમ કે અમારાં પશુનું મારણ કરી નાખે છે."

"પહેલી વાર એવું થયું કે સિંહણને જ્યારે જૂનાગઢમાં પૂરવામાં આવી ત્યારે આ લીલિયાના લોકો અને ગ્રામપંચાયતે લેખિત પુરાવા સાથે વનવિભાગને રજૂઆત કરી હતી કે અમને અમારી સિંહણ પાછી આપી દો. અને પછી સિંહણને અહીં લાવવામાં આવી હતી."

લીલિયા અને તેની આસપાસના લોકોની માગ છે કે રાજમાતા સિંહ એ તેમના વિસ્તારમાં ખૂબ લોકપ્રિય હતી, આથી લોકો જીવનભર તેને યાદ રાખે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

(માહિતી: હનીફ ખોખર, જૂનાગઢ)

બીબીસી
બીબીસી