ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ત્રણ દિવસ યલો ઍલર્ટ, ગરમી કેવી પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
10, 11 અને 12 માર્ચ એમ ત્રણ દિવસ ગુજરાતના કેટલાક જિલ્લામાં ગરમીનો પારો ચઢેલો રહેશે. હવામાન વિભાગે યલો ઍલર્ટ સાથે કેટલાક જિલ્લામાં લૂ એટલે કે હીટ વેવની શક્યતા દર્શાવી છે.
દશ તારીખે કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, મોરબી, બનાસકાંઠા,સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ તેમજ સુરતમાં હિટ વેવની શક્યતા છે.
અગિયાર માર્ચે ગાંધીનગર, મોરબી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી તેમજ સુરતમાં હિટ વેવની શક્યતા છે.
જ્યારે કે બાર માર્ચે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને રાજકોટ એમ ચાર જિલ્લામાં યલો ઍલર્ટ સાથે હિટ વેવની શક્યતા છે.
ગુજરાત સહિત દેશભરમાં હિટ વેવના દિવસોમાં પણ વધારો થવાની શક્યતા
હવામાન વિભાગે આગામી ઉનાળાની સિઝનમાં ગુજરાત સહિત દેશભરમાં કેવી ગરમી પડશે અને કેટલા દિવસો સુધી લૂ કે હિટ વેવનો સામનો કરવો પડશે તે અંગેનું પૂર્વાનુમાન જારી કરી દીધું છે.
હવામાન વિભાગે જારી કરેલા પૂર્વાનુમાન મુજબ આ વખતે દેશભરમાં ઉનાળામાં ગરમી વધારે પડે તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે કે તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહે તેવી શક્યતા છે.
ગુજરાતમાં સામાન્ય રીતે માર્ચ મહિનાની શરૂઆતથી ગરમીની શરૂઆત થતી હોય છે, આ વર્ષે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા સપ્તાહથી જ રાજ્યમાં ગરમી વધવાની શરૂ થઈ ગઈ હતી.
હવામાન વિભાગ પ્રમાણે લઘુતમ તાપમાન એટલે કે રાત્રી દરમિયાનનું તાપમાન પણ દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે રહે તેવી સંભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાત સહિત દેશભરમાં હિટ વેવના દિવસોમાં પણ વધારો થવાની શક્યતા છે.
હાલની સ્થિતિ પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતમાં ગરમીમાં વધારો થશે અને એપ્રિલ તથા મે મહિનામાં વધારે ગરમી પડવાની શક્યતા છે.

ગુજરાતમાં કયા વિસ્તારોમાં સૌથી વધારે ગરમી પડશે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવામાન વિભાગે ઉનાળાની સિઝન એટલે કે માર્ચથી મે મહિના એમ ત્રણ મહિનામાં તાપમાન, વરસાદ અને હિટ વેવનું પૂર્વાનુમાન જારી કર્યું છે. જેમાં ગુજરાતમાં સામાન્ય કરતાં વધારે ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે પૂર્વાનુમાનની સાથે જે નકશો જારી કર્યો છે તે પ્રમાણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે તાપમાન રહે તેવી સંભાવના છે.
માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમા સામાન્ય કરતાં વધારે તાપમાન રહેવાની શક્યતા વધારે છે.
જ્યારે કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે તાપમાન રહેવાની શક્યતા 50 ટકા કરતાં વધારે છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જ્યાં લીલો રંગ દેખાય છે ત્યાં તાપમાન સામાન્ય જેટલું જ રહે તેવું જ છે.
સામાન્ય કરતાં વધારે તાપમાન એટલે કે ઉનાળાના આ ત્રણ મહિના દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જે સરેરાશ તાપમાન રહેતું હોય તેના કરતાં વધારે સરેરાશ તાપમાન રહેવાની શક્યતા છે.
ગુજરાત સહિત દેશભરમાં કેટલા દિવસ સુધી હિટ વેવ રહેશે?

ઇમેજ સ્રોત, imd
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશભરમાં આ વખતે સામાન્ય કરતાં હિટ વેવના દિવસો વધારે રહેવાની શક્યતા છે. જેમાં પૂર્વોત્તર ભારત, દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારો, ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો, દક્ષિણ પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારો, જ્યારે મધ્ય ભારત, ઉત્તર ભારત, પશ્ચિમ ભારત સહિત ગુજરાતના વિસ્તારોમાં આ વર્ષે વધારે દિવસો હિટ વેવ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે.
હવામાન વિભાગે જારી કરેલા નકશા પ્રમાણે ગુજરાતના તમામ ભાગોમાં સામાન્ય કરતાં વધારે હિટ વેવના દિવસો રહેવાની શક્યતા દેખાઈ રહી છે. એટલે કે આ ઉનાળામાં ગુજરાતમાં લૂની સ્થિતિ વધારે દિવસો સુધી જોવા મળી શકે છે.
જ્યારે તાપમાન સામાન્ય રીતે હોવું જોઈએ તેના કરતાં અસમાન્ય રીતે ઊંચું જતું રહે ત્યારે હવામાન વિભાગ હિટ વેવની ચેતવણી જારી કરતું હોય છે.
મેદાની પ્રદેશોમાં 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે તાપમાન હોય અને પર્વતીય પ્રદેશોમાં 30 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે તાપમાન થાય તે બાદ જે તે વિસ્તારમાં હિટ વેવની ચેતવણી જારી કરવામાં આવતી હોય છે.
હિટ વેવની સ્થિતિમાં સામાન્ય કરતાં 4.5 ડિગ્રી સેલ્સિયસથી 6.4 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધી જાય છે. આ ઉપરાંત સામાન્ય કરતાં 6.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધી જાય તો તેને તીવ્ર હિટ વેવ કહેવામાં આવે છે.
ગુજરાતમાં ઉનાળામાં વરસાદ પડવાની શક્યતા કેટલી?
હવામાન વિભાગે તાપમાન અને હિટ વેવની સાથે આગામી મહિના માટે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ પડશે કે નહીં તે અંગે પણ પૂર્વાનુમાન પણ જારી કર્યું છે.
માર્ચ મહિનામાં ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થઈ શકે છે.
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે અન્ય વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે.
સામાન્ય રીતે ગુજરાતમાં ઉનાળામાં વરસાદ પડતો નથી, રાજ્યમાં માર્ચ મહિનામાં ખૂબ ઓછો વરસાદ થાય છે. ક્યારેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આ સમયગાળામાં રાજ્યમાં વરસાદ થતો હોય છે.
ગુજરાતમાં માર્ચથી લઈને મે મહિના સુધી સામાન્ય કરતાં વધારે તાપમાન અને ઓછા વરસાદની સ્થિતિને જોતાં રાજ્યમાં ઉનાળો આકરો રહેવાની સંભાવના છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













