ગુજરાતમાં જીરું, વરિયાળીને બદલે ખેડૂતોએ ઘઉંનું વાવેતર કેમ વધાર્યું?

ગુજરાતમાં ઘઉં, જીરું અને વરિયાળીનું ઉત્પાદન, રવી પાકના ઉત્પાદનને વરસાદની કેવી અસર થાય ? કૃષિ સમાચાર, હવામાન સમાચાર, ખેડૂતોએ ઘઉં જીરું કે વરિયાળીનું ઉત્પાદન કરવું જોઈએ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

પાકના વાવેતરમાં હવામાન ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ચોમાસામાં વધારે વરસાદ હોય તે વર્ષે વધારે પાણીના પાકોનું વાવેતર વધે છે, જ્યારે ઓછો વરસાદ હોય તેવી સ્થિતિમાં ઓછા પાણીના પાકોનું વાવેતર કરવામાં આવે છે.

ડાયરેક્ટરેટ ઑફ ઍગ્રિકલ્ચરની વેબસાઇટ પર આપેલા આંકડા અનુસાર, ગુજરાતમાં આ ગત વર્ષની સરખામણીમાં ઘઉંના વાવેતરવિસ્તારમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે જીરું અને વરિયાળી જેવા પાકોમાં ઘટાડો જોવા મળ્યો છે.

આ વર્ષે ગુજરાત રાજ્યમાં વરસાદ વધારે હતો. તેમજ ઑક્ટોબર મહિના સુધી વરસાદની સિઝન ચાલુ હતી.

ઘઉંના પાકનું વાવેતર ગુજરાતના દરેક જિલ્લામાં થાય છે, જ્યારે જીરું, વરિયાળી જેવા પાકનું વાવેતર કેટલાક વિસ્તારમાં જ થાય છે.

જીરું, વરિયાળીનું વાવેતર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ જોવા મળે છે.

નિષ્ણાતોનું માનવું છે કે પાકોના વાવેતરમાં હવામાન ઉપરાંત પાકના આગળના વર્ષના ભાવ પણ અસર કરતા હોય છે.

આગળના વર્ષે જે પાકનો ભાવ વધુ હોય બીજા વર્ષે તે પાકના વાવેતરમાં વધારો જોવા મળતો હોય છે. ક્યારેક બીજા વર્ષે પાક વધવાને કારણે બંપર આવક થાય અને ભાવ ઘટી જતો જોવા મળે છે.

વાવેતર વધવા કે ઘટવાનાં કારણો

ગુજરાતમાં ઘઉં, જીરું અને વરિયાળીનું ઉત્પાદન, રવી પાકના ઉત્પાદનને વરસાદની કેવી અસર થાય ? કૃષિ સમાચાર, હવામાન સમાચાર, ખેડૂતોએ ઘઉં જીરું કે વરિયાળીનું ઉત્પાદન કરવું જોઈએ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આણંદ ઍગ્રિકલ્ચર યુનિવર્સિટીના હવામાન વિભાગના અધ્યક્ષ મનોજ લુણાગરિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું:

"પાકોના વાવેતરનું જોડાણ આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું હોય છે."

"કોઈ પાકનો ભાવ આગળના વર્ષે ઓછો આવ્યો હોય તો ખેડૂતો બીજા વર્ષે બદલીને અન્ય પાકનું વાવેતર કરતા હોય છે."

"આ ઉપરાંત વાતાવરણ અને પાણીની સ્થિતિને ધ્યાનમાં રાખીને વાવેતર કરવામાં આવતું હોય છે."

"તેમજ જીરું કે વરિયાળી જેવા પાકોમાં જો આગળના વર્ષે કોઈ રોગ આવ્યો હોય કે જીવાત પડી હોય કે પછી વધારે ઝાકળને કારણે પાકમાં નુકસાન થયેલું જોવા મળ્યું હોય, તો પણ ખેડૂતો તે પાકનું વાવેતર ઓછું કરે છે કે કરવાનું ટાળે છે."

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના અધ્યાપક યોગેશ પવારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું:

"જળવાયુ પરિવર્તનને કારણે ખેતીના પાકોના વાવેતરમાં ફેરફાર થયેલો જોવા મળે છે. હવામાનમાં થયેલી ફેરફારની સીધી અસર થાય તેવા જીરું, વરિયાળી વગેરે સેન્સેટિવ પાકોનું વાવેતર ઘટ્યું છે."

"જ્યારે ઘઉં, રાજગરો વગેરે પાકોનું વાવેતર આ વર્ષે વધારે જોવા મળી રહ્યું છે. ઘઉંના પાકમાં જીવાત પડવાની સમસ્યા રહેતી નથી, જેને કારણે પાણી હોય તેવા વિસ્તારમાં ખેડૂતો ઘઉંનું વાવેતર વધુ કરે છે."

રવીપાકના વાવેતર પર વરસાદની અસર

ગુજરાતમાં ઘઉં, જીરું અને વરિયાળીનું ઉત્પાદન, રવી પાકના ઉત્પાદનને વરસાદની કેવી અસર થાય ? કૃષિ સમાચાર, હવામાન સમાચાર, ખેડૂતોએ ઘઉં જીરું કે વરિયાળીનું ઉત્પાદન કરવું જોઈએ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જેતપુરના ખેડૂત જયેશ ગઢિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "જીરું, વરિયાળી વગેરે પાકમાં પાણી ઓછું જોઈએ, તેમજ ભેજ પણ ઓછો હોવો જોઈએ. ગયા વર્ષે વરસાદ ઓછો થયો હતો, જેથી જીરું અને વરિયાળીનું વાવેતર વધારે થયું હતું."

"આ વર્ષે વરસાદ વધારે હતો તેમજ ભેજયુક્ત વાતાવરણ હતું. આ પ્રકારના હવામાનમાં સામાન્ય રીતે જીરું, વરિયાળીનું વાવેતર ઓછું કરવામાં આવે છે."

"ઘઉંના વાવેતરમાં પાકને વધારે પાણીની જરૂર પડે છે એટલે આ વર્ષે ઘઉંનાં વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે."

ડૉ. મનોજ લુણાગરિયા જણાવે છે, "શિયાળાના રવીપાકનું વાવેતર ચોમાસામાં પડેલા વરસાદને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા હોય છે. આ વર્ષે વરસાદ વધારે હતો, તેમજ વરસાદ ઑક્ટોબર મહિના સુધી હતો, જેથી પાણીની સ્થિતિ સારી છે, જેને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પાણી હોવાને કારણે ઘઉંનું વધુ થાય છે."

"પરંતુ જો ચોમાસામાં વરસાદ ઓછો હોય તેમજ સપ્ટેમ્બર મહિના બાદ વરસાદ ન આવ્યો હોય, તો પાણી ઓછું હોય તેવી સ્થિતિમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવેતર ઘટી જાય છે."

"ઘઉંનું વાવેતર આખા ગુજરાતમાં દરેક જગ્યા પર થાય છે. જ્યારે જીરું, વરિયાળીનું વાવેતર અમુક જ વિસ્તારમાં થાય છે. આથી જ્યારે વરસાદ વધુ હોય અને પાણીની સ્થિતિ સારી હોય ત્યારે ઘઉંનું વાવેતર વધતું જોવા મળે છે."

પાકના ભાવ અને વાવેતર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

હળવદ ઘઉંના પાકના ખરીદ વેચાણનું મોટું માર્કેટ છે. હળવદ એપીએમસીના (ઍગ્રિકલ્ચર પ્રૉડ્યૂસ માર્કેટ કમિટી) ચૅરમૅન રજનીભાઈ સંઘાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ઘઉંનું વાવેતર દર વર્ષે વધારે રહે જ છે. આ વર્ષે પાણી સારું હોવાને કારણે થોડુંક વાવેતર વધ્યું છે.

ગત વર્ષની સરખામણીમાં ઘઉંના વાવેતરમાં 9 ટકા વધારો જોવા મળી રહ્યો છે.

ઘઉંના ભાવ અંગે વાત કરતાં રજનીભાઈ જણાવે છે, "ઘઉંનો ભાવ તેની અલગઅલગ જાત પ્રમાણે અલગ હોય છે. વર્ષ 2023-24માં ઘઉંનો ભાવ 500 રૂપિયા કરતાં વધારે હતો."

"જોકે વર્ષ 2022-23માં તો 350 રૂપિયા હતો. જેમાં ગત વર્ષે વધારો જોવા મળ્યો હતો. આ વર્ષે ઘઉંના વાવેતરમાં થોડોક વધારો જોવા મળ્યો છે. તેમ છતાં ઘઉંના ભાવ વધુ રહેશે. આ વર્ષે અમારો અંદાજ છે કે ઘઉંનો ભાવ 600 રૂપિયા સુધી પહોંચી શકે છે."

ઊંઝા એપીએમસીએ જીરું અને વરિયાળીને ખરીદવેચાણનું રાજ્યનું સૌથી મોટું માર્કેટ છે.

ઊંઝા એપીએમસીના ચૅરમૅન દિનેશ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "જીરુંનું વાવેતર થોડું ઘટ્યું છે. પરંતુ એટલું પણ ઘટ્યું નથી. ગયા વર્ષે જીરું અને વરિયાળીનો બમ્પર પાક થયો હતો, જેને કારણે ભાવમાં ઘટાડો જણાય છે."

"જોકે વર્ષ 2022-23માં જીરુંનો ભાવ મણનો (20 કિલો) ભાવ રૂ. 4000 એ પહોંચ્યો હતો, જેના કારણે વર્ષ 2023-24માં ખેડૂતોએ જીરાનું વાવેતર વધારે કર્યું હતું. જેને કારણે જીરાંના પાકની આવક વધતા ભાવમાં ઘટાડો થયા હતો."

"વર્ષ 2023 -24માં ઘટીને જીરાનો ભાવ 1400 રૂપિયાએ પહોંચી ગયો હતો. ગયા વર્ષના જીરાના પાકનો માલ બાકી છે. તેમજ આ વર્ષે પણ આવક સારી થાય તેમ છે, જેથી આ વર્ષે પણ જીરાના ભાવ 1200થી 1400ની આસપાસ જ રહેશે અને વધારો થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી."

વરિયાળીના વાવેતરમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે વર્ષ 2022-23માં વરિયાળીનું વાવેતર અઢી ગણું વધારે કરવામાં આવ્યું હતું.

વરિયાળીના પાક અંગે વાત કરતા દિનેશ પટેલ જણાવે છે, "વર્ષ 2022-23માં વરિયાળીનો પાક ઓછો હોવાને કારણે ભાવ સારો મળ્યો હતો. તે સમયે 20 કિલો વરિયાળીનો ભાવ 12000 રૂપિયાએ પહોંચી ગયો હતો."

"ત્યાર બાદ 2023-24માં વરિયાળીનું વાવેતર વધુ થવાને કારણે પાકની આવક વધી ગઈ હતી. વરિયાળીની આવક વધવાને કારણે ભાવ ઘટીને 6000 રૂપિયા થઈ ગયો હતો. અત્યારે વરિયાળીનો ભાવ 4200 રૂપિયા છે."

"ગયા વર્ષની વરિયાળીનો પાક બાકી હોવાને કારણે આ વર્ષે ભલે વાવેતર ઓછું હોય તો પણ ભાવ વધવાની શક્યતા નથી. આ વર્ષે ભાવ 4000 રૂપિયાની આસપાસ રહેવાની શક્યતા છે."

ઘઉં, જીરું અને વરિયાળીના પાકના વાવેતરના આંકડા

ડાયરેક્ટર ઑફ એગ્રિકલ્ચરની વેબસાઇટ પર આપેલા વાવેતરના આંકડા અનુસાર:

  • વર્ષ 2023-24માં ઘઉંનું 12,20,640 હેક્ટરનું વાવેતર થયું હતું
  • વર્ષ 2024-25માં ઘઉં 13,42,331 હેક્ટરનું વાવેતર કરવામાં આવ્યું છે, જે ગત વર્ષની સરખામણીમાં લગભગ 9 ટકાનો વધારો જોવા મળ્યો છે
  • વર્ષ 2023-34માં જીરાનું 5,61,306 હેક્ટરનું વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યારે 2024-25માં 4,76,481 હેક્ટરનું વાવેતર કરવામાં આવ્યું છે
  • વર્ષ 2023-24માં વરિયાળીનું 1,33,207 હેક્ટર વાવેતર કરવામાં આવ્યું હતું. વર્ષ 2024-25માં માત્ર 57188 હેક્ટર વાવેતર કરવામાં આવ્યું છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.