મગફળીમાં મૂંડા ખેતરના શેઢે વાવેલાં ઝાડને કારણે આવે, ન આવે તે માટે શું ઉપાયો કરવા?

ઇમેજ સ્રોત, Getty Images
"મેં 50 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું પરંતુ તેમાં મૂંડા આવી જતા મગફળીને ખૂબ નુકસાન થયું છે. મારે કેટલીક જમીનમાં મગફળી કાઢીને બીજો પાક વાવવો પડ્યો છે."
આ શબ્દો છે સૌરાષ્ટ્રમાં રાજકોટથી આગળ આવેલા ચાંપાબેડા ગામમાં રહેતા જયેશભાઈના, જેઓ મગફળીની ખેતી કરે છે અને તેમની 50 વીઘા જેટલી જમીનમાં દર વર્ષે તેનું વાવેતર કરે છે.
મૂંડા કે જેને સફેદ ઘૈણ તરીકે ઓળખવામાં આવે છે, જેને કારણે મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે.
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તથા કચ્છના વિસ્તારોમાં સૌથી વધારે મગફળીની ખેતી થાય છે પરંતુ અન્ય રોગોની જેમ સફેદ ઘૈણ એટલે કે મૂંડાના કારણે રાજ્યના અનેક ખેડૂતો પરેશાન છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી મગફળીના પાકમાં મૂંડા એટલે કે સફેદ ઘૈણનો ઉપદ્રવ વધી રહ્યો છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કિટકશાસ્ત્ર વિભાગે જે સંશોધન કર્યું તેમાં મગફળીની વિવિધ 14 જેટલી જાતોને મૂંડા નુકસાન પહોંચાડતા હોવાનું સામે આવ્યું છે.
પરંતુ આ મૂંડા ખેતરમાં થાય છે કેમ, કેવી રીતે તે મગફળીને નુકસાન પહોંચાડે છે અને તેને રોકવાના ઉપાય શું છે, તે જાણીએ.
મૂંડાથી રોગ કેવી રીતે થાય છે?

ઇમેજ સ્રોત, Junagadh Agriculture University
ગુજરાતમાં સામાન્ય રીતે મગફળીને ચોમાસુ અને ઉનાળુ એમ બે પાક તરીકે લેવામાં આવે છે, ચોમાસુ પાક તરીકે મગફળીનું સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતમાં એટલે કે જૂન મહિનાની આસપાસ વાવેતર કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આણંદ કૃષિ યુનિવર્સિટીના કીટકશાસ્ત્ર વિભાગના સહાયક પ્રોફેસર હિમાંશુ પટેલ મૂંડા વિશે વાત કરતાં કહે કે મૂંડા એક પ્રકારનો ભમરો છે અને તેનું આયુષ્ય 1 વર્ષનું હોય છે.
તેઓ કહે છે, "ચોમાસાના પહેલાં વરસાદ પછી પુખ્ત વયના ઘૈણ જમીનમાંથી બહાર આવે છે. તેઓ બહાર આવીને ખેતરની આજુ બાજુના લીંમડા કે બાવળનાં ઝાડનાં પાન પર જતાં રહે છે. પરંતુ સાંજ થતાં માદા ભમરા ઈંડાં મૂકવા પાછા જમીનમાં પરત આવે છે."
"આ ઘૈણ ચાર તબક્કામાં જીવન ધરાવે છે: પ્રથમ જ્યારે તે ઈંડાં હોય ત્યારે, બીજું જ્યારે તે લાર્વા બને છે, ત્રીજું જ્યારે તે કોશેટા (એટલે ઈયળ અને પુખ્ત વય વચ્ચેનો સમય) હોય અને ચોથું જ્યારે તે પુખ્ત હોય ત્યારે. પરંતુ આ ઘૈણ જ્યારે તેમના લાર્વા અવસ્થામાં હોય ત્યારે જ પાક માટે જોખમી છે."

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ મામલે બહાર પાડેલી માર્ગદર્શિકામાં જણાવ્યા અનુસાર મૂંડાએ એક પ્રકારનું ઢાલિયું જીવડું છે, એટલે કે તે પુખ્ત ના થાય ત્યારે સફેદ રંગનું ઇયળ જેવું જીવડું હોય છે પરંતુ પુખ્ત થતાં તે ઢાલિય જીવડું બની જાય છે.
આ ઢાલિયાં જીવડાં વરસાદ પહેલાં જમીનમાં સુષુપ્ત અવસ્થામાં પડ્યાં હોય છે પરંતુ ચોમાસાનો પ્રથમ વરસાદ થતાં જ તે જમીનમાંથી બહાર નીકળે છે. રાત્રીના સમય દરમિયાન માદા અને નર ઢાલિયાં જીવડાં ખેતરની આસપાસ રહેલાં ઝાડ પર એકઠાં થાય છે અને ઝાડનાં પાંદડાં ખાય છે.
જેમાંથી વહેલી સવારે માદા ઢાલિયાં જીવડાં ફરી ખેતરમાં જાય છે અને જમીનમાં જઈ ચાસમાં છુટાંછવાયાં સફેદ ઈંડાં મૂકે છે. આ ઈંડાંમાંથી લગભગ એકાદ અઠવાડિયામાં નાની સફેદ રંગની ઇયળો નીકળે છે.
આ ઇયળની અવસ્થા લગભગ બેથી અઢી મહિના સુધીની હોય છે, એટલે કે તે બાદ તેની અવસ્થામાં ફેરફાર થાય છે અને તે કોશેટા અવસ્થામાં જતી રહી છે. માટીની ગોટીમાં કોશેટો બનાવી તેમાં 7થી 10 દિવસ સુધી રહે છે. એટલા દિવસોમાં તે ઢાલિયું જીવડું બની જાય છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કહેવા પ્રમાણે સફેદ ઘૈણ એટલે કે મૂંડાની વર્ષમાં 2થી 3 પેઢીઓ જોવા મળે છે અને ઢાલિયું જીવડું બની ગયા બાદ તે આશરે બે અઠવાડિયાં સુધી જીવંત રહે છે.
હિમાંશુ પટેલ કહે છે, "જ્યારે ઘૈણનો લાર્વા બહાર આવે છે ત્યારે તે પાકના મૂળને કાપી લે છે. પાક ઉપરથી સરસ દેખાશે પણ તેના મૂળ ધીમે ધીમે નાશ પામશે. તેથી ખેડૂતને ખબર પણ નહીં પડે કે તેમનો પાક નાશ પામી રહ્યો છે. જ્યારે તે એકદમ નાશ થઈ ગયો હશે ત્યારે જ ખેડૂતને તેના વિશે જાણ થશે. જો આ ઈયળને પહેલાંથી નિયંત્રણમાં ન લેવામાં આવે તો તે સૌ ટકા પાકને નુકસાન કરી શકે છે."
મગફળીને મૂંડાથી કેવી રીતે બચાવી શકાય?

ઇમેજ સ્રોત, jau
કૃષિ નિષ્ણાતો મગફળીના પાકને ચોમાસામાં મૂંડાનો ઉપદ્રવ ના નડે તે માટે જંતુનાશક દવાની સાથે બીજાં પગલાં લેવાની ભલામણ કરે છે.
હિમાંશુ પટેલ કહે છે કે, "આ ઘૈણમાંથી પાકને બચાવવા માટે એ જરૂરી છે કે તે ઇંડા આપવાનું શરૂ કરે તે પહેલાં તેની પુખ્ત અવસ્થામાં તેને મારી દેવામાં આવે. તેથી જ તે જયારે લીંમડા અને બાવળાનાં ઝાડ ઉપર પુખ્ત વયના ઘૈણ હોય ત્યારે જ તેને મારી દેવાં જોઈએ. ત્યારે તેની સંખ્યા ઓછી થઈ શકે."
મગફળીના પાકને કેવી રીતે બચાવી શકાય તે વિશે હિમાંશુ પટેલ કહે છે, "તેના માટે મગફળીના વાવેતર પહેલાં તેના બિયારણને દવાનો પટ આપવો પડે. તેના માટે ક્લોરપાયરીફોસનો ઉપયોગ કરી શકાય. સમય જતા જો ઊભા પાકમાં નુકસાન ચાલુ થાય તો દવાના પાણી સાથે ભેળવીને નાખવી, તેના માટે ફિપ્રોનિલનો ઉપયોગ કરી શકાય."
"જો કોઈ ખેડૂત જૈવિક ખેતી કરવા માંગે છે અથવા, દવાનો ઉપયોગ કરવા નથી માંગતા તો તે ખેતર તૈયાર કરતી વખતે તેના ચાસમાં દવા નાખવાથી જે પણ ઈયળ તેના સંપર્કમાં આવે છે તે મારી જશે, અને ધીરે ધીરે ઈયળની સંખ્યા ઘટી જશે."
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ જારી કરેલી માર્ગદર્શિકા પ્રમાણે ચોમાસામાં પ્રથમ સારો વરસાદ થાય તે બાદ ખેતરની આસપાસ આવેલાં ઝાડ પર કાર્બારીલ દવાનો છંટકાવ કરવો જોઈએ. જેથી ઝાડ પર એકઠાં થયેલાં આ ઢાલિયાં જીવડાંનો નાશ કરી શકાય અને તેની સંખ્યા ઓછી કરી શકાય.
ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી જમીન રહેલાં કોશેટાં તથા સુષુપ્ત અવસ્થામાં રહેલા પુખ્ત ઢાલિયા જીવડાં બહાર આવશે અને સૂર્યતાપથી કે પરભક્ષી પક્ષીઓ તેને ખાઈ જતાં તેનો નાશ થશે. આ ઉપરાંત ઘૈણનાં ઢાલિયાં જીવડાં પ્રકાશ તરફ આકર્ષાય છે જેથી રાત્રી દરમિયાન પ્રકાશ પીંજર ગોઠવવું અને ત્યાં જે ઢાલિયા જીવડાં આવે તેનો ભેગાં કરી તેનો નાશ કરવો.
વાવેતર કરતાં પહેલાં લિન્ડેન તથા ફોરેટ-10-જી પ્રકારની દાણાદાર દવાને વાવેતર પહેલાં ચાસમાં નાખી શકાય છે, જેના લીધે ઘૈણનો નાશ થશે. ઉપરાંત એરંડીના ખોળને પણ ચાસમાં નાખવાથી ઘૈણ ઉપરાંત બીજી જીવતોથી મગફળીને નુકસાન થાય તેનાથી પણ રક્ષણ મેળવી શકાય.
ઊભા પાકમાં જો મૂંડાનો ઉપદ્રવ જોવા મળે તો ક્લોરપાયરીફોસ હેક્ટરે 4 લીટર પિયત સાથે આપવામાં આવે તો તેનાથી નિયંત્રણ કરવામાં મદદ મળે છે. પિયતની સગવડ ના હોય તો પંપ દ્વારા પણ તેનો છંટકાવ કરી શકાય છે પરંતુ નોઝલ કાઢીને મગફળીના મૂળ પાસે જમીનમાં ઊતરે એવી રીતે તેનો છંટકાવ કરવો જોઈએ.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કીટકનાશક વિભાગે આપેલી માહિતી પ્રમાણે ક્લોરપાયરીફોસ 4 લીટર જેટલી દવા 5 લીટર જેટલા પાણીમાં નાખી આ મિશ્રણને 100 કિલો જેટલી રેતીમાં ભેળવી ત્યારબાદ રેતીને સૂકવવી, આ રેતીને છોડના થડ પાસે મૂકવી અને પછી જો વરસાદ ન થાય તો પિયત આપીએ તો આ રીતે પણ તેનું નિયંત્રણ કરી શકાય છે.
ચોમાસામાં વાવણી માટે બિયારણ ખરીદતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી?
ગુજરાતમાં મગફળીનો પાક

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં મગફળી એ મુખ્ય તેલીબિયાં પાક છે અને એક મહત્ત્વપૂર્ણ કૃષિ નિકાસ કોમોડિટી પણ છે.
ગુજરાતમાં મોટાભાગની મગફળીનું વાવેતર જૂનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર, રાજકોટ, મહેસાણા અને ભૂજ જિલ્લાઓમાં થાય છે.
ગુજરાતમાં 1.68 મિલિયન હેક્ટરમાં મગફળીનું વાવેતર થાય છે અને પ્રતિ હેક્ટર 2,343 કિલોગ્રામનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં કુલ મગફળીનું ઉત્પાદન 3.94 મિલિયન ટન છે.
કચ્છ-સૌરાષ્ટ્ર ઑઇલ મિલ ઍસોસિયેશન અનુસાર આખા દેશમાં મગફળી તેલનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે અને અહીંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કેરળ અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે. ગુજરાત બાદ રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તામિલનાડુમાં મગફળીનું ઉત્પાદન થાય છે.
ભારત સમગ્ર વિશ્વમાં મગફળી ઉત્પાદનમાં બીજા ક્રમે છે. 2022માં ભારતમાં 45.14 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું.
દેશમાં મગફળીનું કુલ વાવેતરમાં 77 ટકા ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને રાજસ્થાનમાં થાય છે. મગફળી ઉત્પાદનમાં ચીન સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












