ગુજરાતમાં ભૂંડનો આતંક: ખેતરના શેઢે શું વાવવું કે પાકને બગાડતા ભૂંડ આવતાં બંધ થઈ જાય?

ભૂંડ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રુચિતા પુરબિયા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં ભૂંડના ત્રાસથી બચવા માટે ખેડૂતો વીજયુક્ત વાડની તરકીબ અપનાવી રહ્યા છે. અને આ તેમના માટે મુસીબતનું કારણ બની રહ્યું છે. કેવી રીતે?

જૂનાગઢના જામવાળા રેંજના કોડીનાર નજીક આણંદપુર અને પેઢાવાળા ગામની વચ્ચે એક સિંહનું થોડા દિવસો અગાઉ વીજ કરંટ લાગવાને કારણે મોત થયું હતું.

ડિસેમ્બર 2022માં તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મોરદેવી ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યો તેમના ખેતરમાં વીજયુક્ત વાડના સંપર્કમાં આવ્યા બાદ વીજકરંટથી મૃત્યુ પામ્યા હતા.

સુરતમાં પણ આવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક 45 વર્ષીય મહિલા ખેતમજૂરને ખેતરમાં કાંટાળા વાયર પર વીંટાળેલા ઈલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવતાં ત વીજ કરંટ લાગ્યો હતો. અને પોલીસે ખેતીવાડી માલિકો સામે ફરિયાદ નોંધી હતી.

આ ત્રણેય ઘટનાઓ પાછળ કથિતપણે ‘ભૂંડનો ત્રાસ’ જવાબદાર હતો. ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેડૂતો ભૂંડના ત્રાસથી બચવા માટે વીજયુક્ત વાડની તરકીબ અપનાવી રહ્યા છે. જેના કારણે ક્યારેક પશુઓ તો ક્યારેક માણસો જ એનો ભોગ બની રહ્યા છે.

ગુજરાતના વિસ્તારોમાં ભૂંડનો ત્રાસ વધી ગયો છે? તેનાથી છૂટકારો મેળવવા શું બીજો કોઈ રસ્તો નથી? આ લેખમાં આપણે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું.

ભૂંડનો ખેતરમાં કેવો આતંક છે?

ખેતરોમાં ભૂંડનો ત્રાસ

ઇમેજ સ્રોત, Getty Images

રાજકોટના ખેડૂત રવિ રંગાણી બીબીસી ગુજરાતી સાથે આ મુદ્દે વાત કરતા કહે છે કે, “ભૂંડે મારા આખા તુવેરના છોડવાને મૂળમાંથી જ કાપી નાખ્યા. આમ તો અમે કાયમ ચોકીદારી કરતા હોઈએ છીએ પરંતુ જો એકાદ રાત અમારી આંખ લાગી જાય તો ભૂંડ નવા જ કરેલા વાવેતરમાં બિયારણ ખોતરીને ખાઈ જાય છે. મગફળીના પાકને પણ જડમૂળમાંથી ખોતરીને ખાઈ જાય છે અને જુવારને બીજમાંથી છૂટી પાડી નાખે છે.”

ખુમાનસિંહ ડોડિયા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામના ખેડૂત છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, “ભૂંડ મારા કપાસના પાકને નુકસાન પહોંચાડવાની કોશિશ કરતું રહે છે. તેણે એકવાર જુવારના આખા પાકને ખોતરીને પોલો કરી નાખ્યો હતો. અમારે દિવસ-રાત સજાગ રહેવું પડે છે.”

રાજકોટના કિસાન સંઘના પ્રમુખ દિલીપ સાખિયા કહે છે કે, “ભૂંડને શહેરમાંથી ઉપાડીને ગામડાંમાં ઠાલવી દેવાયાં છે. એ પાક ઓછો ખાય છે અને નુકસાન વધારે કરે છે. એ જમીનમાંથી એકએક દાણો ખોતરીને કાઢી નાખે છે. ભૂંડ ઝૂંડમાં આવે છે અને ફૅન્સિંગ તોડીને અંદર પ્રવેશી જાય છે.”

“ખેડૂતોની હાલત તો એવી કફોડી છે કે એ આખો દિવસ ખેતરમાં કામ કરે છે અને રાત્રે ઉજાગરા કરીને ખેતરની ચોકીદારી કરે છે.”

નવસારી કૃષિ યુનિવર્સિટીના ડિપાર્ટમૅન્ટ ઑફ ફૉરેસ્ટ્રીના હેડ પી.કે. શ્રીવાસ્તવ ભૂંડના વર્તન વિશે વાત કરતાં કહે છે કે, “ભૂંડ જમીનમાં પાક નીચે દટાયેલા કીડા ખાવા માટે આખેઆખા પાકનો નાશ કરી નાખે છે. ભૂંડ 'ઝૂનોટિક' રોગોનું (પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાય તેવા રોગો) વહન કરી શકે છે. જંગલોમાં ભૂંડની વધતી સંખ્યા એ ખાદ્યસુરક્ષા માટે પણ ખતરો છે.”

શેઢે શું વાવવાથી ભૂંડને દૂર રાખી શકાય?

ખેતરોમાં ભૂંડનો ત્રાસ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સંશોધનો મુજબ, આદિવાસી સમુદાયો પાસે કેટલીક પદ્ધતિઓ છે જેનાથી તે ભૂંડને પાકથી દૂર રાખતા હોય છે. તેઓ રંગીન સાડીઓનો ઉપયોગ કરવો, સૂકું છાણ બાળવું, કાંટાળી ઝાડીઓનું વાવેતર કરવું, ભૂંડને ડરાવવા માટે કૂતરાંનો ઉપયોગ કરવો, મરચાના પાવડરને પાણીમાં ભેળવીને વાડમાં છાંટવો એવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. ભૂંડને નિયંત્રિત કરવા માટે આ પદ્ધતિઓ અસરકારક હોવાનું જણાયું છે. તે પાકના નુકસાનને 65થી 70% સુધી નિયંત્રિત કરે છે.

કેન્દ્ર સરકારે આઈસીએઆરના સરવેમાં પણ અમુક આસાન અને સસ્તી પદ્ધતિઓ વર્ણવી છે જેની મદદથી ખેડૂતો ભૂંડને દૂર રાખી શકે છે.

ખેડૂતો મગફળીની ફરતે બૉર્ડર તરીકે ઉચ્ચ ઘનતાવાળાં કુસુમને 4-5 હરોળ વાવી શકે છે. તેનાથી ભૂંડને દૂર રાખી નુકસાનને અટકાવી શકાય છે. કુસુમનો પાક કાંટાવાળા હોય છે અને રાસાયણિક ગંધ ઉત્સર્જિત કરે છે જે મગફળીના પાકની ગંધને ઢાંકી દે છે. આ રીત 75-90% જેટલું પાકનું નુકસાન ઘટાડી શકે છે અને ખેડૂતોને વધારાની આવક પણ પૂરી પાડે છે.

બીજી રીત મકાઈ અને જુવારના પાકની આસપાસ 4-5 હરોળમાં એરંડા વાવવાની પદ્ધતિ છે. તે ભૂંડથી થતા નુકસાનને અસરકારક રીતે 75-90% નિયંત્રિત કરે છે. એરંડાની તીવ્ર ગંધ મકાઈની ગંધને ઢાંકી દે છે. આ ભૂંડ માટે અપ્રિય દુર્ગંધ પણ ગણાય છે. આ પદ્ધતિ ખેડૂતોને વધારાની આવક પણ કરાવે છે. આ ઉપરાંત એરંડાને કોઈ પણ ઋતુમાં વાવી શકાય છે.

આ સિવાય નાળિયેરનાં દોરડાંને પાકની આસપાસ ત્રણ હરોળમાં ગોઠવી શકાય. જેમાં બે હરોળની વચ્ચે લાકડાના થાંભલાઓ રાખવામાં આવે છે. સલ્ફર અને ઘરેલું તેલના દ્રાવણને નાળિયેરના દોરડા સાથે મિશ્રિત કરવામાં આવે છે. આ ગંધથી ભૂંડ ભાગે છે. આ પદ્ધતિ 60-80% અસરકારક સાબિત થઈ છે.

ભૂંડને ભગાડવાની સૌથી સફળ રીત છે બાયો-ઍકોસ્ટિક્સની. ખેડૂત જે પશુથી ભૂંડ ડરતાં હોય તેમનો અવાજ રેકૉર્ડ કરીને રાત્રે ચલાવે છે. આખી રાત આ અવાજ ચાલે એટલે ભૂંડને એમ લાગે કે શિકારી આજુબાજુ જ છે અને તે ખેતરથી દૂર રહે છે. આ રીત સૌથી સફળ છે અને 92.% કિસ્સાઓમાં અસરકારક છે.

ભૂંડની દૃષ્ટિ અને સાંભળવાની ક્ષમતા નબળી હોય છે. તેથી ભૂંડ ખાસ કરીને ગંધને સૂંઘીને અને આજુબાજુમાં થતી હલન ચલન પર આધાર રાખતું હોય છે. તે જયારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે ત્યાંની જમીન સૂંઘીને માર્ગ શોધે છે. ભૂંડને મનુષ્યના વાળની ગંધથી નાકમાં બળતરા થતી હોય છે તેથી જો ભૂંડને મનુષ્યના વાળની ગંધ આવે તો તે એ જગ્યાએથી દૂર રહેશે. તેથી ખેડૂતો વાળંદ પાસેથી સસ્તા ભાવમાં મનુષ્યના વાળ ખરીદીને ખેતરની ચોતરફ મૂકે તો ભૂંડ આપોઆપ દૂર રહેશે. આ પદ્ધતિ ખેડૂતો માટે 70-80% સફળ સાબિત થઈ છે.

ગુજરાતમાં ભૂંડની વસ્તી કેટલી છે?

ખેતરોમાં ભૂંડનો ત્રાસ

ઇમેજ સ્રોત, Getty Images

રવિ રંગાણી જણાવે છે, “ભૂંડ જયારે વાવેતર શરૂ થાય છે ત્યારે આવે છે. ભૂંડ ગુસ્સે થાય તો બધાં જ બિયારણો કાઢીને ખાઈ જાય છે.”

ગુજરાત રાજ્યના સત્તાવાર ડેટા અનુસાર કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા અને વડોદરા સહિત રાજ્યના 17 જિલ્લાઓમાં ખેતીક્ષેત્રે ભૂંડનો ખતરો પ્રવર્તે છે.

ભૂંડના જોખમને કારણે ઊભા પાકને થતા નુકસાનને ધ્યાને લેતાં ગુજરાત રાજ્યે અગાઉ કેન્દ્ર સરકારને અરજી કરી હતી કે રાજ્યને 'વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972'ની કલમ-3 મુજબ આ પ્રાણીઓના શિકાર પરના પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે અને તેમને કલમ-5 હેઠળ મૂકવામાં આવે. પરંતુ, ફૅન્સિંગના અમલીકરણ સાથે આ કલમ નિરર્થક બની જાય છે. આથી ગુજરાત સરકારે તેની અગાઉની અરજી પાછી ખેંચી હતી.

2021-22માં પ્રગટ થયેલા ગુજરાતના સત્તાવાર વન આંકડા મુજબ 2015માં રાજ્યમાં જંગલી ભૂંડની વસ્તી 1 લાખ 79 હજાર 500 હતી.

ભૂંડના ત્રાસ સામે સરકાર શું કરી રહી છે?

ખેતરોમાં ભૂંડનો ત્રાસ

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદ જિલ્લા ખેતીવાડી અધિકારી હિતેશ પટેલ ખેડૂતલક્ષી યોજના વિશે જણાવતાં કહે છે કે, “ગુજરાત સરકારે ભૂંડના ત્રાસથી પાકને બચાવવા તાર-ફૅન્સિંગ યોજના લાગુ કરી છે.”

“પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફૅન્સિંગ કે વાડ બનાવવાની યોજના પહેલાં વનવિભાગને સોંપવામાં આવી હતી પરંતુ આ વર્ષથી આ યોજનાને વધુ અસરકારક બનાવવા નોંધપાત્ર ફેરફારો બાદ ખેતીવાડી વિભાગને સોંપવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેતીવિભાગ કુલ 350 કરોડની બજેટ મર્યાદામાં ખર્ચ કરશે. આ યોજના હેઠળ ખેડૂતો એક સમૂહમાં ઓછામાં ઓછા 2 હૅક્ટરના વિસ્તારનું ક્લસ્ટર બનાવી ફૅન્સિંગ બનાવવા માટે અરજી કરી શકશે. દરેક ક્લસ્ટર માટે ખેડૂતો દ્વારા ગ્રૂપ લીડર નક્કી કરવાના રહેશે. ખેડૂતે 'આઇ-ખેડૂત' પૉર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે.”

આ યોજનાનું અમલીકરણ ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા થશે અને આ યોજનાનો અમલ સમગ્ર રાજ્યમાં કરવામાં આવશે.

પટેલ વધુમાં કહે છે કે, “આ યોજના નાના ખેડૂતો સુધી લાભ પહોંચાડવા માટે સારી છે તેમ છતાં એમ કહી શકાય કે દરેક નાનાં-નાનાં ક્લસ્ટર માટે ફૅન્સિંગ બનાવવા માટે સરકાર પાસે આવશ્યક ભંડોળ નથી અને તેમાં સમય પણ વધારે લાગશે. કારણ કે એક સાથે દરેકનો વારો આવે તે શક્ય નથી.”

“સરકાર માટે મોટા ક્લસ્ટર માટે ફૅન્સિંગ બનાવવું સરળ છે. જો ખેડૂતો એક ક્લસ્ટરમાં ભેગા થઈ ફૉર્મ ભરશે તો કામ ઝડપથી થશે.”

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતના અંદાજે 56 લાખ ખેડૂતોમાંથી માત્ર 10 લાખ જેટલા ખેડૂતો જ તારની આ યોજનામાં નોંધણી કરાવી શક્યા છે.

ગુજરાતમાં ભૂંડની કઈ પ્રજાતિ જોવા મળે છે?

ખેતરોમાં ભૂંડનો ત્રાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ (આઈસીએઆર) દ્વારા માનવ-પશુ સંઘર્ષ અંગેનો એક સરવે 2016માં બહાર પાડવામાં આવ્યો હતો.

આ અહેવાલ પ્રમાણે વિશ્વભરમાં 16 જંગલી ભૂંડની પ્રજાતિઓ છે. જેમાંથી ભારતમાં યુરેશિયન જંગલી ભૂંડ જોવા મળે છે. સરવે અનુસાર જંગલી ભૂંડ એ ‘નજીવી ચિંતા જન્માવતી શ્રેણી’માં આવતાં પ્રાણીઓ સાથે સૂચિબદ્ધ છે અને તે ભારતના ‘વાઇલ્ડલાઇફ પ્રૉટેક્શન ઍક્ટ 1972’માં અનુસૂચિ-3 હેઠળ આવે છે.

જંગલી ભૂંડમાં પ્રજનનનો સમયગાળો મોટાભાગે ખોરાકની ઉપલબ્ધતા અને અન્ય આબોહવા સંબંધિત પરિબળો સાથે સંકળાયેલો હોય છે.

નર ભૂંડ 5થી 7 મહિનાની વય પછી જાતીય રીતે પરિપક્વ થાય છે, જયારે માદા ભૂંડ 4થી 6 મહિનાની ઉંમરે પરિપક્વતા હાંસલ કરે છે.

જંગલી ભૂંડ સામાન્ય રીતે સમૂહમાં જ જોવા મળે છે અને વહેલી સવારે તથા મોડી સાંજે સક્રિય બને છે.

તેમની ગંધ સંવેદનાત્મક વિશિષ્ટતાને કારણે તેઓ જ્યાં પાક થતો હોય એ વિસ્તારોને ઓળખી કાઢે છે.

તાજેતરમાં આ પ્રજાતિ પાક પર હુમલા કરવાને કારણે કૃષિક્ષેત્ર માટે મોટો ઉપદ્રવ બની ગઈ છે.

ખેડૂત રવિભાઈ રંગાણી કહે છે કે, “અમે ભૂંડને ભગાડવા ઝટકો મશીન મૂકીએ છીએ પરંતુ એ કામ આપતું નથી કારણ કે ભૂંડ જમીનને ખોદીને તેમાં જગ્યા કરીને નીચેથી નીકળી જાય છે. આમ ભૂંડને ભગાવવાના એક પણ ઉપાયો કામ કરતા નથી. અમે વાવેતરના ચાર મહિના આખી રાત ખેતરમાં ઉજાગરા કરીએ છીએ.”

ખુમાનસિંહ ડોડિયા કહે છે કે, “અમે બધા નુસખાઓ અપનાવી લીધા છે પરંતુ એક પણ નુસખો કામ આવ્યો નથી. હવે અમે આખી રાત રાડો પાડી ભૂંડને ખેતરથી દૂર રાખીએ છીએ અને જો તેમ છતાં પણ તે ખેતરમાં આવી જાય તો અમે દોડીને તેને ભગાડીએ છીએ. વાવેતરના ચાર મહિના અમે દિવસે ખેતરમાં મજૂરી કરીએ અને રાતે જાગીને ભૂંડ ભગાડીએ છીએ.”

ભૂંડના શિકાર પર વિભાજિત અભિપ્રાયો

ભૂંડનો શિકાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1837માં ભૂંડનો શિકાર થતો હોય તેનું ચિત્રણ

જાણીતા ઇકૉલોજીસ્ટ માધવ ગાડગિલના જણાવ્યા અનુસાર આપણે વન્યજીવ સંરક્ષણ અધિનિયમને રદ કરવાની અને કુદરતી સંસાધનોના સમજદારીપૂર્વકના વ્યવસ્થાપનની એક સિસ્ટમ બનાવવાની જરૂર છે.

ગાડગિલે સ્વ-બચાવ અથવા મિલકત સંરક્ષણ અને નવીનીકરણીય સંસાધનોના લાંબાગાળાના ઉપયોગ માટે વન્યજીવોના કાનૂની રીતે શિકારની આંતરરાષ્ટ્રીય પ્રથાઓને સમર્થન આપે છે.

વાઈલ્ડલાઇફ ફૉટોગ્રાફર રાજન જોશીનું કહેવું છે કે, “સરકાર દ્વારા ભૂંડ વિશે કોઈ વ્યાપક ડેટા એકત્ર કરવામાં આવ્યો નથી. જ્યારે વ્યાપક સર્વેક્ષણ થશે ત્યારે જ ભૂંડ માટે ટકાઉ વ્યવસ્થાપનની યોજના બનાવી શકાશે. પરંતુ પ્રાણીની હત્યા કે તેનો શિકાર ક્યારેય ટકાઉ અભિગમ હોઈ શકે નહીં.”