સાત ધોરણ ભણેલા ખેડૂત કઈ આધુનિક પદ્ધતિથી ખેતી કરે છે કે લાખો રૂપિયાની આવક રળતા થઈ ગયા?

ઇમેજ સ્રોત, Iswarbhai Vasava
- લેેખક, સંજય દવે
- પદ, બીબસી ગુજરાતી માટે
તમે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આંજણવાઈ ગામની ઇરવર-ખાડી નદી પાસે આવેલાં ખેતરોમાં, માર્ચ મહિનામાં જાઓ તો તમને સૂકાઈ ગયેલાં ઘણાં ખેતરો વચ્ચે એક ખેતર લીલુંછમ્મ જોવા મળે. એ એક જ ખેતર લીલુંછમ્મ કેમ એવો સવાલ સ્વાભાવિક રીતે સૌને થાય.
આ કમાલ ચેકડૅમનાં પાણીનો ઉપયોગ કરીને આયોજનપૂર્વક કરેલી ટપક સિંચાઈનો છે અને આ કમાલ કર્યો છે 48 વર્ષના ઈશ્વરભાઈ જેઠીયાભાઈ વસાવાએ.
માત્ર સાતમા ધોરણ સુધી ભણેલા ઈશ્વરભાઈએ વૈજ્ઞાનિક ઢબે ખેતી કરીને લાખો રૂપિયાની આવક રળી છે.
ઈશ્વરભાઈ પાસે રેવન્યુની ચાર એકર અને આઠ એકર જંગલ-જમીન છે.
માર્ચ 2022માં આંજણવાઈ ગામની ઇરવર-ખાડી નદી ઉપર ‘એકેઆરએસપી(આઈ)’ દ્વારા ‘વૉટર ફૉર લાઇવલીહૂડ્સ’ કાર્યક્રમ હેઠળ ચેકડૅમ રિપેરિંગની કામગીરી થઈ.
તે ચેકડૅમ પાસે ઈશ્વરભાઈની આઠ એકર જંગલ-જમીન આવેલી છે. તેમાં તેમણે અને નદીના આ કાંઠાના તેમના જૂથના બીજા ત્રણ ખેડૂતોએ ડિઝલ ઍન્જિનની મદદથી ચેકડૅમનું પાણી મેળવ્યું છે.
એટલું જ નહીં, ડૅમ રિપેર થવાથી, તેમના અને બીજા ખેડૂતોના બોરવેલમાં 80 ફૂટે પાણી મળતું થયું છે. ચેકડૅમ રિપેર થયો તે પહેલાં બોરમાં છેક 200થી 250 ફૂટે પાણી મળતું હતું.
પરાંત, ઈશ્વરભાઈના નિશાળ ફળિયામાં આવેલા એક હૅન્ડપંપમાં પણ છેલ્લા એક વર્ષથી પીવાનું પાણી મળતું થયું છે, એ ચેકડૅમનું સફળ પરિણામ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Iswarbhai Vasava
વરસાદ નહોતો ત્યારે પણ ડૅમના પાણીની મદદથી, પોણા બે એકર જમીનમાં 70 ક્વિંટલ ડાંગરનો પાક લીધો.
ચેકડૅમ રિપેર થયા પછી ઈશ્વરભાઈએ 2022માં ઉનાળુ પાક તરીકે લીલી તુવેરની ખેતી કરી. પોણા બે એકરમાં ચેકડૅમ તથા બોરનાં પાણીથી વાવેલી તુવેરના વેચાણથી તેમને અઢી લાખ રૂપિયાની માતબર આવક થઈ. બાકીની ઢાળવાળી જમીનમાં તેમણે ત્રણ ક્વિંટલ દેશી તુવેર કરીને તે ઘરે ખાવા માટે રાખી.
તે પછી ચોમાસાની સીઝનમાં વરસાદ નહોતો ત્યારે ડૅમમાં ઉપલબ્ધ પાણીની મદદથી તેમણે પોણા બે એકર જમીનમાં 70 ક્વિંટલ ડાંગરનો પાક લઈને આશરે 1,12,000 રૂપિયાની આવક મેળવી એ ખૂબ નોંધપાત્ર છે. ડેમમાં પાણી હોવાથી તેઓ શિયાળુ પાક પણ લઈ શક્યા.
2022ના શિયાળામાં તેમણે પોણા બે એકરમાં તુવેર વાવી હતી. તેના વેચાણમાંથી તેમને દોઢ લાખ રૂપિયા જેટલી આવક થઈ.
ઈશ્વરભાઈ કહે છે, "ચેકડૅમ થયો તે પહેલાં અમે તુવેર વાવી શકતા નહોતા. તે વખતે અમે ડાંગર કાઢીને, ઘરે ખાવા પૂરતા ચણા ઉગાડતા, પણ હવે તુવેર કરીને થોડીક ઘરે ખાવા માટે પણ રાખીએ છીએ અને બાકીની વેચીને કમાણી કરીએ છીએ."
એક એકર જમીનમાં 90,000 રૂપિયાની આવક

ઇમેજ સ્રોત, Iswarbhai Vasava
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઈશ્વરભાઈએ ટપક પદ્ધતિનો ઉપયોગ કરીને ઓછાં પાણીએ આ પાક મેળવ્યો છે. તેમણે તેમની પાંચ એકર જમીનમાં પ્લાસ્ટિક મલ્ચિંગ કરીને ઉગાડેલા તરબૂચના વેચાણમાંથી ખર્ચ બાદ કરતાં સાડા ચાર લાખ રૂપિયાની આવક રળી છે.
‘એકેઆરએસપી(આઈ)-નેત્રંગ’ના ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝર રવિભાઈ ઝાલા અને મેરામભાઈ ડાંગર કહે છે, "એ રીતે જોઈએ તો, ઈશ્વરભાઈ તેમની એક એકર જમીનમાં 90,000 રૂપિયાની આવક લઈ શક્યા છે એમ કહેવાય."
ઈશ્વરભાઈ પ્લાસ્ટિક મલ્ચિંગ વિશે કહે છે, "મને સંસ્થાએ એક એકરમાં થાય એટલું પ્લાસ્ટિક, મલ્ચિંગ માટે આપેલું. વળી, સંસ્થાએ આપેલું પ્લાસ્ટિક 25 માઇક્રોનનું હતું, તેથી તરબૂચ અને પછી કપાસ એમ બન્ને પાક લઈએ તો પણ ફાટી જતું નથી. બાકી તો, બજારમાંથી લાવેલાં 15થી 20 માઇક્રોનના પ્લાસ્ટિક ઝડપથી ફાટી જાય છે."
મલ્ચિંગ એ પદ્ધતિ છે જે ખેડૂતોને તેમનો પાક નીંદણથી બચાવવામાં મદદ કરે છે. ખેતરમાં છોડવાની આજુબાજુની જમીનને ચારે તરફથી પ્લાસ્ટિક ફિલ્મથી યોગ્ય રીતે ઢાંકી દેવાની પદ્ધતિને પ્લાસ્ટિક મલ્ચિંગ કહેવાય છે. આનાથી ખેતીમાં ઉત્પાદકતા વધી શકે છે. પ્લાસ્ટિક કાળા, પારદર્શી કે અન્ય રંગનું હોઈ શકે છે અને કેટલા માઇક્રોનનું પ્લાસ્ટિક ઉપયોગી થશે તે અંગે પણ ધ્યાન આપવું જોઈએ.
આ પદ્ધતિથી જમીનમાં ભેજને જાળવી રાખવા અને બાષ્પીભવન થતું રોકવામાં મદદ મળે છે. મલ્ચિંગથી નીંધણનો ઉપદ્રવ પણ રોકી શકાય છે.
ઓછું પાણી વાપરી તેમણે કાર્બન-ક્રેડિટ મેળવી

ઇમેજ સ્રોત, Iswarbhai Vasava
ઓછું પાણી વાપરી તેમણે ન માત્ર કાર્બન-ક્રેડિટ મેળવી પણ પર્યાવરણનાં જતનમાં યોગદાન આપ્યું છે.
ઈશ્વરભાઈ જ્યારે પહેલાં ધોરિયા(ક્યારા) પદ્ધતિથી છૂટું પાણી વાપરતા, ત્યારે એક એકર જમીનને પાણી આપવામાં બે દિવસ લાગતા.
પરંતુ, ટપક અપનાવ્યા પછી તેઓ માત્ર ચાર કલાકમાં જ પાંચ એકર જમીનમાં પિયતનું પાણી આપી શકે છે.
તેથી ઓછું પાણી વાપરી તેમણે કાર્બન-ક્રેડિટ મેળવી છે અને એ રીતે પર્યાવરણનાં જતનમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે તે પ્રશંસનીય છે.
ઈશ્વરભાઈ કહે છે, "ટપક વાપરવાથી વીજળી બિલની પણ બચત થઈ. પહેલાં અમે ક્યારા-પદ્ધતિથી પાણી આપતા, ત્યારે લાઇટ મળે એ મુજબ પિયત કરવું પડતું. ત્યારે મારે અને મારી પત્નીએ ખેતરમાં પાણી વાળવાં, આખી રાત જાગવું પડતું. ટપક અપનાવ્યા પછી અમારા ઉજાગરા બંધ થયા છે. જોકે, પહેલાં અમને ટપકથી પાણી પહોંચશે કે કેમ એવી શંકા રહેતી."
કાર્બન ક્રેડિટ સિસ્ટમ હેઠળ ખેડૂતો જે ટકાઉ પદ્ધતિથી ખેતી કરતા હોય તેમને કાર્બિન ક્રેડિટનો લાભ મળે છે. એક ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થતું બચે ત્યારે એક યુનિટ કાર્બન ક્રેડિટ જમા થાય. જો ખેડૂત આટલું કાર્બન ઉત્સર્જન બચાવે તો તેને કાર્બન ક્રેડિટ ખરીદનાર કંપની પાસેથી પૈસા મળી શકે.
ખેતીની આવકમાંથી આ આદિવાસી ખેડૂતે એસયુવી મોટરકાર પણ વસાવી

ઇમેજ સ્રોત, Iswarbhai Vasava
હવે તો ખેતીની આવકમાંથી આદિવાસી ખેડૂત ઈશ્વરભાઈએ મોટી એસયુવી મોટરકાર પણ વસાવી છે. આંજણવાઈના બીજા ખેડૂતો હવે ટપક, મલ્ચિંગ પદ્ધતિ અને તરબૂચની ખેતી બાબતે ઈશ્વરભાઈનું માર્ગદર્શન મેળવતા થયા છે.
તેમની પ્રેરણાથી ગામના ખેડૂતો સૌથી વધારે તુવેર પકવતા થયા છે.
ઈશ્વરભાઈની પ્રેરણાથી જ ગામના ખેડૂતો સૌથી વધારે તુવેર પકવતા થયા છે.
આંજણવાઈના રામસિંગભાઈ, કરમસિંગભાઈ અને માનસિંગભાઈ તરબૂચ અને ટેટીમાં ટપક પદ્ધતિ તથા મલ્ચિંગ કરતા થયા છે.
આમ, ચેકડૅમનાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીને ખેડૂત ઈશ્વરભાઈ, લાખો રૂપિયાની આવક રળતા થયા છે અને તેમણે તેમનું જીવનધોરણ બહેતર બનાવ્યું છે.














