ગુજરાતના આ ખેડૂતોએ ઘઉં અને દિવેલાંના પાકને બદલાતી ઋતુઓમાં પણ ટકાવી રાખવા શું કર્યું?

ઇમેજ સ્રોત, SANJAY DAVE
- લેેખક, સંજય દવે
- પદ, બીબીસી ગુજરાતી માટે
“આજથી ચાર વર્ષ પહેલાં, મેં મારા ખેતરમાં ઘઉં વાવ્યા હતા. ત્યારે અચાનક વાતાવરણમાં બદલાવ આવવાથી, ગરમી વધવા (ટર્મિનલ હીટ) અને પવન ફૂંકાવાથી ઘઉંનો થોડોક પાક પડી ગયો હતો. તેથી તે વખતે મારું ઘઉંનું ઉત્પાદન 30 ટકા જેટલું ઘટી ગયું હતું. પરંતુ, હવે હું છેલ્લાં ચાર વર્ષથી આબોહવા પરિવર્તનમાં પણ ટકી રહે એવી ઘઉંની નવી જાતનું વાવેતર કરું છું ત્યારથી મને નથી નુકસાન થતું.”
ઉપરોક્ત શબ્દો, ગુજરાતની પૂર્વ પટ્ટીમાં આવેલા અરવલ્લી જિલ્લાના ખેડૂત નંદલાલ મેણાતના છે. 41 વર્ષના આ ખેડૂત, મેઘરજ તાલુકાના નવાગરા(કુણોલ) ગામમાં રહે છે અને તેમની કુલ છ વીઘા જમીનમાંથી બે વીઘા જમીનમાં તેઓ ઘઉંનો પાક લે છે.
નંદલાલ ચાર વર્ષ પહેલાં તેઓ જ્યારે જીડબ્લ્યુ-496 જાતના ઘઉં વાવતા કે લોકવન ઘઉં વાવતા હતા, ત્યારે અચાનક પવન ફૂંકાવા કે ગરમી વધવા જેવી આબોહવા પરિવર્તનની સ્થિતિમાં તેમને ઘઉંનાં ઉત્પાદનમાં 30 ટકા જેટલું નુકસાન થતું હતું. હવે તેઓ ઘઉંની જીડબ્લ્યુ-451 જાતનું વાવેતર કરે છે એટલે આબોહવા પરિવર્તન (ક્લાયમેટ ચેન્જ)ની વિપરીત સ્થિતિમાં પણ તેમને વીઘા દીઠ 30 મણ ઉત્પાદન મળે છે.
નંદલાલ કહે છે, “આજે મને ગમે તેવા વાતાવરણમાં જીડબ્લ્યુ-451 ઘઉંનું વીઘા દીઠ 30 મણ ઉત્પાદન મળે છે, પણ જીડબ્લ્યુ-496 વાવતો ત્યારે વાતાવરણ બદલાવાથી મારું ઉત્પાદન સાતેક મણ ઘટીને 23 મણ જેટલું થતું. એ જ રીતે, એક વાર વાવાઝોડું આવ્યું ત્યારે મારા પાડોશી ખેડૂત અશ્વિન મેણાતની દોઢ વીઘા જમીનમાં વાવેલા લોકવન ઘઉંમાં પણ નુકસાન થવાથી તેમનું 50 ટકા ઉત્પાદન ઘટ્યું હતું.”
આબોહવા પરિવર્તન, પાકની ઉપજને ખરાબ રીતે અસર કરે છે

ઇમેજ સ્રોત, SANJAY DAVE
આબોહવાના સ્વરૂપમાં ફેરફારની વૈશ્વિક ઘટનાએ ભારતમાં પાકની ઉપજને ખરાબ રીતે અસર કરી છે. ભારતમાં ખેડૂતોને ખેતીની આવક ટકાવી રાખવામાં મુશ્કેલી પડી રહી છે, કારણ કે આબોહવા પરિવર્તનની અણધારી ઘટનાઓથી ખેતી દિવસે ને દિવસે જોખમી બની રહી છે.
આબોહવા પરિવર્તનને કારણે પાકને નુકસાન થવાની, ઉત્પાદન ઘટવાની અને બજારમાં પાકની યોગ્ય કિંમત ન મળવાની સ્થિતિ સર્જાતી હોય છે. કમોસમી વરસાદ તથા પાકને જરૂર હોય ત્યારે વરસાદના અભાવ જેવી ઘટનાઓ પણ ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચાડી, તેમને પાયમાલ કરી નાખે છે.
આબોહવા પરિવર્તન હવે માત્ર એક સૈદ્ધાંતિક ખ્યાલ નથી રહ્યો અને તેના કારણે વરસાદ મોડો પડે અથવા કમોસમી વરસાદ પડે તેમ જ, અતિવૃષ્ટિ થાય કે શિયાળામાં પણ ગરમી વધવાના કિસ્સાઓ નોંધાય છે.
એક અહેવાલ મુજબ, આબોહવા પરિવર્તનને કારણે વૈશ્વિક તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ વધારો થાય તો ઘઉંનાં વૈશ્વિક ઉત્પાદનમાં તે 6 ટકાનો ઘટાડો કરે છે. લાંબા સમય સુધી ઊંચા તાપમાન અને પાણીના અભાવની સ્થિતિને કારણે ઘઉંના દાણાની સંખ્યા અને વજનમાં ઘટાડો થાય છે. તે હાનિકારક જીવાતોની પ્રતિકૂળ અસરોને પણ વધારે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વીસેક હજાર ખેડૂતોને ઘઉંની નવી જાતથી મળે છે જળવાયુ પરિવર્તન સામે રક્ષણ

ઇમેજ સ્રોત, SANJAY DAVE
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખેડૂતો આ પરિવર્તનનો સામનો કરી શકે અને કૃષિ ઉત્પાદન પર તેની અસર ઘટાડી શકે તે હેતુથી, કૃષિ ક્ષેત્રે ખેડૂતોને તાલિમ અને સ્વનિર્ભર બનવાનું માર્ગદર્શન આપતી સ્વૈચ્છિક સંસ્થા ‘ડેવલપમૅન્ટ સપોર્ટ સેન્ટર’ (ડીએસસી) દ્વારા ગુજરાતના ત્રણ જિલ્લાના ખેડૂતોને ઘઉં અને એરંડા જેવા પાકોમાં આબોહવા પ્રતિરોધક જાતોનાં વાવેતર માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે.
‘ડીએસસી ફાઉન્ડેશન’ના નિયામક સચીન ઓઝા કહે છે, “થોડાં વર્ષો પહેલાં ‘ડીએસસી’ને ઉત્તર ગુજરાતના પોતાના કાર્યવિસ્તારના ખેડૂતોનાં ખેતરોની મુલાકાતથી જાણવા મળ્યું કે, શિયાળામાં વાતાવરણ ગરમ રહેવાથી, ઘઉંને જે અનુકૂળ તાપમાન જોઈએ તે મળતું નહોતું. પરિણામે, ઘઉંનો દાણો પોચો રહી જતો હતો, તેમાં કાળી ટપકી પણ આવી જતી હતી અને ઘઉંની ગુણવત્તા પર વિપરીત અસર થઈ હતી.”
“તેથી વર્ષ 2015-16માં ‘ડીએસસી’એ ‘ઘઉં સંશોધન કેન્દ્ર-વીજાપુર’ દ્વારા વિકસાવવામાં આવેલી તથા ક્લાયમેટ ચેન્જની પરિસ્થિતિમાં પણ ટકી રહે એવી ઘઉંની જાત અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની એરંડા (દિવેલાં)ની જાતનું નિદર્શન (ડૅમોન્સ્ટ્રેશન) કરીને તે વાવવા માટે વર્ષ 2015થી 2018 દરમ્યાન, ગુજરાતના આશરે 450 ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડ્યું. તેનાં સારાં પરિણામો મળ્યાં.”

ઇમેજ સ્રોત, ANI
આજે વીસેક હજાર ખેડૂતોએ ઘઉં તથા એરંડાની બદલાયેલી જાતનો પાક લઈ રહ્યા છે. ‘ડીએસસી’ના ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મોહન શર્મા કહે છે, “આજે ‘ડીએસસી’નાં કાર્યક્ષેત્રના વીસનગર, વીજાપુર, વડનગર, મહેસાણા, હિંમતનગર અને મેઘરજ તાલુકાનાં ગામોના વીસેક હજાર ખેડૂતો ભારે પવન તથા ગરમ શિયાળા જેવી આબોહવા પરિવર્તનની સ્થિતિમાં પણ, જીડબ્લ્યુ-451 ઘઉં તથા જીસીએચ-7 એરંડાનો પાક સફળતાપૂર્વક લઈ રહ્યા છે.”
ઉપર જેમનો ઉલ્લેખ કર્યો તે નંદલાલ મેણાત પણ આ વીસ હજાર ખેડૂતોમાંના એક ખેડૂત છે. બીજા એક ખેડૂત રોહિતભાઈ પટેલ પણ છેલ્લાં પાંચ વર્ષથી જીડબ્લ્યુ-451 ઘઉં વાવે છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેધરોટા ગામના આ યુવાન ખેડૂતને, પોતાની 8 વીઘા જમીનમાંથી 4 વીઘામાં ઘઉંનું 320 મણ ઉત્પાદન મળે છે.
ઘઉંમાં 50 મણથી વધીને 70 મણ ઉત્પાદન મળ્યું

ઇમેજ સ્રોત, SANJAY DAVE
ખેડૂત રોહિતભાઈ કહે છે, “પહેલાં જ્યારે હું જીડબ્લ્યુ-496 ઘઉં વાવતો ત્યારે વાતાવરણ બદલાવાથી અને વાવાઝોડાંના કારણે મારા ઘઉં પડી જતા. ત્યારે મને એક વીઘામાં 50 મણ ઉત્પાદન મળતું. આજે ગમે તેવા વિપરીત વાતાવરણમાં પણ જીડબ્લ્યુ-451 જાતના ઘઉં પડી જતા નથી અને તેનું મને વીઘા દીઠ ઓછામાં ઓછું 70 મણ ઉત્પાદન મળે છે.”
“એ જ રીતે, હું એરંડાની જીસીએચ-7 જાતનાં બિયારણ વાવું છું. આ એરંડાના છોડની ઊંચાઈ મધ્યમ હોવાથી ભારે પવનની સ્થિતિમાં પણ તે ટકી રહે છે. પહેલાં હું એરંડાની બીજી વેરાયટી વાવતો ત્યારે તેની ઊંચાઈ વધારે હોવાથી, ભારે પવનમાં તેના છોડ પડી જતા હતા.”
રોહિતભાઈની જેમ, મહેસાણા જિલ્લાના વીસનગર તાલુકાના મલેકપુર ગામના ખેડૂત રાજેશભાઈ પટેલે પણ એક વીઘામાં તેઓ અગાઉ વાવતા હતા તે જાતના એરંડાની સરખામણીમાં જીસીએચ-7 જાતના એરંડાનું 200 કિલો વધુ ઉત્પાદન મેળવ્યું છે.
રાજેશભાઈ કહે છે, “ભારે પવન કે આબોહવા પરિવર્તનની વિપરીત સ્થિતિમાં પણ જીસીએચ-7 જાતના એરંડાનો પાક ટકી રહે છે. એટલું જ નહીં, મને બજારમાં તેના વેચાણનો થોડોક વધારે ભાવ પણ મળે છે. તેથી મેં તે વાવવાની શરૂઆત કરી તેના પહેલા જ વર્ષે મારી આવકમાં વીઘા દીઠ 10,600 રૂપિયાનો વધારો થયો હતો.”
“આ જાતના એરંડામાં જીવાત આવવાની શક્યતા ઘટી જાય છે, તે વિપરીત તાપમાનમાં પણ ટકી રહે છે અને તેનાં બીજમાં વધારે તેલ હોવાથી તેનું વજન બીજાં દિવેલાંની સરખામણીમાં વધારે હોય છે.”
નિષ્ણાતો શું કહે છે?

ઇમેજ સ્રોત, SANJAY DAVE
‘ઘઉં સંશોધન કેન્દ્ર-વીજાપુર’ના પૂર્વ સહસંશોધન વિજ્ઞાની અને હાલ તલોદના સહસંશોધન વિજ્ઞાની તરીકે ફરજ બજાવતા જે. એમ.પટેલ કહે છે, “જીડબ્લ્યુ-451 જાતના ઘઉં, ટર્મિનલ હીટ આવે તે પહેલાં પાકી જાય છે અને તેનો ગરમી સહન કરવાનો આંક (હીટ ટોલરન્ટ ઇન્ડેક્સ) ઊંચો છે તેમ જ તેમાં ગ્રેઇન ફિલિંગ (દાણાનો વિકાસ) પણ સારો થાય છે.
જ્યારે જીડબ્લ્યુ-499નો હીટ ટોલરન્ટ ઇન્ડેક્સ 1 કરતાં ઓછો છે. એ રીતે, જીડબ્લ્યુ-451 અને જીડબ્લ્યુ-513 જેવી નવી જાતો આબોહવા પરિવર્તન સામે ખેડૂતોને સધિયારો આપે છે.”
જીડબ્લ્યુ-451 વેરાયટીની મર્યાદા વિશે વાત કરતા ઉત્તર ગુજરાતના કૃષિ-નિષ્ણાત રાજેન્દ્ર પટેલ કહે છે, “જીડબ્લ્યુ-496ની સરખામણીમાં જીડબ્લ્યુ 451 ઘઉંની જાત, ઓછો ઘાસચારો પૂરો પાડે છે. ઉત્તર ગુજરાતમાં પશુપાલન એ આવકનો મહત્ત્વનો સ્રોત હોવાથી, ખેડૂતોને ઘાસચારાની પણ બહુ જરૂરિયાત વર્તાય છે. તેને કારણે કદાચ બહુ વ્યાપક પ્રમાણમાં ખેડૂતો જીડબ્લ્યુ-451 પકવતા ન હોય એવું બને.”
ભારતીય અર્થતંત્રમાં કૃષિ એ સૌથી મોટું અને સૌથી મહત્ત્વનું ક્ષેત્ર છે. 2020-21માં ભારતના જીડીપીમાં કૃષિનું યોગદાન લગભગ 19.9 ટકા હતું. વધુમાં, આ ક્ષેત્ર ભારતની વસતિના 42.6 ટકા લોકોને રોજગારી આપે છે.
આબોહવા પરિવર્તનને કારણે ખેડૂતોને ઊંચું તાપમાન અને અણધાર્યો વરસાદ વેઠવો પડે છે. તેના કારણે પાકની ઉપજ અને સમગ્ર ખાદ્ય-ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આબોહવા પરિવર્તનને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખાદ્ય-ઉત્પાદનમાં થયેલો ઘટાડો, ખેતી ક્ષેત્રની આવકને ગંભીર અસર કરી શકે છે. તેથી, ખેતી પદ્ધતિઓમાં આબોહવા પરિવર્તન સામે ટકી રહે (ક્લાયમેટ રેઝિલિયન્સ એગ્રિકલ્ચર) એવી જાતો અને પદ્ધતિઓ અપનાવવાનો આ સમય છે અને તેને વધુ ભારપૂર્વક અમલમાં મૂકવાની પણ જરૂર છે.












