ગુજરાતમાં 'નકલી બિયારણ'નો ખોફ, અસલની ઓળખ કેવી રીતે કરવી?

બિયારણ ખરીદી

ઇમેજ સ્રોત, Pallava Bagla

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં શિયાળુ પાકની વાવણીની સિઝન ચાલી રહી છે. ત્યારે રાજ્યમાં ફરી એક વાર 'નકલી બિયારણ'નો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

સ્થાનિક અહેવાલો અનુસાર ગુજરાતના રાજ્યસભાના સાંસદ અને ભાજપના નેતા રામ મોકરિયાએ કૃષિમંત્રીને લખેલા પોતાના પત્રમાં રાજ્યમાં 'નકલી બિયારણના વેચાણ'ને કારણે 'રાજ્યના ખેડૂતોને નુકસાન' થતું હોવાની ફરિયાદ કરી છે.

અહેવાલ પ્રમાણે સાંસદ મોકરિયાના આ પત્ર બાદ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે બેઠક પણ બોલાવી હતી.ગુજરાતમાં શિયાળુ પાકની વાવણીની સિઝન ચાલી રહી છે. ત્યારે રાજ્યમાં ફરી એક વાર 'નકલી બિયારણ'નો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

ગુજરાતમાં ગેરકાયદે બિયારણ કે જેને બોલચાલની ભાષામાં નકલી બિયારણ કહે છે તે વેચનાર વેપારીઓ પર રાજ્યમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. અને 33 જિલ્લા માટે 35 ટુકડીઓ બનાવવામાં આવી છે.

અમુક ઠેકાણે નકલી બિયારણ વિક્રેતાઓ સામે કૃષિવિભાગે ફરિયાદ પણ નોંધાવી છે.

ખેડૂતો કણમાંથી મણ ત્યારે જ બનાવી શકે જ્યારે બિયારણમાં બરકત હોય. હવે ખરીફ પાકની મોસમ આવી ગઈ છે ત્યારે ખેડૂતો મૂંઝવણમાં છે કે નુકસાન ન ખમવું પડે એવું અસલી બિયારણ કેવી રીતે ખરીદવું?

line

દુકાનદારનું પ્રિન્સિપલ સર્ટિફિકેટ

બિયારણ ખરીદી

ઇમેજ સ્રોત, Yaswant Mishra

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અમદાવાદસ્થિત કૃષિવિશેષજ્ઞ હેમાંગ બક્ષી બીબીસીને જણાવે છે કે, "દુકાનદારોની મોટી જવાબદારી બને છે કે તેઓ જે બિયારણ વેચે છે તેનું પાકું બિલ સરકારી કાયદા મુજબ ખેડૂતને આપે. જેમાં લોટ નંબર સાથેની સંપૂર્ણ વિગત હોય. ખેડૂતોએ પણ લોભામણી જાહેરાતોથી લલચાયા વગર પાકું બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. માન્યતા પ્રાપ્ત પ્રિન્સિપલ સર્ટિફિકેટ દુકાનમાં હોય તો જ બિયારણનો જથ્થો ખરીદવો જોઈએ. "

તેઓ કહે છે કે, "બિયારણ બનાવતી કંપની દ્વારા જ વેપારીને પ્રિન્સિપલ સર્ટિફિકેટ મળતું હોય છે. જો પ્રિન્સિપલ સર્ટિફિકેટ ન હોય તો એ લેભાગુ બિયારણ હોવાનું આપોઆપ સાબિત થાય છે. પ્રિન્સિપલ સર્ટિફિકેટમાં લાયસન્સ નંબર લખેલો હોય છે. બિયારણ કંપનીનું પ્રિન્સિપલ સર્ટિફિકેટ ઑનલાઇન પણ ચેક કરી શકાય છે."

આ સિવાય પણ અન્ય કેટલીક બાબતોને આધારે બિયારણ અસલી છે કે કેમ તેની ખરાઈ થઇ શકે છે.

હેમાંગ બક્ષી કહે છે, "બિયારણના પડીકા પર પ્રોડ્યુસ્ડ બાય એટલે કે ઉત્પાદક અને માર્કેટેડ બાય એટલે કે વિક્રેતાનું નામ અને સંપૂર્ણ સરનામું હોવું જોઈએ. એ સિવાય ગ્રાહક સુરક્ષા - કસ્ટમર કેર નંબર હોવો જોઈએ. ખેડૂતે એ નંબર પર ફોન કરીને ખાતરી કરી લેવી જોઈએ. એ નંબર પર તે જે દુકાનમાંથી બિયારણ ખરીદે છે તેની પણ વિગત પૂછી લેવી જોઈએ."

"ખેડૂતને બિયારણ ખરીદતી વખતે શંકા હોય તો તે બિયારણ ખરીદતી વખતે વેચાણકર્તા સાથે મોબાઇલથી ફોટો પડાવી શકે છે. જો કોઈ દુકાનદાર ખેડૂતને કહે કે દુકાનની પાછળ જાવ બિયારણ મળી જશે તો ખેડૂતે સતર્ક થઈ જવું જોઈએ કે બિયારણમાં ફેર હોઈ શકે છે."

line

કૃષિ યુનિવર્સિટીઓની સલાહ શું છે

બિયારણ ખરીદી

ઇમેજ સ્રોત, Hindustan Times

ગુજરાતની કેટલીક કૃષિ યુનિવર્સિટીઓએ પણ પોતાની વેબસાઇટ પર વિગતો દર્શાવી છે કે બિયારણ ખરીદતી વખતે કઈ કઈ બાબતો ધ્યાને લેવી.

જૂનાગઢ ઍગ્રિકલ્ચર યુનિ.ની વેબસાઇટ પર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ખેડૂત તાલીમ કેન્દ્રમાં આ૫વાની તાલીમનું ટ્રેઇનિંગ મેન્યુઅલ દર્શાવાયું છે.

જેમાં જણાવાયું છે કે, વાવેતર માટે કૃષિ યુનિવર્સિટી અને ખેતીવાડી ખાતાએ ભલામણ કરેલ સુધારેલ - સંકર જાતોનું જ બીજ ખરીદવું.

સુધારેલ સંકર જાતોનું બીજ હંમેશા ગુજરાત રાજ્ય બીજ નિગમ - ગુજરાત રાજ્ય બીજ નિગમનાં માન્ય ડીલર પાસેથી જ ખરીદવું.

બિયારણના પેકિંગ ઉપર બીજ પ્રમાણન એજન્સીનું લેબલ તપાસીને પછી જ ખરીદી કરવી.

શક્ય હોય ત્યાં સુધી ટ્રુથફુલ બિયારણને બદલે સર્ટિફાઇડ બિયારણ જ ખરીદવું. બિયારણ ખરીદતી વખતે પેકિંગ ઉપર બીજની સ્ફુરણની ટકાવારી દર્શાવેલી હોય તેમજ તે કઈ સાલનું ઉત્પાદન છે તે પણ દર્શાવેલું હોય તેની જોઈ ચકાસીને બિયારણી ખરીદી કરવી જોઈએ.

સંકર જાતોના બિયારણો દર વર્ષે નવા ખરીદવા પડતા વાવેલા સંકર પાકોના બીજનો ઉપયોગ બીજે વર્ષે કરવો ખેડૂતો માટે હિતાવહ નથી તેમ પણ જણાવવામાં આવે છે.

line

પોતાનું બિયારણ

બિયારણ ખરીદી

ઇમેજ સ્રોત, Jeevan GB

સુધારેલ જાતોનું બીજ ખેડૂત પોતે જ કાળજી રાખીને તૈયાર કરી શકે છે તેથી દર વર્ષે સુધારેલ જાતોનું બિયારણ ખરીદવાની જરૂર રહેતી નથી.

ઘણાં ખેડૂત જાતે જ બીજ સાચવી રાખે છે કે તૈયાર કરે છે. એ પદ્ધતિ જ બેસ્ટ છે એવું ઘણાં ખેડૂત માને છે.

અમદાવાદ નજીક બાવળામાં બાપદાદાના વખતથી ખેતી કરતાં તેમજ કૃષિ બાબતોના જાણકાર અનિરૂદ્ધસિંહ પઢેરિયા પણ એવું જ માને છે.

તેઓ બીબીસીને કહે છે કે, "ખેડૂતે ઝાઝું બિયારણ જાતે તૈયાર કરવાની તૈયારી રાખવી જોઈએ જેથી ખર્ચ ઓછો થાય અને નકલી બિયારણનો સવાલ જ ન રહે. જો ખેડૂત પોતાનું બિયારણ જાતે તૈયાર કરે તો તે ઘણી સમસ્યાથી બચી શકે છે. જિનેટિકલી મોડિફાઈડ અને હાઇબ્રિડ બિયારણો છે તે નવા લેવા પડે છે.

line

વાવણી અને ઘી તાવણી બેય સરખા

ખેતી

ઇમેજ સ્રોત, pixelfusion3d

સો ખેડ ને એક તક. ખેડૂત સો ખેડ કરે તો એક તક જ વાવણીની મળે એવી કહેવત છે. વાવણી અને ઘી તાવણી એ બેય સરખા. તેથી બિયારણ નબળું ભટકાઈ જાય તો ખેડૂતનું તો વર્ષ બગડે છે.

બિયારણની અસલી જાત જ ખેડૂતને મળે એ માટેની જે વ્યવસ્થા છે તે જ ડગમગી ગયેલી છે એવું અનિરુદ્ધસિંહ માને છે.

તેઓ કહે છે કે, ખેડૂતે સરકારી સંસ્થાનો જેવી કે, "બીજ નિગમ કે ગુજકો માસોલ જેવા સ્થળ પરથી ખરીદવું જોઈએ. ખેડૂતે બિયારણ મોસમ કરતાં થોડું વહેલું ખરીદી લેવું. જેથી નમૂનારૂપ ઉગાડીને બિયારણની ખાતરી કરી શકાય."

આણંદ કૃષિ યુનિ.ની વેબસાઇટના એક વિભાગમાં ખેડૂતને મૂંઝવતા પ્રશ્નોનાં ઉકેલ આપવામાં આવ્યા છે. જેમાં બિયારણ ખરીદીમાં મદદરૂપ થઈ શકે તેવી પણ કેટલીક વિગતો છે. જેમકે, બિયારણમાં ભેળસેળ આવે છે તેનો ઉપાય શું? તો જણાવવામાં આવ્યું છે કે, બિયારણમાં ભેળસેળ આવતી હોય તો તેવું બિયારણ વાવણીલાયક નથી. આથી સારી જાતનું પ્રામાણિત બિયારણ માન્ય વિક્રેતા અથવા ગુજરાત રાજ્ય બીજ નિગમની કચેરી અથવા ગજરાતમાં આવેલ કૃષિ યુનિ.ના જે તે પાકના સંશોધન કેન્દ્રો ખાતેથી મેળવવું. પ્રથમ તો બિયારણ અંગેનું બિલ ટેગ અને તેનું પેકિંગ સાચવવું તે લઈને જિલ્લા ખાતેના ગુણવત્તા અધિકારીનો સંપર્ક કરવો.

line

બીજની માવજત

બિયારણ ખરીદી

ઇમેજ સ્રોત, mtreasure

બીજની માવજત એટલે શું અને તેના ફાયદા વિશે તેમાં જણાવાયું છે કે, બીજને આપવામાં આવતી માવજતને બીજ માવજત કહે છે.

તેના અનેક ફાયદાઓ છે. બિયારણને રોગનાશક/જંતુનાશક દવાનો પટ આપીને વાવતાં રોગ-જીવાત સામે આગોતરું રક્ષણ મળે છે. જેથી પાકમાં રોગ-જીવાત આવતાં નથી અને ઉપદ્રવ ઓછો થાય છે. પરિણામે ખર્ચ ઘટે છે અને ઉત્પાદન વધુ મળે છે.

બીજને ભલામણ કરેલ કલ્ચરનો પટ આપીને વાવણી કરવાથી ખાતરના ખર્ચમાં પણ ઘટાડો કરી શકાય છે.

સર્ટિફાઇડ અને ટ્રૂથફુલ બીજમાં શું તફાવત હોય છે

સર્ટિફાઇડ બીજ ફાઉન્ડેશન કક્ષાના બીજમાંથી તૈયાર કરવામાં આવે છે જે ખેડૂતોને પાકનાં વાવેતર માટે વેચવામાં આવે છે. આ બિયારણ ગજરાત રાજય બીજ પ્રમાણન એજન્સીની સીધી દેખરેખ હેઠળ સરકારી/સહકારી/ ખાનગી સંસ્થાઓ પેદા કરે છે.

જ્યારે ટ્રૂથફુલ બીજ બીજ જે તે સંસ્થા (સરકારી/સહકારી/ખાનગી)ના માગર્દશર્ન હેઠળ તૈયાર કરવામાં આવે છે. ટ્રૂથફુલ બિયારણની શુદ્ધતા સર્ટિફાઇડ બિયારણ કરતાં ઓછી હોય છે.

line

નકલી બિયારણ વેચનારને શું સજા થઈ શકે

બિયારણ ખરીદી

ઇમેજ સ્રોત, Chalermphon Kumchai / EyeEm

નકલી બિયારણ સામાન્ય રીતે સસ્તા દરે વેચાય છે. રાજ્ય સરકારે અત્યાર સુધી સાડા ત્રણ કરોડ રૂપિયાથી વધારે કિંમતનો નકલી બિયારણનો જથ્થો કબજે કર્યો છે. 49 જેટલા નમૂના લીધા છે.

રાજ્યનાં કૃષિમંત્રી રાઘવજી પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, "નવ મેથી અમે ઝુંબેશ આદરીને દરોડા પાડ્યા છે. રાજ્યમાં કપાસનું નકલી બિયારણ મોટે પાયે 4જી 5જી નામે વેચાય છે. કડક કાર્યવાહીની સરકારની નેમ છે. બીજ નિગમ વીસ ટકા જેટલો બિયારણ વિતરણનો હિસ્સો ધરાવે છે. ખાનગી કંપનીઓ પણ આ ક્ષેત્રે મોટો બજાર હિસ્સો ધરાવે છે. ખેડૂતોએ પણ આ બાબતે જાગૃત રહેવું. જે કોઈ તત્વ કાળાબજારી કરવા માગતા હોય કે ખેડૂતોને છેતરવા માગતા હોય તેને અમે છોડવા માગતા નથી."

ગુજરાતમાં નકલી બિયારણનાં ધૂમ વેચાણ પાછળનું કારણ એ પણ હોઈ શકે કે ખેડૂતો અને વેપારીઓ કદાચ તેની સામેના કાયદાથી અજાણ હોય.

હેમાંગ બક્ષી કહે છે કે, "કોઈ ગેરકાયદે બિયારણ વેચતું હોય તો તેની સામેની સજા આકરી છે. સરકારે એ સજાની વિગતો ખેડૂતો અને વેપારીઓ સુધી પહોંચતી કરવી જોઈએ. જો એવું થશે તો આ દૂષણ અટકશે."

"જો બીજના પૅકેટ પર ઉત્પાદક અને વિક્રેતાનું નામ ન લખ્યું હોય તો તે વેપારીની દુકાન પર જ ઑન ધ સ્પોટ ધરપકડ કરી શકે છે. જેમાં ઍન્વાયર્મેન્ટ પ્રોટેક્શન ઍક્ટ હેઠ સદોષ માનવવધની કલમ લાગે છે. જેમાં હાઈકોર્ટ વગર જામીન ન મળી શકે."

"કોઈ ગેરકાયદે બિયારણ વેચે તો જામીન મળવા અઘરા થઈ પડે છે. આ ગુનામાં નીચલી કોર્ટમાં જામીન ન મળતાં ઉપલી કોર્ટમાં અરજી કરવી પડે છે. જેમાં સહેજે પંદરેક દિવસ લાગી જાય છે. એ પછી પણ માત્ર જામીન જ મળે છે. કેસ તો ચાલુ જ રહે છે. આમાં ગેરકાયદે બિયારણનું પાઉચ કે પૅકેટ બનાવનારને પણ આ જ ગુનો લાગુ પડે છે. કારણકે, તે ષડ્યંત્રનો હિસ્સો ગણાય છે."

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો