લીલું સોનું : એ છોડ જેનાથી પાકિસ્તાનીઓ માલામાલ બનવાનાં સપનાં જુએ છે

    • લેેખક, ઇસ્લામ ગુલ આફ્રીદી
    • પદ, પત્રકાર

પાકિસ્તાનના આદિવાસી જિલ્લા ઔરકઝઈના જહાંગીર જાનાના (30 વર્ષ) અને એ વિસ્તારના બીજા ખેડૂતો વરસાદ પડવાની અને સરકાર પાસેથી ભાંગની ખેતીને કાયદાકીય મંજૂરી મળવાની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોએ જણાવ્યા અનુસાર, એમને આગામી થોડા દિવસોમાં વરસાદ પડવાની આશા તો છે પરંતુ સરકારના નિર્ણય અંગે કશી ખબર નથી.

ભાંગ

ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછીયે જહાંગીર અને એમના પરિવારની આવકનો મુખ્ય સ્રોત ભાંગના પાકમાંથી મળતા ચરસનું ગેરકાયદે વેચાણ છે, જેના દ્વારા તેઓ વાર્ષિક પાંચથી છ લાખ રૂપિયા કમાઈ લે છે. જોકે છેલ્લાં ઘણાં વરસોથી એમને આ પાકમાંથી મળતી આવક હવે અડધી થઈ ગઈ છે, કેમ કે, અફઘાનિસ્તાનમાંથી થતી દાણચોરીના કારણે ભાવ ઘટી ગયા છે.

ખૈબર પખ્તૂનખાના ત્રણ જિલ્લા એટલે કે ખૈબરની ખીણ તીરાહા, ઔરકઝઈ અને કુર્રમના ખાસ વિસ્તારોમાં ભાંગની ખેતી કરવામાં આવે છે. એમાંથી બનનારા ચરસની દાણચોરી માત્ર દેશમાં જ નહીં બલકે વિદેશોમાં પણ થાય છે.

બીજા દેશોમાં ભાંગનાં ઘટકોમાંથી ભોજન, કપડાં, દવાઓ અને નિર્માણસામગ્રીઓ બને છે, જે ભાંગમાંથી બનતા ચરસની સરખામણીએ ઘણાં વધારે નાણાં આપે છે.

આના આધારે ખૈબર પખ્તૂનખ્વાની સરકારે વર્ષ 2021માં ખૈબરની ખીણમાંના જિલ્લા તીરાહ, ઔરકઝઈ અને કુર્રમમાં ભાંગની કાયદેસર ખેતી અને એમાંથી ચરસ તથા અન્ય કેફી પદાર્થો બનાવવાના બદલે એના લાભકારક ઉપયોગના ઉદ્દેશથી સરવે કરાવવાનો નિર્ણય કર્યો હતો, જેની જવાબદારી પેશાવર વિશ્વવિદ્યાલયના ફાર્મસી વિભાગને સોંપાઈ હતી.

ફાર્મસી વિભાગના પ્રૉફેસર ફઝલ નાસિર એ યોજનાના વ્યવસ્થાપક હતા.

એમણે બીબીસીને જણાવ્યું કે જૂન 2021થી ત્રણ જિલ્લામાં ભાંગ સંબંધિત સરવે શરૂ થયો અને આધુનિક પદ્ધતિ અને પ્રૌદ્યોગિકીના પ્રયોગ દ્વારા છ મહિનાના ટૂંકા ગાળામાં કુલ ક્ષેત્રફળ પર ભાંગની ખેતી અને ચરસની વાર્ષિક ઊપજ સંબંધી માહિતી એકત્ર કરીને ડિસેમ્બર 2021માં ખૈબર પખ્તૂનખ્વા ઇકૉનૉમિક ઝોન (વિભાગ)માં જમા કરાવી દેવાયો છે.

એમણે જણાવ્યું કે આ શોધકાર્યમાં 1 કરોડ 43 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જે ક્ષેત્રોમાં સરવે કરવામાં આવ્યો ત્યાંના ખેડૂતોને આશા હતી કે રાજ્ય સરકાર ચાલુ વર્ષે ભાંગની ખેતી માટેની બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સરકારી કાર્યવાહી પૂરી કરી લેશે, પરંતુ આ યોજના વિલંબમાં પડી.

line

સરવે રિપોર્ટમાં શું જાણવા મળ્યું?

ભાંગ

સરવે રિપોર્ટમાં સરકાર સમક્ષ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે કે ચરસમાંથી 'સીબીડી' તેલ કાઢવા અને ભાંગની દાંડીમાંથી વિભિન્ન સામાન તૈયાર કરવા માટે ભાંગની ખેતી કરતા ત્રણેય જિલ્લામાં 6 કારખાનાં શરૂ કરવામાં આવે, જેનાથી 6 હજાર લોકોને કામ કરવાનો સીધો લાભ મળશે.

ઑપન માર્કેટમાં 'સીબીડી' તેલનો ભાવ પ્રતિ લીટર 1,250થી 1,500 ડૉલર (અમેરિકન) છે, જેમાં સાડા ત્રણ કિલો ચરસમાંથી એક લીટર તેલ ઉત્પાદિત થાય છે. 'સીબીડી' તેલના સારા ભાવના કારણે એને 'ગ્રીન ગોલ્ડ' પણ કહેવામાં આવે છે.

રિપોર્ટમાં ભાંગના બિયારણમાં આધારભૂત ફેરફાર કરવાનો પ્રસ્તાવ કરાયો છે, કેમ કે હાલના પાકમાં નશાનું પ્રમાણ એટલે કે 'એચટીસી'ની માત્રા 43 ટકા છે, જે ઘણી વધારે છે.

હાલના બિયારણમાંથી ઉત્પન્ન થતા ભાંગના છોડની ઊંચાઈ 9-10 ફૂટ હોય છે, જ્યારે પ્રસ્તાવિત બિયારણના છોડની ઊંચાઈ 15થી 16 ફૂટ હશે.

રાજ્ય સરકારે ભાંગમાંથી બનનારી દવાઓના ઉપયોગ અને એના પરનાં શોધકાર્યોની જવાબદારી પેશાવર યુનિવર્સિટીના ફાર્મસી વિભાગ અને માર્કેટિંગ અને બિઝનેસ પ્લાન સંબંધિત જવાબદારી મૅનેજમેન્ટ સ્ટડીઝને આપી હતી.

એ જ રીતે મશીનરીના કારણે પર્યાવરણ પર પડનારી અસરો માટે પર્યાવરણવિભાગ, ભૌગોલિક માહિતી માટે ભૂગર્ભશાસ્ત્ર, બંધારણીય સ્થિતિની સમીક્ષાની જવાબદારી લૉ કૉલેજ અને લોકોમાં સામાજિક જાગરૂકતા લાવવાની જવાબદારી સમાજશાસ્ત્ર વિભાગને સોંપવામાં આવી હતી.

આ સમગ્ર રિસર્ચ પ્રોગ્રામમાં પેશાવર યુનિવર્સિટીના એ વિભાગોમાં અભ્યાસ કરતા ખૈબર, કુર્રમ અને ઔરકઝઈના વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

line

યોજનાની પ્રગતિ કેવી છે?

ભાંગ

ખૈબર પખ્તૂનખ્વા ઇકૉનૉમિક ઝોનના મુખ્ય કાર્યકારી અધિકારી જાવેદ ઇકબાલ ખટકના જણાવ્યા અનુસાર, ભાંગ સંબંધિત પ્રારંભિક રિપોર્ટ સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બોર્ડ અને પ્લાનિંગ ઍન્ડ ડેવલપમેન્ટને વિચારવિમર્શ માટે મોકલી દેવાયો છે.

એમણે કહ્યું કે, એ સંસ્થાઓ અને ઇકૉનૉમિક ઝોનના પ્રસ્તાવોનો અંતિમ રિપોર્ટ માત્ર સંસ્થાની વેબસાઇટ પર જ ઉપલબ્ધ નહીં હોય, બલકે આ ક્ષેત્રમાં રોકાણ અને આર્થિક તક ઉપલબ્ધ કરાવવા માટે વ્યાવહારિક પહેલ પણ કરવામાં આવશે.

ખૈબર, ઔરકઝઈ અને કુર્રમમાં ભાંગની ખેતીની કાયદેસરતામાં વાર થવા અંગે રાજ્ય સરકારના પ્રવક્તા બૅરિસ્ટર સૈફ સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમના તરફથી કશો જવાબ નથી મળ્યો. જોકે, રાજ્યના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે ભાંગની કાયદેસર ખેતીમાં મોડું થવાનું એક કારણ રાષ્ટ્રીય ભાંગ નીતિની સ્વીકૃતિમાં આવતી અડચણો છે.

એમણે જણાવ્યું કે, રાજ્ય સ્તરે રિસર્ચ કાર્ય પૂરું થઈ ગયું છે, જોકે એ વિશે સંબંધિત સંસ્થાઓ સાથે વિચારવિમર્શ કરવાનું કામ ચાલે છે, જે ઝડપથી પૂરું થયા પછી કાયદેસર રીતે ભાંગની ખેતી શરૂ થઈ જશે.

ખૈબર, ઔરકઝઈ અને કુર્રમમાં ભાંગની વર્તમાન ખેતી સંબંધિત એક પણ સરકારી સંસ્થા પાસે પુષ્ટિકારક આંકડા ઉપલબ્ધ નથી પરંતુ પ્રૉફેસર ફઝલ નાસિરે દાવો કર્યો કે આધુનિક ટૅક્‌નૉલૉજી અને સ્થાનિક બજારના આંકડા અનુસાર ત્રણે જિલ્લામાં 200 વર્ગ કિલોમીટર એટલે કે 49 હજાર એકર જમીન પર ભાંગની ખેતી કરવામાં આવે છે, જેમાંથી વાર્ષિક 50 લાખ કિલોગ્રામ સુધી ચરસ મળે છે.

ક્ષેત્રફળના ધોરણે ઔરકઝઈ પહેલા, તીરાહ બીજા અને કુર્રમ ત્રીજા નંબરે છે. જોકે સૌથી સારો પાક તીરાહમાં થાય છે. એમણે કહ્યું કે અડધા એકર ખેતરમાંથી તીરાહમાં 5 કિલો, ઔરકઝઈમાં સાડા ત્રણ કિલો અને કુર્રમમાં બેથી અઢી કિલો સુધી ચરસ મેળવી શકાય છે.

line

ચરસની કિંમત ઓછી કેમ થઈ ગઈ?

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તીરાહની ખીણના 70 વર્ષીય હાજી કરીમે ચાલુ વર્ષે પાક માટે ખેતરને પહેલાથી તૈયાર કરી રાખ્યાં છે પરંતુ સમયસર વરસાદ ન થવાના કારણે એમણે અત્યાર સુધી ભાંગનું બિયારણ નાખ્યું નથી.

એમનું કહેવું છે કે ખેતીલાયક બે એકર જમીનમાંથી વાર્ષિક 15 લાખની આવક થતી હતી, પરંતુ બજારમાં ચરસની કિંમત પ્રતિ કિલો 60 હજારથી ઘટીને 12 હજાર સુધી ગગડી જવાના કારણે ખર્ચો પણ મુશ્કેલીથી નીકળી શકે છે.

એમના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકો પાસે ભાંગની ખેતી સિવાય બીજો કોઈ વૈકલ્પિક સ્રોત નથી. જોકે, સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે ક્ષેત્રમાં ભાંગની કાયદેસર ખેતીની મંજૂરી મળ્યા પછી લોકોની આવક વધશે, પરંતુ એ વિશે હજુ સુધી કશી માહિતી નથી.

આ ક્ષેત્રમાંના શેર ખાન (કાલ્પનિક નામ) ચરસનું ગેરકાયદે વેચાણ કરવાનો વ્યવસાય કરે છે. એમણે જણાવ્યું કે મે 2018માં ખૈબર પખ્તૂનખ્વામાં આદિવાસી વિસ્તારોને ભેળવી દેવાયા પછી જુદી જુદી સંસ્થાઓ અને કાયદાની પહોંચના કારણને ચરસનો કારોબાર ચાલુ રાખવામાં ઘણી મુશ્કેલીઓ આવી ગઈ છે. કેમ કે બીજા વિસ્તારો સુધી મોકલવામાં પરેશાની અને ખર્ચ વધી ગયાં છે.

એમણે કહ્યું કે છેલ્લાં ઘણાં વરસોથી બલુચિસ્તાનના માર્ગે અફઘાનિસ્તાનમાંથી ચરસની મોટી માત્રામાં થતી દાણચોરીના કારણે ચરસના ભાવ 17 હજાર રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને કિલોના 10થી 12 હજાર રૂપિયા જેટલા થઈ ગયા છે, જેના કારણે પાકિસ્તાનમાં ભાંગના પાકમાં થતો ખર્ચ પણ મુશ્કેલીથી મળે છે.

ભવિષ્યમાં ખૈબર, ઔરકઝઈ અને કુર્રમમાં ભાંગની ખેતી કાયદેસર થશે તે અંગે જો એક તરફ સ્થાનિક લોકો સરકારના આ પગલા દ્વારા સારા આર્થિક ભવિષ્યની આશા રાખે છે તો બીજી તરફ લોકો એના વિશે ઘણા સવાલો કરી રહ્યા છે.

આબાદ ગુલ ઔરકઝઈ ફીરોઝખેલ મેલેના નિવાસી છે અને 6 એકર ખેતરમાં ભાંગની ખેતી કરે છે. પોતાના ખેતરમાં ભાંગના પાક ઉપરાંત તેઓ દર વર્ષે 8થી 10 લાખ રૂપિયાની કિંમતની ભાંગ સ્થાનિક ખેડૂતો પાસેથી પણ ખરીદે છે.

એમણે કહ્યું કે, કારખાનાં શરૂ કરવાં, ભાંગમાંથી પ્રાપ્ત સામગ્રીનું માર્કેટિંગ અને અન્ય યોજનાઓમાં સ્થાનિક ખેડૂતો અને રોકાણ કરનારા લોકોને તક ઉપલબ્ધ કરાવવી જોઈએ. કેમ કે, આ વિસ્તારોમાં ભાંગ સિવાય કમાણીનું બીજું કોઈ સાધન નથી.

પ્રૉફેસર ફઝલ નાસિરે કહ્યું કે એમણે સ્થાનિક વસ્તીની આશંકાઓને ધ્યાનમાં રાખીને વધારેમાં વધારે લાભ સ્થાનિક લોકોને આપવાની પહેલ પર ભાર મૂક્યો છે અને સરકાર સમક્ષ પ્રસ્તાવ કર્યો છે કે પ્રસ્તાવિત પહેલોથી થનારા આર્થિક લાભનો મોટો હિસ્સો સ્થાનિક વસ્તીને મળવો જોઈએ.

એમણે કહ્યું કે એક કારખાના પર લગભગ 6થી 8 કરોડનો ખર્ચ આવશે, જ્યારે ખાનગી ક્ષેત્રમાં સ્થાનિક રોકાણકાર નાનું કારખાનું લગભગ એકથી દોઢ કરોડ રૂપિયામાં શરૂ કરી શકે છે.

જાવેદ ઇકબાલ ખટકે જણાવ્યું કે ભાંગમાંથી પ્રાપ્ત થનારી રાસાયણિક સામગ્રી માટે માત્ર સ્થાનિક બજાર જ નહીં, બલકે આંતરરાષ્ટ્રીય માર્કેટ સુધી પહોંચવા માટે જિલ્લા ખૈબરમાં 1 હજાર એકર જમીન પર ખૈબર ઇકૉનૉમિક કૉરિડોર સ્થાપિત કરવા માટેની બધી વ્યવસ્થા કરી દેવાઈ છે.

એમાં પહેલું કામ ભાંગનાં નાનાં અને મધ્યમ કદનાં કારખાનાં ઊભાં કરવાં, માર્ગમાં જો કશા અવરોધો આવે તો તેવી સ્થિતિમાં અફઘાનિસ્તાન જતી ગાડીઓ માટે ટર્મિનલ અને તાજાં શાક અને મેવાને લઈ જનારાં કોલ્ડ સ્ટોરેજ કન્ટેનરને રિચાર્જ કરવાની સુવિધા

મળી શકશે.

એમણે કહ્યું કે જ્યારે કાયદા અનુસાર ભાંગમાંથી સામગ્રી મેળવવાની પ્રક્રિયા શરૂ થશે તો ખેડૂતોને સારા ભાવ મળશે, અને તીરાહ, ઔરકઝઈ અને કુર્રમમાં પણ નાના યુનિટની સ્થાપનાને પ્રોત્સાહિત કરવામાં આવશે.

line

ભાંગની કાયદેસર ખેતી અને આવક

ભાંગ
ઇમેજ કૅપ્શન, ખૈબર પખ્તૂનખામાં જે જિલ્લાનું વિલીનીકરણ થયું તેમાં ભાંગની સાથે પોસ્તનો પાક પણ રિસર્ચ પ્રોગ્રામમાં સામેલ કરાયો હતો, પરંતુ જ્યારે યોજના પર કામ શરૂ થયું તે સમયે એ પાકનો સમય પૂરો થઈ ગયો હતો.

નૅશનલ એસેમ્બ્લીની સાયન્સ ઍન્ડ ટેકનૉલોજી સમિતિએ ગયા વર્ષે ઑક્ટોબરમાં નિર્ણય કર્યો હતો કે વર્ષના અંતમાં રાષ્ટ્રીય ભાંગ નીતિ સ્વીકૃતિ થઈ જશે, પરંતુ હજી સુધી એમાં કોઈ વિશેષ પ્રગતિ નથી થઈ શકી.

પાકિસ્તાન કાઉન્સિલ ઑફ સાયન્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચના સભ્ય ડૉ. નસીમ રઉફે આ વિષયમાં જણાવ્યું કે કૈનાબીજ કે ભાંગનો આખી દુનિયામાં દવા માટે ઉપયોગ થાય છે. દર્દનિવારક તેલ 'સીડીબી' એનાથી બનાવવામાં આવે છે અને એક લીટર 10 હજાર ડૉલરના ભાવે વેચાય છે.

એ સિવાય કપડું બનાવવામાં પણ એનું ઘણું મહત્ત્વ છે. એમનું કહેવું છે કે દુનિયામાં આ છોડ સાથે સંકળાયેલો વેપાર 29 અબજ ડૉલર સુધી પહોંચી ગયો છે અને 2025 સુધી એના સંભવિત વેપારનો આંક 96 અબજ ડૉલર સુધીનો હશે.

એમના જણાવ્યા અનુસાર, પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને જૂન 2020માં ભાંગની ખેતીના આર્થિક લાભને ધ્યાનમાં રાખીને સરકારને પગલાં ભરવાનો નિર્દેશ કર્યો હતો, જેના પર સપ્ટેમ્બર 2020માં કૅબિનેટની સ્વીકૃતિ પછી પીસી વન તૈયાર કરવામાં આવ્યું.

ખૈબર પખ્તૂનખામાં જે જિલ્લાનું વિલીનીકરણ થયું તેમાં ભાંગની સાથે પોસ્તનો પાક પણ રિસર્ચ પ્રોગ્રામમાં સામેલ કરાયો હતો, પરંતુ જ્યારે યોજના પર કામ શરૂ થયું તે સમયે એ પાકનો સમય પૂરો થઈ ગયો હતો.

આ વિષયમાં ભાંગ અંગે રિસર્ચ માટે બનાવાયેલી ટીમ રાજ્ય સરકારના નિર્ણયની રાહ જોઈ રહી હતી પરંતુ મોડું થવાના કારણે પાકનો સમય આ વર્ષે પણ પૂરો થઈ ગયો છે.

પાકિસ્તાનમાં ભાંગની કાયદેસર ખેતી માટેની પહેલી નીતિ 1950માં બનાવવામાં આવી હતી. જેના અંતર્ગત પંજાબના બહાવલપુર જિલ્લામાં પહેલી ખેતી શરૂ થઈ હતી, જોકે, આ યોજના નિષ્ફળ ગઈ હતી કેમ કે એ ક્ષેત્રનું વાતાવરણ ગરમ હતું.

સરકારે હઝારા ડિવિઝનના ઠંડા ક્ષેત્રમાં ભાંગની ખેતીના સફળ પ્રયોગ કર્યા પરંતુ પાછળથી એ યોજનાઓ પર કોઈ વિશેષ કામ ના થયું.

ખૈબર પખ્તૂનખ્વાનાં જુદાં જુદાં પહાડી ક્ષેત્રોમાં પણ ભાંગની ગેરકાયદે ખેતી થતી હતી અને હવે લાંબા અરસાથી તીરાહ, ઔરકઝઈ અને કુર્રમમાં ભાંગનું ઉત્પાદન કરાય છે.

line

ભાંગમાંથી ચરસ કઈ રીતે મળે છે?

ભાંગ

મેની શરૂઆતમાં તીરાહ, ઔરકઝઈ અને કુર્રમમાં ભાંગની વિધિવત ખેતી શરૂ થઈને બે-ત્રણ અઠવાડિયાંમાં આ પ્રક્રિયા પૂરી થઈ જાય છે. છોડની ઊંચાઈ અઢી ફૂટ જેટલી થયા પછી એમાં નીંદણ કરીને જડીબુટ્ટીઓ કાઢી લેવામાં આવે છે અને સાથે જ છોડની સંખ્યા પણ ઓછી કરી દેવાય છે.

સ્થાનિક ખેડૂત અગાઉના વર્ષના પાકમાંથી પ્રાપ્ત બીજ વાવે છે. મે અને જૂનના મહિનામાં કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરીને નર છોડ પણ કાઢી નાખવામાં આવે છે, જેથી પાકની ઊપજ સારી થઈ શકે.

પાકની કાપણી ઑક્ટોબરના અંતમાં થાય છે અને છોડને નાના જથ્થામાં બાંધ્યા પછી એમને ખેતરમાં મૂકી રાખવામાં આવે છે જેથી એના પર વરસાદ અને બરફ પડે, કેમ કે એ પ્રક્રિયાથી પ્રાપ્ત થતા ચરસની ગુણવત્તા વધી જાય છે.

પહેલા વરસાદ કે બરફવર્ષા પછી ભાંગને સુરક્ષિત સ્થાને રાખીને ડિસેમ્બર-જાન્યુઆરીની શરૂઆતમાં પાકમાંથી ચરસ પ્રાપ્ત કરવાનું કામ શરૂ થઈ જાય છે, જે ફેબ્રુઆરી કે માર્ચ સુધી ચાલે છે.

તીરાહ ખીણમાં કેટલાક યુવા એવા રોજગારની શોધમાં છે જે ઓછા રોકાણમાં વધારે આવક રળી આપવા સાથે કાયદેસર હોય. એવા ઉદ્દેશની પ્રાપ્તિ માટે ન્યૂક્લિયર ઇન્સ્ટિટ્યૂટ ફૉર ફૂડ ઍન્ડ એગ્રીકલ્ચર (એનઆઇએફએ)ની તકનીકી મદદથી જાન્યુઆરી 2021માં મશરૂમની ખેતી માટેના પ્રશિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં 30થી વધારે સ્થાનિક ખેડૂતોએ ભાગ લીધો હતો.

એમાં 30 વર્ષના ફઝલ રબ્બી પણ સામેલ હતા, જેમણે ટ્રેનિંગ લીધા પછી પોતાના ઘરે મશરૂમની ખેતી કરી.

એની સાથે જ એ ક્ષેત્રમાં મશરૂમનું ઉત્પાદન વધારવા માટે એમણે તીરાહમાં મશરૂમ ક્લબ નામનું એક સંગઠન બનાવ્યું, જેમાં ખીણના 70થી વધારે ખેડૂતો સભ્ય છે.

ફઝલ રબ્બીનું કહેવું છે કે પહેલાંની સરખામણીએ ખેતીલાયક જમીનમાંથી પ્રાપ્ત થતા ભાંગના પાકના ભાવ ઘટી જવાના કારણે આ વિસ્તારના નવયુવકોની મોટી સંખ્યા નવા માર્ગોની શોધમાં હતા. અને પછી સ્થાનિક સૈન્ય અધિકારીઓની સહાયથી મશરૂમની ખેતીની ટ્રેનિંગની વ્યવસ્થા કરવામાં આવી.

એમના જણાવ્યા અનુસાર, યુવાઓએ એના આધારે મશરૂમની ખેતી શરૂ કરી, જેનાં ઘણાં સારાં પરિણામ મળવાનું શરૂ થયું અને તે કારણે એમાં લોકોનો રસ વધી ગયો.

મશરૂમ ક્લબ તરફથી ખેડૂતોને મશરૂમની ખેતીનું પ્રશિક્ષણ અપાયું અને એ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે.

કૃષિ વિભાગ, ખૈબરના નિર્દેશક ઝિયા ઇસ્લામ દાવડે જણાવ્યું કે જે વિસ્તારોમાં ભાંગની ખેતી થાય છે ત્યાં બળજબરીથી ખેતી બંધ નથી કરાવતાં બલકે સંસ્થા અને સૈન્યના અધિકારીઓની સહાયથી તે વિસ્તારમાં શાકભાજી, પાક ઉગાડવા અને બાગ બનાવવામાં આવે છે, જેનાથી ભાંગની સરખામણીએ વધારે આવક થાય.

એમણે કહ્યું કે, આ પ્રક્રિયામાં કૃષિ વિભાગ તરફથી તીરાહમાં કેસર, ડુંગળી, બટેટાં અને ટમેટાંની ખેતી પર કામ થઈ રહ્યું છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન