એ ગુજરાતી ક્રિકેટરો, જે એક જ સ્કૂલમાં ભણ્યા અને અલગઅલગ દેશ માટે રમ્યા
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ક્રિકેટ હોય કે કોઈ પણ રમત હોય તેમાં પ્રતિનિધિત્વ મહત્ત્વનું બની જતું હોય છે.
એક સમય એવો હતો જ્યારે ભારતીય ટીમ ટેસ્ટ મૅચમાં રમતી હોય તો તેમાં મુંબઈના ક્રિકેટરની બહુમતિ હોય.

ઇમેજ સ્રોત, Getty Images
એવી જ રીતે મુંબઈ માટે રમનારા ખેલાડીઓમાં દાદર યુનિયનના ખેલાડીઓની સંખ્યા અન્ય કરતાં ઘણી વધારે રહેતી હતી.
ત્યાર પછી ભારતીય ટીમની વાત કરીએ તો તેમાં મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ (તામિલનાડુ) કે કર્ણાટક (બૅંગ્લુરુ)ના ખેલાડીઓની સંખ્યા વધવા લાગી પણ નાના શહેરમાંથી આવતા ખેલાડી ભાગ્યે જ જોવા મળતા હતા.
ક્રિકેટનો વિકાસ થયો અને વ્યાપ વધતો ગયો, લોકપ્રિયતા વધતી ગઈ તેમ ભારતનાં મેટ્રો શહેર સિવાયના ખેલાડીઓ પણ ટેસ્ટ કે હવે ઇન્ટરનેશનલ ટીમમાં સ્થાન હાંસલ કરતા ગયા.
આજે ભારતીય ટીમ જોઈએ તો તેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ કે જામનગર, રાંચી, કાનપુર, રાજસ્થાન, હિમાચલ કે પંજાબના ખેલાડીઓની સંખ્યા વધારે જોવા મળે છે.
પણ, કોઈ એક રાજ્ય, શહેરના ખેલાડીઓની માફક એક જ શહેરની શાળામાં લગભગ સાથે અભ્યાસ કરતા ખેલાડી (દાદર યુનિયનની માફક) રમતા હોય અને તે પણ અલગ અલગ દેશ માટે તો તે જરા નવાઈભર્યું લાગે. અને આ કમાલ ગુજરાતીએ કરી દેખાડી છે.
આજે એવા જ કેટલાક ખેલાડીની વાત કરવી છે. આ ખેલાડીઓ છે અમદાવાદના પાર્થિવ પટેલ, ન્યૂઝીલૅન્ડ માટે ઓપનિંગ કરી રહેલા જીત રાવલ, અમેરિકાની ઇન્ટરનેશનલ ટીમ માટે રમતા તિમિલ પટેલ અને હજી થોડા સમય અગાઉ ઓમાનની ઇન્ટરનેશનલ ટીમ માટે રમી ચૂકેલા દીપ ત્રિવેદી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ચાર ગુજરાતી ક્રિકેટર ચાર અલગ અલગ દેશ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમ્યા છે અને તે તમામ અમદાવાદની ઉસ્માનપુરા ખાતેની વિદ્યાનગર સ્કૂલમાં લગભગ સાથે અભ્યાસ કરતા હતા. કોઈ એક શહેરની એક જ શાળાના ચાર વિદ્યાર્થી અલગ અલગ દેશ માટે રમે તે કદાચ વિશ્વવિક્રમ હશે.
આમ ગુજરાત એવું ગૌરવ ધરાવે છે જે કદાચ દેશના અન્ય પ્રાંત માટે અચરજભરી બાબત હશે.
1970ના દાયકામાં કરસન ઘાવરી જેવા ખેલાડી સૌરાષ્ટ્રની ટીમમાં રમતા હતા અને તેમાં તેમને તક નહીં મળતાં મુંબઈ (તત્કાલીન બૉમ્બે) ચાલ્યા ગયા અને ત્યાંથી રણજી ટ્રૉફી રમીને ભારતીય ટીમમાં સ્થાન હાંસલ કરી શક્યા. હવે ખેલાડી મુંબઈ કે દિલ્હીની ટીમમાં જતા નથી પરંતુ વિદેશ ચાલ્યા જાય છે.

પાર્થિવે ઘણા ગુજરાતી ક્રિકેટરને બતાવી દિશા

ઇમેજ સ્રોત, Getty Images
પાર્થિવ પટેલનું નામ જરાય અજાણ્યું નથી. તેઓ ભારત માટે 15 વર્ષથી વધુ વર્ષ રમ્યા છે. તેમની આગેવાની હેઠળ ગુજરાતની ટીમ પહેલી વાર રણજી ટ્રૉફીમાં ચૅમ્પિયન બની હતી.
1985ની નવમી માર્ચે જન્મેલા પાર્થિવ પટેલ ભારત માટે 25 ટેસ્ટ અને 38 વન-ડે મૅચ રમ્યા અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 194 મૅચ રમ્યા.
આવડી વિશાળ કારકિર્દી ધરાવતા પાર્થિવે એક વિકેટકીપર તરીકે ભારતીય ક્રિકેટમાં ઘણું યોગદાન આપ્યું છે.
તેમની આગેવાનીમાં ગુજરાતની ટીમે અસંખ્ય સફળતા હાંસલ કરી ત્યાં સુધી તો બરાબર છે પરંતુ ગુજરાતના ક્રિકેટના વિકાસમાં પાર્થિવનો મોટો ફાળો છે.
આજે કોઈ ગુજરાતી ખેલાડી (બુમરાહ, અક્ષર પટેલ, હર્ષલ પટેલ વગેરે) સિવાયની ભારતીય ટીમની કલ્પના કરી શકાતી નથી. પાર્થિવે ઘણા ઊગતા ક્રિકેટરને આગળ લાવવામાં પણ મદદ કરી છે.
અન્ય એક મૂળ ગુજરાતી એવા જીત રાવલ ન્યૂઝીલૅન્ડની ટીમ માટે પસંદ થયા છે અને હવે તો જીત રાવલ ન્યૂઝીલૅન્ડની ટેસ્ટ ટીમના નિયમિત ઓપનર બની ગયા છે.
1988ની 22મી મેએ અમદાવાદમાં જન્મેલા જીત અશોકભાઈ રાવલ અત્યારે ન્યૂઝીલૅન્ડ માટે રમી રહ્યા છે.

જીત રાવલે ન્યૂઝીલૅન્ડમાં કરી કમાલ

ઇમેજ સ્રોત, Getty Images
પાર્થિવની માફક જીત પણ ન્યૂઝીલૅન્ડ માટે 24 ટેસ્ટ રમ્યા છે. અમદાવાદમાં શાળાકીય ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યા બાદ જીત રાવલ ગુજરાતની ટીમમાં સ્થાન હાંસલ કરી શકે તેવી ક્ષમતા ધરાવતા હતા પરંતુ તેમનો પરિવાર ન્યૂઝીલૅન્ડમાં સેટ થવા માગતો હતો અને ઓકલૅન્ડ જઈને વસ્યો.
જીતે બાકીની તાલીમ ઓકલૅન્ડમાં લીધી અને 20 વર્ષની વયે 2008માં તેઓ ઓકલૅન્ડની ટીમ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા હતા. આ ડાબોડી બૅટ્સમૅનની કાબેલિયત ન્યૂઝીલૅન્ડના પસંદગીકારોની નજરે પડી અને તેમને ટેસ્ટ ટીમમાં સામેલ કરી લીધા.
જીત રાવલે ન્યૂઝીલૅન્ડ માટે 1143 રન ફટકારવાની સાથે સાથે એક સદી અને સાત અડધી સદી પણ ફટકારી દીધી.
છેલ્લી એકાદ બે સિઝનથી જીતને કિવિ ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી પરંતુ તેઓ હાલમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમી રહ્યા છે.
એ વાત અલગ છે કે જીતને ક્યારેય ન્યૂઝીલૅન્ડની લિમિટેડ ઓવરની ટીમ (વન-ડે અને ટી20)માં તક મળી ન હતી પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેઓ આઠ હજારથી વધારે રન ફટકારી ચૂક્યા છે તો ન્યૂઝીલૅન્ડની ડૉમેસ્ટિક વન-ડે ટુર્નામેન્ટમાં તે 71 મૅચમાં ચાર સદી સાથે બે હજાર કરતાં વધારે રન ફટકારી ચૂક્યા છે.
પાર્થિવ અને જીત મોટા દેશો માટે રમ્યા છે એટલે તેમના વિશે જાણકારી ઉપલબ્ધ હોય પરંતુ આઇસીસીએ ક્રિકેટનો વ્યાપ વધારવા તમામ દેશને ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાની મંજૂરી આપી તેમાં અમેરિકાનો પણ સમાવેશ થતો હતો જેનો લાભ તિમિલ પટેલને મળ્યો.

અમેરિકાના કપ્તાન બન્યા તિમિલ

ઇમેજ સ્રોત, Getty Images
તિમિલના પિતા અને દાદા અમદાવાદમાં શિક્ષણ સાથે સંકળાયેલા હતા. તેમની માલિકીની શાળાઓ પણ અમદાવાદમાં હતી પરંતુ દાદા અંબુભાઈ પટેલ અને પિતા કૌશિકભાઈએ તિમિલને વિદ્યાનગર સ્કૂલમાં અભ્યાસ માટે મોકલ્યા જ્યાંથી તેઓ ક્રિકેટ પણ રમવા લાગ્યા અને ગુજરાતના ઉમદા કક્ષાનો લેગ સ્પિનર બની ગયા.
જોકે પરિવાર અમેરિકા ચાલ્યો ગયો તો તિમિલ પણ સાથે ગયા પણ ક્રિકેટ છોડવું ન હતું તેથી તે અમેરિકામાં ક્લબ લેવલ પર રમવા લાગ્યા જ્યાંથી તેઓ અમેરિકાની નેશનલ ટીમ સુધી પહોંચી ગયા. એટલું જ નહીં પણ તેઓ અમેરિકની ટીમનો કૅપ્ટન પણ બની ગયા.
1983માં જન્મેલા તિમિલે 1999માં જુનિયર ક્રિકેટમાં રમવાનો પ્રારંભ કર્યો અને 2002માં તે ગુજરાતની ટીમમાં સામેલ થઈ ગયા.
આ અગાઉ તે 2002માં ભારતની અંડર-19 ટીમ વતી બે ટેસ્ટ અને વન-ડે પણ રમી ચૂક્યા હતા.
પોતાની લેગ સ્પિન બૉલિંગથી કમાલ કરનારા તિમિલે અમેરિકા જઈને ત્યાંની ઇન્ટરનેશનલ ટીમમાં સ્થાન હાંસલ કરવામાં વાર લગાડી નહીં અને કૅપ્ટન પણ બની ગયા.
આજે તિમિલ અમેરિકા માટે સાત વન-ડે અને સાત ટી20 ઇન્ટરનેશનલ મૅચ રમી ચૂક્યા છે.
ભારતમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ, લિસ્ટ-એ ક્રિકેટ અને ટી20 મળીને તિમિલ 100 કરતાં વધારે વિકેટ ખેરવી ચૂક્યા છે.
આઇસીસીની વર્લ્ડ કપ ક્વોલિફાયર (બંને વન-ડે અને ટી20 વર્લ્ડ કપ) મૅચોમાં તિમિલ અમેરિકાની ટીમની આગેવાની કરે છે.

ઓમાનના 'શ્રેષ્ઠ બૅટ્સમૅન' દીપ ત્રિવેદી
ગુજરાતની એક જ સ્કૂલના આવા હોનહાર ક્રિકેટરની શ્રેણીમાં વધુ એક નામ છે દીપ ત્રિવેદીનું.
અમદાવાદમાં ડૉમેસ્ટિક ક્રિકેટમાં દીપ ત્રિવેદી જેવા આક્રમક બૅટ્સમૅન ભાગ્યે જ જોવા મળતા હતા ત્યારે તિમિલની સાથે દીપ 1998-99ની આસપાસથી ગુજરાતની જુનિયર ટીમમાં સામેલ થયા.
તેઓ વેસ્ટ ઝોન માટે પણ રમ્યા અને ગુજરાતની અંડર-22 ટીમ સુધી પહોંચ્યો પરંતુ ત્યાર બાદ અભ્યાસને કારણે તેણે ક્રિકેટ રમવાનું ઓછું કર્યું પરંતુ આ ક્રિકેટનો જીવ કારકિર્દી માટે ઓમાન ગયો અને ત્યાંથી રમવાનો પ્રારંભ કર્યો.
2010માં ઓમાનમાં વિવિધ ટુર્નામેન્ટ રમાતી હતી જેમાં ઇંગ્લૅન્ડથી એમસીસીની ટીમ આવી હતી તો ત્યારે બાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલની મૅચો રમાઈ અને પછી આઇસીસીની વર્લ્ડ કપની લીગ ડિવિઝનની મૅચો રમાઈ અને આ તમામ મૅચમાં ઓમાને ભાગ લીધો હતો જેના એક ખેલાડી તરીકે દીપ ત્રિવેદીને પણ ઓમાન માટે રમવા મળ્યું.
દીપ ત્રિવેદીએ એશિયન અને આઇસીસી ટુર્નામેન્ટમાં ઓમાનની ટીમને સધ્ધર બનાવવામાં તેમના બૅટથી ઘણું યોગદાન આપ્યું હતું.
સળંગ બે વર્ષ તેમણે ઓમાનના બેસ્ટ બૅટ્સમૅનનો ઍવૉર્ડ જીત્યો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












