ટી20 વર્લ્ડકપ: એ ત્રણ બાબતો જે ભારતની ટીમે સેમિફાઇનલમાં પહોંચવા માટે ધ્યાને રાખવાની જરૂર છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રવીણ
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 5 મિનિટ
ટી20 વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં પરાજય બાદ ભારતની ટીમે ઝિમ્બાબવે સામેની મૅચમાં શાનદાર વિજય નોંધાવ્યો છે.
આમ સુપર-8 રાઉન્ડમાં એક વિજય અને એક પરાજયની સાથે સેમિફાઇનલ સુધી પહોંચવાની ભારતની આશા જીવંત છે. ભારતનો 72 રને વિજય થયો છે, જેથી કરીને ભારતની નેટ રનરેટમાં પણ સુધાર થયો છે.
વર્લ્ડકપ શરૂ થયો એ પહેલાં ભારતને હૉટ ફેવરિટ માનવામાં આવતી હતી, પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં પરાજય બાદ સેમિફાઇનલમાં પહોંચવાની આશા સંકટમાં મૂકાઈ ગઈ હતી.
હવે, રવિવારે વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચ 'ક્વાર્ટર ફાઇનલ' જેવી ટક્કર બની રહેશે. રવિવારની મૅચમાં જે કોઈ ટીમ વિજેતા થશે, તે દક્ષિણ આફ્રિકાની સાથે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરશે.
ટુર્નામેન્ટમાં ચાર મૅચ જીત્યા બાદ, પાંચમો મુકાબલો હારીને ભારતે કડવા પાઠ ભણ્યા છે. છતાં હજુ કેટલીક સમસ્યાઓ દેખાઈ રહી છે.
ટીમ ઇન્ડિયાની ઓપનર જોડીનો સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ટીમના પૂર્વ બૅટ્સમૅન સંજય બાંગર અને પૂર્વ બૉલર ઇરફાન પઠાણે ઓપનિંગ જોડી બદલાવવાના ટીમ મૅનેજમેન્ટના નિર્ણયને આવકાર્યો છે.
ઇરફાન પઠાણે કહ્યું, "હું નથી માનતો કે ઇશાન કિશનને ત્રીજાક્રમે બૅટિંગ માટે ઉતારવા જોઈએ. પરંતુ આ ટુર્નામેન્ટ દરમિયાન ભારતના બલ્લેબાજો ઑફ-સ્પિનર્સ સામે સંઘર્ષ કરતા નજરે પડ્યા છે. સંજુ સૅમસનના સ્થાને ઇશાનને ઓપનર તરીકે ઉતારવાનો ભારતનો જુગાર ગુરુવારની મૅચમાં ફળ્યો હતો."
"ઝિમ્બાબ્વેના કૅપ્ટન સિકંદર પણ આ નિર્ણયથી ચોંકી ગયા હતા. એટલે જ તેમણે પ્રારંભિક તબક્કે સ્પિન બૉલરોનો ઉપયોગ નહોતો કર્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંજય બાંગરે કહ્યું, "આમ જોઈએ તો ગૌતમ ગંભીરે ટી20 ટીમનું કોચપદ સંભાળ્યું, ત્યારે ભારતની ટીમ જ્યાં હતી, ત્યાં જ પાછી આવીને ઊભી રહી છે."
"એ સમયે સંજુ સૅમસન અને અભિષેક શર્મા ભારતની ઇનિંગની શરૂઆત કરતા. એ પછી ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા, પરંતુ એમાંથી કોઈ ચાલ્યા ન હતા. હવે ભારતની ટીમ તેની ભૂલ સુધારી રહી છે."
ઇરફાન પઠાણનું માનવું છે કે ટીમ મૅનેજમેન્ટ આગામી મૅચો માટે ઓપનિંગ જોડીમાં કોઈ ફેરફાર નહીં કરે અને અભિષેક શર્માની સાથે સંજુ સૅમસનને જ ઇનિંગની શરૂઆત કરવા માટે મોકલવામાં આવશે.
ભારતની ટીમ છેલ્લા કેટલાક સમયથી ઓપનિંગ જોડીની સમસ્યાથી ગ્રસ્ત છે અને વર્લ્ડકપ દરમિયાન પણ આ વાત ઊડીને આંખે વળગી હતી.
જોકે, ઝિમ્બાબ્વે સામેની મૅચમાં ભારતે ઇશાન કિશનના બદલે સંજુ સૅમસનને શરૂઆત કરવા માટે મોકલ્યા હતા. આમ ડાબેરી તથા જમણેરી બૅટ્સમૅનની પાર્ટનરશિપ બની હતી અને ઇશાન કિશનને ત્રીજા ક્રમે ઉતારવામાં આવ્યા હતા.
અગાઉ ભારતના શરૂઆતના ત્રણ બૅટ્સમૅન લૅફ્ટ હૅન્ડ બૅટ્સમૅન હતા, જેના કારણે સામેવાળી ટીમને વ્યૂહરચના ઘડવામાં ખાસ મુશ્કેલી નહોતી પડતી.
ભારતને આ વ્યૂહરચના ફળી છે. પહેલી વિકેટ માટે ત્રણ ઓવર અને ચાર બૉલમાં 48 રન કર્યા હતા. સંજુ સૅમસન 24 રન બનાવીને આઉટ થયા હતા, પરંતુ ભારતને મજબૂત શરૂઆત મળી હતી.
ગત ચાર મૅચ દરમિયાન 0, 0, 0 અને 15 રન બનાવનારા અભિષેક શર્મા ઝિમ્બાબ્વેના બૉલરો સામે આત્મવિશ્વાસથી ભરપૂર જણાયા હતા. ભૂતકાળને ભૂલીને તેઓ ક્રિઝ ઉપર ટકી રહ્યા હતા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા.
ગુરુવારની મૅચમાં અભિષેક શર્માએ 30 બૉલમાં 55 રન બનાવ્યા હતા.
સ્પિનરો સામે પ્રદર્શન સુધર્યું

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્લ્ડકપ દરમિયાન સ્પિનરો સામે રમવામાં ભારતના બૅટ્સમૅન મુશ્કેલી અનુભવી રહ્યા હતા અને આ વાત જાણે કે ટીમની નબળાઈ બની ગઈ હતી.
આ મૅચ પહેલાં સામેની ટીમના અલગ-અલગ બૉલરોએ ભારતના બલ્લેબાજોને 19 વખત પેવેલિયન ભેગા કર્યા હતા. એમાંથી પણ 12 બૅટ્સમૅન ઑફ-સ્પિનરોનો શિકાર બન્યા હતા.
જોકે, ઝિમ્બાબ્વે સામેની મૅચમાં સ્પિનરો સામે રમવાનો ભારતના બલ્લેબાજોનો વિશ્વાસ પરત ફર્યો હોય એમ જણાયું હતું. ભારતની ચાર વિકેટ પડી, એમાંથી માત્ર એક જ ખેલાડીને સ્પિનરે આઉટ કર્યો હતો.
મૅચ પત્યા પછી કૅપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું હતું, "અમે જે કંઈ બન્યું, એને ભૂલીને અહીં આવ્યા હતા."
"અમારા વીડિયો ઍનાલિસ્ટે જે સ્લાઇડ્સ તૈયાર કરી હતી, એની ઉપર નજર કરી. અમે ગત વર્ષ દરમિયાન શું કર્યું હતું એ જોયું."
"એ બધું જોયા પછી અમારામાં પૉઝિટિવ ફિલિંગ આવી. ટોચના બૅટ્સમૅનોથી માંડીને છઠ્ઠા ક્રમે ઊતરેલા ખેલાડીએ પણ પોતાનો ફાળો આપ્યો."
એ નિવેદનમાં સૂર્યકુમારે ભારતીય ટીમે અગાઉની મૅચોમાં કરેલી અન્ય એક ભૂલ તરફ પણ ધ્યાન દોર્યું હતું. મૅચમાં શરૂઆતમાં વિકેટ ગુમાવ્યા બાદ ભારતની રમત ધીમી પડી જતી હતી.
જોકે, આ ભૂલને ભારતની ટીમે સુધારી લીધી હોય એમ જણાય છે. જેનું પરિણામ ગુરુવારે જોવા મળ્યું હતું. ભારતના તમામ છ બલ્લેબાજોએ 150 કે એથી વધુની સ્ટ્રાઇક રેટ સાથે બૅટિંગ કરી હતી.
ટી20 વર્લ્ડકપના ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે કોઈ પણ ટીમના તમામ છ બૅટ્સમૅને 150 કે એથી વધુના સ્ટ્રાઇક રેટથી બૅટની કમાલ દાખવી હોય.
આની મદદથી ભારત વર્લ્ડકપમાં તેનો સૌથી મોટો સ્કોર (20 ઓવરમાં 256 રન) ઊભો કર્યો હતો.
દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં ભારતના પરાજયનું એક મુખ્ય કારણ તેના બૅટ્સમૅન હતા.
ઝિમ્બાબ્વે સામેની મૅચમાં બલ્લેબાજોએ તેમની ભૂલ સુધારી હતી અને 17 છગ્ગા ફટકાર્યા હતા.
ટી20 વર્લ્ડકપના ઇતિહાસમાં ભારતની એક ઇનિંગમાં લાગેલા આ સૌથી વધુ છગ્ગા હતા.
બૉલિંગની સમસ્યા
જો ભારતના બૅટરોમાં સુધાર જોવા મળ્યો છે, તો ભારતના બૉલર્સનાં પ્રદર્શને ચિંતા ઊભી કરી છે. આ નબળાઈ ઝિમ્બાબ્વે સામેની મૅચમાં સામે આવી હતી.
ભારતે 257 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં દાવ લેવા ઊતરેલી ઝિમ્બાબ્વેની ટીમને ઑલઆઉટ નહોતી કરી શકાઈ.
ઝિમ્બાબ્વેએ નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટના ભોગે 186 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વેના ઓપનર બ્રાયન બેનેટ છેવટ સુધી અણનમ રહ્યા હતા અને તેમણે 97 રન બનાવ્યા હતા.
તેમણે ભારતના બૉલરોની સામે એકલા હાથે 11 છગ્ગા માર્યા હતા.
આ ટુર્નામેન્ટ દરમિયાન ઝિમ્બાબ્વેએ ઉન્નત રમતનું પ્રદર્શન કર્યું છે. તેણે ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકા જેવી ટીમોને હરાવી હતી.
તેમણે ભારતની નબળી બૉલિંગનો પૂરો લાભ લીધો હતો. જો ટાર્ગેટ નીચો હોત, તો ઝિમ્બાબ્વેની ટીમ ચોંકાવનારું પરિણામ લાવવા સક્ષમ હતી.
શરૂ-શરૂમાં ઝિમ્બાબ્વેના બૅટ્સમૅનોને ભારતીય બૉલરો સામે રન બનાવવામાં તકલીફ પડી હતી. આમ છતાં પાવર-પ્લૅ દરમિયાન ભારત વિકેટ ખેરવી નહોતું શક્યું અને 6.2 ઓવરે પહેલી વિકેટ પડી હતી.
ભારતના સ્પિનરોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. વરુણ ચક્રવર્તી તથા અક્ષર પટેલે 35-35 રન આપ્યા હતા અને એક-એક ખેલાડીને પેવેલિયન પરત મોકલ્યો હતો.
ભારતની ટીમે છઠ્ઠા બૉલર તરીકે શિવમ્ દુબેને અજમાવ્યા હતા. જેમણે માત્ર બે ઓવરમાં 46 રન આપી દીધા હતા.
જોકે, અર્શદીપસિંહનું પ્રદર્શન રાહતજનક રહ્યું હતું. તેમણે ભારતને નોંધપાત્ર વિજય અપાવવામાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. તેમણે ક્વોટાની ચાર ઓવરમાં 25 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પણ સ્વીકાર્યું હતું કે મૅચ દરમિયાન ભારતીય ટીમની બૉલિંગ સારી નહોતી રહી.
તેમણે કહ્યું, "પ્રમાણિકપણે કહું તો અમે વધુ સારી બૉલિંગ કરી શક્યા હોત. છેવટે અમે જીતી ગયા એ સારી બાબત છે. પરંતુ આગળ જતાં અમે આ બાબતનું ધ્યાન રાખીશું."
યાદવે કહ્યું, "આગળ વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં અમે આ બાબતનું ધ્યાન રાખીશું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













