ટી20 વર્લ્ડકપ : ભારતની ઝિમ્બાબ્વે સામે જીત, પણ 10 બૉલની આ ઓવર ચર્ચાનું કેન્દ્ર બની

ઇમેજ સ્રોત, Getty Images
ગુરુવારનો દિવસ ભારતના ક્રિકેટ ફેન્સ માટે રાહતના સમાચાર લઈને આવ્યો અને ભારત માટે સેમિફાઇનલ સુધી પહોંચવાની આશા જીવંત રહી છે.
ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારતે ઝિમ્બાબ્વેની ટીમને 72 રને પરાજય આપ્યો છે. મહેમાન ટીમે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી હતી. આ નિર્ણય મોંઘો સાબિત થયો હતો અને ભારતે ચાર વિકેટના ભોગે 256 રન બનાવ્યા હતા.
લાંબા સમયથી આઉટ-ઑફ-ફૉર્મ રહેલા અભિષેક શર્મા ફૉર્મમાં જોવા મળ્યા હતા અને અડધી સદી ફટકારી હતી. આ સિવાય હાર્દિક પંડ્યાએ પણ અર્ધ સદી મારી હતી.
જવાબમાં દાવ લેવા ઊતરેલી ઝિમ્બાબ્વેની ટીમ છ વિકેટના ભોગે 184 રન બનાવી શકી હતી.
આ પહેલાં અમદાવાદની મૅચમાં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડીઝની ટીમને પરાજય આપ્યો હતો. જે વાત પણ ભારત માટે 'રાહતજનક' રહી હતી.
શિવમ દુબેની 10 બૉલની ઓવર
ભારતે અર્શદીપસિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ જેવા નિયમિત બૉલરોને અજમાવ્યા હતા, પરંતુ કોઈ સફળતા મળી ન હતી.
આવા સમયે કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પંદરમી ઓવર શિવમ દુબેને આપવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ દાવ મોંઘો સાબિત થયો હતો.
આ ઓવર છ બૉલની ન રહેતા 10 બૉલની થઈ ગઈ હતી. પહેલા બૉલમાં શિવમે બે રન આપ્યા હતા. એ પછીના ત્રણ બૉલમાં છગ્ગો...ચોગ્ગો.....અને ચોગ્ગો એમ ત્રણ વખત બૉલ બાઉન્ડરીની બહાર ગયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચાર બૉલમાં 16 રન આપવાની અસર શિવમની બૉલિંગ લાઇન-લેન્થ ઉપર પણ થઈ હતી. એ પછીનો બૉલ વાઇડ ગયો હતો. ઓવરનો પાંચમો બૉલ ડૉટ ગયો હતો.
જોકે, શિવમે એક બૉલ નાખીને ઓવર પૂરી કરવામાં વધુ ચાર બૉલ લીધા હતા. એક નૉ-બૉલ તથા બે વાઇડ બૉલ ફેંક્યા હતા.
એ પછી જ્યારે છેલ્લો બૉલ બરાબર પડ્યો, ત્યારે વધુ એક વખત તે બાઉન્ડરીની બહાર હતો અને છગ્ગો લાગ્યો હતો.
પછીની ઓવરોમાં મૅચ એકતરફી થઈ ગયો હતો. ત્યારે સૂર્યકુમાર યાદવે વધુ એક વખત શિવમની ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેમને ઓવર આપી હતી.
જોકે, એ ઓવર પણ આઠ બૉલની રહી હતી. શિવમની બીજી ઓવરના પહેલા બૉલે ઝિમ્બાબ્વેના બૅટ્સમૅને એક રન લીધો હતો. એ પછી એક નૉ-બૉલ અને એક વાઇડ બૉલ પડ્યા હતા.
બીજી ઓવરનો બીજો બૉલ બૅટ્સમૅને હવામાં જ બાઉન્ડરીની બહાર મોકલી દીધો હતો. એ પછી શિવમે તેમની વિકેટ ખેરવી હતી.
20મી ઓવરની છેલ્લી બે બૉલમાં છગ્ગો અને ચોગ્ગો એમ 10 રન ગયા હતા.
આમ શિવમની બે ઓવરનો સ્પેલ 46 રનમાં પડ્યો હતો.
બ્રાયન બેનેટની ઝંઝાવાતી ઇનિંગ

ઇમેજ સ્રોત, Getty Images
વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં પાંચ રને આઉટ થયા એ પહેલાં બ્રાયન બેનેટના નામે એક અનોખો રેકૉર્ડ હતો.
વર્લ્ડકપની ગ્રૂપ લેવલની મૅચ દરમિયાન કોઈ તેમને આઉટ નહોતું કરી શક્યું. ગુરુવારે ફરી એક વખત બ્રાયન બેનેટ ચમક્યા હતા અને તેમણે ભારતના છ-છ બૉલરોને હંફાવ્યા હતા.
જમણા હાથના બૅટ્સમૅન બ્રાયન બેનેટે 59 બૉલમાં અણનમ 97 રન બનાવ્યા હતા. તેમણે 14 વખત (આઠ ચોગ્ગા અને છ છગ્ગા) બૉલને બાઉન્ડરીની બહાર મોકલ્યો હતો.
ઝિમ્બાબ્વેની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટના 184 રન બનાવ્યા હતા. આમ ટીમના કુલ સ્કોરમાં અડધોઅડધ ફાળો બ્રાયનનો હતો.
ઑલરાઉન્ડર બ્રાયને ભારતના બૅટ્સમૅન સામે ખૂબ જ સસ્તી બૉલિંગ કરી હતી. બે ઓવરમાં બ્રાયને માત્ર 16 રન આપ્યા હતા. જોકે, તેમને એક પણ વિકેટ મળી ન હતી.
ભારતની પાવર પ્લેથી પાવરફૂલ શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ પહેલાંની દસેક મૅચોની સમીક્ષા કરીએ તો ઝીરોથી લઈને મહત્તમ 31 રનમાં ભારતની પહેલી વિકેટ પડી ગઈ હતી.
એની સામે ગુરુવારે 48 રને પહેલી વિકેટ પડી હતી. સંજુ સેમસન તથા અભિષેક શર્માએ ભારતીય ઇનિંગની શરૂઆત કરી હતી. સંજુ 15 બૉલમાં 24 રન બનાવીને આઉટ થયા હતા.
સામે છેડે અભિષેકે વિકેટ જાળવી રાખી હતી. ઈશાન કિશન સાથે મળીને તેઓ ભારતનો સ્કોર 120 રને લઈ ગયા હતા. ઈશાન કિશનને એક જીવતદાન મળ્યું હતું, પરંતુ તેનો ખાસ લાભ નહોતા લઈ શક્યા અને 38 રન (બૉલ) બનાવીને આઉટ થયા હતા.
ભારતના બૅટ્સમૅનોએ આ પછી આક્રમકતા અપનાવી હતી. એ વાતનો અંદાજ એના પરથી લગાવી શકાય કે પાવરપ્લેની છ ઓવર દરમિયાન ભારતની ટીમે એક વિકેટના ભોગે 80 રન બનાવ્યા હતા.
તેની સામે 12.4 ઓવરના અંતે 150 રન, 15 ઓવરમાં 176 રન, 16.4 ઓવરના અંતે 200 રન બનાવ્યા હતા. બાકીના 20 બૉલમાં 56 રન બનાવ્યા હતા.
કૅપ્ટન સૂર્યકુમાર યાદવે 33 રન (13 બૉલ) બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 23 બૉલમાં અણનમ 50 રન બનાવ્યા હતા. જેમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ હતા.
અત્યાર સુધી દબાણ હેઠળ ધીમું રમી રહેલા તિલક વર્મા પણ આક્રમક મિજાજમાં જોવા મળ્યા હતા. તેમણે અણનમ 44 રન (16 બૉલ) બનાવ્યા હતા. તિલકે ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા માર્યા હતા.
અભિષેક શર્મા ફૉર્મમાં પરત ફર્યા

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા કેટલાક સમયથી ભારતના ઓપનર બૅટ્સમૅન અભિષેક શર્મા ફૉર્મમાં ન હતા. તેમણે અગાઉની ચાર મૅચમાં માત્ર 15 રન બનાવ્યા હતા, એમાંથી ત્રણ મૅચમાં તેઓ શૂન્ય રને આઉટ થયા હતા.
જેના કારણે ટીમમાં તેમના સ્થાન વિશે વ્યાપક ચર્ચા થઈ રહી હતી. ત્યારે અમદાવાદ ખાતેની મૅચ પહેલાં ભારતની ટી-20 ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે 'હવે જે ટીમો અભિષેક શર્માનો સામનો કરશે, મને એમની ચિંતા છે.'
અભિષેક દક્ષિણ આફ્રિકાની મૅચમાં ખાસ ફાળો નહોતો આપી શક્યા અને માત્ર 15 રન બનાવ્યા હતા.
જોકે, ગુરુવારે તેમણે ટીમ મૅનેજમૅન્ટના વિશ્વાસને ખરો સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ઝિમ્બાબ્વે સામેની મહત્ત્વપૂર્ણ મૅચમાં 55 રન (30 બૉલ) બનાવ્યા હતા.
અભિષેકે પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા માર્યા હતા.
અભિષેકે વર્ષ 2007ના પહેલા ટી20 વર્લ્ડકપ દરમિયાન 'મૅન્ટર' યુવરાજસિંહની પરિસ્થિતિની યાદ અપાવી હતી.
એ ટી20 વર્લ્ડકપમાં યુવરાજસિંહે ઇંગ્લૅન્ડ સામેની એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. તેમણે ઑસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં અડધી સદી મારી હતી, જેના કારણે ભારત ફાઇનલમાં પહોંચ્યું હતું.
જોકે, એ ટુર્નામેન્ટ દરમિયાન યુવરાજની શરૂઆત શાનદાર નહોતી રહી. શરૂઆતની બે મૅચોમાં તેમણે માત્ર છ રન બનાવ્યા હતા.
એ પણ યોગાનુયોગ જ છે કે વર્ષ 2007ના વર્લ્ડકપ દરમિયાન યુવરાજસિંહે ઈજાને કારણે પહેલી મૅચ ગુમાવી હતી. અભિષેકે નામિબિયા સામેની પહેલી મૅચ ગુમાવી હતી.
સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત
ગુરુવારની રાત્રે ચેન્નાઈ ખાતે ભારતે મહેમાન ટીમ સામેની મૅચ જીત મેળવી. એ પહેલાં સાંજે રાહતજનક સમાચાર સેંકડો કિલોમીટર દૂર અમદાવાદથી આવ્યા હતા.
જે મેદાન ઉપર દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતની ટીમે હાર આપી હતી, ત્યાં જ તેમણે વેસ્ટ ઇન્ડીઝની ટીમને પરાજય આપ્યો હતો અને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
આ સાથે જ ભારત માટે 'જો' અને 'તો'ની શક્યતાઓ અને સંભાવનાઓ ઘટી ગઈ હતી. આમ છતાં ભારતની સેમિફાઇનલની આશાઓનો આધાર સેમિફાઇનલ ઉપર આધાર રાખશે.
વેસ્ટ ઇન્ડીઝ અને ભારત પાસે બે-બે પૉઇન્ટ છે. કોલકતાના ઇડન ગાર્ડન ઉપર જે ટીમ જીતશે, તેના માટે સેમિફાઇનલમાં પહોંચવાનો રસ્તો ખૂલી જશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












