ગુજરાત : 'ફોટો જોઈને ખરીદનારને બાળક ગમી જાય તો એજન્ટ મારફતે ડિલિવરી કરી દેવાતું'

ઇમેજ સ્રોત, Ahmedabad Crime Branch/getty
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાલમાં "બાળકોની લે-વેચ કરનારા માનવતસ્કરીના એક મોટા આંતરરાજ્ય નેટવર્ક"નો પર્દાફાશ કર્યો છે.
આ કથિત રૅકેટમાં ખુલાસો થયો છે કે બાળકોની તસ્કરી ત્રણથી 15 લાખ સુધીની રકમમાં કરવામાં આવતી હતી અને વચ્ચે દરેક સ્તરે એજન્ટોનું નેટવર્ક હતું.
ગુજરાતથી તસ્કરી કરાયેલા બાળકને હૈદરાબાદ અને પુણે સુધી વેચવામાં આવતું હતું.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અનુસાર, બાળકોના નેટવર્કથી એક મોટું કૌભાંડ ખૂલવાની શરૂઆત છે, કારણ કે હજુ સુધી પોલીસ માત્ર એજન્ટો સુધી જ પહોંચી શકી છે.
આ નેટવર્ક ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદથી લઈને મહારાષ્ટ્રના પુણે, ઉત્તર પ્રદેશ અને તેલંગણાના હૈદરાબાદ સુધી ફેલાયેલું છે. જોકે, પોલીસની તપાસમાં હજી બીજાં રાજ્યોના એજન્ટોની પણ સંડોવણી બહાર આવી શકે છે.
બાળકોની તસ્કરી કેવી રીતે થતી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
આખા નેટવર્કમાં પોલીસનો દાવો છે કે વિવિધ આઇવીએફ સેન્ટરથી લીક થતી માહિતીનો આ તસ્કરીમાં ખૂબ મહત્ત્વપૂર્ણ રોલ છે. બાળક ઇચ્છતું કોઈ દંપતી જ્યારે કોઈ આઇવીએફ સેન્ટર પર પહોંચે તો એજન્ટો તેમની વિગતો લઈ લે, અને કોઈ એક એજન્ટ તેમને બાળક વેચવા માટે સંપર્ક કરે.
હાલની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે પુણે અને હૈદરાબાદનાં વિવિધ આઇવીએફ સેન્ટરથી આવા લોકોની માહિતી લીક થઈને એજન્ટો સુધી પહોંચતી હતી.
બીજી બાજુ ગુજરાતના આદિવાસી વિસ્તારો જેમ કે દાંતા કે સાબરકાંઠા વિસ્તારોમાં સક્રિય એજન્ટો એવા લોકોના સંપર્કમાં હતા, જેમનાથી બાળતસ્કરી કરવા માટે મળી શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
થોડા સમય પહેલાં અમદાવાદ પોલીસ અને ગુજરાત એટીએસની ટીમના અધિકારીઓએ અમદાવાદના કોતરપુર વિસ્તારમાંથી એક કારમાંથી એક નવજાત શિશુની તસ્કરી કરવાના ઇરાદાથી પોતાની પાસે રાખવાના આરોપસર વંદના પંચાલ, રોશન અગ્રવાલ અને સુમિત યાદવની ધરપકડ કરી હતી. જોકે તેના થોડા દિવસો બાદ પોલીસે ચોથા આરોપી અને એજન્ટ દાંતાથી યુનુસ સિંધિની પણ ધરપકડ કરી હતી.
પોલીસને મળેલી વિગતો પ્રમાણે આ ત્રણેય લોકોએ યુનુસ પાસેથી બાળક લીધું હતું અને તેને હૈદરાબાદની નાગરાજ નામની એક વ્યક્તિને સોંપવાના હતા.
આ કેસના તપાસ અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ ગઢવીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું. "તેમણે આ બાળક 3.60 લાખમાં ખરીદ્યું હતું, અને જેમ-જેમ તેમાં એજન્ટો ઉમેરાતા જાય તેમ બાળકની કિંમત વધતી જાય."
'વૉટ્સઍપ મારફતે બાળકોનું વેચાણ થતું'
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લા તેમજ રાજસ્થાન રાજ્યના આંતરિક વિસ્તારોમાંથી નવજાત બાળકો મેળવી તેમને બીજા રાજ્યોમાં વેચી દેવાતાં હતાં.
તેમની તપાસ દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસને જાણવા મળ્યું છે કે આ નેટવર્ક આખા દેશનાં બીજાં પણ ઘણાં રાજ્યોમાં ફેલાયેલું છે, આ નેટવર્કમાં વૉટ્સઍપનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ નેટવર્ક થકી મોટી સંખ્યામાં પૈસાની આપ-લે થાય છે.
રઘુવીરસિંહ ગઢવી વધુમાં કહે છે કે, "બાળક જોઈએ એવું કપલ મળી જાય પછી તેમને વૉટ્સઍપ મારફતે અલગ-અલગ પ્રકારનાં બાળકોના ફોટોગ્રાફ બતાવાતા અને જો કોઈ ખરીદનારને બાળક પસંદ આવી જાય તો તેને તે બાળક આ એજન્ટો મારફતે ડિલિવર કરવામાં આવતું હતું."
જોકે હજી સુધી પોલીસને એ જાણ નથી કે આ કેસમાં રેસ્ક્યૂ કરાયેલી બાળકી કોની છે, તેનાં માતાપિતાએ શું ઇરાદાપૂર્વક તેને આ એજન્ટોને સોંપી દીધી છે કે પછી તેમની જાણ બહાર આ બાળકની તસ્કરી થઈ રહી હતી.
"જો માતાપિતાએ ઇરાદાપૂર્વક બાળક સોંપ્યું હોય તો તેમની સામે પણ ગુનો નોંધીને તેમને પણ જેલમાં જવું પડશે," એ ગઢવીએ વધુમાં જણાવ્યું.
કેવી રીતે થયો આ નેટવર્કનો પર્દાફાશ?

ઇમેજ સ્રોત, Ahmedabad Crime Branch
ગુજરાત એટીએસ દ્વારા મળેલી અને 28 જાન્યુઆરી, 2026ના રોજ ડીસીબી ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસની વિવિધ ટીમોએ અમદાવાદ ઍરપૉર્ટના રનવેની બાઉન્ડરી વૉલ પાસે, કોતરપુર પમ્પિંગ સ્ટેશન નજીક વોચ ગોઠવી રાખી હતી.
તપાસ દરમિયાન હિંમતનગરથી ઍરપૉર્ટ તરફ આવી રહેલી સફેદ મારુતિ અર્ટિગાને અટકાવવામાં આવી હતી. ગાડીની તપાસ કરતા તેમાં સવાર વ્યક્તિઓ પાસેથી એક નવજાત શિશુ મળી આવ્યું હતું.
આ ગાડીમાં પોલીસે વંદના પંચાલ (34) ઉપરાંત મૂળ રાજસ્થાનના, પરંતુ હાલમાં હૈદરાબાદમાં રહેનારા રોશન ઉર્ફે સજ્જન મહાવીરપ્રસાદ અગ્રવાલ (42) અને સુમિત યાદવ, જે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે, તેમની ધરપકડ કરી હતી, જ્યારે ગાડીના ડ્રાઇવર મૌલિક દવે વિશેની તપાસ ચાલુ છે.
જોકે, આ વિશે બીબીસી ગુજરાતીએ આરોપી પક્ષના વકીલનો સંપર્ક કરી તેમને વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો, અને આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં હોવાથી તેમની સાથે પણ વાત થઈ શકી ન હતી.
આ તમામ લોકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમો બીએનએસ: 143 (4), 137 (2), અને 61(2)(એ), તેમજ જુવેનાઇલ જસ્ટિસ અધિનિયમ 2015ની કલમ 81 અને 87 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
આ ઑપરેશન દરમિયાન રેસ્ક્યૂ કરાયેલા બાળકને તાત્કાલિક સંભાળ અને તબીબી નિરીક્ષણ માટે પોલીસની 'શી' ટીમને સોંપવામાં આવ્યું છે.
ગુજરાતમાં થતી બાળકોની તસ્કરી વિશે બીબીસી ગુજરાતીએ કર્મશીલ અને તસ્કરી કરાયેલાં બાળકો સાથે કામ કરતી સંસ્થા ઍસોસિયેશન ફૉર વૉલન્ટરી ઍક્શનનાં સ્ટેટ કો-ઑર્ડિનેટર શીતલ પ્રદીપ સાથે વાત કરી હતી.
તેઓ કહે છે કે, "આ પ્રકારના કેસો આ પહેલાં પણ પોલીસ સમક્ષ આવ્યા છે, પરંતુ તેની તપાસ પૂરી થતી નથી અને છેલ્લે સુધી પહોંચતી નથી. તે એજન્ટો સુધી જઈને અટકી જાય છે. જ્યાં સુધી ખરેખર બાળક વેચનાર અને ખરીદનાર લોકોની ધરપકડ નહીં થાય ત્યાં સુધી આ પ્રકારના ગુનાઓ અટકી નહીં શકે."
આ વિશે બીબીસી ગુજરાતીએ ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી, તેલંગણાનાં પ્રમુખ ડૉ. લક્ષ્મી કૃષ્ણલીલા સાથે વાત કરી. તેઓ કહે છે કે, "સામાન્ય રીતે દરેક આઇવીએફે એ કાળજી રાખવી પડે કે દર્દીની કોઈ પણ વિગતો લીક ન થાય, પરંતુ ઘણી વખત જો યોગ્ય કાળજી ન રાખવામાં આવે તો દર્દીની વિગતો વિવિધ મોબાઇલ ઍપ્સ અથવા કોઈ થર્ડ પાર્ટી ઍપ્લિકેશન મારફતે લીક થઈ જતી હોય છે, જે ખરેખર ખૂબ ગંભીર બાબત છે."
ભારતમાં બાળકોની તસ્કરીના શું છે આંકડા?

ઇમેજ સ્રોત, Getty Images
નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો પ્રમાણે દેશભરમાં 2023 દરમિયાન માનવતસ્કરીના કુલ 2183 કેસ નોંધાયા હતા, જ્યારે 2022માં આવા 2250 કેસ નોંધાયા હતા, એટલે કે તેમાં ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો છે.
કુલ 6288 લોકો તસ્કરીનો ભોગ બન્યા હોવાનું નોંધાયું હતું, જેમાંથી 2687 બાળકો અને 3601 લોકો 18 વર્ષથી ઉપરની ઉંમરનાં હતાં.
આ વર્ષ દરમિયાન 6043 પીડિતોને તસ્કરોના કબજામાંથી બચાવાયા હતા અને માનવતસ્કરીના ગુનાઓમાં 6,024 લોકોને ધરપકડ કરવામાં આવી હતી.
જો ગુજરાતની વાત કરવામાં આવે તો વર્ષ 2021માં માનવતસ્કરીના 13, વર્ષ 2022માં 9 અને 2023માં 13 કેસ નોંધાયા હતા.
એનસીઆરબી પ્રમાણે વર્ષ 2023માં નોંધાયેલા કેસોમાં 35 લોકોની તસ્કરી થઈ હતી, જેમાં 18 વર્ષથી નીચેનાં 20 બાળકો હતાં, જેમાં 11 બાળકો અને 9 બાળકી સામેલ હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












