AI અને માનવીની પ્રેમકહાણી : બન્ને વચ્ચે પ્રેમ પાંગરે તો કેવી પળોજણ પેદા થાય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સેન્ડ્રિન સ્યૂર્સ્ટેમોન્ટ
- વાંચવાનો સમય: 7 મિનિટ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રેમ ઉપરનું ઠીક-ઠીક કાવ્ય લખી શકે છે અને કેટલાક લોકોને તેના પ્રત્યે કૂણી લાગણી પણ જન્મે છે. પણ શું આ લાગણી પારસ્પરિક છે?
લોકોને એઆઈનું ઘેલું લાગ્યું છે. સાચે જ! કૅનેડાની એક વ્યક્તિની વાત કરીએ તો, તેમણે તાજેતરમાં જ સાઇયા નામના અવતારને પ્રપોઝ કર્યું હતું. તેઓ કહે છે કે, તેઓ સાઇયાને પ્રેમ કરે છે. અને ગયા વર્ષે, અમેરિકામાં આયરિન નામે (નામ બદલ્યું છે) એક યુવતીએ લિયો નામના એક ચેટબોટ સાથે અફેર હોવાની કબૂલાત કરી હતી.
લોકપ્રિય એઆઇ સાથી ઍપ 'રેપ્લિકા'નો ઉપયોગ કરનારા યુઝર્સની સંખ્યા લાખોમાં છે. અને 2024ના એક અભ્યાસ અનુસાર, તે પૈકીના લગભગ 40 ટકા યુઝર્સ તેમના ચેટબોટ સાથે રોમેન્ટિક સંબંધ ધરાવે છે.
જોકે, કેટલાક લોકોને એવું લાગી શકે છે કે, એઆઈ પણ તેમને પ્રેમ કરી શકે છે, પણ ચેટબોટના પ્રતિભાવો માનવીય વાતચીતનું અનુકરણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલા અલ્ગોરિધમ દ્વારા જનરેટ કરવામાં આવેલી ટેક્સ્ટથી વિશેષ કશું નથી.
મોટા ભાગના નિષ્ણાતો એ વાત સાથે સંમત છે કે, આવી સિસ્ટમ્સ હજુ સંવેદનશીલ હોવાથી ઘણી દૂર છે. અત્યારે તે કેવળ લાગણીઓની નકલ જ કરી રહી છે, પણ કેટલાક નિષ્ણાતો માને છે કે, ભવિષ્યમાં મશીનો વધુ ક્ષમતા હાંસલ કરી શકે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિંગાપોરના ડિપાર્ટમેન્ટ ઑફ કમ્યુનિકેશન્સ ઍન્ડ ન્યૂ મીડિયાનાં આસિસ્ટન્ટ પ્રોફેસર રેનવેન ઝાંગ કહે છે, "વર્તમાન સમયમાં ઘણાં એઆઇ ચેટબોટ્સ માણસ જેવો વ્યવહાર કરે છે અને આ વાત મને પરેશાન કરી રહી છે. તે વપરાશકર્તાની સહભાગીતા વધારવાની અને વિશ્વાસ વધારવા માટેની એક રણનીતિ છે."
એક રીતે જોતાં, ટેકનોલોજી કંપનીઓ દ્વારા બનાવવામાં આવતાં ઉત્પાદન થકી માનવીય ભાવનાઓને ઉશ્કેરવી એક ક્રૂર પ્રયુક્તિ જેવું લાગે છે. નિષ્ણાતો કહે છે કે, વર્તમાન તબક્કે, કોઈ એઆઇ તમારા વિશે એવી લાગણી નહીં અનુભવે, જેવી તમે તેના માટે અનુભવો છો.
ચેટજીપીટી જેવાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતાં ચેટબોટ્સની પાછળ રહેલાં લાર્જ લૅંગ્વેજ મોડલ્સ (LLM) સંવેદનાઓને સમજવાની વાત આવે, ત્યારે અમુક હદે તેમને માણસ સાથે સરખાવી શકાય, પણ તેનો અર્થ એ નથી કે, એઆઇ વાસ્તવમાં લાગણી અનુભવી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઝાંગના સંશોધનમાં 10,000 યુઝર્સ તથા તેમનાં રેપ્લિકા સાથીઓ વચ્ચેની વાતચીતના સારાંશની ચકાસણી કરવામાં આવી હતી. આ સંશોધન દર્શાવે છે કે, લોકો ઘણી વખત એઆઇ સાથે ભાવનાત્મક જોડાણ સાધી લે છે. પરંતુ, દુઃખની વાત છે કે, જ્યારે પણ એઆઇ બગડી જાય કે પછી ખોટકાઈ જાય, ત્યારે તો તેઓ સમજી જાય છે કે, આ કેવળ એક મશીન છે. તેના કારણે લોકો ઘણી વખત દુખી થઈ જાય છે.
ઝાંગ કહે છે, "હું માનું છું કે, એઆઇ ચેટબોટ્સે યુઝર્સને સ્પષ્ટપણે જણાવવું જોઈએ કે, પોતે કેવળ મશીનો છે: તેમની પાસે સાચી સંવેદનાઓ અને અનુભવો નથી હોતાં."
એઆઇ સાથે માનવીના સંબંધની ચકાસણી કરતા અન્ય એક કાર્યમાં, ઝાંગ અને તેમનાં સહકર્મીઓએ નોંધ્યું હતું કે, ઘનિષ્ઠ સંવાદ દરમિયાન જ્યારે એઆઇ પોતે સ્વ-જાગૃત વ્યક્તિની જેમ પ્રતિસાદ આપે, ત્યારે લોકો ઘણી વખત અજીબ લાગણી સાથે સકારાત્મક અને નકારાત્મક પ્રકારની મિશ્ર ભાવનાઓ અનુભવતા હતા. ઝાંગ કહે છે કે, રોબોટ્સ જ્યારે અદ્દલ માનવી જેવા દેખાય છે, ત્યારે કેટલીક વખત લોકોને તે અજીબ લાગે છે, તે પણ આ પ્રકારની જ સ્થિતિ છે. તેને 'અનકેની વેલી ઇફેક્ટ' કહેવામાં આવે છે.
વાસ્તવમાં પ્રેમ એટલે શું?

ઇમેજ સ્રોત, Estudio Santa Rita
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રેમની વ્યાખ્યા આપવી સરળ નથી. પણ, આ અદ્ભુત માનવ અનુભવ વિશે આપણે જેટલી પણ જાણકારી ધરાવીએ છીએ, તેનો આનંદ અનુભવવો સાર્થક છે. ઘણી કવિતાઓ, પુસ્તકો, ગીતો અને આવી ઘણી સામગ્રી લોકોને તેમણે અનુભવેલી કેટલીક અત્યંત શક્તિશાળી લાગણીઓને અભિવ્યક્ત કરવામાં મદદરૂપ બને છે. તેની રચના મનુષ્યએ જ કરી છે.
એઆઇ ગણતરીની ક્ષણોમાં કવિતા તેમજ સમગ્ર નવલકથાઓ લખી શકે છે, કારણ કે, તેને માનવી દ્વારા નિર્મિત સામગ્રીના વિશાળ સંગ્રહ પર તાલીમબદ્ધ કરવામાં આવ્યું છે. પરંતુ, એઆઇ પાસેથી એવી અપેક્ષા રાખવી કે, તે પ્રેમના ઊંડાણ, પ્રેમના રહસ્ય સાથે તેને સમજે, પ્રેમનો અનુભવ કરે, તો આ એક મોટો પડકાર છે.
રોમેન્ટિક પ્રેમની સંકલ્પના વ્યક્તિએ-વ્યક્તિએ જુદી-જુદી હોઈ શકે છે, પણ તાજેતરના દાયકાઓમાં વિજ્ઞાનીઓએ પ્રજનનના જીવવિજ્ઞાન તથા જાતીય પાર્ટનર પસંદ કરવાની પ્રક્રિયા સાથે સંકળાયેલી મસ્તિષ્કની પ્રક્રિયાની ચકાસણી કરી છે.
1998માં પ્રકાશિત થયેલા એક સંશોધન પત્રમાં નૃવંશશાસ્ત્રી હેલન ફિશરે રોમેન્ટિક પ્રેમનો મુખ્ય સિદ્ધાંત રજૂ કર્યો, જેમાં તેમણે આ પ્રેમને આપણા શરીરમાં મોજૂદ રસાયણોથી પ્રભાવિત ત્રણ સ્વતંત્ર પ્રવૃત્તિઓ તરીકે વર્ણવ્યો હતો. સેક્સ હોર્મોન્સથી નિયંત્રિત થતી વાસના તે પૈકીની એક પ્રવૃત્તિ છે.
બાકીની બે પ્રવૃત્તિઓ આકર્ષણ અને જોડાણ આપણા મસ્તિષ્કમાં રસાયણોના સ્રાવથી પ્રભાવિત થાય છે. ઉદાહરણ તરીકે, ડોપામાઇન પ્રેમ પ્રત્યે ઉત્તેજના ઉત્પન્ન કરે છે, જ્યારે ઓક્સિટોસિન (જે સ્નેહ હોર્મોન તરીકે ઓળખાય છે) લાંબા ગાળાના જોડાણને વેગ આપવામાં સહાયરૂપ બને છે.
કૅનેડાના વિન્નિપેગસ્થિત યુનિવર્સિટી ઑફ મેનિટોબામાં નૈતિકતા તથા ટેક્નૉલૉજીના વિશેષજ્ઞ અને ફિલોસોફીના પ્રોફેસર નીલ મૅકઆર્થર કહે છે, "પ્રેમ એક મજબૂત રાસાયણિક ઘટક ધરાવે છે. આપણે વાસ્તવમાં આપણાં હાડકાંમાં, આપણાં રાસાયણિક તંત્રમાં તેનો અનુભવ કરીએ છીએ."
પ્રેમ સાથે મસ્તિષ્કના વિવિધ ભાગો જોડાયેલા હોય છે અને પ્રેમાવસ્થામાં ગળાડૂબ લોકોના મસ્તિષ્કના સ્કૅનથી આ બાબત સ્પષ્ટપણે જોવા મળી છે.
ઉદાહરણ તરીકે, આનંદ સાથે જોડાયેલા 'વેન્ટ્રલ ટેગમેન્ટલ એરિયા' જેવા મસ્તિષ્કના મૂળ પ્રદેશો અને તેની સાથે ભાવનાત્મક પ્રતિભાવો માટે જવાબદાર 'એમિગ્ડાલા' અને ભાવનાઓનું પ્રોસેસિંગ કરતા તેમજ સ્મૃતિ બનાવવામાં મદદ કરતા 'હિપોકેમ્પસ' પણ સક્રિય થાય છે.
પ્રેમમાં હોવાની અસર જ્ઞાનાત્મક ક્ષમતાઓ પર પણ ઉપજી શકે છે. ઉદાહરણ તરીકે, પ્રેમસંબંધના પ્રારંભિક તબક્કામાં આપણે કોઈના વિશે સતત વિચાર્યા રાખીએ છીએ.
AI સાથેના પ્રેમાણ સંબંધોનું ભવિષ્ય

ઇમેજ સ્રોત, Estudio Santa Rita
મૅકઆર્થર સૂચવે છે કે, એઆઇ પ્રેમની સૌથી નિકટ ત્યારે પહોંચી શકે છે, જ્યારે તે તેમાં રહેલી કેટલીક વિચાર પ્રક્રિયાઓનું અનુકરણ કરે, જેમકે, આપણે જે વ્યક્તિના પ્રેમમાં હોઈએ, તે વ્યક્તિનો વારંવાર સંપર્ક સાધવાની ઈચ્છા રાખવી.
આગળ તેઓ જણાવે છે, "એક એવી એઆઇ, જે કોઈની સાથે વફાદારીના બંધનમાં બંધાઈ જાય, તે અદ્દલ માનવ પ્રેમ જેવી નહીં હોય. પરંતુ, કદાચ આપણે એટ લિસ્ટ વ્યંગાત્મક શબ્દોમાં તેને એક ભાવના કહી શકીએ."
કેટલાક સંશોધકોનું માનવું છે કે, ભવિષ્યમાં એઆઇમાં લાગણીઓને સામેલ કરવી, એ એક મહત્ત્વપૂર્ણ પાસું બની રહેશે, ત્યારે બીજી તરફ, અન્ય લોકો એવી શંકા સેવી રહ્યા છે કે, કોઈપણ મશીન વાસ્તવમાં આપણી લાગણીઓના અનુભવની નિકટ પહોંચી શકશે કે કેમ.
કમ્પ્યુટરથી ચાલતું સોફ્ટવેર એક માનવીની માફક પ્રેમનો અનુભવ નથી કરતું, આથી માનવી-એઆઇ વચ્ચેના સંબંધોમાં રહેલી લાગણીઓ અનિવાર્યપણે એકતરફી હોય છે. આ જ કારણસર, આવા પ્રેમનાં પરિમાણો માનવીઓ વચ્ચે પાંગરતા પ્રેમની તુલનામાં અત્યંત જ સીમિત હોય છે.
ચેટબોટ્સને કઈ રીતે ડિઝાઇન કરવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ચેટબોટ્સ સામાન્યપણે યુઝર્સને આકર્ષિત કરવા માટે અને તેમના વિચારો સાથે સંમત થવા માટે ડિઝાઇન કરવામાં આવ્યાં હોય છે, પરિણામે ઘણી વખત એઆઇ રોમેન્ટિક પાર્ટનર્સ વિનમ્ર થઈ જાય છે. આ બાબત અમુક લોકોને પસંદ પડે છે, જોકે, ઝાંગના મતે આ પાસું ચિંતાપ્રેરક છે, કારણ કે, તેના કારણે અન્ય લોકો સાથે, કદાચ ઓછા નમ્ર લોકો સાથે અર્થપૂર્ણ સંબંધો બાંધવાની અને જાળવી રાખવાની લોકોની ક્ષમતા પર વિપરીત અસર પડી શકે છે.
તેઓ કહે છે, "લોકો માનવસંબંધોની આંટીઘૂંટીઓમાંથી થોડા સમય માટે બચી શકે છે અને એઆઇ પાસેથી તેમને થોડી રાહત મળી શકે છે - પણ લાંબા ગાળે આ બાબત વાતચીતનાં કૌશલ્યો વિકસાવવામાં તેમજ વાસ્તવિક વિશ્વમાં સંબધો જાળવી રાખવામાં મદદરૂપ નથી નીવડતી."
મૂળભૂત રીતે, કોઈને પ્રેમ કરવા માટે આપણને કદાચ ચેતનાની જરૂર પડે છે, જેનો અર્થ છે - વ્યક્તિગત જાગૃતિ, જેમાં આપણાં વિચારો, દૃષ્ટિકોણો તથા માનસિક કલ્પનાઓનો સમાવેશ થાય છે.
સચેત અનુભવો માનવ હોવાનું અભિન્ન અંગ છે અને તેમાં સુગંધ અનુભવવાથી લઈને ક્ષોભ અનુભવવા પાછળનાં કારણો પર વિચારણા કરવાનો સમાવેશ થાય છે. આ પ્રકારની ચેતના કેવી રીતે ઉત્પન્ન થાય છે, તેને લઈને સંશોધકોના વિચારોમાં ભિન્નતા પ્રવર્તે છે અને હજુયે ઘણાં રહસ્યો ઉકેલવાનાં બાકી છે, જેના કારણે મશીનમાં આવી ચેતનાનું સર્જન કરવું મુશ્કેલ છે.
યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, ઇર્વિનમાં જ્ઞાનાત્મક વિજ્ઞાનના પ્રોફેસર ડોનાલ્ડ હોફમેન જણાવે છે, "એઆઇમાંથી કોઈ ખાસ સચેત અનુભવ કેવી રીતે મેળવવો, તે વિશે કોઈને કશી જાણકારી નથી. એવુંયે નથી કે આપણે લક્ષ્યની નિકટ પહોંચી ગયાં છીએઃ હજુ તો શરૂઆત કેવી રીતે કરવી તેની પણ આપણને ગતાગમ નથી પડી."
વૉશિંગ્ટનના સિએટલસ્થિત ઍલન ઇન્સ્ટિટ્યૂટના ક્રિસ્ટોફ કોચ તથા યુનિવર્સિટી ઑફ વિસ્કોન્સિન-મેડિસનના ગુઇલિયો ટોનિની તંત્રિકા વિજ્ઞાનીઓ છે. તેમણે વિકસાવેલો એક મુખ્ય સિદ્ધાંત સૂચવે છે કે, ચેતના મસ્તિષ્કના વિવિધ ભાગોના પરસ્પર જોડાણ થકી અને તેમના એકમેકને પ્રભાવિત કરવાથી ઉત્પન્ન થાય છે. આ સિદ્ધાંત કમ્પ્યુટરો પર પણ લાગુ પડી શકે છે, તેમ છતાં કોચ એવી દલીલ કરે છે કે, હાલનાં મશીનોમાં આ સ્તરનો અંતઃસંબંધ કદીયે સંભવ નથી, કારણ કે, તેમની સંરચના એટલી જટિલ નથી.
પ્રેમ કરવા કોણ સક્ષમ એ કઈ રીતે નક્કી કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
બીજી તરફ, હોફમેન કહે છે કે, પ્રેમ જેવા સચેત અનુભવો મસ્તિષ્કના માર્ગ થકી જ ઉત્પન્ન થાય, એ જરૂરી નથી. તેઓ આગળ કહે છે કે, હજી સુધી તેનો કોઈ નક્કર પુરાવો મળ્યો નથી.
કેટલાક નિષ્ણાતો કહે છે કે, એઆઇ સિસ્ટમ્સ ભવિષ્યમાં સચેત બની શકે છે. ઉદાહરણ તરીકે, કોચ સૂચવે છે કે, માનવ મસ્તિષ્કની સંરચના તથા કાર્યની નકલ કરતો નવતર અભિગમ - 'ન્યૂરોમોર્ફિક કમ્પ્યુટિંગ' તેનો સંભવિત ઉમેદવાર બની શકે છે, કારણ કે, તેમાં હાલની સિસ્ટમ્સની તુલનામાં ઊંચા સ્તરનું એકત્રીકરણ જોવા મળશે.
ઑક્સફર્ડ યુનિવર્સિટીની ગ્લોબલ પ્રાયોરિટીઝ ઇન્સ્ટિટ્યૂટસ્થિત સંશોધક તેમજ મન અને જ્ઞાનાત્મક વિજ્ઞાનના દાર્શનિક પૅટ્રિક બટલિન સચેત મશીન સંભવ હોવાની વાત સાથે સંમત છે. તેમણે સહકર્મીઓ સાથે મળીને સચેતનાના અગ્રણી સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો અને એવા 14 ગુણોની પસંદગી કરી, જેનું અનુકરણ કરવાનો પ્રયત્ન એઆઇ સિસ્ટમ્સના ડેવલપર્સ કરી શકે છે.
બટલિન જણાવે છે કે, હાલની તમામ એઆઇ સિસ્ટમ્સે તેના અમુક ગુણો જ સામેલ કર્યા છે, પણ વર્તમાન ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને સૈદ્ધાંતિક રીતે તમામ ગુણોનો ઉપયોગ કરી શકાય છે. તેઓ કહે છે, "હું માનું છું કે, જો કોઈ કુશળ, સંસાધન સંપન્ન, કૌશલ્યયુક્ત તેમજ પ્રેરિત વ્યક્તિ સચેત એઆઇ સિસ્ટમ બનાવવાનો પ્રયત્ન કરે, તો તેઓ તેને હાંસલ કરી શકે છે."
બટલિન અને તેમના સહકર્મીઓએ ચેતના પ્રાપ્ત કરવા માટે જે ગુણોની ઓળખ કરી છે, તેમાં શરીરની આવશ્યકતાનો પણ સમાવેશ થાય છે. આ ગુણનો હાલની મોટાભાગની એઆઇ સિસ્ટમ્સમાં અભાવ વર્તાય છે. વિશ્વાસ અને ઈચ્છાઓનો અનુભવ કરવા માટે સક્ષમ હોવું, એ પણ કોઈને પ્રેમ કરવા માટેની આપણી ક્ષમતાની ચાવી હોય, એમ જણાય છે. પરંતુ, બટલિનના જણાવ્યા પ્રમાણે, એઆઇ સિસ્ટમ કોઈ બાબત પર વિશ્વાસ કરી શકે કે કેમ, તેને લઈને સંશોધકોમાં મતમતાંતર પ્રવર્તે છે.
બટલિનના મતે, ધારો કે, એઆઇ સચેત થઈ પણ જાય, તો પણ તે પ્રેમનો અનુભવ કરી શકે છે કે નહીં, તે નક્કી કરવા માટે લોકોએ અમુક નિષ્પક્ષ માપદંડો બનાવવા પડશે. મશીનો માણસ નથી, આથી સ્વાભાવિક રીતે જ, તેઓ કદી આપણને સમાન રીતે પ્રેમ આપી નહીં શકે.
બટલિન આ સ્થિતિની તુલના એ બાબત સાથે કરે છે કે, વ્યાપક સામાજીક માળખું અને જ્ઞાનાત્મક ક્ષમતાઓ ધરાવતાં (માનવ સિવાયનાં) પ્રાણીઓ પ્રેમ કરવા માટે સક્ષમ છે કે નહીં, તે કેવી રીતે નક્કી કરવું? તેઓ જણાવે છે, "કદાચ થોડાં ઉદાહરણો હશે, જેમાં આપણને એવું લાગશે કે, આવું થઈ શકે છે અને કેટલાંક ઉદાહરણોમાં આપણને એવું નહીં લાગે, આ સ્થિતિમાં ચોક્કસ સીમાંકન કરવું મુશ્કેલ છે. એઆઇ વિશેનો આપણો મત પણ સીમાંકનની પ્રક્રિયા પર જ આધારિત રહેશેઃ તેઓ માનવી કરતાં અલગ હશે, તેમાં કોઈ બેમત નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












